આપણે તમામ લોકો જાણીએ છીએ કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે, પરંતુ આપણા બધાના ઘરોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ નથી થયો. જોકે, હવે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ ચોક્કસ આવી છે. લોકો જરૂર હોય ત્યાં જ હવે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે એક ઝાટકે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવો આપણ માટે શક્ય નથી. પરંતુ એવા અનેક વિકલ્પ છે જ્યાં તમે પ્લાસ્ટિકને ખેતરોમાં કે પછી પાણીમાં જતું રોકી શકો છો. કેરળની એક મહિલા કંઈક આવું જ કરી રહી છે.
અમે કેરળના પતનમતિટ્ટામાં રહેલી અમ્બિલિ પ્રસન્નકુમારની વાત કરી રહ્યા છે. ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “એવો કોઈ દિવસ ન હોઈ શકે જ્યારે તમે પ્લાસ્ટિકની વસ્તુઓનો સામનો કર્યો ન હોય. દૂધની થેલી, ફૂડ પેકેટ, કન્ટેનર, પાણીની બોટલ, હાઇજીન પ્રોડક્ટ્સ વગેરે પ્લાસ્ટિકના જ હોય છે.”
પોતાના ઘરમાંથી નીકળતા આ પ્લાસ્ટિક માટે તેણીએ કોઈ વિકલ્પ શોધવાનું શરૂ કર્યું હતું. ગુજરાતી કહેવાત છે કે ને, ‘મન હોય તો માળવે જવાય.’ તેણીએ જણાવ્યું કે, “તમે દરરોજની જિંદગીમાં ગમે એટલે પ્રયાસ કરો પરંતુ તમને ક્યાંયને ક્યાંય પ્લાસ્ટિક મળી જ જશે. મેં પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કપડાંની થેલીનો ઉપયોગ શરૂ કર્યો છે. જોકે, ગમે તે કરો પરંતુ અનેક વખત પ્લાસ્ટિક કવર આવી જ જાય છે. જે બાદમાં મેં વિચાર્યું કે શા માટે આ પ્લાસ્ટિક કવરનું કંઈક એવું કરવામાં આવે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય.”
અમ્બિલિએ પ્લાસ્ટિકના આ કવર્સ અને પૉલિથીનમાંથી ટેબલ મેટ, પ્લાસ્ટિક કારપેટ બનાવવાનું વિચાર્યું હતું. જેનાથી ખાવાના ગરમ વાસણો રાખવાથી ટેબલને પણ નુકસાન ન થાય અને પ્લાસ્ટિકનો સારો ઉપયોગ પણ થઈ જાય.

અમ્બિલિએ લૉકડાઉન દરમિયાન મેટ બનાવવાની શરૂઆત કરી હતી. હવે તેમણે બહારથી મેટ ખરીદવાની જરૂર નથી રહેતી. કારણ કે પ્લાસ્ટિકના મેટ વર્ષો સુધી ચાલે છે. આ ઉપરાંત ગંદા થવા પર તેને ધોઈ પણ શકાય છે.
આ ઉપરાંત અમ્બિલિ પોતાનું કેડી થ્રેડ હાઉસ ચલાવે છે અને તેના ફેબ્રિકનું કામ કરે છે. તેણીના બનાવેલા મેટ બીજા લોકોને પણ પસંદ પડે છે પરંતુ તેણી બહારનો ઓર્ડર નથી લેતી. પરંતુ જો કોઈને આ કામ શીખવું હોય તો તેણી જરૂરથી શીખવે છે.
“દરેક લોકો આ મેટ વિશે પૂછપરછ કરે છે. જોકે, આ કોઈ એવી વસ્તુ નથી જેને વેચીને તમે કમાણી કરી શકો. મને જ્યારે પણ કોઈનો કૉલ આવે છે ત્યારે હું તેમની મદદ કરું છું. હું તેમને સમજાવું છું કે કેવી રીતે તમે ઘરે જ આ વસ્તુ બનાવી શકો છો અને પર્યાવરણને બચાવી શકો છો.” 44 વર્ષીય અમ્બિલિની હવેની યોજના ફળોની ટોપલીનું કવર બનાવવાની છે.

જાણો પૉલિથીનમાંથી મેટ બનાવવાની વિધિ:
મેટ બનાવવા માટે કાતર, કપડાંના બે ટુકડા, સોઈ, દોરો, લેસ અને પ્લાસ્ટિક કવર જોઈએ. સૌથી પહેલા પ્લાસ્ટિકના કવરને ધોઈને સૂકવી લો.
તમારી જરૂરિયાત પ્રમાણે પ્લાસ્ટિક કવરને ચોરસ કે ગોળ કાપી લો.
જે બાદમાં કપડાંને પણ આ જ આકારમાં કાપી લો.
હવે પ્લાસ્ટિક કવરને કપડાંની વચ્ચે રાખો અને ફરતે સોઈથી ટાંકા લઈ લો.
તમે મશીનથી પણ સિલાઈ કરી શકો છો.
હવે તમે ઇચ્છો તો તેની ફરતે લેસ પણ લગાડી શકો છો.
બસ, પ્લાસ્ટિક મેટ તૈયાર છે.
તમે પણ ઘરે આ રીતે પ્લાસ્ટિકમાંથી મેટ બનાવી શકો છો અને પર્યાવરણને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવા માટે મદદ કરી શકો છો.
આ પણ વાંચો: કાંચની નકામી બોટલોમાંથી ક્રાફ્ટ આઈટમ બનાવી શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, મહીનાની કમાણી 40 હજાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.