પ્રકૃતિ અને પર્યાવરણના ચાલતા અભિયાનોમાં ઘણા બધા લોકો ભાગ લેતા હોય છે. આયોજનો દરમિયાન છોડ લગાવવા અને તેને પાણી પીવડાવવાના સોગંદ તો લેતા હોય છે પરંતુ તેમાંથી બહુ ઓછા લોકો હોય છે જે આ વચનોને કર્મ થકી અમલમાં મૂકતા હોય છે. જે લોકો ખરેખર પર્યાવરણ માટે કંઇક કરી રહ્યા છે, આજે તેવા જ એક ઉદ્યમીની વાત તમારા સુધી લઇને આવ્યા છે. એક અનોખી રીતે આ ઉદ્યમીનો વ્યવસાય પ્રકૃતિને અનુરુપ કામ કરવાનો છે.
આ વાત દિલ્હીમાં રહેતા સિધ્ધાંતકુમારની છે, જે ‘ડેનિમ ડેકોર’ના નામે પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. આ અંતર્ગત તેઓ જૂના અને બેકાર ડેનિમ જીન્સને અપસાયકલ કરી ઇકો-ફ્રેન્ડલી અને સુંદર પ્રોડક્ટ્સ બનાવે છે. IIT બોમ્બેથી ડિઝાઇનીંગમાં માસ્ટર કરનાર સિધ્ધાંત મૂળરૂપે બિહારના મુંગેરના વતની છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને બેગાલુરુની એક કંપનીમાં નોકરી કરવાની તક મળી હતી. પરંતુ સિધ્ધાંતને તે કામ વધુ પસંદ ન આવ્યું અને તે કંઇક અલગ કરવાની ઇચ્છા ધરાવતા હતા. જે દરમિયાન તે વર્ષ 2012માં દિલ્હી આવી પહોંચ્યા.
દિલ્હીમાં સિધ્ધાંતે પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને અલગ અલગ રીતે ‘ઓન ધ ટેબલ’ ગેમ્સ બનાવવા લાગ્યા. જોકે તેની સાથોસાથ જૂના ડેનિમની ચીજવસ્તુ પણ બનાવવાની શરૂ કરી દીધી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા સિધ્ધાંત જણાવે છે કે, હું દિલ્હીમાં ભાડાના ઘરમાં રહેતો હતો. તે દરમિયાન મેં જે ઘર લીધું હતું તેની દીવાલો સાવ પ્લેન અને સાદી હતી. જેથી મેં તેની પર કંઇક કલાકારી કરવાનો વિચાર કર્યો. મને તે દરમિયાન કંઇ ખાસ વિચાર ન આવતા મેં મારી જૂની જીન્સનો ઉપયોગ કરીને આ દીવાલને સજાવી હતી. ત્યારબાદ કોઇ પણ મારા ઘરે આવે તો આ દીવાલ કેવી રીતે તૈયાર કરી તે પૂછતાં અને સુંદર હોવાનું જણાવતા હતા.

400 પ્રકારની ચીજવસ્તુ બનાવી
સિધ્ધાંત જણાવે છેકે, મારા ઘરની દીવાલને બધા લોકોએ વખાણી, તેથી મેં આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરી લીધું.
ત્યારબાદ સિધ્ધાંતે લાલટેન, જૂના ફોન, કિટલી જેવી જૂની અને એન્ટીક ચીજો ખરીદવાનું શરૂ કર્યું. આ બધી જ ચીજવસ્તુઓને ડેનિમનો ટચ આપીને નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવતી હતી. સિધ્ધાંત જણાવે છેકે, જ્યારે આ પ્રકારે 40-50 પ્રોડક્ટ તૈયાર થઇ ગઇ તો વર્ષ 2015માં પહેલીવાર સેલેક્ટ સિટી મોલમાં મેં તેને પ્રદર્શનમાં મૂકી હતી. તે સમયે લોકો તરફથી જે હકારાત્મક પ્રતિક્રિયા મળી તેનાથી મને આ કામને જ કરિયર તરીકે અપનાવવાની પ્રેરણા મળી.
સિધ્ધાંત કહે છેકે, મારુ પહેલું સ્ટાર્ટઅપ થોડો સમય સારુ ચાલ્યું પરંતુ પછી થોડી તકલીફ આવવા લાગી. જેથી મેં મારુ ફોકસ ડેનિમ પર લગાવ્યું, કેમકે મારા આઇડિયા અને ચીજવસ્તુ બંને લોકોને ખૂબ પસંદ આવી રહ્યા હતા. શરૂઆતમાં મેં મારા ઓળખીતાઓ પાસેથી જૂની જીન્સ એકત્રિત કરી હતી. મેં જ્યારે બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે કપડાની સામે વાસણ વેચવાવાળા કેટલાક ફેરિયા સાથે ટાઇઅપ કર્યું. આ ફેરિયા ગામડાં-શહેરોમાં વાસણો વેચવા જતા હતા તેની સામે કપડા લેતા હતા. આ જૂના કપડામાં જીન્સ પણ તેમની પાસે આવતી હતી.

આ ફેરિયાઓ પાસેથી જીન્સ ખરીદી સિધ્ધાંત પોતાની પ્રોડક્ટ પર કામ કરવા લાગ્યા હતા. સિધ્ધાંતે પોતાના સ્ટાર્ટઅપને ‘ડેનિમ ડેકોર’ નામ આપ્યું. આજે તેઓ જૂના ડેનિમમાંથી બેગ, ડાયરી, પેન સ્ટેન્ડ, લાલટેન, કિટલી, બોટલ્સ, સોફા કવર, પડદા, ટેબલ જેવી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જૂના ડેનિમમાંથી ચીજવસ્તુ તૈયાર કરવાની પ્રક્રિયામાં તેઓ ઓછામાં ઓછો વેસ્ટ ઉત્પન્ન કરે છે. જે કંઇ પણ વેસ્ટ નીકળે છે તેમાંથી તેઓ હવે ‘પોટ્રેટ’ બનાવી રહ્યા છે.
સિધ્ધાંત પાસેથી અલગ અલગ પ્રોડક્ટ ખરીદનાર અનુપ જણાવે છેકે, તેમની પાસે ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ છે, જે આકર્ષક હોવાની સાથોસાથ ઇકો-ફ્રેન્ડલી પણ છે. અમે આજ સુધીમાં જે કંઇ પણ તેમની પાસેથી ખરીદ્યું છે તે તમામની ગુણવત્તા સારી છે.
દર મહિને 1000 જૂના જીન્સનું અપસાયકલ કરે છે
ભાગ્યે જ તમને જાણકારી હશે કે, કોટન કોરડરોયની બનેલી એક જીન્સની જોડી તૈયાર કરવામાં લગભગ 1000 લિટર પાણીનો ખર્ચ થાય છે. તેવામાં જ્યારે આ જીન્સ જૂની થઇ જાય છે અને લોકો તેને કચરામાં ફેંકી દે છે ત્યારે ન માત્ર સાધન-સામગ્રી સાથોસાથ પર્યાવરણને પણ નુકસાન થાય છે. જોકે સિધ્ધાંત દર મહિને લગભગ 1000 જૂના જીન્સને અપસાયકલ કરી પ્રકૃતિના અનુરૂપ કામ કરી રહ્યા છે. આ કામથી તેઓ લગભગ 40 લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
સિધ્ધાંત જણાવે છેકે, અમારી પ્રોડક્ટ સામાન્ય ગ્રાહકોની સાથોસાથ મોટી મોટી બ્રાન્ડ પણ ખરીદે છે. હવે તો ડેનિમ વેચવાવાળી ઘણી બ્રાન્ડ્સ પણ અમારી પાસે શો-રૂમ ડેકોર કરાવી રહ્યા છે. અમે આખુ ડેકોરેશન જૂની અને બેકાર જીન્સથી જ કરીએ છીએ.
અન્ય એક ગ્રાહક નરેશ ભાટિયા જણાવે છેકે, અમે ઇન્ટિરિયર ડિઝાઇનીંગનું કામ કરીએ છે. અમે અમારા ઘણાં પ્રોજેક્ટ્સ માટે સિધ્ધાંતની અલગ અલગ પ્રોડક્ટ ખરીદીએ છે. તેમની પ્રોડક્ટ ઇકો ફ્રેન્ડલી હોવાની સાથોસાથ રિઝનેબલ પણ હોય છે. ભાગ્યે જ કોઇ હશે જેમને સિધ્ધાંતની બનાવેલી પ્રોડક્ટ પસંદ ન આવતી હોય. તમે આ પ્રોડક્ટસને તમારુ ઘર, ઓફિસ-શોરૂમને ડેકોરેટ કરવામાં ઉપયોગ કરી શકો છો.

સિધ્ધાંતે લોકડાઉનમાં પણ લોકો માટે ડેનિમના માસ્ક બનાવ્યા હતા. જ્યારે લોકોને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે સિધ્ધાંતે લગભગ 25 કારીગરોને ત્યાં મશીન મૂકાવી તેમને કામ આપ્યું હતું. આ રીતે તેઓ લોકડાઉનમાં પણ બિઝનેસ કરી રહ્યા હતા. આજે તેમની પ્રોડક્ટ્સ ભારત સિવાય જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં પણ મોકલવામાં આવી રહી છે. સિધ્ધાંત જણાવે છેકે, મારુ વાર્ષિક ટર્નઓવર દોઢ કરોડ રૂપિયા સુધી પહોંચી જતુ હોય છે.
છેલ્લા કેટલાક સમયથી તેમણે પ્લાસ્ટિક પર પણ કામ શરૂ કર્યું છે. તેઓ એમએેલપી એટલે કે મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિક જેવા ફૂડ પેકેટ્સ, રેપર્સ વગેરે અપસાયકલ કરી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું છે. આવનારા કેટલાક મહિનામાં તેઓ પોતાની પ્લાસ્ટિકની પ્રોડક્ટ પણ બજારમાં લોન્ચ કરવાના છે.
સિધ્ધાંત જણાવે છેકે, જ્યારે કચરાનો યોગ્ય ઉપયોગ કરી નવી, સુંદર અને આકર્ષક ઉપયોગી ચીજ બનાવી શકાય તો પછી નવા સાધનોનો ઉપયોગ શું કામ કરવો જોઇએ. આ પ્રકારે આપણે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકીશું અને આપણા સાધનો પણ બચાવી શકીશું.
જો તમે સિધ્ધાંતના બનાવેલા પ્રોડક્ટ જોવા અથવા ખરીદવા ઇચ્છતા હોય તો તેના ફેસબુક પેજ જોઇ શકો છો.
સંપાદન: મીત ઠક્કર
આ પણ વાંચો: વડોદરાના યુવાને જૂના અખબારમાંથી બનાવી સીડ પેન્સિલ, પેન, નોટબુક, કુંડામાં વાવતાં ઊગશે છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.