આજે આપણે એક એવી સરકારી સ્કૂલની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર ટેરેસ કિચન ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે, સાથે-સાથે આખી શાળાનાં ઈલેક્ટ્રોનિક સંસાધનો માટે સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. નાનપણથી જ બાળકો પર્યાવરણ પ્રત્યે સજાગ બને એ માટે બાળકોને અત્યારથી જ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે સમજાવવામાં આવે છે અને સાથે-સાથે બાળકો પ્લાસ્ટિકનો શક્ય એટલો ઉપયોગ ટાળે તેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ પણ કરવામાં આવે છે, જેથી પાણીની અછત સમયે આ પાણીનો ઉપયોગ થઈ શકે અને એટલું પાણી નદી-નાળાંમાં જતું અટકાવી શકાય.

તમે સ્કૂલમાં ટેરેસ ગાર્ડનિંગની શરૂઆત ક્યારથી કરી?
આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સુરતમાં સ્થિત શ્રી હેમુ ગઢવી કન્યા પ્રાથમિક શાળા નંબર 290 ના આચાર્ય શ્રી રોશની ટેલરે કહ્યું, “અમે આ વર્ષના એપ્રિલ મહિનાથી ટેરેસ ગાર્ડનની શરૂઆત કરી.”
આ ટેરેસ ગાર્ડનિંગ કરવાનો મુખ્ય આશય શું રહ્યો?
રોશનીબેન આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે “વિદ્યાર્થીઓને પ્રાયોગિક માહિતી મળે કે તેમની જિંદગીમાં ખવાતી શાકભાજીઓ કંઈ રીતના ઉગે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સજાગતા પણ વધે અને તે આગળ જતા આ બાબતે કંઈક નક્કર કામ કરવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી અમે આ ટેરેસ કિચન ગાર્ડનની શરૂઆત કરી.”
ગાર્ડનિંગ માટે મૂડીનું રોકાણ કોણ કરે છે?
તેઓ જણાવે છે કે, “દરેક સ્કૂલમાં સરકાર શ્રી તરફથી આવી બધી પ્રવૃતિઓ માટે 15 હજાર થી 25 હજાર સુધીનું ફંડ આપવામાં આવે છે જેનો ઉપયોગ અમે આ કિચન ગાર્ડન તથા બીજી પ્રવૃતિઓમાં કરીએ છીએ.”

કઈ રીતે તમે આ ગાર્ડનિંગ કરી રહ્યા છો?
“અમે અહીંયા બધા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જ આ ટેરેસ કિચન ગાર્ડન માટે કામ કરી રહ્યા છીએ તથા બહારથી કોઈપણ બાગાયત માટેના મજૂરો કે તેમની મદદ નથી લઇ રહ્યા. રોપણીથી લઈને કાપણી સુધીનાં બધાં કાર્યોનું અમેજ ધ્યાન રાખીએ છીએ. સાથે-સાથે વિદ્યાર્થીઓને આ બધી પ્રવૃતિઓમાં સહભાગી બનાવીને તેમને પણ પ્રાયોગિક રીતે માહિતગાર કરીએ છીએ.”
ગાર્ડનિંગ માટે પોટિંગ મિક્સ કંઈ રીતે બનાવો છો?
તેઓ કહે છે કે, “અમે ગાર્ડનિંગ માટે જૈવિક પોટિંગ મિક્સ બહારથી જ ખરીદીએ છીએ સાથે સાથે અમે ટેરેસ ગાર્ડનિંગ માટે ધરું નર્સરીમાંથી ન ખરીદતા બહારથી બીજ લાવીને જાતે જ ધરું ઉછેર કરીએ છીએ અને તે દ્વારા વિદ્યાર્થીઓને પણ ધરું ઉછેર કંઈ રીતે કરાય તે બાબતે તૈયાર કરીએ છીએ. અમે આ સિવાય જીવાત તથા રોગના નિયંત્રણ માટે ગૌમૂત્ર તેમજ લીંબોળીના તેલનો ઉપયોગ કરીએ છીએ.”
ગાર્ડનિંગ દ્વારા શું લાભ થયો છે અત્યાર સુધી?
તેઓ આ વિશે વાત કરતા જણાવે છે કે, “સૌથી મોટો લાભ તો એ થયો છે કે વિદ્યાર્થીઓની પર્યાવરણ પ્રત્યેની સજાગતા વધી છે. અને તેના કારણે તેમના વાલીઓ પણ હવે આ બાબતને ગંભીરતાથી લેતા થયા છે. બીજું એ કે અત્યારે જયારે રાસાયણિક દવાઓ અને ખાતર દ્વારા પકવેલ શાકભાજીઓના સમયમાં જૈવિક રીતે પકવેલ શાકભાજી વિશે વિશેષ જાગૃતિ લાવવાની જરુરુ છે જેમાં અમે અત્યારે થોડા ઘણા અંશે સફળ થયા છીએ.”

“અત્યારે અમે ફક્ત 35 બેગમાં જ શાકભાજીનું વાવેતર કર્યું છે જેનો હેતુ એવો નથી કે તેમાં વધારેમાં વધારે ઉત્પાદન મેળવીને વિદ્યાર્થીઓમાં વહેંચણી કરવામાં આવે પણ મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પાસે વિવિધ શાકભાજીઓનું વાવેતકર કરાવીને તેમને સમજ આપવામાં આવે કે વિવિધ છોડ કેવા હોય છે, કંઈ રીતે તેની સારસંભાળ રાખી શકાય અને તે દ્વારા તમે કંઈ રીતે આગામી ભવિષ્ય માટે જીવન માટેની સૌથી સારી એવી સ્કિલ વિકસાવી શકો. તો ભવિષ્યમાં ફરીથી મધ્યાહન ભોજન શરૂ થતાં આ શાકભાજીના ઉપયોગથી બાળકોને પૌષ્ટિક ભોજન પણ અપાશે.”
ગાર્ડનિંગ બાબતે કોઈ તકલીફ પડી?
“હાલ તો નાનકડા પાયે છે તો હજી સુધી કોઈ તકલીફ નથી પડી.”
હાલ તમે તમારા ગાર્ડન તેમજ પ્રાંગણમાં કયા કયા શાકભાજી તથા વૃક્ષઓનું વાવેતર કરેલ છે?
“અત્યારે અમે ગાર્ડનમાં પાલક, દૂધી, તુરીયા, ટામેટા, કરેલા, કેપ્સિકમ, ચોળી, ગવાર વગેરેની વાવણી કરેલી છે. તથા અમારા ઔષધીય બાગમાં અમે બ્રાહ્મી, કુંવારપાંઠુ, અજમો, અશ્વગંધા વગેરે જેવા ઔષધીય વનસ્પતિઓની પણ વાવણી કરેલી છે.”

આગળ શું આયોજન છે?
આગળ શાકભાજી સિવાય હવે ફળફળાદીનું વાવેતર કરવાનું આયોજન છે.
આ સિવાય સ્કૂલ દ્વારા બીજી કઈ પર્યાવરણીય કામગીરી કરવામાં આવે છે?
“આ સિવાય વાત કરીએ તો કોઈ પણ વિદ્યાર્થીના જન્મ દિવસે અમે તેના દ્વારા જ સ્કૂલમાં એક વૃક્ષ વવડાવવાનો નિયમ હતો. અત્યારે લગભગ 450 જેટલા વૃક્ષો સ્કૂલના પ્રાંગણમાં છે અને હવે તો કોઈ એવી જગ્યા પણ નથી બચી કે ત્યાં વૃક્ષ વાવી શકાય તેથી સ્કૂલની આસપાસ લગભગ 700 વર્ગફૂટ જગ્યામાં પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ સિવાય સ્કૂલ દ્વારા દરેક વિદ્યાર્થીઓના ઘરે સરગવાના બીજોનું વિતરણ કરવામાં આવે છે.

રેન વૉટર હાર્વેસ્ટિંગ
સ્કૂલમાં 2018થી જ વરસાદી પાણીના સંગ્રહ માટેની ટાંકી પણ છે.
જેમાં ચોમાસામાં વરસાદ દરમિયાન પાણીને ફિલ્ટર કરી ભરવામાં આવે છે અને પછી પાણીની અછત સમયે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચોમાસા દરમિયાન આ પાણીને નદી-નાળાંમાં વહી જતું અટકાવી શકાય છે.
સોલાર પાવરનો શ્રેષ્ઠ ઉપયોગ
સામાન્ય રીતે સોલાર પેનલ અંગે તમે એમજ સાંભળ્યું હશે કે, લોકો પોતાના ઘરે લગાવે છે, જેથી લાંબાં-લચક લાઈટ બિલમાંથી છૂટકારો મળે. પરંતુ કોઈ સરકારી શાળામાં સોલાર પેનલ કગાવેલ હોય તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. સુરતની આ સરકારી શાળામાં. 4.5 કિલોવૉટની સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે, જેથી શાળાનાં બધાં જ ઈલેક્ટ્રોનિક સંસાધનો તેનાથી ચાલે છે. જેનાથી સરકાર પર લાઈટ બિલનું ભારણ તો ઘટે જ છે, સાથે-સાથે પર્યાવરણના બચાવમાં વધુ એક ડગલું આગળ વધી શકાય છે.
નો પ્લાસ્ટિક
જો આપણે ભવિષ્યમાં સુરક્ષિત રહેવું હશે તો, આપણે પર્યાવરણ બચાવવું જ પડશે. પર્યાવરણને સૌથી વધુ નુકસાન પ્લાસ્ટિક જ પહોંચાડે છે. એટલે અમે એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ અમારી શાળા કે શાળાનાં બાળકો દ્વારા પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય.

અંતે વાત કરીએ તો અમે ગાર્ડનિંગ માટે કોઈપણ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ નથી કરતા અને વાવણી માટે જે ગ્રો બેગનો ઉપયોગ કરીએ છીએ તે પણ માટીમાં વિઘટન થઇ જાય તે પ્રકારની છે.
આમ અમારી સ્કૂલ એક હરિયાળી સ્કૂલ છે તેમ કહી શકાય અને આગળ જતા અમે અમારી રીતે ધીરે ધીરે વધારે પ્રકૃતિ વિષયક કામકાજ હાથ ધરીને આગળની પેઢી અને જળવાયું પરિવર્તન જેવી ગંભીર સમસ્યા સામે લડવા માટે એક વ્યવસ્થિત નાગરિક તરીકે સજ્જ કરવા પ્રતિબદ્ધ છીએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કૉલેજ ડ્રોપઆઉટ પાટણના યુવાને બનાવી ગુજરાતની શ્રેષ્ઠ નર્સરીઓમાંની એક, કમાણી લાખોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.