થાર રણ, જ્યાં દિવસનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક હોય છે. દિવસ દરમિયાન ફુંકાતો ભારે પવન રેત ઉડાડે છે. શું તમે કલ્પના કરી શકો છો કે આવી જગ્યાએ બાળકો માટે કોઈ શાળા હોઈ શકે? દૂર-દૂર સુધી રેત અને ભીષણ ગરમી હોવા છતાં, અહીં બાળકો હાસ્ય અને રમૂજ સાથે ભણી શકે? થાર રણના વચ્ચોવચ્ચ, આ સુંદર અને પ્રભાવશાળી વાસ્તુશિલ્પનો ભવ્ય નમુનો, પીળી રેતીથી બનાવવામાં આવ્યો છે. આ ઇંડાકાર રચનાને જોતા એવું લાગે છે કે જાણે આ રચના પણ કુદરતી રણનો જ એક ભાગ છે. આ છે Rajkumari Ratnavati Girls School, જેને ન્યૂયોર્કની ડાયના કેલોગ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. રાજસ્થાનમાં મહિલા સાક્ષરતા દર માત્ર 32% છે. આવી સ્થિતિમાં જેસલમેરના કનોઇ ગામની આ શાળા છોકરીઓને એક નવો ઉત્સાહ આપી રહી છે.
માત્ર શિક્ષણ જ નહીં, રોજગાર પણ આપી રહી છે આ ઇમારત
આ ઇમારત અમેરિકાના માઇકલ ડ્યુબેના NGO (CIITA) દ્વારા બનાવવામાં આવી છે. Rajkumari Ratnavati Girls School ના ‘જ્ઞાન કેન્દ્ર’ નામના ભાગમાં, ગરીબી રેખાની નીચેના પરિવારોની છોકરીઓને ભણાવવામાં આવે છે. આ શાળામાં કિન્ડરગાર્ડનથી લઈને 10મા ધોરણ સુધી ની 400 વિદ્યાર્થીનીઓ ભણે છે. આ સંકુલમાં એક કાપડ સંગ્રહાલય અને પરફોર્મન્સ હોલ પણ છે. આ ઉપરાંત, ત્યાં કારીગરોને તેમની હસ્તકલા વેચવા માટે પ્રદર્શનની જગ્યા પણ આપેલ છે. આ બિલ્ડિંગના એક ભાગમાં મહિલાઓને વિસરાઈ રહેલ હસ્તકલાને જાળવી રાખવા માટે પરંપરાગત કળા, જેમ કે વણાટ અને કાપડની તાલીમ આપવામાં આવશે. આ શાળા મહિલા સશક્તિકરણનું પ્રતીક હોવાની સાથે-સાથે સસ્ટેનેબિલિટી મોડેલ પણ છે. સોલાર સંચાલિત છત, ચૂનાની દિવાલો અને જાળીવાળી બારીઓ, ભારે ગરમીમાં પણ તેને અંદરથી ઠંડી રાખે છે. આ સિવાય પણ આ સ્કૂલમાં ઘણુંબધું ખાસ છે. જુઓ આ શાળાનો આ વિડીયો:
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ લાઇબ્રેરી છે સૌરઉર્જા સંચાલિત, સોલરમાંથી ઉત્પન્ન થતી વીજળીમાંથી કરે છે વર્ષે લાખો રૂપિયાની બચત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.