‘એક સુંદર બંગલો, બંગલાની આગળ હર્યો-ભર્યો બગીચો, બગીચામાં મનમોહક બોગનવેલનાં ફૂલ’ – આવી જગ્યાએ રહેવાનું સપનું તો બધાંનું હોય છે પરંતુ કેરળના કોચ્ચિ શહેરના એલામ્કુલમમાં રહેતાં લિના અને રવિ જૉર્જ માટે આ સુંદર હકિકત છે.
માત્ર સુંદરતાના કારણે નહીં, પરંતુ ઘરની અન્ય એક વસ્તુ પણ તમને ખુશ કરી દેશે. આ ઘરમાં વિજળીનું બિલ આવે છે માત્ર 150 રૂપિયા, જ્યારે પહેલાં આ ઘરમાં વિજળીનું બિલ આવતું હતું 6000 રૂપિયા કરતાં પણ વધારે. પરંતુ લિના અને રવિના એક નિર્ણયથી વિજળીનું બિલ તો ઘટી જ ગયું છે, સાથે-સાથે તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ પોતાનું યોગદાન આપે છે. તેમના ઘરના ધાબામાં ચોવીસ સોલર પેનલ લગાવવામાં આવી છે. આ પેનલ્સના કારણે જ તેમના ઘરમાં 24 કલાક ભરપૂર વિજળી મળી રહે છે.
લિના વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઇનર છે, જ્યારે રવિ એન્જિનિયર છે. બંનેએ લગભગ સાડા સાત વર્ષ પહેલાં ઘરમાં વિજળી માટે સોલર પાવરનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને ત્યારથી લઈને આજ સુધી તેમનું ઘર સોલર પાવરથી જ ઝળહળી રહ્યું છે. એટલું જ નહીં, આ ટેક્નિક દ્વારા તેમણે વિજળીના બિલના કારણે થતા ખર્ચને પણ બહુ ઘટાડ્યો છે. પહેલાં તેમના ઘરે દર મહિને લગભગ 6000 વિજળીનું બિલ આવતું હતું, જે અત્યારે ઘટીને માત્ર 150 રૂપિયા થઈ ગયું છે.
સોલર ઉર્જાના યોગ્ય ઉપયોગ માટે, લિના અને રવિનું નામ અત્યારે કોચ્ચિના મોડેલ સસ્ટેનેબલ હોમ્સના માલિકોમાં ગણાય છે. જૉર્જ દંપત્તિની આ સંપત્તિ 3500 વર્ગફુટમાં ફેલાયેલ છે. આ ઘરમાં તેમને અત્યાધુનિક વાસ્તુકળા અને અદભુત ઈન્ટિરિયર ડિઝાઇનિંગ જોવા મળશે. એટલે જ એ વાત પણ સત્ય જ છે કે, આમાં વિજળીનો ઉપયોગ પણ વધારે જ હોય.

સોલર પાવરથી વિજળી બિલમાં મોટો ઘટાડો
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં લિનાએ જણાવ્યું, “એક સમય એવો હતો જ્યારે અમારે દર બે મહિને લગભગ 12,000 વિજળીનું બિલ આવતું હતું.”
કોચ્ચિના ભેજવાળા ગરમ વાતાવરણમાં પંખો, કૂલર, એસી જેવી વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે અને તેની સાથે-સાથે વિજળીનું બિલ પણ. લાખ પ્રયત્નો કરવા છતાં જૉર્જ દંપતિનું વિજળીનું બિલ ઘટતું જ નહોંતુ. ત્યારબાદ તેમણે સોલર એનર્જીનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને ઘરના ધાબામાં સોલર પાવર યુનિટ લગાવ્યો. જોકે ચોમાસા દરમિયાન સૂર્યની રોશની ઓછી હોવાથી બિલ થોડુ વધારે આવે છે, પરંતુ બાકીના વર્ષ દરમિયાન વિજળીના બિલ પાછળ થતા ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે.
2014 માં સોલર એનર્જી એક નવો જ ટ્રેન્ડ હતો પરંતુ લીના અને રવિએ તેને અપનાવવાનો નિર્ણય લીધો અને આજે તેમને તેમના આ નિર્ણય પર ગર્વ છે.
આ નિર્ણય વિશે વાત કરતાં તેઓ કહે છે, “અમે બહુ રિસર્ચ કર્યું પછી જાણવા મળ્યું કે, સોલર અમારા માટે ખૂબજ ફાયદાકારક રહેશે. ઘરમાં વપરાતી વસ્તુઓની વિજળી માટે સોલરમાં સ્વિચ થઈ જઈએ. શરૂઆતમાં બેટરીથી ચાલતા સોલર પાવર જનરેટરનો ઉપયોગ થતો હતો, પરંતુ તેમાં કેટલીક ખામીઓ હતી. જેમકે, તે બહુ જગ્યા રોકતું હતું, બેટરી મૂકવા માટે એક આખા ઓરડાની જરૂર પડતી હતી અને પછી તેને સાચવણીમાં પણ તકલીફ પડતી હતી. એટલે અમે લગભગ ચાર વર્ષ પહેલાં ગ્રિડ સિસ્ટમ વાપરવાની શરૂ કરી, અને આનાથી અમને સંતોષ છે.”
સોલર ગ્રિટ લગાવવાથી ઘરમાં વિજળી જવાની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ. તેના મારફતે લગભગ 6 કિલોવૉટના ઉત્પાદન સાથે, હાઈ પાવરવાળા રેફ્રિજરેટર, વૉશિંગ મશીન અને એર-કંડીશનર સહિત વિજળીથી ચાલતી બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સ્થાયી પહેલુઓ
સોલર પાવર સિવાય, લિનાએ પોતાના ઘરમાં જ બાયોગેસ અને ખાતર બનાવવાની આખી પ્રક્રિયા પણ કરી છ્ચે. ઘરનો બધો જ બાયોડિગ્રેડેબલ કચરો, ઘરના પાછળના ભાગમાં આંગણમાં બનેલ પારંપરિક માટી કમ્પોસ્ટ ભાગમાં જાય છે, ત્યાંથૂ તેમને બગીચા માટે જૈવિક ખાતર મળે છે. વાસ્તવમાં 67 વર્ષિય લિના છેલ્લાં 17 વર્ષથી ખાતર બનાવવાની શોખીન છે. આ કંમ્પોસ્ટમાંથી તેમને ઘર માટે બે કલાકનો બાયોગેસ પણ મળે છે.
ખૂબજ ગર્વ સાથે લિના જણાવે છે, “મારા ઘરનાં બધાં જ ફળ-શાકભાજી કરના કચરાથી પોષિત હોય છે. કમ્પોસ્ટમાંથી અમને રસોઈ માટે બાયોગેસ પણ મળી રહે છે. કેટલીક પ્લાસ્ટિકની વસ્તુઓને છોડતાં, અમારા ઘરમાંથી જરા પણ કચરો બહાર નથી જતો.”
આ જોડી દ્વારા બનાવવામાં આવેલ સસ્ટેનેબલ હોમના કારણે આસપાસના ઘણા લોકોએ પણ સોલર ઉર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત લીનાએ ઘરમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવડાવી છે. જેથી જ્યારે ચોમાસામાં અહીં પુષ્કળ વરસાદ થાય ત્યારે આ પાણી વહી ન જાય અને આ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન થઈ શકે છે.
આ ઉપરાંત આ જોડી અત્યારે વ્યક્તિગત રૂપે ઝીરો પ્લાસ્ટિક જીવન શૈલીને અનુસરી રહી છે, જેથી તેમનાથી શક્ય એટલી પર્યાવરણને બચાવવામાં મદદ મળી શકે. જો જૉર્જ જોડીની જેમ બીજા લોકો પણ, જેમના માટે શક્ય છે, આ બધી રીતોને અનુસરે તો, પર્યાવરણના સંવર્ધનમાં ચોક્કસથી મદદ મળી શકે છે, સાથે-સાથે ઘરખર્ચના ઘટાડામાં પણ મદદ મળી શકે છે.
આ પણ વાંચો: વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.