48 વર્ષીય રામચંદ્રન સુબ્રમણ્યમને હમેશાં પ્રકૃતિની નજીક રહેવાનું પસંદ હતું. તેમને ગામડાનું જીવન ખૂબ જ પસંદ છે, એટલે તેઓ શહેરની ભાગદોડવાળી જિંદગી છોડીને પ્રકૃતિની નજીક આવી ગયા. લગભગ 8 વર્ષ પહેલાં તેમણે તામિલનાડુના પોલ્લાચી શહેરથી અંદાજે 25 કિલોમીટર દૂર ગ્રામીણ વિસ્તારમાં એક ઘર બનાવ્યું અને તે અહીં પ્રકૃતિની વચ્ચે આરામદાયક જિંદગી જીવી રહ્યા છે.
રામચંદ્રને ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, ‘મને હંમેશા હરિયાળી સાથે લગાવ રહ્યો છે. પ્રકૃતિની નજીકની જિંદગી પસંદ છે, પણ જરૂરી નથી કે જે તમને પસંદ હોય તેની નજીક તમે હંમેશા રહી શકો. દરેક લોકોની જેમ મારી જિંદગીની સફર પણ એવી જ રહી છે. એન્જિનિયરિંગની સ્ટડી પછી મેં ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં કામ કર્યું. લગભગ 8 વર્ષ વિદેશમાં રહ્યા પછી વર્ષ 2004માં ભારત પાછો આવ્યો. અહીં આવીને પોલ્લાચીમાં જમીન ખરીદી અને વર્ષ 2011માં ઘરનું નિર્માણ શરૂ કર્યું. આ પહેલા હું ચેન્નઈમાં રહેતો હતો.’
રસપ્રદ વાત છે કે, ઘર બનાવ્યા પહેલાં તેમણે ખુદ બેંગલોર સ્થિત સંસ્થા ‘ગ્રામ વિદ્યા‘થી એક ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કર્યો હતો. જેમાં તેમને પારંપરિક અને પ્રકૃતિને અનુરૂપ ઘર નિર્માણ કરવાનું શીખવાડવામાં આવ્યું હતું. આ પછી તેમણે પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું હતું. રામચંદ્રને જણાવ્યું કે, ‘હું ચેન્નઈમાં મોટો થયો છું અને દરેક લોકો જાણે છે કે ચેન્નઈમાં કેટલી ગરમી હોય છે. એટલે મેં નક્કી કર્યું હતું કે, મારુ ઘર આરામદાયક હોય. મારે ખોટો દેખાડો કરવો નહતો. હું બસ એવું ઘર બનાવવા માગતો હતો જેમાં રહીને હું આત્મનિર્ભર કહેવડાવું.’

ઉનાળામાં પણ ઓછું રહે છે ઘરનું તાપમાન:
રામચંદ્રને જણાવ્યું કે, ‘તેમને પોતાનું ઘર બનાવવા માટે તે જ જમીનની માટીમાંથી બનેલા CSEB બ્લોક્સ (Compressed Stabilised Earth Blocks)નો ઉપયોગ કર્યો છે. તેમણે સૌથી પહેલા તપાસ માટે માટીના નમૂના લેબમાં મોકલ્યા હતા. પરીક્ષણ પછી તેમને જાણ થઈ કે આ માટીમાં નવ ટકા સિમેન્ટ મિક્સ કરી તેના બ્લોક બનાવી ઉપયોગ કરી શકાય છે. ઘર બનાવવા માટે તેમણે લગભગ 23 હજાર CSEB બ્લોક બનાવ્યા હતાં. તેમણે જણાવ્યું કે, ‘ચણતર માટે પણ આ માટીમાં થોડીક સિમેન્ટને મિક્સ કરી ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેં ઘરની દિવાલોમાં પ્લાસ્ટર કરાવ્યું નથી, કેમકે મેં માટીમાંથી બનેલા બ્લોકનો ઉપયોગ કર્યો હતો. જેને લીધે પ્લાસ્ટરની જરૂર પડી નહીં અને પ્લાસ્ટર કરવાથી ઘરની અંદરનું તાપમાન વધે છે, જે હું ઈચ્છતો નહતો.’
આ ઉપરાંત, તેમણે પોતાના ઘરમાં રિસાઇકલ્ડ મટિરિયલનો ઉપયોગ કર્યો છે. તેમણે ઘરના બાથરૂમ અને ટોઇલેટમાં કોઈ ટાઇલ્સ લગાવડાવી નથી. જોકે તેમણે પથ્થરના વધેલા નાના-નાના ટુકડા થોડીક ડિઝાઇન માટે ઉપયોગ કર્યા છે. ઘરના ફ્લોરિંગ માટે તેમણે હેન્ડમેડ ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે અને તેને લગાવવા માટે ચૂનાનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે, ઘરમાં કુદરતી પ્રકાશ વધારેમાં વધારે આવે અને તે વાતાનુકૂલિત રહે.

તેમણે કહ્યું, ‘ઘરને વાતાનુકૂલિત રાખવા માટે મેં કંઈ નવું કર્યું નથી, પણ આ રીત આપણા પૂર્વજો વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે. મેં પોતાના ઘરમાં વચ્ચેના હોલની ઊંચાઈ 16 ફૂટ રાખી અને અન્ય રૂમ 11 ફૂટની ઊંચાઈ છે, પણ દરેક રૂમ વચ્ચેના હોલ સાથે જોડાયેલા છે. આ દરેક દીવાલોમાં ઉપરની તરફ નાના-નાના વેન્ટિલેશન હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેને લીધે ઘરની અંદરની ગરમ હવા બહાર નીકળી જાય. અહીં પશ્ચિમ દિશામાં સૌથી વધારે પ્રકાશ આવે છે. એટલા માટે મેં આ દિશામાં મોટી જગ્યા રાખી અને ઘરની ચારે તરફ ઘણાં બધાં છોડ અને વૃક્ષ વાવ્યા છે. એટલે બહારથી જે હવા આવે છે તે ઝાડને લીધે રોકાઈ જાય છે અને ઠંડી થઇ જાય છે.
રામચંદ્રને કહ્યું કે, ‘આવી નાની-નાની રીત અપનાવવાને લીધે આજે ઘરની અંદરનું તાપમાન ઓછું રહે છે. જો બહારનું તાપમાન 40 ડિગ્રી હોય તો, તેમના ઘરની અંદરનું તાપમાન 28 ડીગ્રીથી વધારે હોતું નથી. ઉનાળામાં જ્યારે તાપમાન વધારે હોય ત્યારે, ખૂબ જ ઓછા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. મારા ઘરમાં પંખા છે પણ વર્ષે એકાદ બે વખત ચાલુ કરીએ છીએ, એ પણ ત્યારે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે. આ રીતે ઘરમાં LED લાઇટ લગાવવામાં આવી છે, પણ રૂમમાં એટલો પ્રકાશ આવે છે કે લાઈટની ઓછી જરૂર પડે છે. મોટાભાગે હું કુદરતી પ્રકાશ પર નિર્ભર છું.

વીજળી અને પાણી મામલે પણ છે આત્મનિર્ભર:
રામચંદ્રને કહ્યું કે, ‘આજે આધુનિકતાના જમાનામાં સૌથી મોટી વિડંબના છે કે આપણે દરેક વસ્તુ માટે બીજા પર નિર્ભર રહીએ છીએ. વીજળી, પાણી અને અન્ન સહિતનું દરેક સંસાધન આપણે બીજા પાસેથી લઈએ છીએ. જો કોઈ કારણને લીધે બે દિવસ વીજળી ન આવે તો આપણને પાણી માટે પણ મુશ્કેલી થાય છે. એટલે તેમણે ખુદને વીજળી અને પાણીની બાબતમાં પણ આત્મનિર્ભર થઈ શકે તેવું ઘર બનાવવાનું નક્કી કર્યું હતું.’
તેમણે જણાવ્યું કે, ‘મેં શરૂઆતમાં મારા ઘરમાં 2.5 કિલો વોટની સોલર સિસ્ટમ લગાવી હતી. તેની સાથે 4 બેટરી અને 5kvનું સોલર ઈન્વટર પણ હતું. થોડા સમય પછી મને લાગ્યું કે, મારે આ ઘરમાં વધારે વિજળીની કોઈ જરૂર નથી, કેમકે મારા ઘરમાં એસી અથવા કુલર નથી. પણ ક્યારેક-ક્યારેક તેનો ઉપયોગ થાય છે. જોકે ઘરમાં ફ્રિજ વીજળીથી ચાલે છે, પણ હું ફ્રિજમાં ફળ અને શાકભાજી રાખવાની જગ્યાએ માટીના માટલામાં રાખું છું. ફ્રિજનો ઉપયોગ ખૂબ જ ઓછો કરું છું. જેને લીધે ખાવા-પીવાની દરેક તાજી વસ્તુનો ઉપયોગ કરી શકું છું.’
તેમના ઘરમાં વીજળીનો વપરાશ ખૂબ જ ઓછો છે અને એટલા તે માત્ર 300 વોલ્ટના સોલર પેનલનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ વધુમાં કહે છે કે, ‘રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાને કારણે સાધારણ વોટર પંપથી કામ થઈ જાય છે. આ વિસ્તારમાં વરસાદ સારો થાય છે અને એટલે વર્ષે મારા ધાબા પર લગભગ 2.5 લાખ લીટર પાણી ભેગું થાય છે. આ પાણીનો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરું છું જેને લીધે મારું બિલ જીરો આવે છે. આ સાથે જ ભૂસ્તર પણ વધે છે.’
રામચંદ્રને તેમના ઘરના ધાબા ઉપર એક ટાંકી બનાવી છે. જેમાં તે પોતાની જરૂરિયાત મુજબ પાણી ભેગું કરી શકે છે. ઘરેલું જરૂરિયાત પુરી કર્યાં પછી પાણીનો ભૂજળ સ્તર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, વીજળી હોય કે પાણી, હું કોઈપણ વસ્તુઓ માટે બીજા પર નિર્ભર નથી. હવે વીજળી આવે કે ના આવે મને કોઇ ફેર પડતો નથી. કેમકે મારી દરેક જરૂરિયાત પુરી થઈ જાય છે.

800 છોડ અને વૃક્ષો વાવ્યા છે.
રામચંદ્રને લગભગ 1700 વર્ગ ફૂટ જમીનનો ઉપયોગ ઘર બનાવવા માટે કર્યો અને બાકીની જમીન પર છોડ અને વૃક્ષ વાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘જ્યારે મેં ઘર બનાવવાનું શરૂ કર્યું ત્યારે છોડ અને વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું હતું. મેં વધારે ઘટાદાર અને ફળદાર છોડ અને વૃક્ષ વાવ્યા છે. લગભગ 500 છોડ મેં જાતે વાવ્યા છે અને 33 પ્રકૃતિની કમાલથી ઊગ્યા છે. કેમ કે હું, જે ફળ અને શાકભાજી ખાઉં છું, તેની વધેલી છાલ અને બીજ તે જમીન પર વાવવામાં આવેલાં આવેલા છોડ અને વૃક્ષોની વચ્ચે જ જાય છે. વરસાદની ઋતુમાં આ વસ્તુઓમાંથી છોડ બની જાય છે અને હું તેને કાપતો નથી.
તેમના પરિસરમાં કેરી, દાડમ, જામફળ, સીતાફળ, જાંબુ, આંબળા, અંજીર, દ્રાક્ષ, લીંબુ, સ્ટાર ફ્રૂટ, મોરિંગા અને વોટર એપલ સહિતના છોડ અને વૃક્ષ જોવા મળે છે. સાથે જ કેટલીક ઋતુઓમાં આવતી શાકભાજી જેવાં કે રીંગણા, ટમેટા, મરચા અને દુધી સહિતના શાકભાજી ઉગાડે છે. તેમનો પ્રયત્ન શુદ્ધ અને પ્રાકૃતિક વસ્તુ ખાવાનો છે.
અંતમાં રામચંદ્રને કહ્યું કે, ‘જીવન જીવવાની આ મારી રીત છે અને હું ક્યારેય કોઈને કહેતો નથી કે તે મને ફોલો કરે, કેમ કે દરેકની જિંદગી અલગ છે. સાથે જ મને લાગે છે કે હું પ્રકૄતિ માટે કંઈ કરી રહ્યો નથી. આ બધું મારા પોતાના માટે છે, કેમકે હું એક સારું જીવન જીવવા માગું છું, જેને જીવવામાં પ્રકૃતિ મારી મદદ કરી રહી છે.’
જો તમને આ કહાની ગમી હોય તો તમે રામચંદ્રનને ફેસબુક પર મેસેજ કરી શકો છો અથવા તેમની યૂટ્યૂબ ચેનલ જોઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.