કંસ્ટ્રક્શન વિભાગમાં લાંબી નોકરી બાદ રિટાયર્ડ થયેલ ભુજના મહેશભાઈ ગોર જણાવે છે, “છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી કોરોના સંક્રમણના કારણે ઘરમાં ને ઘરમાં રહેવા છતાં મને જરા પણ કંટાળો નથી આવ્યો, તેનું કારણ છે કુદરતનો સંગાથ. સવારે મારી આંખ ચકલીઓ અને અન્ય પક્ષીઓના કલબલાટથી ઉઘડે છે, ત્યારબાદ તેમના માટે ચણ અને પાણી મૂકવાં, તેમને નીરખવાં, ઘરમાં રહેલ બે બિલાડીઓને લાડ લડાવવા, ગાર્ડનમાં ફળ અને શાકભાજીના ઝાડ-છોડની સંભાળ રાખવામાં ક્યાં સમય પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી.”
ભુજ એટલે કચ્છમાં આવેલ એક શહેર. આમ તો અહીંના મોટાભાગના વિસ્તારોમાં રણની રેતિયાળ માટી અને અપૂરતા વરસાદના કારણે હરિયાળી પણ ભાગ્યે જોવા મળતી હોય છે અને પાણીની પણ તંગી બહુ જોવા મળે છે. પરંતુ મહેશભાઈનું ઘર બધાંથી અલગ તરી આવે છે. કારણકે પાંચ વર્ષ પહેલાં જ્યારે તેમણે ભુજમાં પોતાનું ઘર બનાવવાનું વિચાર્યું એટલે તેમણે એજ નક્કી કર્યું કે, બને ત્યાં સુધી કુદરતને અનુરૂપ થઈને જીવન જીવવું. આખા પ્લોટમાં મોટો બંગલો બાંધવાની જગ્યાએ જરૂર પૂરતું ઘર બનાવ્યું અને આસપાસની ખાલી જગ્યામાં ઝાડ-છોડ વાવ્યાં. જેથી ઘરે વાવેલ શાકભાજી અને ફળો મળી રહે અને પ્રાણીઓ-પક્ષીઓને પણ કુદરતનું સાનિધ્ય મળી રહે.

સોસાયટીમાં પ્રવેશો ત્યાં જ ઝાડના છાંયામાં ગાયો અને કૂતરાં બેસેલાં દેખાય, જે જોતાં આપણને પણ શહેરના દોડભાગવાળા જીવનમાં થોડો સંતોષ અનુભવાય. આટલું જ નહીં, ઉનાળામાં અહીં લોકોને પાણીના ટેન્કર મંગાવવાં પડતાં હોય છે ત્યારે મહેશભાઈના ઘરે આજ સુધી ક્યારેય ટેન્કર નથી મંગાવવું પડ્યું. કારણકે ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે તેઓ વરસાદનું પાણી ઘરે બનાવેલ ભૂગર્ભ ટાંકામાં ઉતારે છે, જેથી જરૂર સમયે આ પાણીનો ઉપયોગ થઈ શકે, અને ચોમાસા દરમિયાન પાણી વહી પણ ન જાય.

સોલર પાવરનો મહત્તમ ઉપયોગ
મહેશભાઈના ઘરમાં સોલર વૉટર હીટર, સોલર પેનલ અને સોલર કૂકર પણ છે. મહેશભાઈએ ગત વર્ષે જ 3 કિલો વૉલ્ટની સોલર પેનલ નખાવી છે. જે તેમને સરકારની સબસિડી બાદ 1 લાખ 48 હજારમાં પડી. જેમાં સરકાર દ્વારા 30% સબસિડી આપવામાં આવે છે.
આમ તો તેમના ઘરમાં પૂરતી હવાઉજાસ છે, પરંતુ અહીં રણ પ્રદેશ હોવાથી ગરમી પણ બહુ વધારે પડે છે. એટલે ગરમીમાં એસી, પંખો વગેરે બધુ જ વાપરવા છતાં આ મહિને તેમનું લાઈટ બિલ માંડ અઢીસો રૂપિયા આવ્યું. આગળ જતાં શિયાળામાં ઉત્પન્ન થતી સોલર એનર્જી જમા થતાં આવતા ઉનાળાથી કદાચ તેમને આટલું લાઈટ બિલ પણ નહીં ભરવું પડે.
તો સોલર પેનલના મેન્ટેનેન્સની વાત કરવામાં આવે તો, તેના પાછળ બીજો કોઈ ખર્ચ કે વધારાનું કઈં કરવાની જરૂર નથી, બસ અઠવાડિયામાં એકવાર સોલર પેનલને કપડાથી સાફ કરી દેવાની હોય છે, જેથી તેના પર જામેલ ધૂળ નીકળી શકે અને મહત્તમ સૂર્યપ્રકાશ તેના પર પડી શકે.

સોલર કૂકર
મહેશભાઈનાં પત્ની પ્રતિભાબેન સ્કૂલમાં આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ છે. તેમનો પણ આગ્રહ એ જ રહે છે કે, શક્ય હોય ત્યાં સુધી કુદરતી એનર્જીનો ઉપયોગ કરવો અને કુદરતને અનુરૂપ થઈને જીવવું. એટલે તેઓ દાળ-ભાત-શાક વગેરે મોટાભાગની રસોઈ સોલર કૂકરમાં જ બનાવે છે, માત્ર રોટલી બનાવવા માટે જ તેમને ગેસ સ્ટવની જરૂર પડે છે.
પ્રતિભાબેનને પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પણ બહુ લાગણી છે. આ બાબતે તેઓ કહે છે, “આજ સુધી અમે ક્યારેય બિલાડી કે કૂતરું બહારથી લાવ્યા નથી, તેઓ જાતે જ અમારા આંગણે આવ્યાં અને અમે તેમને અમારા ઘરમાં જ રાખી લઈએ છે. જ્યારે તેમના ઘરે તેમની દીકરી માનસીનો જન્મ થયો એ જ સમયે તેમના ઘરે એક બિલાડીએ પણ બચ્ચાને જન્મ આપ્યો હતો. તે સમયે માનસી અને બિલાડી બંને સાથે સૂતાં. અત્યારે પણ તેમના ઘરે બે બિલાડીઓ છે અને એક બિલાડીએ હમણાં ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. ક્યાંકથી ભૂલી પડીને આવેલ બિલાડીઓ અત્યારે તેમના ઘરના સભ્યની જેમજ એટલા જ હકથી તેમની સાથે રહે છે.”

આ સિવાય ગુજરાતમાં નવરાત્રીમાં માંડવાની સ્થાપના કરવામાં આવે છે, આ માંડવો માટીની નાનકડી માટલી જેવો હોય છે. નવરાત્રી બાદ આ માંડવાને પાણીમાં પધરાવવામાં આવે છે, પરંતુ તેઓ તેને પધરાવાની જગ્યાએ ચકલીના માળા તરીકે ઉપયોગ લે છે.

હોમ ગાર્ડનિંગ
ઘરની આસપાસ તેમણે ચીકુ, લાલ જામફળ, આંબો, દાડમ, લીંબુ, ટામેટાં, ફુદીનો, કોથમીર, મરચાં સહિત ઘણાં ફળ-શાકભાજી વાવેલ છે. જેમાં તેઓ કિચન વેસ્ટનો ઉપયોગ ખાતર તરીકે કરે છે. આ ઉપરાંત ઘરની આસપાસ ગાયો બેસવા આવે તો તેના છાણનો ઉપયોગ પણ ખાતર તરીકે કરે છે.

આ ઉપરાંત કોઈ ટામેટાં કે મરચાં વધારે પાકી ગયાં હોય તો તેને ગાર્ડનમાં નાખી દે, કે કેરીના ગોટલા ગાર્ડનમાં નાખે અને બસ આમજ વિવિધ વસ્તુઓ ઉગતી જાય છે.
ગાર્ડનિંગના તેમના અનુભવને જણાવતાં પ્રતિભાબેન કહે છે કે, અત્યારે માર્કેટમાં મળતાં મોટાભાગનાં ફળ-શાકભાજી રાસાયણિક રીતે પકવેલ હોય છે, ત્યાં આ રીતે ઘરે ઉગેલ ફળ-શાકભાજી વધારે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આ ઉપરાંત આપણાં વાવેલ ફળ-શાકભાજી ખાવાનો આનંદ પણ અનેરો હોય છે. અત્યારે તેમના ઘરમાં ચીકુ, લાલ જામફળ, આંબો, દાડમ, લીંબુ, ટામેટાં, તુલસી, મીઠો લીમડો, ફુદીનો, કોથમીર, મરચાં ફળ-શાકભાજી છે.

આ ઉપરાંત આજકાલ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે લોકોમાં ઈકો-ફ્રેન્ડલી ગણપતિનું ચલણ વધ્યું છે, પરંતુ ગોર પરિવાર છેલ્લાં ઘણાં વર્ષોથી ઘરે જ ઈકો-ફ્રેન્ડલી પરિવાર બનાવે છે.
આમ તેઓ શક્ય એટલી રીતે પર્યાવરણને અનુરૂપ થઈ જીવવાનું પસંદ કરે છે અને સામે પર્યાવરણ પણ તેમને એટલા જ સંતોષનો આનંદ આપે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.