આર્કિટેક્ટ બાલાસુન્દા કૌશિકે તમિલનાડુમાં 55 લાખ રૂપિયામાં સ્થાનિક રીતે મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરીને 3000 ચોરસ ફૂટનું ટકાઉ ઘર બનાવ્યું. તેમના આ ઘરમાં એવી ઘણી ટકાઉ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઘરને પર્યાવરણીય અનુકૂળ અને ખર્ચમાં પણ પરવડે તેવું બનાવે છે.
બેંગલુરુ સ્થિત આર્કિટેક્ટ બાલાસુંદા કૌશિકન માટે ટકાઉ ઘરનું નિર્માણ એ એક સ્વપ્ન સાકાર થયું તેમ હતું. તમિલનાડુના થેની જિલ્લાના હનુમંતનપટ્ટીના રહેવાસી, કૌશિક હંમેશા પોતાના ગામમાં ઘર બનાવવા માંગતા હતા.
દુબઈ, મુંબઈ અને બેંગલુરુ જેવા જુદા જુદા શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી આર્કિટેક્ટ તરીકે કામ કરી ચૂકેલા કૌશિકે બેંગલુરુમાં આર્કિટેક્ચરલ ફર્મ શરૂ કરવા માટે 2019 માં નોકરી છોડી દીધી હતી.

આર્કિટેક્ટ કૌશિક ધ બેટર ઇન્ડિયાને કહે છે કે,“હું મારા માતાપિતા સાથે મારા ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેથી, જ્યારે મેં મારી ફર્મ શરૂ કરી, ત્યારે મેં મારું પોતાનું એક ટકાઉ ઘર બનાવવાનું સ્વપ્ન પૂરું કરવાનું નક્કી કર્યું. મારા શિક્ષણ અને આ સમયગાળા દરમિયાન મેં મેળવેલ અનુભવે અહેસાસ કરાવ્યો કે આપણા જીવનમાં અત્યારે ટકાઉપણું પસંદ કરવું ખુબ જ જરૂરી છે.”
2020 માં, તેમણે હનુમંતનપટ્ટી ખાતે પોતાની પૈતૃક 4 એકર જમીનમાં પોતાના સ્વપ્નનું ઘર બનાવ્યું, તે પણ ફક્ત સ્થાનિક રીતે મેળવેલી સામગ્રીનો સૌથી વધુ ટકાઉ ઉપયોગ કરીને. 29-વર્ષીય કૌશિક કહે છે કે, “હું ટકાઉ ઘર બનાવવા વિશે ખૂબ જ આતુર હતો કારણ કે મને લાગે છે કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે આ રીતનું કામ કરવાનો આ ખુબ જ યોગ્ય સમય છે અને તે માટે જ આ મારો ખુબ જ જરૂરી પ્રયાસ છે.”
કૌશિક કહે છે કે તેઓ તેમની સંસ્કૃતિ અને પોતાના વિસ્તારની મૂળ નજીક રહેવામાં માને છે તેથી જ તેમને ઘરની 10 કિમીની ત્રિજ્યામાંના વિસ્તારોમાંથી બાંધકામ સામગ્રી મંગાવી હતી. તે કહે છે કે,”મેં આ પ્રયાસ દ્વારા એક પ્રાદેશિકવાદ લાવવાનો પ્રયાસ કર્યો, એક આર્કિટેક્ચરલ અભિગમ જ્યાં સમગ્ર બાંધકામ આબોહવા, ભૂગોળ અને પ્રદેશની ટોપોગ્રાફી જેવા પાંસાઓ પર આધારિત છે.”
આ પણ વાંચો: ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
ઉર્જાનો વપરાશ ઘટાડવો
સ્થાનિક રીતે સામગ્રી મેળવવા ઉપરાંત, કૌશિક કહે છે કે તેમણે પોતાનું ઘર એવી રીતે બનાવ્યું છે કે, દિવસભર, ઘરની અંદર કુદરતી પ્રકાશ રહે છે. તે આગળ જણાવે છે કે, “મેં મારા ઘરનો એક મોટો હિસ્સો કુદરતને અનુરૂપ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. તેથી, મેં પેસિવ સૌર ડિઝાઇન તકનીકોનો ઉપયોગ કર્યો છે જે આંતરિક પ્રકાશ માટે દિવસભર સૂર્યપ્રકાશ પ્રદાન કરે છે. તેનાથી ઉર્જાનો વપરાશ ઘણી હદ સુધી ઘટાડવામાં પણ મદદ મળી.”
કૌશિક કહે છે કે પેસિવ સૌર પદ્ધતિઓના ઉપયોગ દ્વારા કેટલાક હેવી-ડ્યુટી ઉપકરણો જેવા કે વોશિંગ મશીન, મિક્સર ગ્રાઇન્ડર વગેરે સિવાય દરેક વસ્તુ માટે સૌર ઊર્જા પરવડી રહે છે..
તેઓ ઉમેરે છે કે, “અમે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને માસિક વીજ વપરાશમાં લગભગ 70 ટકાનો ઘટાડો કર્યો છે.”

કૌશિક ઉમેરે છે કે, બ્રિટિશ-ભારતીય આર્કિટેક્ટ લૌરી બેકર દ્વારા રજૂ કરાયેલ રેટ-ટ્રેપ બોન્ડ પદ્ધતિનો ઉપયોગ કરીને 3000-sqftનું ઘર બનાવવામાં આવ્યું હતું. તે આગળ દિવાલો બનાવવાની ઈંટના ચણતરની પદ્ધતિ કંઈ રીતે રાખવી તે સમજાવતા કહે છે કે, જ્યાં ઈંટોને ઊભી સ્થિતિમાં મૂકવામાં આવે છે, જે દિવાલમાં પોલાણ બનાવે છે, જેનાથી બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતી ઈંટો અને મોર્ટારની સંખ્યામાં ઘટાડો થાય છે.
તેમના દ્વારા સ્વીકારવામાં આવેલી અન્ય ટકાઉ તકનીક લોડ-બેરિંગ તકનીક હતી જેમાં થાંભલાઓને બદલે દિવાલોને બિલ્ડિંગના સક્રિય માળખાકીય તત્વ તરીકે બનાવવામાં આવે છે. કૌશિક સમજાવે છે કે, “લોડ-બેરિંગ ટેકનિક ખૂબ સસ્તી છે. અન્ય ખર્ચ ઘટાડવામાં બીજી વિવિધ પદ્ધતિઓના ઉપયોગમાં મેં છત પર ફિલર સ્લેબ ટેકનિકના ઉપયોગ દ્વારા કર્યો હતો, જ્યાં અમે કોંક્રિટની વચ્ચે માટીના વાસણો, બાઉલ વગેરે જેવી ટેરાકોટા સામગ્રીનો ઉપયોગ કર્યો હતો, જેનાથી છત પરનો ભાર ઓછો થાય છે, કોંક્રિટનું પ્રમાણ ઘટે છે અને તે વધુ સારું બાંધકામ પ્રદાન કરે છે.
વેન્ટિલેશન વિશે વાત કરતાં કૌશિક કહે છે કે, ”હું લાઇટિંગ અને વેન્ટિલેશન પર ખૂબ જ ભાર આપું છું. તેથી મેં ઘરની બરાબર વચ્ચોવચ એક મોટું આંગણું બનાવ્યું છે જે ઘરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. મેં આખા ઘરમાં ક્રોસ વેન્ટિલેશન લાગુ કર્યું છે. આ પદ્ધતિઓ વધુ સારી રીતે હવાના પરિભ્રમણમાં મદદ કરે છે અને ઘરને ઠંડુ રાખે છે.”
તેઓ ઉમેરે છે કે, “તે હંમેશા બહાર કરતાં 3 થી 4 ડિગ્રી ઠંડું હોય છે અને અમને ઘરની અંદર એર કંડિશનરની જરૂર જ નથી પડતી.”
આ પણ વાંચો: ઘરની અંદર, બહાર ઉપર બધે જ જંગલ, બનાવ્યું એવું કે જરૂર જ નથી ACની
ઝીરો વેસ્ટ કન્સેપ્ટ
વેસ્ટ મેનેજમેન્ટ માટે કૌશિકે સેપ્ટિક ટાંકીને બદલે બાયોડાયજેસ્ટર ટાંકી બનાવી છે. તે કહે છે, “મેં મારા ઘરમાં ઝીરો-વેસ્ટ કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. બાયોડાયજેસ્ટર ટાંકી માનવ કચરાને પાણીમાં રૂપાંતરિત કરે છે અને તેનો ઉપયોગ આપણે બાગકામ માટે કરીએ છીએ તથા ઉત્પાદિત મિથેન ગેસનો ઉપયોગ આપણા રસોડામાં થાય છે.”
બાયોડાયજેસ્ટર ટાંકીનો ઉપયોગ કરવા ઉપરાંત કૌશિકે રસોડાના કચરાના વ્યવસ્થાપન માટે 10-લિટર ક્ષમતા સાથેની બાયોગેસ ટાંકી પણ સ્થાપી છે. “બાયોગેસ દિવસમાં ઓછામાં ઓછા એક કલાક માટે પૂરતા પ્રમાણમાં મિથેન ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ આપણે રસોઈના કાર્યમાં કરી શકીએ છીએ.”

કૌશિકના ઘરે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને રેઈન વોટર રિચાર્જ માટે કૂવો પણ છે. તે કહે છે કે, “વરસાદનું પાણી એકત્ર કરતા કૂવાની ક્ષમતા 10,000 લિટર છે અને મેં તેમાંથી ઓવરફ્લો થતા વધારાના વરસાદી પાણીને એકત્ર કરવા માટે ટાંકીની નજીક બીજો કૂવો બનાવ્યો છે, જે ભૂગર્ભજળના સ્તરને રિચાર્જ કરવામાં મદદ કરશે.”
કૌશિકના ઘરને ‘હાઉસ ઓફ ગાર્ડન્સ’ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેના દરેક ખૂણે નાના ક્યારાઓમાં ગ્રીન પટ્ટીઓ છે અને તે કહે છે કે ઘરમાં ગમે ત્યાંથી તેની ઝલક જોઈ શકાય છે.
ઘરનું ફ્લોરિંગ – રેડ ઓક્સાઈડ અને અથાનગુડી ટાઇલ્સનો ઉપયોગ કરીને ઘર બનાવવાની ચેટીંનાદ શૈલીથી પ્રેરિત હતી. કૌશિક કહે છે કે,“નજીકના ચિન્નલપટ્ટી નામના ગામમાંથી અથાનગુડી ટાઇલ્સ મેળવી હતી. અથાગુંડી ટાઇલ્સ હાથથી બનાવેલી ટાઇલ્સ છે અને તે કાચ પર બનેલી હોવાથી તે ખૂબ જ સરળ ફિનિશિંગ આપે છે જેને એક વિશેષ આકર્ષણ ઉમેર્યું છે.
છેલ્લે તે કહે છે કે, આ ઘર આઠ મહિનામાં 55 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે જે, “પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘર બાંધવા કરતાં એકંદર ઘણા ઓછા ખર્ચમાં બન્યું છે.”
મૂળ લેખ: અંજલી ક્રિષ્ણન
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.