શું તમે ક્યારેય એવાં વાસણો જોયા છે, જેને ખાઈ પણ શકાય છે? તમે પહેલાં તેમાં ખાવાનું ખાઈ શકો છો અને બાદમાં તેને પણ ખાઈ શકો છો. ભલે તમને તે અટપટું લાગે પરંતુ આ હકીકત છે. દિલ્હીમાં રહેતા 36 વર્ષનાં પુનીત દત્તાએ તેમનું સ્ટાર્ટઅપ, “આટાવેર” દ્વારા આવી જ ક્રોકરીને લોકો સુધી પહોંચાડી છે. આ એડિબલ ક્રોકરી, સિંગલ યુઝ પ્લાસ્ટિક ક્રોકરીનું સસ્ટેનેબલ વિકલ્પ છે.
‘એડિબલ ક્રોકરી’, જેને તમે એક વાર ખાવા માટે ઉપયોગમાં લઈને તેને ખાઈ પણ શકો છો. જો તમે ના પણ ખાવ તો તેને ક્યાય પણ ફેંકી શકો છો તે પર્યાવરણને કોઈ નુકસાન કરશે નહી, જાનવરો માટે તે ખાવાનું જ હશે અને જો તે જમીનમાં ભળી જશે તો પણ તે માટી માટે પોષક જ છે.

આટાવેરની ક્રોકરીને ઘણીવાર લેબમાં ટેસ્ટ કરવામાં આવી છે અને પછી ગુરૂગ્રામના એક પબમાં તેને ટ્રાયલ માટે આપવામાં આવી હતી. દરેક પ્રકારે તે ઉપયોગી હોવાની પુષ્ટિ થયા બાદ જ પુનીત દત્તાએ તેમના સ્ટાર્ટઅપની શરૂઆત કરી.
હરિયાણાનાં ફરીદાબાદમાં એક મધ્યમ વર્ગનાં પરિવારમાં ઉછરેલાં પુનીત હંમેશાથી વ્યવસાય કરવા માંગતા હતા. પરંતુ તેમના પરિવારમાં વ્યવસાય વિશે કોઈને અનુભવ ન હતો.
પુનીતે બેટર ઈન્ડિયાને જણાવ્યુ,” મારે હંમેશાથી કંઈક પોતાનું કરવાનું હતુ, એટલા માટે ભણવાનું પુરુ થયા બાદ 1999માં એક સમાચારપત્રની એજન્સી લીધી. પરંતુ મારો આ ક્ષેત્રમાં કોઈ અનુભવ ન હતો. તો તે કાર્યમાં અસફળ રહ્યો, ત્યારબાદ મે BPO સેન્ટરમાં કામ કર્યુ. મારું સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલાં એક ગ્લોબલ રિક્રૂટમેંટ કંપનીમાં કામ કરી રહ્યો હતો અને ત્યાં સારા પદ પર હતો.”

તેમના જીવનમાં બધુ જ સારું હતુ. સારી સન્માનજનક નોકરી, કમાણી અને પરિવાર બધી જ રીતે સંપન્ન. પરંતુ વર્ષ 2013માં વૃંદાવનની એક યાત્રાએ તેમની દ્રષ્ટિને બિલકુલ બદલી નાંખી હતી. વર્ષો પહેલાં મળેલી અસફળતા બાદ વ્યવસાય કરવાનું તેમનું સપનું જે ક્યાંક દબાઈ ગયુ હતુ, તે ફરીથી તેમની આંખોની સામે ચમકવા લાગ્યુ હતુ. પરંતુ આ વખતે તેમણે વ્યવસાય ફક્ત તેમના માટે જ નહોતો કરવાનો પરંતુ તેમનો ઉદ્દેશ્ય પોતાના હિત કરતા મોટું છે.
તેઓ જણાવે છે,”અમે યમુના નદી પર બનેલો પુલ પાર કરી રહ્યા હતા, ત્યારે મે જોયુકે, નદીમાં એક સફેદ વસ્તુ વહીને જઈ રહી છે. ઉપરથી તે બહુજ સુંદર દેખાઈ રહી હતી. પરંતુ જ્યારે અને કાર નીચે પાર્ક કરી અને જોયુ તો હકીકત કંઈક અલગ જ હતી. વાસ્તવમાં, તે સફેદ વસ્તુ પ્લાસ્ટિક થર્મોકોલની શીટ હતી.”

ત્યારબાદ તેઓ વૃંદાવન પહોંચ્યા તો તેમણે જોયું કે, ગલીએ-ગલીએ ભંડારા ચાલી રહ્યા છે. તે દિવસે પુનીતે દરેક જગ્યાએ પ્લાસ્ટિકની ક્રોકરીનાં ઢગલા જોયા હતા. પછી થોડીવાર બાદ લોકો બુમો પાડી રહ્યા હતાકે, પ્લાસ્ટિકની પ્લેટ્સ ખતમ થઈ ગઈ છે અને ક્યાય મળી રહી નથી. આ બધા વચ્ચે પુનીતની નજર એક સાધુ ઉપર પડી, જેણે પુરીઓ લીધી અને તેની ઉપર જ શાક મુકીને ખાવા લાગ્યો. તે જ સમયે, તેના મગજમાં વિચાર આવ્યો, ‘જો વાસણ જ એવા હોય જેને ખાઈ લેવામાં આવે તો કચરો થશે જ નહી.’ પાછા આવ્યા બાદ ઘણા દિવસો સુધી આ વાત તેમના મગજમાં ચાલતી રહી.
આખરે, તેમણે તેના વિશે પોતાનું રિસર્ચ શરૂ કરી દીધુ. ઘણીબધી એવી એડિબલ વસ્તુઓ વિશે વાંચ્યુ અને સમજ્યુ, જેનો ઉપયોગ કરી શકાય છે. તેમણે લોટની સાથે પ્રયાસો શરૂ કર્યા અને સૌથી પહેલાં કટોરી બનાવવાની પહેલ કરી. લોટને કટોરીનો આકાર આપવો તો સંભવ છે પરંતુ તેમાં મજબૂતાઈ કેવી રીતે લાવવામાં આવે. તેના વિશે તેમણે ઘણું રિસર્ચ કર્યુ. પુનીત જણાવે છેકે, એક દિવસ તેઓ કુતુંબ મિનાર ફરવા માટે ગયા હતા. જ્યાં તેમણે જોયુકે, એક ટુરિસ્ટ ગાઈડ કેટલાંક વિદેશી પર્યટકોને બિલ્ડીંગ વિશે જણાવી રહ્યો હતો.

“મે તેને કહેતા સાંભળ્યોકે, ભારતની ઘણી બધી જૂની ઈમારતોના નિર્માણમાં ગોળનો પણ ઉપયોગ થયો છે. ગોળથી બિલ્ડિંગને મજબૂતાઈ મળે છે. મે પણ ગોળનો ઉપયોગ કરવાનું વિચાર્યુ. ત્યારબાદ મે મારા બધા જ પ્રયોગો લોટ અને ગોળ સાથે કર્યા. વર્ષોની રિસર્ચ અને ટ્રાયલ બાદ, આખરે મે લોટ અને ગોળની એડિબલ ક્રોકરી બનાવવામાં સફળતા મેળવી. મે તેનાં ઘણા લેબ પરિક્ષણ કરાવ્યા.”
આ રીતે રિસર્ચ કર્યા બાદ, પુનીત દત્તાએ તેમની પેટેંટ ફાઈલ કરાવી. પેટેંટ મળ્યા બાદ તેમણે ઓગષ્ટ 2019માં તેમનું સ્ટાર્ટઅપ ‘આટાવેર’ શરૂ કર્યુ. આટાવેર એટલે લોટનાં બનેલાં વાસણો. પુનીત લોટ અને ગોળની મદદથી કપ, ગ્લાસ,કટોરી, ચમચીઓ, સ્ટ્રો, અલગ-અલગ પ્રકારની પ્લેટ્સ અને પેકેજીંગ કન્ટેનર વગેરે બનાવી રહ્યા છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી કિટમાં 63 પ્રોડક્ટ્સ છે. આ પ્રોડક્ટસની ખાસિયત એ છેકે, તે પુરી રીતે જૈવિક, પ્રાકૃતિક અને ખાવાને લાયક છે. જો આ ક્રોકરીને ખાવામાં ન પણ આવે તો તે માત્ર 30 દિવસમાં ડિ-કંપોસ થઈ જાય છે.

સ્ટાર્ટઅપનાં લોન્ચથી અત્યાર સુધીમાં પુનીત લગભગ 75,000 પ્રોડક્ટ્સ વેચી ચુક્યા છે. આ બધી જ પ્રોડક્ટ તેમણે સૌથી વધારે ખાનગી ગ્રાહકોને વેચ્યા છે. જોકે, તેમનાં પ્રયાસ હોસ્પિટાલિટી સેક્ટર, ધાર્મિક સ્થળ, મલ્ટી-નેશનલ કંપનીઓને ટાર્ગેટ કરવાનાં છે. હોટલ અને કેફે વગેરેમાં સિંગલ યુઝ કટલેરીનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જો પ્લાસ્ટિકની જગ્યાએ એડિબલ કટલેરીનો ઉપયોગ થાય તો બહુજ બધી સમસ્યાનું નિદાન થઈ શકે છે.
“મલ્ટી-નેશનલ કંપનીઓ તેમનાં કર્મચારીઓને ટી-કૉફી માટે પેપર કપ અથવા બૉન ચાઈના મગ્સ મંગાવે છે. તેની જગ્યાએ અમારો પ્રયાસ એ છેકે, અમે તે લોકો સુધી આટાવેરને પહોંચાડીએ. હાલમાં તો અમને ગ્રાહકો પાસેથી પણ ઘણી સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે.” તેમણે આગળ કહ્યુ.
પુનીત દત્તા પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવાની સાથે સાથે દેશનાં ખેડૂતોને વધારાની આવક અને મહિલાઓ માટે રોજગારનાં અવસરો આપવા માંગે છે. તેમનું મોડલ છેકે, નાના ખેડૂતો, જેમની પાસે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે તેમની સાથે જોડાય અને તેમની પાસેથી ડાયરેક્ટ પાક ખરીદે. આનાથી પુનીતને તેમના મુજબ ઘઉં અને ગોળ બનાવવા માટે શેરડી મળશે અને ખેડૂતોને મહેનતની સાચી કિંમત મળશે. તેમણે તેમની ફેક્ટરી ફરિદાબાદ અને બહાદુરગઢમાં સ્થાપિત કરી છે. હાલમાં, તેમના પ્રયાસો વધુમાં વધુ પ્રોડ્ક્શન પર છે. જેથી બજારોમાં વધી રહેલી માંગને પુરી કરી શકે.
તેના સિવાય તેમણે દેશનાં 86 શહેરોમાં તેમના ડિસ્ટ્રીબ્યુટર તૈયાર કરવાની યોજના બનાવી છે. તેમણે અમુક શહેરોમાં સર્વે કરાવ્યો છે. અત્યાર સુધી તેમનું માર્કેટિંગ સોશિયલ મીડિયા અને નાનાં-મોટાં આયોજનોથી જ થઈ રહ્યા છે. લોકોની પ્રતિક્રિયા તેમની પ્રોડક્ટને લઈને ઘણી સારી છે. એટલા માટે તેમનું આગળ ધ્યાન હવે માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન પર છે.

પુનીત જણાવે છેકે, તેમના આ સ્ટાર્ટઅપને શરૂ કરવું જરાય પણ સરળ ન હતુ. તેમને ફંડિંગ માટે પણ ક્યાંયથી કોઈ મદદ મળી નથી. પુનીત કહે છેકે, તેમને ખબર હતી તેઓ સાચી દિશામાં કામ કરી રહ્યા છે. જો તેઓ પ્રયાસ જ ના કરતાં તો તેઓ આટલે સુધી પહોંચતા જ નહી. તેમણે રિસ્ક લીધુ કેમકે, તેમને પોતાની ઉપર ભરોસો હતો કે જો તેઓ ફેલ પણ થઈ જશે તો હુનર અને જ્ઞાનથી પોતાના માટે કંઈક તો સારું કરી જ લેશે.
આજે તેમનો એક ડિસ્ટ્રીબ્યુટર યૂકેમાં પણ છે. અને ભારતનાં શહેરો સિવાય તેઓ સાઉદી, કતર, દુબઈ, ઓસ્ટ્રેલિયા, યુએસ, શ્રીલંકા, સિંગાપોર જેવાં દેશોમાં પણ તેમની પ્રોડક્ટ મોકલી ચૂક્યા છે. હવે પુનીત દત્તાને ફક્ત તે વાતની રાહ છેકે, લોકડાઉન બાદ ક્યારે જીવન સામાન્ય થશે અને તેઓ પુરી રીતે તેમના પ્રોડક્ટના માર્કેટિંગમાં જોડાઈ જશે.
જો તમે ‘આટાવેર’ કટલેરી વિશે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો તેમને 9871014728 પર વ્હોટ્સએપ મેસેજ કરી શકો છો.
તસવીર આભાર: પુનીર દત્તા
આ પણ વાંચો: મધ ઉછેરને મુખ્ય વ્યવસાય બનાવનાર ઉત્તર ગુજરાતના આ ખેડૂત બન્યા પ્રેરણા, 100 ખેડૂતો કરે છે તેમની સાથે કામ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.