અમદાવાદમાં રહેતાં આર્કિટેક્ટ સ્નેહલ અને ઈંટીરિયર ડિઝાઈનર ભદ્રી સુથાર રીસાઈકલ્ડ કંસ્ટ્રક્શન મટિરિયલમાંથી નવી ઈમારતો તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે. સસ્ટેનિબિલિટી, આ કપલની કામ કરવાની એક નવી રીત છે. જે તમે તેમનાં બિલ્ડિંગ નિર્માણની ડિઝાઈન જોઈને જાતે જ સમજી શકો છો.
ભદ્રીના બાળપણનો સૌથી પ્રિય હિસ્સો અમદાવાદનાં પ્રખ્યાત હેરિટેજ સ્થળોની મુલાકાત કરવાનું હતુ. દર વખતે તેઓ જામા મસ્જીદની જટિલ કોતરણી, સીદી સૈયદની કોતરણીવાળી જાળીઓ અથવા દાદા હરિની વાવથી સજાવવામાં આવેલાં મોજાઓ (સીડીઓવાળા કુવા)ઓને જોતા હતા. જે પ્રાચીન સમયમાં જળસંરક્ષણની ઉત્તમ રીત હતી.

તેમણે જણાવ્યું, “હું માંડ છ વર્ષની હતી, જ્યારે મે પહેલીવાર ઘરે જ એક મોડલ બનાવીને સાઈટની ડિઝાઈનને ડિકોડ કરવાનાં પ્રયાસ કર્યા હતા. એક રીતે, શહેરના વારસાએ જ વાસ્તુકલા પ્રત્યેનાં મારા પ્રેમને વધાર્યો છે.”
સ્નેહલના પિતા આર્કિટેક્ટ હતા અને તેમની પોતાની એક કાર્પેન્ટરી વર્કશોપ હતી. પોતાના બાળપણ વિશે વાત કરતાં તેઓ કહે છેકે, મારું બાળપણ કંસ્ટ્રક્શન મટિરિયલથી ઘેરાયેલું હતુ અને તે જ મારાં રમકડાં બની ગયાં હતાં.એટલા જ માટે આગળ જતાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરવો મારા માટે સ્વાભાવિક હતો.

સ્નેહલે સૅન ફ્રાંસિસ્કો ઈંસ્ટીટ્યૂટ ઓફ આર્કિટેક્ચરમાંથી સસ્ટેનેબિલિટીમાં પીજી કર્યુ છે. તો ભદ્રીએ ગુજરાતના વિદ્યાનગરમાં અરવિંદભાઈ પટેલ ઈંસ્ટીટ્યૂટ ઓફ આર્કિટેક્ચરમાંથી ઈંટીરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યુ છે.
2002માં આ જોડીએ ધ ગ્રિડની સ્થાપના કરી, જે અમદાવાદની એક આર્કિટેક્ચર ફર્મ છે અને ગ્રીન સ્પેસ બનાવવા માટે રીસાઈકલ્ડ અથવા લોકલ મટિરિયલનો ઉપયોગ કરે છે.
“અમે નવા સંસાધનોના સ્થાન પર લોકલ અને રિસાયકલ્ડ કરેલી સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે સાઇટના 400 કિલોમીટરની અંદર બિલ્ડિંગની સંપૂર્ણ સામગ્રીનું નિર્માણ, બાંધકામ અથવા ખોદકામ કરવામાં આવે, જેથી તે બાંધકામ સામગ્રીના વહન સાથે સંકળાયેલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડી શકાય,” ભદ્રીએ કહ્યું.

એક ગ્રીન સ્પેસ બિલ્ડિંગ અને પરંપરાગત બિલ્ડિંગની તુલના કરીને, લોકો એવું અનુમાન લગાવે છે કે ગ્રીન સ્પેસ બિલ્ડિંગ મોંઘી છે, પરંતુ તે સાચું નથી. જો બિલ્ડિંગ મટિરિયલ્સની પસંદગી વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, તો તે ફક્ત ખર્ચ જ નથી ઘટાડતું પણ સાથે તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. ભદ્રી કહે છે કે, ગ્રીન મટિરિયલ પણ ઈનડોર વાયુ મટિરિયલની ગુણવત્તાને વધારે છે કારણ કે તે નોન-ટોક્સિક છે અને તે લઘુત્તમ રાસાયણિક ઉત્સર્જન કરે છે.
એક નજર ધ ગ્રીડનાં ત્રણ સસ્ટેનેબલ પ્રોજેક્ટ પર
- ઓર્ગેનિક સ્ટોર
જ્યારે દંપતીને શહેરમાં એક ઓર્ગેનિક સ્ટોર માટેનો પ્રોજેક્ટ મળ્યો, ત્યારે સૂચનાઓ સ્પષ્ટ હતી કે સ્ટોરમાં બધું જ ઓર્ગેનિક દેખાવું જોઈએ. કારણકે તેના ગ્રાહકો પહેલાં ખેડૂતો હતા, તેથી તેમણે એવા વિકલ્પો ઉપર ધ્યાન આપ્યુ જેનો ખેતરમાં ઉપયોગ થતો હોય અને ખેતરમાં મળતા હતા.
તે માટે આ જોડીએ મુખ્ય નિર્માણ સામગ્રી તરીકે ગાયના છાણ અને ઘાસના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. ફ્લોરની જગ્યાએ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લાઇટ માટે એલ.ઇ.ડી. લગાવવામાં આવી હતી.

“છાણ જંતુઓ સામે રક્ષણ આપે છે. તે એક સારુ થર્મલ ઇન્સ્યુલેટર છે, જે અગરબત્તીની સુગંધને અવશોષિત કરી શકે છે. ધૂપની લાકડીઓની સુગંધ ગ્રહણ કરી શકે છે અને તેને જાળવી શકે છે,” સ્નેહલ કહે છે.
- ઈકો-ફ્રેન્ડલી ડેન
ગાંધીનગરમાં પોતાના ક્લાયન્ટની ઓફિસમાં એક ફાર્મ જેવુ વાતાવરણ બનાવવા માટે કંપનીએ માટી અને પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કર્યો. તેમણે ફોયરને પીળા બલુઆ પત્થરને ઈંટોની સાથે રાખ્યા અને એવી રીતે ડિઝાઈન બનાવી કે, પ્રકાશ અને હવા ઓફિસની અંદર સુધી જઈ શકે. ઓફિસની બહાર સારું દેખાડવા માટે તેમણે ઓફિસની બહાર બળદ ગાડું અને કેટલાંક માટીનાં વાસણો પણ રાખ્યા હતા.
તેઓ કહે છે, “ઓફિસમાં સ્થાનિક જાતિના ઝાડ અને એક કૃત્રિમ તળાવ છે જેમાં માછલીઓ અને કાચબાઓ પોતાનું ઇકોસિસ્ટમ બનાવે છે. “

- ટેરાકોટા રેસ્ટોરન્ટ
સુથાર દંપતીએ ગાંધીનગરમાં ટેરાકોટા રેસ્ટોરન્ટ પણ બનાવ્યુ છે, જેમાં ઇંટ, માટી, ટેરાકોટા અને કાચા લાકડા જેવી સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તેઓએ છત બનાવવા માટે રિસાયકલ લાકડાનો ઉપયોગ કર્યો છે. રેસ્ટોરન્ટમાં બે મિલીમીટર જાડા સ્ટીલની લેસર-કટ સ્ક્રીન છે, જે પાર્ટીશનો તરીકે જાળીની પરંપરાગત રચનાઓની અનુભૂતિ આપે છે. દિવાલ પર જુના જમાનાના પાટિયા અને ઝરુખાઓ પણ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. તેઓએ રેસ્ટોરાંમાં પાણી આધારિત, બિન-ઝેરી અને પર્યાવરણને અનુકૂળ પેઇન્ટનો ઉપયોગ કર્યો છે.
તેમણે કહ્યું, “અમે અમારા ગ્રાહકને પસંદ કરેલી સામગ્રીઓની સાથે તેના મહત્વ વિશે જણાવતા તેનું ‘ટેરાકોટા રેસ્ટોરન્ટ’ નામ સૂચવ્યું, અમે બધું ધ્યાનમાં રાખીને એક રિસાયકલ સામગ્રી પેલેટની પસંદગી કરી જેથી તે સ્થળ લોકોને ઉત્તમ અનુભવ આપે.”
તેમની 17 વર્ષીય યાત્રામાં, કંપનીએ 10 ઈકો-ફ્રેન્ડલી ઇમારતો બનાવી છે અને ઘણા એવોર્ડ મેળવ્યા છે. તેમાં 2015માં શહેરી ઓએસિસ-પોશ માટે ગુજરાતની પ્રથમ પ્લેટિનમ સર્ટિફાઇડ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ પણ શામેલ છે.
અંતમાં દંપતીએ ફક્ત એટલું જણાવ્યું છે કે, રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ એ અમારા સાથી ડિઝાઇનર્સને પ્રેરણા આપવાનો એક માર્ગ છે. તે તેમને જણાવે છે કે, અમારું જુનુન અને રચનાત્મકતા એક સરળ સામગ્રીને સારી જગ્યાઓમાં ફેરવી શકે છે. તે શહેરી જીવનશૈલીમાં ટકાઉ અને પરંપરાગત આર્કિકેચરને એકીકૃત કરવાનો એક માર્ગ છે. શરૂઆતમાં કોઈને લાગશે કે, તેઓએ ગ્રીન બિલ્ડિંગ, સ્પેસ અથવા ઈન્ટીરિયર ડિઝાઇન કરવા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે પરંતુ એકવાર તમે તેનો અભ્યાસ કરશો તો તે તમારી ડિઝાઇનિંગ પ્રક્રિયાનો એક ભાગ બની જાય છે.
સ્નેહલ અને ભદ્રી આશા કરે છે કે, આ કાર્યો જોઈને અન્ય આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સને પ્રેરણા મળે અને પર્યાવરણીય સંરક્ષણમાં તેમની ભૂમિકા ભજવે.
મૂળ લેખ: ગોપી કરેલિયા
આ પણ વાંચો: કેરળનું એક એવું ઘર જ્યાં લિવિંગ રૂમમાં તમને જોવા મળશે આંબા અને જાંબુડા!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.