મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ જમનાબેન નકુમ અને તેમના પતિ મગનભાઈ નકુમ તેમજ તેમનો સમગ્ર પરિવાર ડાયમંડ બિઝનેસમાં જોડાયેલો હતો પરંતુ કોરોનના કારણે તેમનો ધંધો સાવ પડી ભાંગ્યો અને આ મુશ્કેલ સમયમાં પણ તેમની દૂરંદેશીના કારણે કોરોના પહેલા જ નાના પાયે શરુ કરેલ ડેરી ફાર્મનું કામ તેમના સમગ્ર પરિવારે અપનાવી આજીવિકાના નવા સ્ત્રોત તરીકે તેમણે ડાયમંડ બિઝનેસને તિલાંજલિ આપી ફૂલ ટાઈમ ડેરી ફાર્મિંગ શરૂ કર્યું.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા જમનાબેન તેમજ તેમના પતિ મગનભાઈ જણાવે છે કે, શરૂઆત તેમણે આજથી નવ વર્ષ પહેલા નવ વીઘા જમીન ખરીદી અને પછી ત્યાં પાંચ વર્ષ પહેલા ફક્ત બે જ દેશી ગીર ગાય લાવીને કરી હતી પરંતુ અત્યારે તેમની પાસે 75 ગાયો છે જેના દ્વારા તેઓ વર્ષે 25 લાખ રૂપિયા નફો કમાઈ રહ્યા છે. આ કમાણી ન ફક્ત દૂધ વેચીને પરંતુ ગાય આધારિત મળતી વિવિધ ઉત્પાદનો વેચીને પણ થઇ રહી છે. તેઓ આગળ જણાવે છે કે, એક સમયે કોરોના કાળમાં કંઈ જ સુજતુ નહોતું કે ડાયમંડ બિઝનેસ પછી હવે શું કરીશું ત્યારે આ નાના પાયે થયેલી શરૂઆતે આખી જિંદગી બદલી નાખી છે તથા મગનભાઈ કહે છે કે, “આ કાર્ય એ મને તથા મારા ત્રણ ભાઈઓના સમગ્ર પરિવારને ફક્ત પાંચ જ વર્ષની અથાગ મહેનતે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવી દીધા છે.”
તેથી જ આજે ધ બેટર ઇન્ડિયા જે કોઈ પણ લોકો પોતે પણ ડેરી ફાર્મિંગ વિશે જાણવા માંગે છે અને કંઈ રીતે તમે પણ ડેરી ફાર્મિંગ શરૂ કરી શકો છો તે માટે જમનાબેન તથા મગનભાઈની આ સફરને હજી વધારે વ્યવસ્થિત રીતે વર્ણવી રહ્યું છે જેથી તમને પણ પૂરતી માહિતી મળે.
શરૂઆત
વધુમાં જણાવતાં દંપતી કહે છે કે ઈ.સ. 2005 માં તેઓ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં તબેલો ચલાવતા હતા પરંતુ પાછળથી સુરત પાછા ફરી ડાયમંડના બિઝનેસમાં જોડાયા. તબેલો સાંભળેલો તેથી જ શરૂઆતથી જ આ ક્ષેત્રમાં કઈંક નક્કર કરવાની ભાવના તો હતી જ તેથી આજથી લગભગ નવ વર્ષ પહેલા તેમણે સુરત પાસે ભાગીદારીમાં પોણા દસ વીઘા જમીન ખરીદી અને જૈવિક ખેતી શરૂ કરી. થોડા સમય બાદ ભાગીદારોને આ ધંધામાં રસ ન રહેતા તેઓ છૂટા પડ્યા અને આખી જમીન માત્ર મગનભાઈના નામે જ રહી અને આમ જમીન ખરીદ્યાના ચાર વર્ષ બાદ એટલે કે આજથી પાંચ વર્ષ પહેલા ફક્ત બે ગાયો વસાવીને ડેરી ફાર્મિંગ શરુ કર્યું. તે શરૂઆત એકદમ નાના પાયે જ હતી પરંતુ ધીમે ધીમે લોકોની માંગ વધતા તેમણે ગાયોની સંખ્યા વધારવાની શરુ કરી.
ગાયોની સંખ્યા વધતા તેમણે જૈવિક ખેતી બંધ કરી સમગ્ર જમીનમાં દોઢ વિઘો ગૌશાળા માટે ફાળવી બાકી વધતી જમીનમાં ગાયોના પોષણ માટે જૈવિક ચારાનું ઉત્પાદન લેવાનું શરુ કર્યું.

કોરોના અને તેની અસર
2020 માં કોરોના ની મહામારી ફેલાઈ તે દરમિયાન તેમનો ડાયમંડનો બિઝનેસ પડી ભાંગ્યો પરંતુ તેમણે શરૂ કરેલ ડેરી ફાર્મનો બિઝનેસ હાજી મધ્યમ માર્ગે કાર્યરત જ હતો તેથી સમગ્ર પરિવારે નક્કી કર્યું કે હવે તેઓ આ ધંધામાં જ આગળ વધશે. આમ કોરોના સમયગાળાથી જ સમગ્ર પરિવાર ડેરી ફાર્મિંગમાં સંપૂર્ણપણે જોડાયો.
સંપૂર્ણપણે ફૂલ ટાઈમ જોડાયા પછી તેમણે ગાયોની સંખ્યા વધારીને 75 આસપાસ કરી. ગાયો માટે 60*150 ફૂટના શેડનું નિર્માણ કરાવ્યું જેથી ઠંડીમાં અને ગરમીમાં ગાયોને તકલીફ ના પડે અને ઉનાળામાં જે દૂધ કપાઈ જતું હોય તો તે પણ ના કપાય. તેમણે ધીરે ધીરે પોતાના આ ધંધાને વિસ્તારવાનું શરુ કર્યું અને જોત જોતામાં અત્યારે તેમના નિયમિત 150 ગ્રાહકો છે જેમને તેઓ સંપૂર્ણ રીતે જૈવિક ગીર ગાયનું દૂધ 90 રૂપિયે લીટર વેચે છે.
ગાયની સાર સંભાળ અને કામ માટે અત્યારે ત્રણ માણસો રાખેલા છે. શરૂઆતમાં તો પોતે જ કરતા અને હજુ પણ કામ તેમનો પરિવાર કામ કરે જ છે. પરંતુ કામનું ભારણ વધતા માણસો રાખવા પડ્યા અને એ લોકોને દૂઝણી ગાય દીઠ દર મહિને 1200 રૂપિયા આપવામાં આવે છે. તેમાં તેઓને બધું જ કામ કરવાનું હોય છે અને સાથે સાથે ચારો વાઢવા માટે પણ એક માણસ અલગથી રાખવામાં આવ્યો છે. કોઈ પણ નવી ગાય જેવી પ્રેગ્નેટ થાય કે તરત જ માણસોને એ ગાયના 1200 રૂપિયા લેખે પૈસા ઉમેરાઈ જાય.

બહારથી નથી ખરીદવો પડતો ચારો
મગનભાઈ કહે છે કે, “શરૂઆતથી જ ચારો 8 થી 8.5 વીઘામાં વવાય છે. શરૂઆતમાં જ્ઞાનના અભાવે જે રીતે અમે ચાર ઉત્પાદન કરતા તેમાં ગાયોને પહોંચતો નહોંતો અને અમારે બહારથી વધારાનો ચારો મંગાવવો પડતો પરંતુ પાછળથી શેરડી, નેપિયર ઘાસની બુલેટ જાત અને ઝીંઝવો આ ત્રણ પાક લેવાનું શરૂ કર્યું ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ચારો નથી લાવવો પડ્યો.”
ઉલ્લેખનીય છે કે શેરડી 3 થી 4 વર્ષ ચાલે છે જયારે નેપીયર બુલેટ 7 થી 10 વર્ષ કામ આવે છે કેમકે તે મલ્ટીકૃત વેરાયટી છે અને ઉત્પાદન પણ સારું આપે છે તેનો છોડ 9 ફૂટની ઊંચાઈ સુધી જતો હોય છે. આમ મગનભાઈની આ કૃષ્ણ ગીર ગૌશાળામાં આજે ચારો તેમની જમીનમાંથી જ મળી જાય છે જેનો ખર્ચો હવે નથી થતો. પરંતુ ગાયોના પોષણ માટે બહારથી લાવવામાં આવતા દાણનો ખર્ચો થાય છે.

જમીનને પોષણ અને વર્મીકમ્પોસ્ટનું ઉત્પાદન
જમનાબેનનું કહેવું છે કે, જમીનને પોષણ આપવા માટે શરૂઆતમાં 8.5 વીઘા જમીનમાં 100 ટ્રોલી છાણીયું ખાતર નાખેલું છે. જે પાંચ વર્ષ સુધી આ જમીનને પોષણ આપશે અને મુખ્ય વાત એ છે કે ગાયને જ્યાં રાખે છે તે શૅડમાં નીચે બ્લોક્સ નાખેલા છે તેથી ત્યાં જમા થતું છાણ અને ગૌમૂત્ર એક હોજમાં એકઠું કરી તેને લાઈન દ્વારા પાણી સાથે ડાયરેક્ટ જમીનમાં અપાય છે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે.
આ સિવાય તેઓ છાણને અલગથી એકઠું કરી તેમાંથી છાણીયું ખાતર બનાવે છે અને સાથે સાથે હમણાં વર્મીકમ્પોસ્ટ બનાવવાની પણ શરૂઆત કરી છે. આ વર્મીકમ્પોસ્ટ તેઓ 50 કિલોની બેગ 250 રૂપિયામાં વેચે છે અને આવી મહિનાની 200 જેટલી બેગ તૈયાર થાય છે તો સાથે-સાથે તેઓ ગૌમૂત્ર પણ વેચે છે.

દૂધ અને તેની આડપેદાશ દ્વારા થતી અવાક
મગનભાઈ કહે છે કે, અત્યારે તેમના રેગ્યુલર 150 ગ્રાહકો છે. અને તેમનું દૂધ સુરતમાં નાના વરાછા, ડિંડોલી, હીરાબાગ, કતારગામ વગેરે જગ્યાએ જાય છે. પહેલા 80 રૂપિયે લીટર વેંચતા હતા હવે એક લિટરના 90 રૂપિયા કર્યા છે. અને દિવસનું 190 લીટર દૂધ આ રીતે જાય છે. દૂધ માટે તેમણે ગૌશાળામાં જ 300 લિટરનું સ્ટોરેજ બનાવેલું છે અને ત્યાંથી જ 500 મિલી અને 1 લિટરના પાઉચમાં પેકીંગ કરી તેને વેચવામાં આવે છે. તેઓ ઘી પણ બનાવે છે અને ઘી 1800 રૂપિયે કિલો લેખે વેચે છે જે મહિને 25 થી 30 કિલો આસપાસ વેચાય છે.
આ સિવાય મીઠાઈમાં પેંડા બનાવે છે જે 900 રૂપિયે કિલો અને પનીર 350 રૂપિયે કિલો વેચે છે. તેમનું કહેવું છે કે જયારે દૂધ વધતું હોય દિવાળી અને ઉનાળાના વેકેશન દરમિયાન ત્યારે જ આ શક્ય બને છે.

આજે તેઓ વર્ષે 25 લાખનો નફો રળે છે તો તેમનું ટર્ન ઓવર એક કરોડ રૂપિયાનું છે. પરંતુ આ મુકામ તે લોકોને એમનેમ જ નથી મળી ગયો પરંતુ તે પાછળ સમગ્ર પરિવારની અથાગ મહેનત છે. ધ બેટર ઇન્ડિયા એ જયારે તેમને સમગ્ર પરિવારની દિનચર્યા વિશે પૂછ્યું ત્યારે તેઓ કહે છે, “સવારે વહેલા 3 વાગે ઉઠવાનું પછી ગાયોને ખવડાવવા ઘાસ કટર મશીનમાં કટ કરે અને પીરસે, ગોબર વ્યવસ્થિત એકઠું કરી સાફ સફાઈ કરવાની ત્યારબાદ 4 વાગે દોહવાનું શરૂ થાય જે 6:15 સુધી ચાલે એ પછી દાણ પીરસવામાં આવે જે ગાયો 8:30 વાગ્યા સુધી જમે. ત્યારબાદ શેડ ધોવાય. દાણ આપ્યા પછી ગાયોને બહાર વાડામાં કાઢીએ. ફરી બપોરે 2:30 વાગે ગાયોને ફરી શેડમાં લઈએ અને શેડમાં લીધા પછી 3:30 એ ઘાસ કટ કરી નાખીએ અને પાછું 4 વાગે દોવાનું શરૂ થાય જે 6:30 થી 7 વાગ્યા સુધી ચાલે અને રાત્રે 9 થી 9:30 માં સમગ્ર પરિવાર સુઈ પણ જાય.”
જો તમે તેમના આ ડેરી ફાર્મના કામ વિશે હજી પણ વિગતવાર જાણવા માંગતા હોવ તો તેમનો 9925716660 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઓછા પગારની નોકરીથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન અને ખેતી, મહિને કમાય છે દોઢ લાખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.