Search Icon
Nav Arrow
Mercedes
Mercedes

બિલાડીના બચ્ચાને બચાવવા ગુજરાતી બિઝનેસમેને પોતાની મર્સિડિઝ કારના સ્પેરપાર્ટ્સ જુદા કરી નાખ્યાં!

આ કારણે એક ગુજરાતી બિઝનેસમેને તેની મર્સિડિઝ કાર વીખી નાખી!

એ 29મી નવેમ્બરનો દિવસ હતો. ગુજરાતી બિઝનેસમેન જયેશ ટેલર પોતાના પરિવાર સાથે સાયન ખાતેથી મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પોતાના મર્સિડિઝ બેન્ઝ કારમાં જઈ રહ્યા હતા.

આ વખતે તેમનો પાળતું શ્વાસ બ્રૂનો પણ કારમાં હતો. પરંતુ કોઈ કારણ હતું જેનાથી બ્રૂનો શાંત ન હતો. સામાન્ય રીતે તે શાંત રહેતો હોય છે પરંતુ આ વખતે તે શાંત ન હતો અને સતત કારમાંથી તેનું મોઢું બહાર કાઢી રહ્યો હતો.

જોકે, થોડા સમય પછી તેમને પોતાના કારની અંદરથી મિયાઉ અવાજ સંભળાયો હતો. આ જ સમયે તેમને અંદાજ આવી ગયો કે બ્રૂનો આટલા વખતથી શા માટે શાંત નથી બેસી રહ્યો. હકીકતમાં કારની અંદર એક બિલાડીનું નાનું બચ્ચું ફસાયું હતું.

જોકે, તેની બીજી ક્ષણે જયેશ ટેલર અને તેના પરિવારે જે કર્યું તે કામ તમારા હૃદયને સ્પર્શી જશે, એટલું જ નહીં તેમને એ વાતનો વિશ્વાસ થઈ જશે કે માનતવા હજુ સુધી મરી નથી પરવરી.

મર્સિડિઝ ખરાબ થઈ હોય તે માટેના કોલ સેન્ટરના કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત એવો કૉલ આવ્યો હશે જ્યારે સામેની વ્યક્તિ તેની કારના સ્પેરપાર્ટ્સ અલગ કરવા માંગતો હોય. અને એ પણ બિલાડીના બચ્ચાને બચાવવા માટે!

Mercedes

જોકે, કંપનીમાંથી કોઈ મિકેનિક આવે તે પહેલા એક પોલીસકર્મી અને સાયોન ખાતે એક સ્થાનિક મિકેનિકે પરિવારની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ લોકોએ આશરે છ કલાક સુધી બિલાડીના બચ્ચાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેનાથી બચ્ચું બહાર નીકળવાને બદલે વધારે ફસાયું હતું.

જે બાદમાં જયેશ પોતાની કારને ધીમેથી ચલાવીને કારના અધિકૃત વર્કશોપ ખાતે લઈ ગયો હતો. અહીં બિલાડીના બચ્ચાને બહાર કાઢવા માટે કારના થોડા સ્પેરપાર્ટ્સ અલગ કરવામાં આવ્યા હતા. જોકે, અહીં પણ મિકેનિકને બિલાડીને બચાવતા ત્રણ કલાક લાગી ગયા હતા.

મર્સિડિઝ બેન્ઝ ડિલરશીપ અને વર્કશોપ ધરાવતા અમર શેઠે મીરર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “બચ્ચું ક્યાં ફસાયું છે તે જોવા માટે અમારે મોબાઇલ ફોનની લાઇટ અને અમારા કાનથી અવાજ સાંભળીને કામ ચલાવવું પડ્યું હતું. આ માટે અંડર ચેસિસ અને અન્ય પાર્ટ્સ હટાવવામાં આવ્યા હતા. બિલાડીનું બચ્ચું એન્જિનમાં રહેલી નાનકડી જગ્યામાં છૂપાઈ ગયું હતું.”

જોકે, હૃદયને સ્પર્શી જાય એવી વાત એ પણ રહી હતી કે કારના મિકેનિકે આ માટે એક પણ રૂપિયો ચાર્જ લીધો ન હતો. કલાકો સુધી મહેનત કરી હોવા છતાં અને કારના સ્પેરપાર્ટ્સ અલગ કરીને તેને ફરીથી જોડ્યા હોવા છતાં મિકેનિકે એક પણ રૂપિયો ચાર્જ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આનાથી પણ વિશેષ, વર્કશોપમાં કામ કરતા એક કર્મચારી અનુપમ મ્હાસ્કેએ આ બિલાડીના બચ્ચાને દત્તક લેવાનું નક્કી કર્યું હતું.

ટેલર પરિવાર તેમની દીકરીને વિદેશની કૉલેજમાં એડમિશન મળી ગયું હોવાથી સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા માટે જઈ રહ્યો હતો. જોકે, તેમનો આખો દિવસ આમા જ પસાર થઈ ગયો હતો અને તેઓ મંદિર ખાતે જઈ શક્યા ન હતા. જોકે, તેમને આનાથી વિશેષ એ વાતનો આનંદ હતો કે બિલાડીના બચ્ચાને કોઈ પણ ઈજા વગર બચાવી લેવાયું હતું.

જયેશ ટેલરે જણાવ્યું કે, “મને વિશ્વાસ છે કે હવે પછી અમે જ્યારે મુંબઈ આવીશું ત્યારે ચોક્કસ સિદ્ધિ વિનાયકના દર્શન થશે. અમને એ વાતનો આનંદ છે કે બિલાડીના બચ્ચાને નાની અમથી પણ ઇજા પહોંચી ન હતી. અમારા પરિવારમાં બ્રૂનો ઉપરાંત અન્ય એક શ્વાન બૂજો અને મેક્સિ નામની એક બિલાડી પણ છે.” જયેશ ટેલર સુરતમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે.

મૂળ લેખ: લક્ષ્મી પ્રિયા એસ

આ પણ વાંચો: 62 વર્ષની ઉંમરે આ સુરતનાં દાદી 250 બાળકોને માટે જાતે જ પૌષ્ટિક ભોજન બનાવી જમાડે છે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon