Search Icon
Nav Arrow
Success Story
Success Story

સામાન્ય કુલીથી બુક સ્ટોર ચેઈનના માલિક બનવા સુધીની પ્રેરણાદાયક સફર ખેડતાં મૂળ ગુજરાતી

Porter To Publisher: મૂળ ગુજરાતના વ્યક્તિએ કન્નડ સાહિત્યમાં યોગદાન આપી મેળવી સફળતા

એવું કહેવાય છે કે સપના જોવા માટે દિવસ હોય છે અને તેને સાકાર માટે રાત ઉજાગરા કરી કામ કરવું પડે છે. રાતોરાત મળતી સફળતા પાછળ પણ અનેક ઉજાગરા કામ કરતા હોય છે. સુરેશ.સી.શાહની કહાની પણ એવી જ છે. જેમને સફળતાનો એક અધ્યાય લખ્યો તેમના અનોખા શોખથી. એ શોખ એટલે કે પુસ્તકો. મૂળ ગુજરાતી અને ધોરાજીના સુરેશ શાહ કર્ણાટકની મોસ્ટ ફેમસ બુકસ્ટોર ચેઈન ‘સપના બુક હાઉસ’ના ફાઉન્ડર છે. કોરોનાની મહામારીના તેઓ પણ ભોગ બન્યા અને સંક્રમણની ઝપેટમાં આવતા તેમનું નિધન થયું હતું. કન્નડ સાહિત્ય જગતમાં સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે તેમની ‘સપના બુક હાઉસ’નું બેજોડ સ્થાનને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આજે સમગ્ર રાજ્યમાં સપના બુક હાઉસના અલગ અલગ જગ્યાઓ પર 19 સ્ટોર છે. ભારતીય આંત્રપ્રિન્યોરશિપ જગતમાં સુરેશ શાહ પણ એવું જ એક ઝળહળતું નામ છે. જેમણે આપબળે પોતાની જ મહેનતથી અલગ જ ચીલો ચાતરીને સફળતા મેળવી હતી.

3 માર્ચ, 1938ના રોજ ઘાટકોપરમાં જન્મેલા સુરેશ શાહે પોતાનું બાળપણ કુટુંબને જ ટેકો આપવામાં પસાર કર્યુ હતું. તેમના પિતા છગનલાલ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં આવેલી એક કોટન એક્સચેન્જ મિલમાં કામ કરતા હતાં. જોકે, તેમની કમાણી બે છેડા ભેગા કરવામાં ખૂબ જ ટૂંકી નિવડતી હતી.

સુરેશ શાહ નાનપણથી જ આર્થિક હાલત ખરાબ હોવાના કારણે સમજદારીનું ભાથું બાંધીને જ્યારે પણ સમય મળે ત્યારે પિતા છગનલાલને કોટન એક્સચેન્જ મિલમાં મદદ કરતા હતાં. તેમણે એકવાર ગુજરાતી પબ્લિકેશન ચિત્રલેખાને જણાવ્યું હતું કે, ‘હું 10 વર્ષનો હતો જ્યારે હું મારો ફાજલ સમય મારા પિતાને મદદ કરવામાં પસાર કરતો હતો.’

ફર્સ્ટ ક્લાસમાં પોતાનું દસમું ધોરણ એટલે કે મેટ્રિક પાસ કર્યા પછી તેમણે કોલેજમાં એડમિશન લીધું હતું. જોકે, હજુ ગરીબી તો તેમના કુટુંબમાંથી જવાનું નામ લેતી જ નહોતી. સુરેશ પાસે બહુ જ ઓછી પસંદગીની તકો હતી. જેથી તેમણે નાની નાની વસ્તુની ડિલિવરી કરવાથી લઈને સાબુ અને ઝીણા મોતી જેવી ઘરવખરીની વસ્તુઓની ડિલિવરી પણ જગ્યા જગ્યાએ કરી હતી.

કૂલી તરીકે પણ કર્યુ કામ
સદનસીબે, ઘાટકોપર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ હતી કે સુરેશ તેના કુટુંબને આર્થિક રીતે ટેકો આપવા માટે કેટલી મદદ કરી રહ્યો છે અને મહેનત પણ કરી રહ્યો છે. આ માટે તેમણે સુરેશને સમજાવ્યું કે અલગ અલગ જગ્યાએ તેની ઉર્જા વેડફવાના બદલે તે સ્ટેશન પર રહીને જ નાનું મોટું કામ કરી લે. જેથી સમયનો પણ બચાવ થાય. આ પછી નાની મોટી નોકરીમાં જ્યાં ત્યાં રખડવાના બદલે સુરેશ શાહે ફુલ ટાઈમ રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ સ્વીકાર્યું હતું. જોકે, આ પછીથી તેમની ફરજ પૂર્ણ જવાબદારીથી નિભાવ્યા બાદ ઘાટકોપર ડિવિઝનના પ્રેસિડન્ટ બન્યા સુધીની સફર નક્કી કરી હતી.

આ રીતે શરુ થઈ સફળતાની કહાની
આ પછી એક તુલસી શાહ નામના બિઝનેસમેન દ્વારા સંચાલિત પોકેટબુક ડિસ્ટ્રિબ્યૂશન કરતી કંપનીમાં કામકાજ પણ સંભાળ્યું હતું. જે પછી દલાલ સ્ટ્રીટમાં આવેલી ઓફિસમાં મહિનાના 75 રુપિયાના મહેનતાણાંથી 15 કલાકની શિફ્ટમાં પણ કામ કર્યું હતું. સુરેશ શાહની મહેનત જોઈને તુલસી શાહે તેમને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ આપી અને બેંગલુરુમાં કંપનીની જ એક બ્રાંચમાં ટ્રાન્સફર કરી. બસ 1960ના આ વર્ષથી જ શરુ થઈ તેમની સફળતાની કહાની….

સુરેશ શાહ આ નવા જ શહેરમાં આંખોમાં અંજાયેલા સપના લઈને પત્ની ભાનુમતી અને તેમના બે વર્ષના દીકરા સાથે આવી પહોંચ્યા હતાં. બેંગલુરુની બ્રાંચને ઝળહળતી સફળતા અપાવ્યા પછી તેમણે તુલસી શાહ સાથેથી અલગ થવાનું વિચાર્યું હતું. આ ઉપરાંત તેમના પત્ની ભાનુમતી પણ હંમેશા સુરેશ શાહને પોતાનો જ બિઝનેસ ચાલુ કરવા માટે પ્રેરણા આપતા રહ્યા હતાં.

Success story

પત્નીના ટેકાથી મળી હિંમત અને લખાયો ઈતિહાસ
2008માં ઈન્ડિયા ટૂડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ભાનુમતીએ કહ્યું કે,’મારા પતિ જે પહેલા કંપનીમાં કામ કરતા હતા તેમના માલિક સાથે નજીવી બોલાચાલી થઈ હતી. જેથી મે તેમને સ્વતંત્ર રીતે જ કામ કરવાનું સૂચવ્યું હતું. જેથી તેઓ સ્વતંત્ર રીતે અને મુક્ત વિચારશૈલીથી કામ કરી શકે. નોકરી છોડવી અને પોતાનો ધંધો કરવો એ પણ એક મોટું જોખમ હતું. પરંતુ મને મારા પતિની ક્ષમતા પર ભરોસો હતો.’

પત્નીની સલાહને ગંભીરતાથી લઈને સુરેશે તેમની નોકરી છોડી દીધી અને થોડા વર્ષ કામ કર્યા બાદ 1967માં શહેરના ગાંધીનગર વિસ્તારમાં સપના બુક હાઉસ શરુ કર્યું. જે માંડ 100 પુસ્તકો સાથે 10×10 સ્કવેર ફૂટનું હતું. અહીંથી જ તેમના સપના સાકાર થવાના શરુ થયાં.

..બસ પછી પાછળ વળીને ક્યારેય ન જોયું
તેમણે પહેલું પુસ્તક જે વેચ્યું તે એક લિલિપુટ પોકેટ ડિક્શનરી હતું. આ પછી 1967થી 1977 દરમિયાન તેમની બિઝનેસકલાથી અને હાર્ડવર્ક તેમજ મહેનતથી સપના બુક હાઉસને એક અલગ જ ઉંચાઈઓ પર પહોંચાડ્યું હતું. ગાંધીનગર વિસ્તારમાં જ તેમણે 1200 સ્કવેર ફૂટમાં પોતાના બુક હાઉસનું વિસ્તરણ કર્યુ હતું. આ પછી તેમણે પાછળ વળીને ક્યારેય પણ જોયું નથી.

કન્નડ સાહિત્યમાં બુક સ્ટોરને એક અલગ જ ઉંચાઈએ લઈ જવા માટે તેમની મહેનત ખૂબ જ હતી. વીરભદ્રપા એક જાણીતા લેખક જેમને સપના પબ્લિશર્સે જ સપોર્ટ કર્યો હતો તેમણે ધ હિંદુને જણાવ્યુ હતું કે, ‘તેઓ કર્ણાટકના ન હોવા છતા પણ કન્નડ સાહિત્યમાં તેમનું યોગદાન વિશિષ્ટ હતું. ઓમ્નીબસ એડિશન જે શિવરામ કર્ણથ, નિસાર અહમદ અને બીજા લેખકનું પબ્લિશન કરનાર તેઓ પહેલા હતાં.’

મૂળ તો ગુજરાતના ‘ધોરાજી’નું
સુરેશ શાહ એક ખાસ પર્સનાલિટી ધરાવતા હતાં. જેમના મૂળ ગુજરાતના ધોરાજી સાથે સંકળાયેલા છે. તાજેતરના વર્ષોમાં કન્નડ સાહિત્યમાં પબ્લિકેશન ક્ષેત્રે તેમનું નામ ખૂબ જ આદરણીય સ્થાન પર લેવાય છે. સપના બુક સ્ટોરમાં પુસ્તકોની પણ વિવિધ રેન્જ જોવા મળે છે. જેમાં અગણિત પ્રકાર હોય છે. વર્ષ 2011માં 55માં કર્ણાટક રાજ્યોત્સવ નિમિત્તે સપના બુક હાઉસે કન્નડમાં એકસાથે 55 બુક પબ્લિશ કરી હતી.

સુરેશ શાહે એકવાર કહ્યું હતું કે, ‘સપના આજે એક બ્રાન્ડ બની છે. આ ઉપરાંત તે પુસ્તકોનું સમાનાર્થી બની છે. ભારતભરમાં આ એક જ એવી જગ્યા છે જ્યાં તમને એકલાખ કરતા પણ વધારે બુક ટાઈટલ એકસાથે જ મળી શકે છે.’ સુરેશ શાહના નિધન પછી તેમની કર્ટસી સંભાળી રહ્યા છે તેમનો પરિવાર. આ પરિવારમાં તેમના પૌત્ર નિજેશ શાહનો પણ સમાવેશ થાય છે. હવે તેઓ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો પણ ડિસ્ટ્રીબ્યૂટ કરી રહ્યા છે અને આ રીતે બિઝનેસનું વિસ્તરણ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેક્નોલોજી સાથે કદમ મિલાવતા ઈ-કોમર્સ ક્ષેત્રે પણ એન્ટ્રી કરી છે.

ભારતની સૌથી મોટી બુક ચેઈન પ્રસ્થાપિત કરવાથી લઈને એક પ્રેરણાદાયક ઈતિહાસ રચનાર સુરેશ શાહ એક પ્રખર શિલ્પી હતાં સફળતાના, તેમનો પુસ્તક પ્રેમ અને પબ્લિશ કરવા સુધીના વિસ્તારમાં તેમની કામગીરી ખૂબ જ ઉત્તમ રહી હતી. તેમણે સાબિત કરી બતાવ્યું કે સખત પુરુષાર્થ જ સફળતાના દ્વાર ખોલી નાખે છે. હવે તેમનું કુટુંબ તેમણે દર્શાવેલા પથ પર આગળ ચાલી રહ્યું છે.

મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: બે ભાઈઓનો ઇકો ફ્રેન્ડલી બિઝનેસ, દરેક ખરીદી પર લગાવે છે છોડ, અત્યાર સુધીમાં 4500+ થી વધુ છોડ વાવ્યા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon