Search Icon
Nav Arrow
Aamir
Aamir

એક સમયે આજીવિકા માટે અખબાર વેચ્યાં, આજે ઑસ્ટ્રેલિયામાં ઊભી કરી કંપની, ટર્નઓવર 10 કરોડ

પોતાની જાત પર વિશ્વાસ અને અથાગ મહેનતથી આ ભારતીય યુવાને ઑસ્ટ્રેલિયામાં ઊભી કરી પોતાની કંપની

ક્યારેય સમય એકસરખો નથી હોતો. વ્યક્તિ જો નક્કી કરી લે તો, પોતાનું નસીબ જાતે જ બદલી શકે છે. આ વાત 31 વર્ષના આમિર કુતુબે સાચી સાબીત કરી બતાવી છે. અલીગઢથી ઑસ્ટ્રેલિયા સુધીની આમિરની સફર અનેક પડકારો, ધીરજ અને મહેનત બાદ સફળતાની કહાની બતાવે છે. આમિર કહે છે, “ક્યારેય પોતાની આવડત કરતા ઓછાથી સંતોષ ન માનવો.”

તેમણે આજીવિકા માટે એરપોર્ટ પર સફાઈ કરવાથી લઈને અખબાર વેચવા સુધીનાં ઘણાં નાનાં-મોટાં કામ કર્યાં અને પછી 2014 માં પોતાની કંપની ‘એન્ટરપ્રઈઝ મંકી’ લૉન્ચ કરી, જેનું હવે વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયા છે.

નાના શહેરના છોકરાનાં મોટાં સપનાં
ઉત્તર પ્રદેશના સહાનપુરના આમિરના માતા-પિતા આમિરને ભણાવવા માટે અલીગઢ આવીને વસ્યા હતા. અહીં આમિર ઘણા વર્ષો રહ્યા. તેઓ કહે છે, “જો મારા પિતાનું ચાલ્યું હોત તો તેઓ મને ડૉક્ટર જ બનાવત.” પરંતુ આમિરે એમબીબીએસ ન કર્યું અને મિકેનિકલ એન્જિનિયરિંગ કરવા જતા રહ્યા. જોકે તેઓ તેમનું કરિયર આમાં પણ બનાવવા નહોંતા ઈચ્છતા.

તેઓ કહે છે કે, તેમને તેમના કોર્સમાં મન જ નહોંતુ લાગતું, જેના કારણે રિઝલ્ટ પણ ઓછું આવવા લાગ્યું. ધીરે-ધીરે તેમાં રસ સતત ઘટવા લાગ્યો. આ તે સમય હતો, જ્યારે કૉલેજમાં એક પ્રોફેસરે પણ કહ્યું હતું કે, હું જીવનમાં કઈં નહીં કરી શકું. એ પળને યાદ કરતાં આમિર કહે છે, “પ્રોફેસરે મને ક્લાસમાં બધાની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું કે, હું જીવનમાં કઈં નહીં કરી શકું, કારણકે મારું રિઝલ્ટ બહુ ખરાબ હતું. તે સમયે હું અંદરથી તૂટી ગયો. આરો અત્મવિશ્વાસ પણ સતત ઘટવા લાગ્યો અને મને ચારેય તરફ બધુ ખતમ થતું લાગવા લાગ્યું.”

પરંતુ જીવન આગળ વધતું રહ્યું અને આમિર પણ વધ્યા. કૉલેજની અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લેવા લાગ્યા અને તેમનો આત્મવિશ્વાસ ફરીથી વધવા લાગ્યો. તેઓ કહે છે કે, તેમણે તેમણે ચર્ચાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને જીતવા પણ લાગ્યા. તેમને પુરસ્કાર આપનાર પ્રોફેસર પણ એજ હતા જેમણે તેમને આખા ક્લાસની વચ્ચે ધમકાવ્યા હતા. વધુમાં તેઓ કહે છે, “તે સમયે મને લાગ્યું કે, કદાચ પ્રોફેસરને મારી ખૂબીઓ વિશે ખબર નહોંતી. મેં નક્કી કર્યું કે, હું મારા જીવનમાં ચોક્કસથી કઈંક ને કઈંક તો કરીશ, કારણકે હું કરી શકું છું.”

Aamir Kutub

2008 માં બનાવ્યું સોશિયલ નેટવર્ક
આ એ સમય હતો જ્યારે જ્યારે ઓરકુટ સિવાય અન્ય અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ લોકો વચ્ચે લોકપ્રિય બની રહી હતી. આમિર પોતાની કૉલેજ માટે એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવાના વિચાર પર કામ કરવા લાગ્યા. પરંતુ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોવાના કારણે તેમને કોઈએ ગંભીરતાથી ન લીધા. તેઓ કહે છે કે, હંમેશાં મને લોકો એમજ પૂછતા કે, હું મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોવા છતાં પ્રોગ્રામિંગ કરવાનો અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો પ્રયત્ન કેમ કરું છું? પરંતુ તેમણે તેને પડકાર તરીકે સ્વીકાર્યું અને ચાર મહિના તેના પર કામ કર્યું.

તેના લૉન્ચ બાદ વર્ષ 2008 માં તેમની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પહેલા જ અઠવાડિયામાં લગભગ 10 હજાર સભ્યો સાઈન અપ કરી ચૂક્યા હતા. થોડો વધુ સમય પસાર થતાં આ સંખ્યા વધીને 50 હજાર સુધી પહોંચી ગઈ હતી. તેઓ કહે છે, “મને અહેસાસ થયો કે, મને સમસ્યા હલ કરવા ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો સૌથી વધારે ગમે છે.” પરંતુ એવી શું વાત હતી, જેણે તેમનો જુસ્સો જાળવી રાખ્યો? આ બાબતે તેઓ કહે છે, “હું પહેલાંથી જ અસફળ હતો અને મારી પાસે ખોવા માટે કઈં નહોંતુ. જો કામ થઈ ગયું તો બહુ સરસ નહીંતર હું જ્યાં હતો ત્યાં જ રહેવાનો હતો.”

Aamir Kutub

આમિરે વર્ષ 2012 માં નોએડામાં હોન્ડામાં કામ કર્યું. ગ્રેજ્યુએશન બાદ આ તેમની પહેલી નોકરી હતી. તેમણે લગભગ એક વર્ષ સુધી પ્રોડક્શન એન્જિનિયર તરીકે કામ કર્યું અને અહીં જ તેમને અહેસાસ થઈ ગયો કે, તે 9 થી 5 ની નોકરી માટે નથી બન્યા. તેઓ કહે છે, “મેં આ નોકરી ઘરવાળાની ખુશી માટે કરી હતી. પરંતુ આ એ કામ નહોંતું, જેને હું ઈચ્છતો હતો.” તેમને લાગ્યું કે, તેમની પ્રતિભા અને જુસ્સો બંને આમાં વેડફાઈ રહ્યો છે. આમિર કહે છે કે, તેઓ એક ઉદ્યમી બનવા ઈચ્છતા હતા.

23 વર્ષની ઉંમરે આમિરે નોકરી છોકરી દીધી અને તેમને પણ ખબર નહોંતી કે, હવે તેઓ આગળ શું કરશે. પરંતુ તેઓ કહે છે કે, તેઓ તે સમયે પોતાને આઝાદ અનુભવતા હતા. ત્યારબાદ તેમણે વેબ ડિઝાઈનિંગ માટે ફ્રિલાન્સ પ્રોજેક્ટ કરવાના શરૂ કર્યા અને તેમાંના મોટાભાગના પ્રોજેક્ટ્સ ઑસ્ટ્રેલિયા અને લંડનના ક્લાયન્ટ્સના હતા. આ બાબતે ઘણું કામ કર્યા બાદ તેમને અનુભવ મળ્યો અને અહીં આવી વસ્યા. તેઓ તેમના સંભવિત ગ્રાહકોને તેમના આઈડિયા જણાવે તે સમયે તેમના જૂના અનુભવનો પણ ઉલ્લેખ કરતા હતા. તેઓ કહે છે, “હું મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક હતો અને મેં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે કોઈએ મારી મદદ ન કરી. આમ છતાં હું સફળ થયો, કારણકે હું જે કામ કરતો હતો, તે મને ગમતું હતું.”

પહોંચી ગયા ઑસ્ટ્રેલિયા
તેમના એક ક્લાયંન્ટે તેમને ઑસ્ટ્રેલિયા આવીને કામ કરવાની સલાહ આપી. આમિર ઑસ્ટ્રેલિયા માત્ર સ્ટૂડન્ટ વિઝા પર જ જઈ શકે તેમ હતા. એટલે તેમણે એમબીએ માટે અપ્લાય કર્યું અને તેમને આંશીક સ્કોલરશિપ પણ મળી ગઈ. તેઓ કહે છે, “મેં ક્યારેય વિચાર્યું નહોંતું કે હું ઑસ્ટ્રેલિયા જઈશ. જીવનમાં પહેલીવાર હું વિમાનમાં બેઠો હતો. આ પહેલાં મેં વિમાનને બસ આકાશમાં ઉડતું જ જોયું હતું. મારું એટલું સારું નસીબ હતું કે, પહેલા વર્ષે મારા પિતા અને બહેને મને આર્થિક મદદ કરી.”

વધુમાં તેઓ કહે છે, “હું ઑસ્ટ્રેલિયામાં શરૂઆતમાં જે પણ ભારતીયોને મળ્યો, તે બધા જ હોશિયાર હોવા છતાં પેટ્રોલ પંપ પર કામ કરવાનું કે ટેક્સી ચલાવવાનું કામ કરતા હતા. આ જોવું મારા માટે નિરાશાજનક હતું. કારણકે હું લાખો સપનાં લઈને ઑસ્ટ્રેલિયા આવ્યો હતો. શરૂઆતમાં બધુ જ પડકારજનક હતું. અહીંની બોલી, ઉચ્ચાર અને બાકીનું બધું, બહુ મુશ્કેલ હતું. એટલું જ નહીં, માત્ર કૉફીનો ઓર્ડર કરવા જેવું સરળ કામ પણ મને બહુ મુશ્કેલ લાગતું હતું.”

તેઓ કહે છે, “મને વિશ્વાસ હતો કે, મને કોઈને કોઈ નોકરી તો મળી જ જશે, કારણકે મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું.” પરંતુ હકિકત બહુ અલગ હતી. લગભગ ચાર મહિના સુધી આમિર વિવિધ કંપનિઓમાં વિવિધ જગ્યાઓ માટે અરજી કરતા જ રહ્યા પરંતુ ક્યાંય નોકરી ન મળી. 150 કરતાં પણ વધુ જગ્યાઓથી રિઝેક્શન આવ્યું. આ બધાની સ્સાથે કૉલેજની ફી, બીલ અને પોતાનો ખર્ચ આ બધુ વધી રહ્યું હતું. એટલે મેં સફાઈનું કામ શરૂ કર્યું.

તેઓ કહે છે, “મને એરપોર્ટ પર ક્લીનરની નોકરી મળી. ભારતમાં મેં ક્યારેય મારો પોતાનો કચરો પણ સાફ કર્યો નહોંતો અને અહીં આખા એરપોર્ટની કચરાપેટીઓ સાફ કરવી પડતી હતી.” પરંતુ આ અનુભવથી તેમને ઘણું શીખવા મળ્યું. તેમણે દરેક પ્રકારના કામને માન આપતાં શીખ્યું. આ સિવાય આમિરે નાઈટ ડ્યૂટીની નોકરી પણ કરી તે રાત્રે 2 વાગેથી સવારે 7 વાગેની હતી અને તેમાં તેઓ આસપાસના વિસ્તારમાં અખબાર વેચવાનું કામ કરતા હતા.

તેઓ કહે છે, “આ ખૂબજ મુશ્કેલ હતું – બે નોકરીઓ, સાથે એમબીએ અને પોતાનો બિઝનેસ ઊભો કરવાનો પણ પ્રયત્ન. હું બધું જ સાથે કરી રહ્યો હતો.” પોતાના માટે તેમની પાસે માત્ર ત્રણ કલાક જ બચતા હતા અને આવું લગભગ એક વર્ષ ચાલ્યું. અંતે આમિરને આઈસીટી જિલૉન્ગ (ICT Geelong) માં ઈન્ટર્નશિપ મળી ગઈ અને અહીં તેમને એક અઠવાડિયું કામ કર્યા બાદ નોકરી મળી ગઈ. તેઓ કહે છે કે, આ ઓળખ મળવી તેમના માટે બહુ અદભુત અનુભવ હતો અને બહુ મોટી વાત હતી. આગામી બે વર્ષમાં આમિર અહીં જનરલ મેનેજર બની ગયા. માત્ર 25 વર્ષની ઉંમરે પોતાનાથી બમણી ઉંમરના લોકોને મેનેજ કરી રહ્યા હતા. ત્યારે તેમને લાગ્યું કે, તેમણે ખરેખર કઈંક મેળવ્યું. તેઓ અહીંના યુવા ભારતીય અપ્રવાસી હતા, જે ઑસ્ટ્રેલિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યા હતા.

2000 ડૉલર અને ઢગલાબંધ સપનાં
2014 માં આઈસીટી જિલૉન્ગમાં કામ કરતી વખતે જ આમિરે પોતાના ઉદ્યમ ‘એન્ટરપ્રાઇઝ મંકી પ્રોપરાઈટર લિમિટેડ’ ની નોંધની કરાવી, જે એક વેબ અને એપ ડેવલપમેન્ટ કંપની છે, આજે તેમની કંપની ચાર દ્દેશોમાં છે. શરૂઆતમાં બે હજાર ડોલરના રોકાણથી શરૂ કરેલ કંપનીનું કામ તેમણે પોતાના ગેરેજમાંથી જ શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “આ જરા પણ સરળ નહોંતું. મને યાદ છે કે, હું રેલવે અને બસ સ્ટેશન પર મારું કાર્ડ વહેંચતો હતો અને લોકોને મારી કંપની વિશે જણાવતો હતો. લગભગ ચાર મહિના બાદ મને એક વ્યક્તિ મળી, જેણે મને મારી યોજના સમજાવવા માટે થોડો સમય આપ્યો.” પોતાના પહેલા ગ્રાહક બાદ તેમને બીજા ગ્રાહકો મળવા લાગ્યા, કારણે એ લોકો તેમના કામની વાતો કરતા હતા. આ આમિરનો દ્રઢ સંકલ્પ જ હતો, જેનાથી તેઓ આગળ વધતા હતા.

આજે આ કંપની વર્ચ્યુઅલ રિયાલિટી અને ઑગમેન્ટેડ રિયાલિટી તથા આર્ટીફિશિયલ ઈન્ટેલિજસ અને કેટલાંક મોટાં નિગમોમાં પણ પોતાની સેવા આપે છે અને હવે આમિર પાસે પોતાનું કામ કરવા માટે પૂરતા પૈસા પણ છે. તેઓ હવે સક્રિય રૂપે રોકાણ કરવા માટે કંપનીઓ શોધી રહ્યા છે અને કહે છે કે, લગભગ 6,40,000 ડૉલર તેમણે ઘણાં નાનાં સ્ટાર્ટઅપમાં લગાવ્યા છે.

દર્દ નિવારક (પેનકિલર) કે વિટામિન
એક કંપની કે સ્ટાર્ટ-અપાનું મૂલ્યાંકન કરાવાં, તેઓ રોકાણ કરી શકતા હતા, આ જોઈને કે આ કંપની કોઈ પેનકિલર તરીકે કામ કરે છે કે વિટામિન તરીકે. તેઓ જણાવે છે, “આજકાલ આઈડિયા/વિચારોની કોઈ અછત નથી, પરંતુ એ શોધવાનો પ્રયત્ન કરું છું કે, શું આ વિચાર કોઈ સમસ્યાને હલ કરી શકે છે કે માત્ર સારો અનુભવ જ આપી શકે છે. હું પેનકિલર શોધી રહ્યો છું, નહીં કે વિટામિનનો એક ડોઝ.” તેઓ એ ટીમને પણ જરૂરી સમજે છે, જે માત્ર વિચારો પર કામ કરવાની જગ્યાએ તેને યોગ્ય રીતે પૂરા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

અત્યાર સુધીમાં આમિર આઠ સ્ટાર્ટ-અપમાં રોકાણ કરી ચૂક્યા છે અને દરેક સ્ટાર્ટ-અપમાં તેમણે 80 હજાર ડૉલર સુધીનું રોકાણ કર્યું છે. હવે તેઓ બીજાં સાત સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવા ઈચ્છે છે. આ સાત સ્ટાર્ટઅપમાંથી દરેકમાં તેઓ 50 હજાર ડૉલરથી 100 હજાર ડૉલર સુધીનું ફંડિંગ આપશે. તેઓ કહે છે કે, જરૂરી નથી કે, દરેક સ્ટાર્ટ-અપ સારું જ કામ કરી શકે, કેટલાંક નિષ્ફળ પણ થઈ શકે છે. એટલે ઈન્વેસ્ટર બનવું એ એક જોખમી કામ છે.

અત્યાર સુધીમાં બધાં જ રોકાણ તેમણે ઑસ્ટ્રેલિયામાં કર્યાં છે. પરંતુ તેઓ ભારતનાં ટિયર 2 અને 3 શહેરોમાં પણ રોકાણ કરવાની શક્યતાઓ પણ ચકાસી રહ્યા છે. તેઓ કહે છે, “તેઓ કહે છે કે, મને અહીં ઘણી સંભાવનાઓ દેખાય છે. ભારતીયો પાસે બહુ સરસ વિચારો અને વ્યવસાયિક યોજનાઓ છે.”

Positive News

મહત્વની શીખ

  • બીજાંનું ન સાંભળો: મોટાભાગે લોકો તમારી ચિંતા કરે છે જેમકે, માતા-પિતા, શિક્ષક, તેઓ અલગ પેઢીના છે અને જરૂરી નથી કે, તેઓ તમારી હકિકત અને અન્ય વ્યવસાયિક પહેલુઓને સમજી શકે.
  • તમને જેમાં વિશ્વાસ હોય એ જ કરો: જો તમે તમારા નક્કી કરેલ લક્ષ્યને મેળવવા માટે દિલથી મહેનત કરશો તો, તે તમને ચોક્કસથી મળશે.
  • લોકપ્રિય રૂઝાનો (પોપ્યુલર ટ્રેન્ડ) થી દૂર રહો: તમે તમારા જીવન સાથે શું કરવા ઈચ્છો છો, એ માટે બહારની વસ્તુઓને જોવાની જગ્યાએ પોતાની જાતને તપાસો.
  • નિષ્ફળતાઓથી ન ડરો: નિષ્ફળતાઓ જ તમારા માટે સફળતાના રસ્તા ખોલે છે.

આમિર કુતુબ સાથે રેપિડ ફાયર:

  • ભારતની એવી કઈ વસ્તુ છે જેને તમે યાદ કરો છો: ભોજન અને સમાચાર
  • એવી કઈ વસ્તુ છે જે તમે ઑસ્ટ્રેલિયાથી ભારત લાવવા ઈચ્છો છો: નૈતિકતા, સન્માન અને સમાનતા
  • એવી કઈ વસ્તુ છે જે તમે ભારત વિશે બદલવા ઈચ્છો છો: વર્ગ વ્યવસ્થા અને પદ-વ્યવસ્થા
  • સૌથી જબરદસ્ત ખરીદી: મારી કાર (મર્સિડીઝ બેન્ઝ)
  • જ્ઞાનની વાત: સમજી વિચારીને ઠોસ પગલું લો.

મૂળ લેખ: વિદ્યા રાજા

આ પણ વાંચો: નોકરી છૂટી હોય કે કંપની પૂરો પગાર આપતી ન હોય, દુબઈમાં આ ગુજરાતણ જમાડે છે મફતમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon