ભારતના 52માં પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કચ્છમાં ખૂબ જાનહાની થઈ હતી.
એ ભયાનક ભૂકંપને સંપત્તિ, જાનમાલને જે નુકસાન પહોંચાડ્યું તે યાદ આપણા દિમાગમાંથી કદાચ ક્યારેય નહીં વિસરાય. ભૂકંપે કચ્છમાં સૌથી વધારે વિનાશ વેર્યો હતો.
કચ્છના ભૂકંપમાંથી ઊગરી જનાર લોકોમાં એક હતા અક્ષત ચતુર્વેદી. એ સમયે તેમની ઉંમર 22 વર્ષની હતી. ભૂકંપ બાદ તેઓ પોતે તો ઊભા થયા પરંતુ સમાજના અનેક લોકોને ઊભા થવામાં મદદ કરી.

ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા અક્ષતે કહ્યુ કે, “કચ્છ મારું ઘરે છે. હું ત્યાં જ મોટો થયો છું. તે ખરેખર આપદાગ્રસ્ત વિસ્તાર છે, પરંતુ 2002માં જે થયું તેવું અમે વિચાર્યું ન હતું.” અક્ષત થિયેટર આર્ટિસ્ટ હતા. 25મી જાન્યુઆરીના રોજ તેમણે કચ્છી ફિલ્મના પ્રોજેક્ટનું કામ પૂરું કર્યું હતું અને મોડી રાત્રે ઊંઘી ગયા હતા.
“મને યાદ છે કે હું 26મી જાન્યુઆરીના રોજ એક આંચકા સાથે જાગી ગયો હતો. મેં જોયું તો મારી આસપાસ બધુ હલી રહ્યું હતું. મારા દિમાગમાં પ્રથમ વિચાર મારું કોમ્પ્યુટર બચાવવાનો આવ્યો હતો. હું નતો ઇચ્છતો કે તે તૂટી જાય. હું બીજા ફ્લોર પર હતો. મને લાગ્યું કે ભાગી શકાય તેમ નથી. જો મરવું જ હશે તો આ રુમમાં મરી જઈશ,” તેમ અક્ષતે જણાવ્યું હતું.
અક્ષત એ દિવસને યાદ કરતા કહે છે કે, તે બે મિનિટ ખરેખર ભયાનક હતી. કોઈને ખબર ન્હોતી કે શું થયું છે. ચારેતરફ અફરાતફરી હતી.

અક્ષતે આગળ જણાવ્યું કે, “ભૂકંપ આવ્યો ત્યારે લોકો જે તે સ્થિતિમાં બહાર દોડી આવ્યા હતા. અનેક લોકો બાથરૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં બહાર દોડી આવ્યા હતા. અનેક લોકો ભૂકંપ આવ્યો ત્યારે પથારીમાં ઊંઘી રહ્યા હતા. અનેક લોકો નાઇટ ડ્રેસમાં જ બહાર દોડી આવ્યા હતા.”
“ઝટકા બંધ થયા બાદમાં હું શેરીમાં હતો અને વિચારી રહ્યો હતો કે હું કેવી રીતે મદદ કરી શકું. મેં જે દ્રશ્ય જોયું તે કદાચ આખી જિંદગી મને મારી યાદમાં ખટકતું રહેશે. મારી આસપાસ કાટમાળના ઢગલા થઈ ગયા હતા. ક્ષત-વિક્ષત થયેલા મૃતદેહો પડ્યા હતા. એક પણ એવી શેરી ન હતી જ્યાં મકાનો તૂટી ન પડ્યા હતા. હજારો લોકો અંદર ફસાયા હતા.”

અક્ષત એ ગોઝારા ભૂકંપને યાદ કરીને કહે છે કે, “એક જ પળમાં અનેક લોકો ઘર વગરના થઈ ગયા હતા. જેના એક મહિના સુધી અમારે અમારા ઘરની બહાર ટેન્ટ્સમાં રહેવું પડ્યું હતું. કારણ કે કોઈને ખબર ન હતી કે ક્યારે આફ્ટરશૉક આવશે.”
“હું શેરીમાં આગળ ચાલ્યો તો મેં જોયું કે એક ઘરની ફક્ત ફ્રેમ ઊભી છે. આખું ઘર પડી ગયું હતું. 80 વર્ષના વૃદ્ધાની ખોપરી ફાટી ગઈ હતી. તેઓ બેઠા હતા, તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું.” અક્ષતે આ મહિલાને મદદ કરવાની તૈયારી બતાવી ત્યારે મહિલાએ મનાઈ ફરમાવી દીધી હતી. તેણીએ પોતાના ઘર તરફ જોઈને કહ્યુ હતું કે, તેણીએ બધુ ગુમાવી દીધું છે. જે બાદમાં મહિલાએ અક્ષતને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું હતું.
અક્ષત કહે છે કે, “તેણીના આ શબ્દો આજે પણ મારા કાને સંભળાય છે. તેણીએ કહ્યું કે હું તેના માટે કશું કરી શકું તેમ નથી અને તેણીએ મને કહ્યું કે હું સુરક્ષિત જગ્યાએ જતો રહું. એક મહિલા મરી રહી હતી. એ ક્ષણે પણ તેણી મને કહી રહી હતી કે હું સુરક્ષિત જગ્યાએ જતો રહું.”

કદાચ અક્ષતે કચ્છમાં જે જોયું અને જે કામ કર્યું તેનાથી જ તેની કારકિર્દી બરાબર ઘડાઈ હતી. હાલ તેઓ વર્લ્ડ બેંક સાથે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેઓ યુએન સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલા છે, જેમાં તેઓ એનજીઓ સાથે કામ કરી છે, જેમાં ખાસ કરીને ભૂકંપ પછીની પુર્નવસનનું કામ કરવામાં આવે છે. અક્ષતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં બોસ્ટવાના, બેંગકોક, જાપાન જેવા દેશમાં કામ કર્યું છે. હાલ તેઓ વોશિંગટન ડીસી ખાતે છે.
કચ્છના લોકોની હિંમતને બતાવવા માટે અક્ષતે એક પુસ્તક પણ લખ્યું છે. જેમાં કચ્છના ભૂકંપમાં બચી ગયેલા લોકોની વાતો લખી છે. બુકના અમુક અંશ અહીં પ્રસ્તૃત છે.
ફોટોગ્રાફર જેણે પોતાનો હાથ ગુમાવ્યો
ફોટોગ્રાફર પરિવારમાંથી આવતા હરેશે 26મી જાન્યુઆરીના ભૂકંપમાં પોતાનો એક હાથ જ નહીં પરંતુ પત્ની, 13 વર્ષની દીકરી, 15 મહિનાનો દીકરો ગુમાવ્યો હતો. તમામ લોકો પાણીની ટાંકી પડવાથી દબાઈ ગયા હતા. કદાત કુદરતે હરેશ સાથે ખૂબ ખરાબ કર્યુ છે. જોકે, હરેશે પોતાના ચહેરા પરની સ્માઇલ ગુમાવી નથી. તેઓ કહે છે કે, “મારે હસવું જ પડે. જો તમે ચિંતા કરશો તો તેનાથી ડૉક્ટરોને જ ફાયદો છે.”

‘એક સમય હતો જ્યારે હું ઘર બહાર નીકળી શકતી ન હતી, આજે હું બધું કરી શકું છું’
26 વર્ષની જેનાબ માટે 26મી જાન્યુઆરીનો દિવસ રજાનો દિવસ હતો. સવારના સમયે તેણી ન્હાવા માટે પાણી તૈયાર કરી રહી હતી. આ જ સમયે ધરતી હલવા માંડી હતી. જેનાબ અને તેમના પતિ અલ્તાફ બહાર દોડવા ગયાા હતા. જોકે, બંને ઘરમાં જ ફસાયા હતા. સાત સર્જરી અને એક હાથ ગુમાવ્યા બાદ જેનાબનો જીવ બચી ગયો હતો પરંતુ તેમના પતિ બચી શક્યા ન હતા. આજે તેણી પાસે તેનું પોતાનું એપાર્ટમેન્ટ છે. તેણી સ્થાનિક સ્કૂલોમાં નાસ્તો અને કેન્ડી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

‘ભૂકંપ પહેલા જ અનેક ઝટકા સહન કર્યાં’
2001ના વર્ષમાં માયાબા પ્રેગનેન્ટ થયા હતા. તેમના પેટમાં છોકરી ઊછરી રહી હતી. આ જ કારણે તેમના લગ્ન જીવનમાં અનેક સમસ્યા હતી. તેમના પતિને છોકરી જોઈતી ન હતી. પતિ અને સાસરીના લોકો એવું કહી ચૂક્યા હતા કે તેઓ છોકરી માટે કોઈ જ ખર્ચ નહીં કરે. ભૂકંપમાં તેમણે પોતાના શરીરનો નીચેનો ભાગ કાયમ માટે ગુમાવી દીધો હતો. સારા થવાની કોઈ આશા ન દેખાતા તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. એટલું જ નહીં, તેમણે આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણીની દીકરી ચેતનાબા કે જેને સાસરીના લોકો ગર્ભમાં જ મારી નાખવા માંગતા હતા તેણે તેણીને જીવવાનું કારણ આપ્યું હતું. આજે માતા-દીકરી ખૂબ સારા મિત્રો છે. માયાબા કહે છે કે, “મારી દીકરી મારા માટે બધું છે.”
સંઘર્ષની આ કહાનીઓ ખૂબજ સુંદર રીતે આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે. તેને ખરીદવા તમે અહીં ક્લિક કરી શકો છો.
આ પણ વાંચો: 20 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા એ દિવસ, ભૂકંપે માતા-પિતા અને એક હાથ છીનવ્યો પણ આપ્યો અમૂલ્ય પ્રેમ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.