આ રવિવારે જયારે ગાંધીનગર જવાનું થયું ત્યારે ત્યાં પહોંચતા જ સવાર સવારમાં એવી ભૂખ લાગેલી કે સચિવાલયની પાસે આવેલ એક ગાંઠિયાની લારી પર વણેલા ગાંઠિયા તૈયાર થતા જોઈ તે ખાવા માટે મન લલચાયું. હજી તો ત્યાં જઈને બેસું તે પહેલા જ ગાંઠિયાની લારી ચલાવતા દિપેશભાઈએ હું કઈ ઓર્ડર આપું એ પહેલા જ 100 ગ્રામ ગાંઠિયા, ચટણી અને પપૈયાનો સંભારો લઇ આવીને મારી સમક્ષ પીરસી દીધું. અને મારા આશ્ચર્ય વચ્ચે હું તેટલામાં ધરાઈ પણ રહ્યો. જયારે બિલ આપવા માટે હું તેમની પાસે ગયો ત્યારે મેં તેમણે પૂછ્યું કે મેં તો કોઈ ઓર્ડર આપ્યો જ નહોતો તો પછી તમને કંઈ રીતે ખબર પડી ગઈ કે હું આટલું જ જમીશ. તો દિપેશભાઈ હસીને કહે કે સાહેબ આજ તો ખાસિયત છે.
સૌથી યુનિક કોઈ રીત હોય તો તે દિપેશભાઈની આ ગ્રાહકને પારખીને તેની ગાંઠિયા ખાવાની કેપેસિટી કેટલી હશે તે જાણી લેવાની છે. આમ ગ્રાહકની કેપેસીટી એ આવીને બેસે એટલે દિપેશભાઈને ખબર પડી જ જાય છે. સામેથી જ ગ્રાહક કહે તે પહેલા એ કેટલું ખાઈ શકશે તે તેઓ જાણી જાય છે અને ગ્રાહક ઓર્ડર આપે તે પહેલા જ તેની કેપેસીટી પ્રમાણે પીરસી પણ દે છે. અમુક ગ્રાહક સામે ચાલીને કોઈ ઓર્ડર કરે તો પણ તે સુધારી દિપેશભાઈ એમને પોતાની રીતે જ પીરસે છે જે તેમના માટે સચોટ રીતે અનુકૂળ રહે છે જેમકે ઉદાહરણ રૂપે કોઈ આવીને કહે કે મને 200 ગ્રામ ગાંઠિયા આપો તો દિપેશભાઈ કહે છે કે તમે હાલ 100 ગ્રામ લઇ લો પછી જોઈશે તો બનાવી આપીશ અને તે વ્યક્તિ 100 ગ્રામમાં જ ધરાઈ જાય છે. આમ ફક્ત કમાવવાની દાનત ન રાખતા દિપેશભાઈની આ ખાસિયત તેમને ગાંધીનગરના એકદમ યુનિક ગાંઠિયાવાળા તરીકે ઓળખ અપાવે છે.
મૂળ જામનગર જિલ્લાના ભાણવડના વતની પણ વર્ષોથી ગાંધીનગરમાં સ્થાયી થયેલા દિપેશભાઈ અને તેમના મોટાભાઈ સંજયભાઈ તથા કપિલભાઈ છેલ્લા 21 વર્ષથી વણેલા ગાંઠિયાની લારી ચલાવી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે. અત્યારે તેમની ગાંઠિયાની લારીની ત્રણ શાખા છે જેમાં એક સચિવાલયની સામે વિશ્રામ ગૃહની બાજુમાં, બીજી સેક્ટર 21 માં પેટ્રોલ પમ્પની બાજુમાં, ત્રીજી મીના બજાર જલારામ બુક સ્ટોરની બાજુમાં છે.

આ પણ વાંચો: સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુ
અત્યારે તો દરેક શાખા મહિને 30 થી 50 હજાર આરામથી કમાઈ લે છે અને પરિવાર પણ ખુબ સારી સગવડતા સાથે જીવે છે પરંતુ તેમના પરિવારને આ મુકામ સુધી પહોંચતા પહેલા આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. સતત સંઘર્ષ અને દરેક વખતની પછડાટ પછી પણ ફરી ફરી ઉભા થઈને લડવાના જુનૂન તેમજ સયુંકત પરિવારની કોઈ પણ પરિસ્થિતિમાં તૂટ્યા વગર એકબીજા સાથે ખભે ખભો મિલાવીને ચાલવાની આવડતે બધાને ક્યારેય નાસીપાસ ન થવા દીધા અને સાહસ કરતા જ રાખ્યા.
દિપેશભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે તેમના પરિવારની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સંઘર્ષ તેમજ સફળતાની વાતચીત ખુલ્લા મને કરી હતી. તેઓ જણાવે છે કે, શરૂઆતમાં પોતે જયારે સાતમા ધોરણમાં હતા ત્યારે તેમના માતા સવિતાબા જામનગરથી 11 કિલોમીટર દૂર આવેલ કંપનીના 150 લોકો માટે ટિફિન બનાવતા અને પરિવારને આજીવિકા રળી આપતા. ટિફિનની ડિલિવરી કરવા માટે તેમની પાસે કોઈ સાધન નહોતું તેથી વચેટ કપિલ ભાઈ કોઈ પણ વાહન ન હોવા છતાં પણ મૂંઝાયા વગર સાયકલ ચલાવીને બપોરે અને રાત્રે બંને ટાઈમ બધા જ ટિફિન એકસાથે લઈને 11 કિમી સુધી આપવા જતા.
તેમાંથી ધીરે ધીરે કમાણી વ્યવસ્થિત થતા વર્ધીનો ધંધો શરૂ કરવા ત્રણ એમ્બેસેડર ગાડી ખરીદી પરંતુ એક ગાડીના એક્સીડંટ પછી તેના કારણે આવેલા ક્લેમમાં બધી જ કમાણી જતી રહી અને આગળ જતા જે કંપનીમાં ટિફિન જમાડતા તે કંપની પણ ઉઠી ગઈ અને ફરી પાછા અમે 1996 માં કફોડી સ્થિતિમાં મુકાયા.

આ સંઘર્ષ ભરેલા સમય દરમિયાન પોતે જયારે આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પોતાની માતાને ઘરમાં પડેલ ભંગારને વેચી તેના દ્વારા મળેલા રૂપિયામાંથી એક દિવસનું સીધુ લાવી પરિવારને જમાડતા જોયા ત્યારે જ દિપેશભાઈને થઇ ગયું કે, હું મજૂરી કે ગમે તે કરીશ પરંતુ પરિવારમાં ક્યારેય પૈસા ઓછા નહીં થવા દઉં. આગળ જતા પરિવારની પરિસ્થિતિ વધારે નબળી થવાના કારણે તેઓ ધોરણ નવમા સારા માર્ક્સ સાથે પાસ થયા હોવા છતાં 10 માં ધોરણમાં જાણી જોઈને નાપાસ થયા અને પોતાના મામાને ત્યાં ફરસાણની દુકાનમાં 1500 રૂપિયા પ્રતિ મહિનાના લેખે નોકરી કરવા જોડાયા.
દિપેશભાઈ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે, તેમણે તેઓ 13 વર્ષના હતા ત્યારથી જ વેકેશનમાં મામાની ફરસાણની દુકાનમાં નોકરી કરી કમાવવાની શરૂઆત કરી દીધી હતી. અને આગળ જતા ત્યાં જ નોકરીએ જોડાઈ ગયા હતા. થોડો સમય ત્યાં નોકરી કર્યા પછી ઘરને હજી વધારે પૈસાની જરૂર જણાતાં જામનગરના એક શેઠ માટે રોજની એક બોરીના 64 કિલો પ્રમાણે ત્રણ બોરી સેવ બનાવવાનું શરુ કર્યું જેમાં દર મહિને 8 થી 9 હજાર રૂપિયા મળવા લાગ્યા મળવા લાગ્યા. આ સમય દરમિયાન તેમના બંને ભાઈઓ પણ પરિવારને મદદરૂપ થવા ક્યાંક ને ક્યાંક મજૂરી કરી થોડા ઘણા પૈસા કમાઈ જ રહ્યા હતા.

આ પણ વાંચો: દાબેલી તો ક્યાંક સેન્ડવીચ વેચી 32 દેશોની મુસાફરી કરી ચૂક્યો છે ભુજનો આ યુવાન
આગળ જતા 1997 માં તેમના એક સંબંધીએ ગાંધીનગર ખાતે ગાંઠિયાની લારી શરૂ કરી અને તેમની સાથે ભાગીદારીમાં જોડાવા માટે દિપેશભાઈના મોટા ભાઈ સંજયભાઈ સામે ઓફર મૂકી. તક સારી લાગતા સંજયભાઈ તે સંબંધી સાથે ગાંધીનગર ગયા અને ધંધો શરુ કર્યો જેમાં તેઓ દિવસના 500 રૂપિયા આસપાસ કમાઈ જ લેતા હતા. પરંતુ 6 મહિનામાં જ સંબંધીને ધંધો વ્યવસ્થિત ના લાગતા ભાગ છૂટો કરવામાં આવ્યો અને લારી વેચવા માટે કાઢવામાં આવી તથા તેમના મોટાભાઈને પણ જણાવવામાં આવ્યું કે જો તે 15000 રૂપિયા જમા કરાવે તો સમગ્ર ધંધો તેમના એકલાનો. પણ દિપેશભાઈ જણાવે છે કે, એ સમયે એક રૂપિયો પણ ખર્ચી શકવાની ક્ષમતા પરિવાર પાસે નહોતી. તેથી તે 6 મહિના પછી મોટાભાઈ પરિવારને જાણ કર્યા વગર ગાંધીનગર ખાતે રહીને ફેરી કરી દિવસના 50 રૂપિયા જેટલું કમાતા. એક દિવસ જયારે તેમના પિતા જયંતીભાઈને આ વાતની ખબર પડી ત્યારે તેઓ તેમના પૌત્રના ગલ્લામાં ભેગા કરેલા પાંચસો રૂપિયા લઇ ગાંધીનગર શહેરમાં સંજયભાઈ પાસે આવ્યા અને ત્યાં આવી સંજયભાઈને લઈને શહેરમાં જ રહેતા પોતાના સાહેબ કે જેમની પાસે તેઓ નાનપણમાં ભણેલા તેમની પાસે લઇ ગયા. પિતાજીના સાહેબે ખુબ જ કપરા સમયે લારી ખરીદવા માટે 15000 રૂપિયાની મદદ કરી અને તે પૈસાના ઉપયોગ દ્વારા લારી ખરીદી લેવામાં આવી.
આમ સંજયભાઇએ ફરી 6 મહિના પછી પોતાની મેળે ગાંઠિયાનો ધંધો નવેસરથી શરુ કર્યો પરંતુ તેમની પાસે આ બાબતે સીધુ ખરીદવા માટે અને સાવ નજીવું રોકાણ કરવા માટે પણ બિલકુલ પૈસા નહોતા. ઉપરથી ધંધો 6 મહિના બંધ રહેવાના કારણે ઘરાકી પણ ઓછી થઇ ગયેલી જેથી તેમણે દિપેશભાઈને કહ્યું કે ગાંઠિયા બનાવવા માટે બે ત્રણ મહિના સુધી જામનગરથી બેસન અને તેલનો સમાન જો મળી રહે તો ધંધો ટકી જાય તેમ છે. આટલું સાંભળ્યું નથી કે તરત જ દિપેશભાઈએ પોતાની મજૂરીમાંથી પૈસા કપાવી પોતે જે શેઠનું કામ કરતા તેમના ત્યાંથી 3 બોરી બેસન અને 5 તેલના ડબ્બા ગાંધીનગર સંજયભાઈ પાસે મોકલાવ્યા.
1997 માં લારી શરુ કરી ત્યારે 500 રૂપિયાનો ધંધો થતો. લારી 6 મહિના બંધ રહી ને ફરી શરૂ કરી ત્યારે ત્યારે દિવસના 600 રૂપિયાનો ધંધો થતો અને થોડા સમયમાં જ તે ધંધો દિવસના 2500 રૂપિયા સુધી પહોંચી ગયો ત્યારે મોટાભાઈએ દિપેશભાઈએને કહ્યું કે તું પણ અહીંયા આવીજા હવે મારા એકલાથી આ નથી સંભાળાતું. એ પછી દિપેશભાઈ પણ ગાંધીનગર ગયા. બંને ભાઈઓએ તે પછી પાછું વળીને જોયું નહીં અને ધંધો વધારે વિકસ્યો તથા 4500 રૂપિયાથી લઈને દિવસના 8 હજારની કમાણી સુધી પહોંચી ગયો. અત્યારે પણ તેઓ દિવસના 5000 સુધી કમાઈ લે છે જેમાં તેમને 1500 થી 2000 સુધીનો નફો થાય છે. મહત્વની વાત એ છે કે અત્યારે તેમની ત્રણ શાખા છે અને દરેકનો ધંધો આ પ્રમાણેનો જ ચાલી રહ્યો છે. એક પણ દિવસની રજા તેઓ નથી પડતા અને દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસે પણ લારી તો ચાલુ જ રહે છે.
તેઓની ચટણીના સ્વાદની ખુબી જ અલગ છે. જે ગ્રાહકોને ખુબ જ ભાવે છે. ચટણીની રેસિપી જણાવતા તેઓ કહે છે કે ચટણી તો એકદમ સામાન્ય રીતે જ બનાવવામાં આવે છે અને તેમાં તેમની કોઈ મોનોપોલી નથી. જેમાં ખજૂર આંબલી આદુ, મરચાં, લસણ અને ગાંઠિયાના ભુક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌ પ્રથમ ખજૂર અને આંબલીને રાત્રે પલાળી દેવાની પછી તેને સવારે ઉકાળી તેમાં ગાંઠિયાનો ભુક્કો નાખવાનો. ત્યારબાદ તેને ઝરામાં કાઢી આદુ મરચાં તથા લસણની ગ્રેવી કરી તેમાં ઉમેરી હલાવી દેવાની આમ છેલ્લે ખાટી મીઠી અને તીખો ટેસ્ટ ધરાવતી ચટણી તૈયાર થઇ જશે.

આ પણ વાંચો: પતિના અવસાન બાદ, “ભાવે તો જ પૈસા આપજો” ના સૂત્ર સાથે સુરતી નારીએ શરૂ કર્યું ભોજનાલય
આજ કારણે તેમને વિવિધ જગ્યાના ઓર્ડર પણ મળવા લાગ્યા તેમાં શરૂઆતમાં જયારે તેમણે એક જગ્યાએ નવરાત્રીના ફંક્શનમાં ઓર્ડર લીધો હતો ત્યાં સમાન અને બધી વસ્તુઓ 400 રૂપિયાની સાયકલ જે પણ તેમણે 100 રૂપિયા પ્રતિ મહિનાના હપ્તા સાથે લીધેલી તેના પર લઈને જતા હતા. આ વાતની ખબર અને બંને ભાઈઓની મેહનત વિશે જયારે ત્યાં રહેતા બે દંપતીને પડી ત્યારે તેમણે સામેથી દિપેશભાઈએ ના પડી હોવા છતાં પણ ડાઉનપેમેન્ટ ભરી આપી બાઈક લઈને આપ્યું જે અત્યારે પણ દિપેશભાઈ પાસે છે અને તે વિશે યાદ કરતા તેઓ લાગણીવશ પણ થાય છે અને જણાવે છે ખરેખર મહેનતુ માણસોને મદદ કરવા માટેની માનવતા હજી પણ નથી મરી પરવારી. હાલ તેઓ ગાંઠિયા સિવાય મેથીના ગોટા, બટેટા વડા, જલેબી વગેરે પણ બનાવે છે.
કોરોનામાં ખુબ તકલીફ પડી અને ધંધો દિવસના 1200 રૂપિયાનો થઇ ગયો હતો તથા લોકડાઉન વખતે 3 મહિના ઘરે જામનગર જતા રહ્યા હતા અને જે બચત હતી તે બધી જ વપરાઈ ગઈ હતી. ફરી પાછા અમે થોડા ભીડમાં આવી ગયા અને આ બધી મુશ્કેલીઓ લહેર સુધી ચાલુ રહી પરંતુ ફરી વેક્સિનેશનનો વ્યાપ વધતા અને કોરોનાની અસર પણ ઓછી થતા લોકોની અવર જ્વર બહાર વધવા લાગી ત્યારે ધંધો પહેલાની જેમ જ ચાલવા લાગ્યો.
એક રસપ્રદ કિસ્સો જણાવતા દિપેશભાઈ કહે છે કે, એક સમયે ગાંધીનગર સ્થાપેલો આ ગાંઠિયાનો ધંધો વચેટ ભાઈને 2005 માં સોંપી પોતે અને મોટાભાઈ બંને સુરત ગયા અને ત્યાં ગાંઠિયાનું શરુ કર્યું પણ તે એટલું બધું નહોતું ચાલતું એટલે બાજુમાં એક સાઉથ ઇન્ડિયન નાસ્તા વાળને પોતાનો ધંધો વેચવો હતો જેથી તે ધંધો 40000 રૂપિયામાં ખરીદી સુરતમાં સાઉથ ઇન્ડિયન નાસ્તાનું શરુ કર્યું. ત્યાં તેઓ ત્રણ વર્ષ સુધી રહ્યા અને સારું કમાયા તથા સુરતમાં મકાન પણ લઇ લીધું પરંતુ 2007 માં સુરતમાં આવેલા ભયંકર પૂર પછી તેમના પિતાએ તેમને 2008 માં ત્યાંનો ધંધો બંધ કરાવી અને બધી જ મિલકત વેચાવડાવી પોતાની પાસે બોલાવી લીધા.

આજે પણ તેમનો સંયુક્ત પરિવાર છે અને બધા સાથે જ હળી મળીને રહે છે. થોડા સમય પહેલા માતા પિતાને નિવૃત જીવન ગાળવાની ઈચ્છા થતા જામનગરમાં જ 1100 સ્કવેર ફૂટનું ઘર લેવડાવી ત્યાં સ્થાનાંતરિત કર્યા છે અને ત્યાં તેઓ બધી જ સુખ સુવિધા સાથેનું આરામ દાયકલ જીવન વિતાવી રહ્યા છે. જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધી મહિને જેટલું પણ કમાઈએ તે બધું જ પિતાજીને આપી દેતા અને તે જ સમગ્ર ઘરનો વહીવટ સાંભળતા હવે જયારે તેઓ જામનગર રહે છે ત્યારે આ જવાબદારી મોટાભાઈ સંજયભાઈ સાંભળે છે અને આજે પણ દર મહિને અમે જેટલું પણ કમાઈએ તેટલું મોટાભાઈને આપી દઈએ છીએ અને તે રીતે જ ઘરનો વહીવટ ખુબી જ સારી રીતે ચાલે છે.
છેલ્લે દિપેશભાઈ એટલું જ કહે છે કે, આમ આ રીતે જ કમાણી કરી અને સુવ્યવસ્થિત સંચાલન સાથે જીવનમાં આગળ વધ્યા ત્યારે બાળકોને ભણાવી પણ શક્ય જેમાં સંજયભાઈનો પુત્ર ફાર્મસી પૂરું કર્યા પછી હવે માસ્ટર કરવા માટે યુકે જઈ રહ્યો છે જયારે દિપેશભાઈનો પુત્ર 11 માં ધોરણમાં ભણે છે છે અને તેમના વચેટ ભાઈનો પુત્ર પોતાના પિતાની સાથે જે વ્યવસાયે તેમણે સન્માનજનક જિંદગી જીવતા કર્યા તે સંભાળે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સંઘર્ષનો સામનો કરી દીકરીના ભવિષ્ય માટે, સુરતીઓને 90 જાતના પરાઠા ખવડાવી બની આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.