સ્વાદિષ્ટ નાસ્તો કોને ન ગમે? તેમાં પણ એ નાસ્તો ખૂબજ પ્રેમથી બનાવેલ હોય તો? 70 વર્ષનાં ગુલાબ ભંડારી, જેમણે ઘરેથી ખાખરા, થેપલા, અથાણાં, શરબત અને ચૂરણ બનાવવાનો વ્યવસાય લગભગ ત્રણ દશક પહેલાં કર્યો હતો.
ઘરેથી મહિનામાં લગભગ 100 ઓર્ડર પહોંચાડવાથી શરૂ કરેલ વ્યવસાયમાં ગુલાબદાદી અત્યારે એક ફેક્ટરી ચલાવે છે, જેમાં લગભગ 30 કર્મચારીઓ કામ કરે છે અને મહિનામાં 2000 કરતાં વધારે ઓર્ડર પૂરા કરવામાં આવે છે.
ગુલાબ દાદીના ભત્રીજા નવીન ભંડારીએ તેમના વ્યવસાયને આગળના લેવલ સુધી પહોંચાડ્યો છે.

નવીન ભંડારીએ કહ્યું, “હું નાનપણથી કાકીને ખૂબજ સ્વાદિષ્ટ નાસ્તા અને વાનગીઓ બનાવતાં જોતો આવ્યો છું અને તેઓ ગ્રાહકો માટે કેટલાં કર્તવ્યનિષ્ઠ રહે છે તે જોયાં છે. મારા માટે તેમની આ કળાને યોગ્ય સ્થાન અપાવવું અને અને તેમના આ વ્યવસાય અને ગ્રાહકોનો સુમેળ સાધી વધારે લોકો સુધી તેનો વ્યાપ વધારવો એક તાર્કિક બાબત છે. મને લાગ્યું કે, રસોઇ માટેની તેમની ધગશ અને અને મારી વ્યવસાયિક કુશળતાથી, અમે સારી ટીમ બનાવી શકીએ છીએ.”
ઓક્ટોબર 2015 માં બ્રાન્ડ ગુલાબને ઓફિશિયલી લૉન્ચ કરવામાં આવી અને લોકપ્રિય બની ગઈ. શરૂઆતમાં ગ્રાહકોને તેમના અલગ-અલગ પ્રકારના ખાખરા, શરબત, અથાણાં અને તાજેતરમાં શરૂ કરેલ રેડી-ટુ-ઈટ વાનગીઓ, જેમાં ઉપમાનો પણ સમાવેશ થાય છે, બહુ જ ગમે છે.

“બધુ જ સપ્લાય અને માંગ પર જ આધારિત છે”
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં નવીન જણાવે છે, “થોડાં વર્ષો પહેલાં, દિવાળી પર હું કાકીના ઘરે હતો અને મેં જોયું કે, ઘરની બહાર અને અંદર ઘણા લોકો હતાં. બધાં કાકી પાસેથી પેકેટ લઈ રહ્યા હતા અને રોજિંદી વાત કરી રહ્યા હતા. એકવાર બધા ગયા એટલે અમે માત્ર ઘરના જ સભ્યો રહ્યા, મેં તેમને એ લોકોની ભીડ વિશે પૂછ્યું.”
નવીનને જાણવા મળ્યું કે, એ લોકો ગુલાબદાદીનાં ગ્રાહકો હતાં, જેઓ નિયમિત તેમની પાસેથી ખાધ્ય વાનગીઓ ખરીદતા હતા. વિદેશ ભણતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તેમની પાસેથી સૂકો ખોરાક અને નાસ્તો લઈ જતા હતા, જેને તેઓ લાંબા સમય સુધી સાચવી શકતા હતા. તેમાંના મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ અને કેનેડામાં હતા.

નવીન જણાવે છે, “આ બધુ જ સપ્લાય અને માંગ પર આધારિત હતું અને મારી અંદર રહેલ ઉધ્યોગ સાહસિકને આમાં બહુ મોટી તક દેખાઈ.”
નવીનના પ્રયત્નોથી કંપની રજિસ્ટર કરવામાં આવી અને FSSAI ના લાઇસન્સ માટે અરજી કરવામાં આવી અને બધી જ વાનગીઓમાં પૌષ્ટિક તત્વો જળવાઇ રહે તેનું ધ્યાન રાખવા બે ન્યૂટ્રિશનિસ્ટ લેવામાં આવ્યા.

માસ્ટરશેફ જણાવે છે..
મૂળ રાજસ્થાનનાં ગુલાબદાદી પહેલાંથી ચેન્નઈમાં મોટા કુટુંબમાં મોટાં થયાં છે. તેઓ જણાવે છે, “મારું શિક્ષણ ચેન્નઈમાં જ થયું અને અહીં જ હું મોટી થઈ. નાનપણથી જ મને યાદ છે કે, મને રસોઇનો બહુ શોખ હતો. જોકે શરૂઆતમાં તેના માટે ધગશ નહોંતી – મારી માતા રસોઇ બનાવતી અને હું પણ બનાવતી. બસ ત્યાંથી જ શરૂઆત થઈ.” ગુલાબ દ્વારા બનાવવામાં આવતી વાનગીઓ સ્વાદમાં થોડી અલગ હોય છે, કારણ કે, તેઓ લસણ-ડુંગળીનો ઉપયોગ નથી કરતાં.
ગુલાબદાદી જણાવે છે, “સમય પસાર થતો ગયો તેમ-તેમ આગામી પેઢી પણ મોટી થતી ગઈ અને વસ્તુઓમાં વિવિધતાની માંગ પણ વધતી ગઈ. એ પ્રમાણે હું વાનગીઓમાં અલગ-અલગ અખતરા કરતી રહી. તે સમયે રસોઇમાં મારો જુસ્સો અને ધગશ વધવા લાગી અને અને હું નવું-નવું કરવા લાગી. અમે વધારે ગ્રેવીવાળી વાનગીઓ બનાવવા લાગ્યા અને અમારા કુંટુંબની નવી પેઢીને એ ગમવા લાગી.” લગભગ 60 સભ્યોના અમારા સંયુક્ત કુટુંબમાં બધાંજ ભાઇ-ભત્રીજાં અને બાળકો ભેગાં થઈને રહે છે અને તેમાં મારું કામ રસોઇ બનાવવાનું અને બધાંને જમાડવાનું હતું.

ત્યારબાદ ગુલાબ, તેના પતિ, બાળકો અને સાસુ-સસરા તેમના મૂળ ગામમાં રહેવા ગયા અને ત્યાં તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
ખાખરા, શરબત અને ચૂરણ
ગુલાબ જણાવે છે, “મેં લગભગ 1994 માં 40 વર્ષની ઉંમરે આ વસ્તુઓ બનાવવાની શરૂ કરી હતી. તે અમારા કુટુંબમાં જ વેચાઈ ગઈ. વ્યવસાય મિત્રો અને સગાં-સંબંધીઓથી જ શરૂ થયો. ધીરે-ધીરે આ રીતે એકબીજા દ્વારા અમારો વ્યવસાય વિકસવા લાગ્યો.”
અમારી સાથે વાત કરતાં ગુલાબદાદી જણાવે છે કે, ખાખરાની માંગ સૌથી વધારે છે જ્યારે ચૂરણ (પાચનની ગોળીઓ) અને શરબતની માંગ પણ ઘણી વધારે છે.
ગુલાબદાદીને આ અંગે આગળ વધવામાં અને વ્યવસાય કરવામાં તેમની સાસુનો સાથ બહુ સારો મળ્યો હતો. આ અંગે તેઓ જણાવે છે, “તેમની મદદ અને સૂચનોથી જ આટલો ઝડપી વિકાસ થઈ શક્યો. મેં જ્યારે પહેલી વાનગી બનાવી ત્યારે મને હતું કે, તેઓ આને ચાખે અને જણાવે કે આમાં મસાલા કેવા છે, અને તેઓ ખૂબજ સાવચેતીપૂર્વક તપાસતાં અને બસ ત્યાંથી જ હું તેમની પાસેથી બધુ શીખી.”

2015 સુધી ગુલાબ તેમના ઘરેથી જ આ વ્યવસાય કરતાં અને પછી નવીનને તેને વિકસાવવાનું સૂજ્યું. નવીન જણાવે છે, “મને કાકીની રસોઇ માટેની સાવચેતી સમજવામાં ઘણો સમય લાગ્યો. મને આમાં વિકાસની ઘણી મોટી તક દેખાઇ અને તેને વિકસાવવાનું નક્કી કર્યું.” તેઓ ઉમેરે છે, “2015 ની દિવાળીએ અમારાં જીવન બદલી નાખ્યાં.”
નવીન જણાવે છે, “સાચું કહું તો, મારા માટે પણ આ બહુ મોટી તક હતી, કારણકે મેં ઈરોસ સાથેની ડીલ હજી ખતમ જ કરી હતી, જેમાં ટેકઝોન નામના સ્ટાર્ટ-અપની ટેક્નોલઑજીનું વેચાણ કર્યું અને તેમાંથી હું જે કમાયો એ હું ક્યાંક ઈન્વેસ્ટ કરવા ઈચ્છતો હતો.”

ગૃહઉદ્યોગથી ઉદ્યોગથી
ગુલાબ જ્યારે ઘરે રસોઇ કરતાં ત્યારે તેમણે ક્યારેય કમાણી વિશે નહોંતું વિચાર્યું. તેઓ જણાવે છે, “હું તેને વેચીને જે પણ કમાતી તે ઘરમાં કોઇને કોઇ જરૂરિયાત પૂરી કરવા વાપરતી હતી. તે સમયે મેં ક્યારેય વિકાસનું કે કમાણીનું નહોંતું વિચાર્યું. હું મારા માટે હિસાબ કે અકાઉન્ટ પણ નહોંતી રાખતી. હું ગૃહઉદ્યોગનું કામ કરતી હતી, કારણકે મને તેમાં મજા આવતી હતી.”
આ વ્યવસાયમાં નવીન આવતાં જ તેમણે બદલાવ લાવવાનો શરૂ કર્યો, તેમણે મશીનમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને કેટલાક નવા કર્મચારીઓ લીધા અને તે બધાનો બરાબર હિસાબ રાખવાનો શરૂ કર્યો.

નવીન જણાવે છે, “મોટાભાગનું રોકાણ મશીનમાં જ કરવાની જરૂર હતી, સાથે-સાથે કામ માટે યોગ્ય જગ્યા અને યોગ્ય પેકેજિંગની પણ અમને જરૂર હતી.”
વ્યવસાયનું આખેઆખુ નવીનીકરણ કરવામાં નવીનને લગભગ દોઢ વર્ષ લાગ્યું. તેઓ જણાવે છે, “અમે ગુજરાત અને ચેન્નઈથી નવાં મશીન ખરીદ્યાં અને વેચાણકર્તાઓ સાથે સંપર્ક બનાવી તપાસ્યું કે, વ્યવસાય કેવી રીતે વધારવો.”
વ્યવસાયની શરૂઆતમાં 10 ખાખરા 70 રૂપિયામાં વેચાતા હતા, જ્યારે આજે 12 ખાખરાનું પેકેટ લગભગ 135 રૂપિયામાં વેચાય છે.
પેકેજિંગથી લઈને ખાખરાને લાંબા સમય સુધી સાચવી શકાય એ માટે વેક્યુમ સીલ પેકિંગ અને દરેક પેકેટ સાથે અથાણું પણ આપવામાં આવે છે.
અત્યારે ગુલાબદાદી મોટાપાયે વ્યાવસાય કરે છે અને તેમની સાથે બીજા પણ ઘણા લોકો કામ કરે છે. નવીનના કહેવા મુજબ જો આમાં કઈંજ ન બદલાયું હોય એ હોય તો વસ્તુઓનો સ્વાદ અને તેની ગુણવત્તા.
જે લોકો ગુલાબદાદી પાસેથી પહેલાંથી અત્યાર સુધી ખરીદતાં આવ્યાં છે, તેમના મુજબ, સ્વાદમાં જરા પણ ફરક પડ્યો નથી. ગુલાબદાદીની વસ્તુઓની સૌથી મોટી ખૂબીની વાત કરવામાં આવે તો, તેમાં વાપરવામાં આવતી બધી જ વસ્તુઓ અને મસાલા 100 ટકા ઓર્ગેનિક હોય છે, તેમાં કોઇ વધારાના રંગ કે રસાયણોનો ઉપયોગ કરવામાં નથી આવતો, ઉપરાંત તેમાં આર્ટિફિશિયલ સ્વિટનરનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો,

ગ્રાહકો કરે છે બહુ વિશ્વાસ
ગુલાબદાદીના મોટાભાગનાં ગ્રાહકો વર્ષોથી તેમની પાસેથી જ સામાન ખરીદે છે. આ અંગે નવીન જણાવે છે, “અમે નવી વસ્તુઓ લૉન્ચ કરી ત્યારે તેના વધેલા ભાવથી અમારા ઘણા જૂના ગ્રાહકો નિરાશ દેખાયા અને તેઓ અમારા માટે ખૂબજ મુલ્યવાન હતા. એટલે અમે એ ગ્રાહકોને તેમને પોસાય એ ભાવે જ આપવાનું નક્કી કર્યું.”
આ આખો વ્યવસાય જ અમારા જૂના ગ્રાહકોના કારણે ઊભો થાયો હતો એટલે નવીન કોઇપણ ભોગે તેમને ખોવા નહોંતા ઈચ્છતા. જ્યારે ગુલાબદાદીને પૂછવામાં આવ્યું કે, તેમને ફીડબેક કેવી રીતે મળે છે? ત્યારે તેમણે કહ્યું, “આ મારા માટે ખૂબજ મહત્વનું છે. હું ફીડબેક માટે તેમના ફોન કે મેસેજની રાહ જોઉં છું. જ્યારે કોઇ તેમને મળેલ સામાનથી ખુશ ન હોય ત્યારે હું તેમને તરત જ બદલી પણ આપું છું.”
ગુલાબની પાછળ મદદ કરી રહેલ લોકો
જૂની યાદોને વાગોળતાં નવીન જણાવે છે કે, “અમારા 60 વ્યક્તિઓના કુટુંબમાં દરેકને અલગ-અલગ કામ સોંપવામાં આવ્યાં હતાં. જેમાં કાકીનું કામ એ હતું કે, ઘરમાં કોઇ બાળક ભૂખ્યું ન રહે તેનું ધ્યાન રાખવું.”

થોડીવાર બાદ તેમણે કહ્યું કે, તેમને દૂધ જરા પણ નહોંતું ભાવતું અને કાકી બહુ સારી રસોઇ બનાવતાં. તેમણે ઉમેર્યું, “જ્યાં સુધી અમે દૂધ પૂરું ન કરીએ ત્યાં સુધી કાકી માથા પર જ ઊભાં રહેતાં અને પૂરું કરાવતાં.”
ભૂતકાળને વાગોળતાં નવીને કહ્યું, “કાકીની બ્રાન્ડના આટલા મોટા વેચાણ પાછળ સૌથી મોટી બાબત એ જ છે કે, તેઓ ગુણવત્તાની બાબતે જરાપણ ઊંચનીચ ન ચલાવી લે.”
ગુણવત્તા કંટ્રોલ અંગે વાત કરતાં નવીને કહ્યું, “મને યાદ છે, હું કાકી પાસે લસણ ખાખરાને પણ ઉમેરવાનું કહેવા ગયો હતો ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આખી ટીમે બહુ સમજાવ્યાં અને મોટી ચર્ચા બાદ આખરે તેઓ તૈયાર થયાં હતાં.”
તેમની પાસે વડીલો અને યુવાનોની બહુ સારી ટીમ છે. જેમાં બધાંના મંતવ્યને ધ્યાનમાં લેવામાં આવે છે અને બધાં પર વિશ્વાસ રાખવામાં આવે છે. જેના કારણે બહુ સારી પાર્ટનરશીપ બની છે.
સૌથી વધારે વેચાણ સીંગદાણા, ખાખરા, મેથી ખાખરા, લીંબુ, આદુ અને રોઝ શરબત અને કેટલાંક અથાણાંનું થાય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, તેઓ 30 વસ્તુઓનું વેચાણ કરે છે અને આગામી મહિનાઓમાં બીજી 50 વસ્તુઓ ઉમેરવા ઇચ્છે છે.
તમે તેમની વસ્તુઓ વિશે જાણવા ઇચ્છતા હોય અને ખરીદવા ઈચ્છતા હોય તો અહીં ક્લિક કરો.
મૂળ લેખ: વિદ્યા રાજા
આ પણ વાંચો: અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર