આજનાં સમયમાં પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને વાહનોમાંથી નીકળતો ધુમાડો સૌથી વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. અમેરિકાનાં જૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટી અને કોલોપાડો બોલ્ડર યુનિવર્સિટીનાં સંયુક્ત અભ્યાસ મુજબ, 2015માં વાયુ પ્રદૂષણને કારણે થતા બે તૃત્યાંશ(3.85 લાખ) મોતો માટે વાહનોમાંથી નીકળનારો ધુમાડો જવાબદાર હતો. એવામાં જો ક્યાય આશા દેખાય છે તો તે ઈલેક્ટ્રિક અને સૌર ઉર્જા જ છે. જોકે, ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહી છે પરંતુ આજે અમે તમને જે શખ્સ સાથે રૂબરૂ કરાવવાનાં છીએ તેમણે પોતાની વૅનને સોલર વૅનમાં બદલી નાંખી છે.
નાગપુરનાં 66 વર્ષીય દિલીપ ચિત્રેએ 2018માં પોતાની વૅનને સોલર પાવર્ડ કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ ગાડીથી 4500 કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા છે. હાલમાં તેઓ કારમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરી રહ્યા છે.
દિલીપને તેમના આ ઈનોવેશનને સરખી રીતે કરવામાં 25 વર્ષનો સમય લાગ્યો છે. તેઓ પાછલાં બે દાયકાથી પણ વધારે સમયથી સોલર એનર્જી પર કામ કરી રહ્યા છે. તેમનો સૌથી પહેલાં આઈડિયા સોલરથી ચાલતા વાહનો બનાવવાનો હતો પરંતુ શરૂઆતમાં જ્યારે તેમને સફળતા ન મળી ત્યારે તેમણે બીજી વસ્તુઓમાં સોલર એક્સપરિમેંટ કર્યુ.
તેમના અત્યાર સુધીનાં સફર વિશે દિલીપે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યુકે, તેમને હંમેશાથી રમકડા ખોલીને તેની ટેક્નિક સમજવામાં રસ રહ્યો છે અને કદાચ આજ કારણ છેકે, તેઓને વાહનોમાં નવા પ્રયોગો કરવામાં કોઈ પરેશાની થતી નથી.

દિલીપ હંમેશાથી વાહનોમાં નવા પ્રયોગો કરતાં રહ્યા છે. તેમણે શરૂઆતમાં એક એવી સિસ્ટમ બનાવી હતી, જેનાંથી બાઈકમાંથી કોઈ પેટ્રોલની ચોરી કરી શકે નહી પરંતુ તે બાદ તેઓ સૌર ઉર્જા પર કામ કરવા લાગ્યા હતા. 1995માં તેમને સોલર એનર્જી અને તેના ફાયદાઓ વિશે જાણ થઈ. ત્યારથી તેમણે આ ક્ષેત્રે રિસર્ચ અને ડેવલોપમેન્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું.
નાગપુરમાં એક ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતા દિલીપ કહે છેકે, “ભારત માટે સોલર એનર્જી કોઈ નવી વસ્તુ નથી. આપણી પાસે ટ્રેન છે જે સ્ટીમ અને ઈલેક્ટ્રિક બંને એન્જીનથી ચાલે છે. પરંતુ જો સોલર એનર્જી જેવી નવીનીકરણ ઉર્જાની રીત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે ઉપયોગમાં નથી તો તે ફક્ત અને ફક્ત પ્રશાસનની અવગણના છે”
વર્ષ 2003માં દિલીપે પોતાનો પહેલું એક્સપરિમેંટ ઓટો-રિક્શા પર કર્યુ હતુ. તેમણે તેનાં એન્જીનને ઈલેક્ટ્રિક બેટરીથી બદલી નાંખ્યુ. તેમણે તેને નાગપુરનાં રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસમાં ટેસ્ટ કરવા માટે પણ બહુજ પ્રયાસ કર્યા હતા. તેમની ઓટો-રિક્શા ટેસ્ટમાં પાસ થઈ ગઈ પરંતુ વધારે સાધન ન હોવાને કારણે તેઓ પોતાના આ પ્રોજેક્ટ પર વધારે કામ કરી શક્યા નહી. તેમણે પોતાની ઓટો-રિક્શાનું એક પ્રેઝન્ટેશન બનાવીને દહેરાદૂનનાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશનને પણ મોકલ્યું હતું. પરંતુ ત્યાંથી તેમને કોઈ જવાબ મળ્યો નહી.
“સાચું કહુ તો હું નિરાશ થઈ ગયો હતો અને મે વાહનો ઉપર કામ કરવાનું બંધ કરી દીધુ,”તેમણે કહ્યુ. ત્યારબાદ દિલીપ બીજી જગ્યાએ સોલર પર કામ કરવા લાગ્યા. તેમણે તેમનાં એક દોસ્તનાં કાર શોરૂમમાં સોલરથી ચાલતી 140 લાઈટ લગાવી. થોડા વર્ષો સુધી અલગ-અલગ જગ્યાએ કામ કર્યા બાદ વર્ષ 2017માં તેમને એકવાર ફરી લાગ્યુકે, વાહનો પર કામ કરવું જોઈએ.
આ વખતે તેમણે પોતાના એક્સપરિમેન્ટ માટે મહિન્દ્રાની e20 ઈલેક્ટ્રિક કાર ખરીદી જેથી તેને સોલરમાં બદલી શકે. પરંતુ તેમનું એક્સપરિમેંટ સફળ થયુ નહી. આ વખતે દિલીપે હાર માનવાની જગ્યાએ વધુ એક પ્રયાસ કર્યો. આ વખતે તેમણે પોતાની સેકન્ડ હેન્ડ વેન પર એક્સપરિમેન્ટ કર્યો. તેમાં તેમણે 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા અને તેને સોલર વેન બનાવી દીધી. તેમણે વેનનાં એન્જીનને 48 વોલ્ટની બેટરી, DC મોટર, ગિયર બોક્સ, ચાર્જ કંટ્રોલર અને ઈલેક્ટ્રોનિક એક્સેલરેટરથી બદલી નાંખ્યુ.
તેમણે એક સ્પીડ રેગ્યુલેટર અને કારની છત પર 400 વૉટની સોલર પેનલ ઈનસ્ટોલ કરી. બેટરી સોલર પેનલથી આવતી એનર્જીને સ્ટોર કરે છે અને મોટર ગિયર બોક્સની મદદથી તેને મિકેનિકલ એનર્જીમાં બદલે છે. બેટરીને 8 મહિનામાં બે વાર ચાર્જ કરવાની હોય છે.
દિલીપ કહે છે,”હું દરરોજ મારા ઘરથી સ્કૂલ જવા સુધીમાં લગભગ 25 કિલોમીટરની દૂરી વૅનથી નક્કી કરું છું. તેનો કોઈ વધારાનો ખર્ચો નથી અને તેને ચલાવવા માટે સુચારુ રૂપે તડકાની જરૂર હોય છે. લોકો પોતાની કારને છાયામાં પાર્ક કરે છે અને હું ખુલ્લામાં સૂર્યની નીચે પાર્ક કરું છું.”
તે આગળ કહે છેકે, આ ટેક્નોલોજીથી સ્કૂલ બસ અને વેનને સોલરથી ચાલે એવી બનાવી શકાય છે. પબ્લિક ટ્રાંસપોર્ટમાં પણ આ ઘણું કારગર સાબિત થઈ શકે છે. પરંતુ તેમને ક્યાંયથી પણ કોઈ મદદ મળી નથી. તેમણે પોતાના સ્તરે ઘણીવાર પ્રશાસનનું ધ્યાન આ તરફ લાવવાનાં પ્રયાસો કર્યા પરંતુ કોઈ ફાયદો થયો નહી. પ્રશાસનની અવગણનાએ તેમને ઘણા નિરાશ કર્યા છે. તેમનું કહેવું છેકે, તેમની પાસે એટલાં સાધનો નથી તે તેઓ વધારે પ્રોજેક્ટ પર ખર્ચો કરી શકે. પરંતુ જો સરકાર અને પ્રશાસન મદદ કરે તો ઘણું બધું કરી શકાય છે.
“હાલમાં, ફક્ત એ વાતની ખુશી છેકે, નાગપુરમાં એક શખ્સ ઓટો-રિક્શાવાળા ડિઝાઈનથી લોકોને ઈ-રિક્શા બનાવીને આપી રહ્યો છે. 20 હજાર રૂપિયાનાં ખર્ચમાં તે ઈ-રિક્શા બને છે અને અત્યાર સુધીમાં તે 4-5 બનાવી ચૂક્યો છે.” તેમણે અંતમાં કહ્યુ.
ધુમાડા રહિત વાહનથી લોકોને ઘણી આશા છે કારણકે પ્રદૂષણની રોકથામ માટે આ પ્રકારનાં પ્રયાસોને આપણા બધાની મદદ જોઈએ. મોટી સંખ્યામાં લોકો વાહન ખરીદે છે. પરંતુ તે પણ સાચુ છેકે, તેનાંથી પર્યાવરણને સૌથી વધારે નુકસાન પહોંચી રહ્યુ છે. જો આંકડાઓની વાત કરવામાં આવે તો, 1951 બાદથી ખાનગી વાહનોનાં રજીસ્ટ્રેશનમાં 700 ગણી વૃદ્ધિ થઈ છે, 2015માં આ સંખ્યા 0.3 મિલિયનથી વધીને 210 મિલિયન થઈ ગઈ હતી. આશા છેકે, પબ્લિક અને પ્રાઈવેટ બંને પ્રકારનાં સંગઠન દિલિપ ચિત્રે જેવાં લોકોનાં આવિષ્કાર પર ધ્યાન આપશે.
જો તમે દિલીપ ચિત્રેની સાથે સંપર્ક કરવા માંગો છો તો તેમને 9371161415 પર કોલ કરી શકો છો.
આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.