તમને ખબર જ હશે કે ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાનું એક છે. ભારતીય રેલવે 68 હજાર કિલોમીટરથી વધારે લાંબા ટ્રેકના મધ્યમથી દર વર્ષે લગભગ 800 કરોડ મુસાફરોને સુવિધા આપે છે. આ આંકડો આગામી દિવસોમાં હજુ પણ વધશે.
દરરોજ લાખો મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં મદદ કરનારી ભારતીય રેલવેને ચાલવા માટે દરરોજ ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા જોઈએ છે. ભારતીય રેલવેના એક રિપોર્ટ પ્રમાણે હાલ ભારતીય રેલવેની વાર્ષિક ઉર્જા જરૂરિયાત 20 અબજ યુનિટ છે. આ ઉર્જાની આપૂર્તિ માટે રેલવે વિવિધ સોર્સ પર નિર્ભર છે. છેલ્લા થોડા વર્ષોમાં 50 ટકા રેલવેને વીજળી સાથે જોડી દેવામાં આવી છે. આગામી સમયમાં બાકી રહેલી રેલવેને પણ વીજળી સાથે જોડી દેવામાં આવશે.
રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવ કહે છે કે, “આર્થિક વિકાસ અને વપરાશમાં થયેલા વધારાને કારણે સાધનોની માંગ વધી છે. પરંતુ તેની સાથે એ પણ જરૂરી છે કે આપણે આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણના મુદ્દા પર પણ ધ્યાન આપીએ.”
નોંધનીય છે કે કાર્બન ઉત્સર્જન ક્લાઇમેટ ચેન્જમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, જેમાં ભારતના પરિવહન ક્ષેત્રનું આશરે 12 ટકા યોગદાન છે. આ 12 ટકામાંથી 4% હિસ્સો ફક્ત ભારતીય રેલવેનો છે. આથી ભારતીય રેલવે પોતાને ગ્રીન એનર્જીથી ચલાવવા માંગે છે. આથી રેલવે પર્યાવરણ માટે હાનિકારક નહીં રહે તેમજ બીજી તરફ તે આત્મનિર્ભર પણ બનશે.

ભારતીય રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે ભારતીય રેલવેએ વર્ષ 2030 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રેલવેએ આગામી 10 વર્ષમાં 33 અબજ યૂનિટથી વધારેની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલ રેલવેની વાર્ષિક ઉર્જા જરૂરિયાત 20 અબજ યૂનિટ છે.
પોતાની આ યોજના માટે કામ કરતા ભારતીય રેલવેએ ઉર્જાની દિશામાં અનેક મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યાં છે. ભારતીય રેલવેએ અત્યાર સુધી 960થી વધારે રેલવે સ્ટેશનો પર સૌર ઉર્જા પેનલ લગાવી છે. સાથે જ 550 સ્ટેશનની છત પર 198 મેગાવોટ સૌર ક્ષમતા વાળી સૌર પેનલ લગાવવાનો ઓર્ડર આપી દીધો છે. આ માટે હાલ કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશન પર સોલાર પ્લાન્ટ લગાવવાની સાથે સાથે ભારતીય રેલવેએ સોલાર પ્લાન્ટ લગાવવાનું કામ પણ શરૂ કર્યું છે.
આ કામ માટે રેલવે પોતાની ખાલી પડી રહેલી જમીનનો ઉપયોગ કરી રહી છે. આ જમીનો પર લગભગ 20 ગીગાવોટ ઉર્જાની ક્ષમતાવાળા સોલાર પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં જ મધ્ય પ્રદેશના બીનામાં રેલવેએ પોતાની ખાલી પડેલી જમીન પર 1.7 મેગાવોટનો પ્રોજેક્ટ લગાવવાનું કામ પૂર્ણ કર્યું છે. આને 25 કિલોવોટની ઓવરહેડ લાઇન સાથે જોડીને આનાથી ટ્રેન ચલાવવાની યોજના છે. પ્રથમ વખત દેશમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટ્રેન ચલાવવામાં આવશે.
રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિડેટ (BHEL) અને ભારતીય રેલવેના સંયુક્ત પ્રયાસથી સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટના પરીક્ષણનું કામ શરૂ થઈ ગયું છે. બહુ ઝડપથી વીજળીના ઉત્પાદનનું કામ શરૂ થઈ જશે.
બીના પ્લાન્ટ ખાતે ડીસી પાવરને એસીમાં બદલવા માટે ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદમાં તેમાંથી સીધા જ ઓવરહેડ તારમાં પાવર સપ્લાય કરવામાં આવશે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 25 લાખ યુનિટ હશે. જેનાથી રેલવેને 1.37 કરોડ રૂપિયાની બચત થશે.
રેલવે વિવિધ સ્ટેશનો પર ઇમારતો અને છતો પર સૌર પેનલ લગાવીને અત્યાર સુધી આશરે 100 મેગાવોટ સૌર ઉર્જાની ક્ષમતા સ્થાપિત કરી ચુકી છે. રાયબરેલી સ્થિત મોર્ડન કોચ ફેક્ટ્રીમાં ત્રણ મેગાવોટ ક્ષમતાનો પ્લાન્ટ શરૂ થઈ ગયો છે.
છત્તીસગઢના ભીલાઈમાં 50 મેગાવોટનો એક પ્લાન્ટ લગાવવામાં આવશે. જેને કેન્દ્રની ટ્રાન્સમિશન યૂટિલિટી સાથે જોડવામાં આવશે. અહીં માર્ચ 2021થી વીજળી ઉત્પાદન શરૂ થવાની આશા છે. હરીયાણાના દીવાનામાં બે મેગાવોટના પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે. જેના રાજ્યના ટ્રાન્સમિશન યૂટિલિટી સાથે જોડવામાં આવશે.
ભારતીય રેલવે તરફથી જે સ્ટેશન પર સૌર પેનલ લગાવવામાં આવી છે તેમાં જયપુર, નવી દિલ્હી, જૂની દિલ્હી, કોલકાત્તા, ગૌહાટી, વારાણસી, સિકંદારાબાદ, હૈદરાબાદ વગેરે સામેલ છે. અનેક જગ્યા પર રેલવે તરફથી સોલાર વોટર કૂલર લગાવવામાં આવ્યા છે. ગુંતકલ રેલવે સ્ટેશન પર ‘ઉલટી છત્રી ટેક્નિક‘ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી સૌર ઉર્જાની સાથે સાથે પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું કામ પણ થાય છે. આ નાનાં નાનાં પ્રયાસ પાછળ રેલવનો એકમાત્ર ઉદેશ્ય આત્મનિર્ભર બનવાનો છે.
યૂનાઇટેડ નેશનના રિપોર્ટ પ્રમાણે જો ભારતીય રેલવે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે તો ભારતીય રેલવે દર વર્ષે લગભગ 705 મિલિયન કાર્બન ઉત્સર્જન રોકી શકશે. આ ઉપરાંત રેલવેએ 100થી વધારે વૉટર ટ્રિટમેન્ટ અને રીસાઇકલિંગ યૂનિટ્સ સ્થાપ્યા છે. આશા છે કે ભારતીય રેલવે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં આ જ રીતે આગળ વધતું રહેશે.
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/52649/indian-railways-solarises-stations-green-solar-energy-plant-bina-zero-carbon-emission-india/)
આપણ વાંચો: કેરળનું એક એવું ઘર જ્યાં લિવિંગ રૂમમાં તમને જોવા મળશે આંબા અને જાંબુડા!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.