ઘરની અંદર જ પ્રદૂષિત હવા મુશ્કેલી સર્જી શકે છે. હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો લોકોનાં મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે ઇનડોર (ઘરની અંદરનું) વાયુ પ્રદૂષણ સૌથી ખરાબ હોય છે. રિપોર્ટ્સ પ્રમાણે દુનિયામાં પર્યાવરણીય મોતનાં બીજા મુખ્ય કારણમાં ઘરમાં સળગાવવામાં આવતી આગને કારણે થતું પ્રદૂષણ છે. દર વર્ષે આશરે 38 લાખ લોકો ઈનડોર વાયુ પ્રદૂષણને કારણે થતી બીમારી (સ્ટ્રોક, ન્યૂમોનિયા, શ્વાસની બીમારી, કેન્સર)નો શિકાર બને છે. દુર્ભાગ્યથી આ રિપોર્ટ નું અનુમાન છે કે વૈશ્વિક સ્તર પર 300 કરોડથી વધારે લોકો બાયોમાસ, કેરોસિન અથવા કોલસાનો જમવાનું બનાવવા માટે ઉપયોગ કરે છે.
પોતાના ઘરમાં ઇનડોર પ્રદૂષણના પ્રભાવની જોઈને મોટી થયેલી ભુવનેશ્વરની એક એન્જીનિયર દેબશ્રી પાઢીએ આ બંને સમસ્યાનું સમાધાન શોધ્યું છે. આ બંને સમસ્યા બાયોસામ ઈંધણ અને પરાળને સળગાવવાથી થતું પ્રદૂષણ છે.
દેબશ્રીએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “બાળપણથી મને ધૂમાડાને પગલે રસોડામાં જવા મળતું ન હતું. લગભગ જેમની પાસે એલપીજી કનેક્શન ન હતું તે તમામની આવી જ હાલત હતી. આ પરંપરાગત ચૂલાને કારણે મારા એક નજીકના સંબંધીના ફેંફસા ખરાબ થયા હતા. તેમની આંખોમાં પણ બળતરા થવા લાગી હતી.”
આ 24 વર્ષીય એન્જિનિયરે ‘અગ્નિસ’ નામનો ચૂલો બનાવ્યો છે. જેના પર રસોઈ બનાવતી વખતે કોઈ પ્રદૂષિત તત્વો નીકળતા નથી. જે 0.15 પીપીએમથી ઓછા કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. ‘અગ્નિસ’નો બીજો એક ફાયદો એ પણ છે કે તેનો ઉપયોગ કરતા લોકોએ જંગલમાં લાકડાઓ માટે ભટકવું પડતું નથી. એટલું જ નહીં, આ ટેક્નિકથી જમવાનું બનાવવામાં અડધો જ સમય લાગે છે.

ગરમીની રજાઓમાં પ્રેરણા મળી
દેબશ્રી રજાઓના દિવસોમાં અવારનવાર ઓડિશાના ભદ્રક સ્થિત પોતાના વડવાઓના ગામ નામની ખાતે જતી હતી. અહીં તેણીએ જમવાનું બનાવતી વખતે થતી પરેશાની જોઈ હતી. દેબશ્રીએ જોયું કે પરંપરાગત ચૂલા પર ખાવાનું બનાવવું એક પડકારથી ઓછું નથી. આથી તેણીને આ સમસ્યાનું નિરાકરણ એક પ્રોજેક્ટ રૂપે મળ્યું હતું.
“કૉલેજના ત્રીજા વર્ષમાં અમારા વિભાગે કોઈ એવી સમસ્યાનું સમાધાન લાવવાનું કહ્યું જેનાથી મોટી જનસંખ્યા પ્રભાવિત થતી હોય. ઇનડોર વાયુ પ્રદૂષણ એક આવી જ સમસ્યા હોવાનું હું સારી રીતે જાણતી હતી. મેં આ સમસ્યાને નજીકથી અનુભવી હતી. આ માટે જ મને ધૂમાડા રહિત ચૂલો બનાવવાની પ્રેરણા મળી હતી,” તેમ દેબશ્રીએ જણાવ્યું હતું.
દેબશ્રીએ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાસ્ટિક એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલૉજી, મૈસૂર, કર્ણાટકમાંથી એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
જે બાદમાં દેબશ્રીએ અનેક સંશોધન પછી ધૂમાડા રહિત ચૂલાનો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. તેમના પ્રયાસોથી પ્રભાવિત થઈને તેની કૉલેજના શિક્ષકોએ તેણીને ભુવનેશ્વરમાં કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લધુ અને મધ્યમ એન્ટરપ્રાઇઝ ઇન્ક્યૂબેશન પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. આ કાર્યક્રમના અંતે દેબશ્રીને પોતાની આ શોધને એક પ્રોડક્ટ તરીકે માર્કટેમાં મૂકવા માટે 6.25 લાખ રૂપિયાની રકમ મળી હતી.
આ ફંડ અને પોતાના પરિવારની મદદ સાથે દેબશ્રીએ પોતાની કંપની ડીડી બાયોસોલ્યૂસન ટેક્નોલૉજી ની નોંધણી કરાવી હતી અને એગ્રો-વેસ્ટ ક્લીન કુકિંગ ફ્યૂઅલ ટેક્નિક વિકસિત કરી હતી.

બે સમસ્યાનું એક સમાધાન
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના એક સંશોધન માં અનુમાન લગાવવામાં આવ્યું છે કે સમગ્ર પ્રદૂષણમાં ઇનડોર પ્રદૂષણનું પ્રમાણ 22થી 52 ટકા સુધી હોય છે. જેમાં સુધારો લાવવા માટે શોધમાં સ્વચ્છ ઇંધણો ઉપયોગ ખાવાનું પકવવા માટે કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન માલુમ પડ્યું કે ઉત્તરના રાજ્યોમાં પરાળને કારણે દર શિયાળામાં ખૂબ વધારે વાયુ પ્રદૂષણ થાય છે. જેની સૌથી વધારે ખરાબ અસર દિલ્હી પર થાય છે.
ઘરેલૂ જરૂરિયાતો અને કચરાથી છૂટકારો મેળવવા માટે દેબશ્રીએ જમવાનું બનાવતા ચૂલામાં ત્રણ પ્રકારના બર્નર બનાવ્યા હતા.
સ્ટેનલેસ સ્ટીલથી બનેલા ત્રણેય સ્ટવ- નેનો, સિંગલ બર્નર અને ડબલ બર્નર એમ અલગ અલગ કિંમત અને રેન્જમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 2800 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધી છે. સિંગલ અને ડબલ બર્નર સ્ટવ ઘરેલૂ ઉપયોગ માટે બનાવવામાં આવ્યો છે. જ્યારે નેનો બર્નર પોર્ટેબલ છે, તેને બેગમાં પેક કરીને ક્યાંય પણ લઈ જઈ શકાય છે.
ત્રણેય સ્ટવ ગોળી આકારના એગ્રો-માસ પેલેટ પર ચાલે છે. આ માટે પેલેટ બનાવવાનું મશીનમાં કૃષિ અવશેષ, ગોળ, ચૂનો અને માટીનું મિશ્રણ નાખવામાં આવે છે. 300 કિલો પેલેટ તૈયાર કરવામાં મશીનને એક કલાક લાગે છે. દેબશ્રીએ સીએસઆઈઆર-ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિનરલ્સ એન્ડ મટિરિયલ્સ ટેક્નોલૉજી, ભુવનેશ્વરથી આ ટેક્નિક માટે પ્રમાણ મેળવ્યું છે. આ અનોખો ચૂલો 2019માં લૉંચ થયો હતો.
દેબશ્રીએ એક ગામમાં સૌથી પહેલા આ ચૂલો આપ્યો હતો. સાથે જ ખેડૂતોને પેલેટ બનાવવાનું મશીન પણ આપ્યું હતું. જેનાથી તમામ માટે આ ઉપયોગી રહે.
એક કિલો પેલેટની કિંમત 6 રૂપિયા હોય છે, જે 50 મિનિટ સુધી સળગે છે. પેલેટ બનાવીને વેચવાથી પણ ફાયદો થાય છે. આ ચૂલાથી જમવાનું બનાવવા માટે ગામના લોકોએ માસિક 120-150 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

ચૂલાનો પ્રભાવ
નામની ગામમાં રહેતી પ્રેરણા એ વાત જાણીને હેરાન હતી કે વૈકલ્પિક ચૂલાના ઉપયોગથી તેના સ્વાસ્થ્ય પર ખૂબ સારી અસર પડી હતી. તેણીએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “હવે જમવાનું બનાવતી વખતે મને ઉધરસ નથી આવતી. મારી આંખોમાં બળતરા પણ નથી થતી.”
પ્રેરણા એ મહિલાઓમાં શામેલ છે જેમણે જમવાનું બનાવવા માટે હવે કોલસો, લિગ્નાઇટ, કેરોસિન કે લાકડાના ઉપયોગ બંધ કરી દીધો છે. આ તમામના ઘરોમાં હવે ઝીરો સ્મોક કૂકિંગ સ્ટવ ‘અગ્નિસ’ છે.
અન્ય એક લાભાર્થી સાર્થક રાવત્રેએ જણાવ્યું કે, “‘અગ્નિસ’ ચૂલા પર ભાત તૈયાર કરવામાં ફક્ત પાંચ મિનિટ લાગે છે. દાળ ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. આ સ્વચ્છ ઇંધણ સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત છે. મારી માતાની આંખમાં હવે એલર્જી નથી થતી. અમારા રસોડાની દીવાલો પણ હવે કાળી નથી થતી.”
દેબશ્રીએ વધુમાં જણાવ્યું કે, “આ ચૂલો સામુહિક રસોઈ, ફેરિયાઓ, સ્કૂલો અને નાની રેસ્ટોરન્ટ માટે સારો વિકલ્પ છે. અમે પહેલા જ ભુવનેશ્વરના ઢાબાઓમાં આ ચૂલા વેચી ચૂક્યા છીએ. પોર્ટેબલ ચૂલા માટેની માંગ પણ વધી છે. અમે હવે એવી આવૃત્તિ પર કામ કરી રહ્યા છીએ જે શહેરોની જરૂરિયાત પ્રમાણે હોય.”
દેબશ્રીના આ અનોખી શોધ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો…
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.