તેઓ કહે છે, જ્યારે તમે દિલથી કઈં ઈચ્છો છો, ત્યારે તમને તે કોઈક સમયે ગમે તે રીતે મળતું જ હોય છે. આવું જ કંઈક સુરતના 53 વર્ષીય અનુપમા દેસાઈ સાથે થયું. અનુપમાને બાળપણથી જ વૃક્ષો અને છોડ સાથે ખાસ લગાવ હતો. પરંતુ તેમને બાગકામ કરવા માટે ક્યારેય જગ્યા મળી ન હતી. દસ વર્ષ પહેલાં, જ્યારે તેમણે પોતાનું ઘર બનાવ્યું, ત્યારે તેમને બાગકામ કરવા માટે થોડી જગ્યા મળી. તેમ છતાં તેમની પાસે હજુ જમીન તો નહોતી જ, તેમણે પોતાના ઘરની અંદર કુંડામાં જ લગભગ એક હજાર છોડ વાવ્યા છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે છોડ વિશે શીખવા અને જાણવા માટે ઘણું બધું હોય છે, જે તમે માત્ર વાંચીને કે જોઈને ક્યારેય શીખી શકતા નથી. આ માટે તમારે જાતે જ પ્રયોગ કરવા પડશે.
તમે બાગકામના શોખીન કેવી રીતે બન્યા?
અનુપમાનું મોટાભાગનું બાળપણ ગામમાં વીત્યું હતું. તેમના મામા અને દાદા ખેડૂત હતા અને તેઓ અવારનવાર ત્યાં આવતા જતા રહેતા હતા. ત્યાં, તેમને ખેતરોમાં રમવાની, વૃક્ષો વાવવાની તથા તેમની સાર સંભાળ લેવાની મજા આવતી હતી. તે કહે છે, “મારી માતા ખેડૂતની પુત્રી હોવાથી, તેમને બાગાયતનું સારું એવું જ્ઞાન છે. જો કે, જગ્યાની મર્યાદાને કારણે, તે વિશે વધારે વિકાસ કરી શક્યા નહીં.
આ પણ વાંચો: દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીં

લગ્ન પછી પણ, જ્યારે અનુપમા એપાર્ટમેન્ટમાં રહેતા હતા, ત્યારે તે કંઈક ને કંઈક ઉગાડતા હતા. તે મોટાભાગે ઘરની અંદર વિકાસ પામે તેવા છોડ રોપાતા હતા. કેટલીકવાર તેવા છોડ પણ સૂર્યપ્રકાશના અભાવે મૃત્યુ પામે છે. આનાથી અનુપમા ખૂબ દુ:ખી થયા. લીલા વૃક્ષો વાવવાનો તેમનો શોખ ત્યારે પૂરો થયો જ્યારે તેમણે સુરતમાં ઘર બનાવ્યું. તે કહે છે કે મારું ઘર પૂર્વ-પશ્ચિમ દિશામાં હોવાથી ઘરની છત દિવસભર તડકામાં રહે છે. આ કારણોસર, તેમણે ટેરેસ પર બાગકામ કરવાનું વિચાર્યું. તેમણે ગુલાબ અને મની પ્લાન્ટ જેવા છોડથી શરૂઆત કરી. ત્યારબાદ તેમની માતા પાસેથી માહિતી લઈને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. તે કહે છે, “ઘણીવાર ઘરમાં જે પણ શાકભાજી આવતી હતી, પછી તે કારેલા હોય કે ભીંડા મેં તેમાંથી બીજ કાઢી કુંડામાં રોપવાનું શરૂ કર્યું. જ્યારે છોડ તેમાંથી અંકુરિત થતો તો મને ખુબ જ ખુશી થતી.

એક – એક કરીને હજાર છોડ સુધી
અનુપમા ઘરમાં પડેલા દરેક બેકાર ડબ્બાઓમાં પણ કંઈક ને કંઈક ઉગાડતા રહે છે. ભલે તે બે ઇંચના જ કેમ ના હોય. જ્યાં ત્યાં પૂછપરછ કરીને અને પછી બીજ લાવીને, તેમણે શાકભાજી અને ફળો રોપવાનું શરૂ કર્યું. કુંડામાં વાવવાને કારણે ફળોની સંખ્યા ઓછી રહેતી પણ તેમનો સ્વાદ ખુબ સારો રહેતો. તે કહે છે, “ઘણી એવી શાકભાજી હતી જે મારા બાળકો ક્યારેય ખાતા ન હતા, પરંતુ જ્યારે તે જ શાકભાજી ઘરે ઉગાડવામાં આવી, ત્યારે તેઓએ ખૂબ જ ઉત્સાહથી ખાવાનું શરૂ કર્યું.”
તેમનો પરિવાર હવે ઘર અને બજારની શાકભાજીમાં તથા ફળોમાં સ્વાદના તફાવતને પારખી શકે છે. કેટલીકવાર તેઓ છોડમાં જીવાત, રોગને કારણે અથવા જ્યારે છોડની અનુમાનિત ઉત્પાદકતા ન મળે ત્યારે ખૂબ અસ્વસ્થ થઈ જતા. ત્યારે જ તેમને ખબર પડી કે સુરત પાસે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાર દિવસીય ટેરેસ ગાર્ડનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે આ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમાંથી તેમને પોટિંગ મિક્સ બનાવવા, બીજ રોપવા, અથવા માટી તૈયાર કરવા વિશે ઘણી માહિતી મળી.

આ પણ વાંચો: રસાયણયુક્ત શાકભાજીથી બચવા સુરતની ફિટનેસ ટ્રેનર બની ઑર્ગેનિક ગાર્ડનર, મોટાભાગનાં શાક મળે છે ઘરે જ
તે કહે છે, “વર્કશોપનો ઘણો ફાયદો થયો. જો કે, જ્યાં સુધી તમે શીખેલી બાબતોને જાતે અજમાવતા નથી ત્યાં સુધી તમે ખરેખર કંઈ જ શીખી નથી શકતા. કયા છોડની શું પ્રકૃતિ છે તેનું જ્ઞાન મને મારા અનુભવો પરથી જ મળ્યું.
આ છત પર ઉગે છે ઘણા વિદેશી શાકભાજી અને ફળો પણ
તેમના ત્રણ બાળકો મોટા થઇ ગયા હોવાથી, તે હવે તેમનો મોટાભાગનો સમય બાગકામ માટે ફાળવે છે. તેમના બાળકો પણ તેમને સમયાંતરે મદદ કરે છે, પરંતુ અભ્યાસને કારણે તે વધારે સમય ફાળવી શકતા નથી. તે કહે છે, “બાળકોને સુંદર કુંડા બનાવવા, તેમાં માટી નાખવી, કાપણી કરવી અથવા ઘરમાં કચરાના ડબ્બા રંગવા જેવા કામ કરવામાં આનંદ આવે છે. વળી, આ બહાને તે કુદરત સાથે થોડો સમય વિતાવવા માટે પણ કેળવાય છે.
તેમની છત પર તેઓ 30 થી વધુ ઋતુગત શાકભાજી ઉગાડે છે જેમાં ડ્રેગન ફ્રૂટ, ફુદીનાના પાન, સ્ટાર ફ્રૂટ, સ્ટ્રોબેરી, તરબૂચ, અંજીર અને લાલ ભીંડાનો સમાવેશ થાય છે. આ સિવાય ઔષધિઓ, સુશોભન છોડ અને કેક્ટસના છોડ પણ રોપવાનું પસંદ છે.

ગયા વર્ષે કોરોનાના સમયે, ઘણા લોકો ટેરેસ ગાર્ડનિંગ શીખવા માટે તેમની પાસે આવ્યા હતા. તે પોતાના ઘરમાં ટેરેસ ગાર્ડનિંગ પર વર્કશોપ પણ લે છે. આ સાથે તેઓ લોકોની જરૂરિયાત મુજબ છોડ પણ આપે છે.
અનુપમાની ગાર્ડનિંગ ટિપ્સ
રોપા રોપવા માટે, ઘરમાં પડેલા કચરાના ડબ્બાનો શક્ય તેટલો ઉપયોગ કરો.
જમીન પર પોટ્સ મૂકવાને બદલે સ્ટેન્ડનો ઉપયોગ કરો. આનાથી તે કુંડામાંથી પાણી બહાર નીકળી જશે. જ્યારે જમીન પર મૂકેલા કુંડાઓમાં પાણી ભરાઈ રહે છે, જે છતને નુકસાન પહોંચાડે છે.
જો તમે બહારથી બીજ લાવી રહ્યા છો, તો ખાતરી કરો કે બીજ ખૂબ જૂના નથી.
તેને કુંડામાં મૂકતા પહેલા, માટી પર મલ્ચીંગ અથવા સોઇલ સોલરાઇઝશન કરવું જરૂરી છે. આ માટે, તમે જમીનમાં થોડું પાણી નાખો અને તેને પ્લાસ્ટિક પર મૂકો અને તેને ઉપરથી બીજા પ્લાસ્ટિકથી ઢાંકી દો. તેને લગભગ 21 દિવસ સુધી તડકામાં રહેવા દો, તે જમીનને સારી રીતે ગરમ કરશે.

આ પણ વાંચો: નકામી પડેલ પ્લાસ્ટિકની બોટલમાં વાવ્યા ટામેટાના ઊંધા છોડ, તમે પણ ટ્રાય કરો
માટીના મિશ્રણ માટે, સામાન્ય માટી, કોકોપીટ અથવા ગાયના છાણ સાથે લીમડાની કેકનો ઉપયોગ યોગ્ય છે.
ખાતરી રાખો કે બધા છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળતો રહે.
અંતે અનુપમા કહે છે કે છોડની સંભાળ અને જાળવણીમાં સમય પસાર કરવો તેના માટે ધ્યાન સમાન છે. સાથે સાથે તેના કારણે, તેમના પરિવારને પણ ઓર્ગેનિક શાકભાજી ખાવા મળે છે, અને તે તો ખુબ જ લાભદાયક છે.
જો તમારા મનમાં ટેરેસ ગાર્ડનિંગ સંબંધિત કોઈ પ્રશ્નો હોય અથવા તમે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો અભિપ્રાય મેળવવા માંગતા હોવ, તો તમે 9427111881 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બાળકોના પોષણ માટે કચ્છના ‘મોજીલા માસ્તરે’ વાવ્યાં શાકભાજી, રણમાં પણ શાળા બની હરિયાળી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.