આપણે બધા જ જાણીએ છીએ કે, વાંસને ખાવાથી લઈને હોમ ડેકોર, કંસ્ટ્રક્શન અને ફર્નીચર વગેરે બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલા માટે છેલ્લાં થોડા વર્ષોથી સરકાર ખેડૂતોને વાંસ લગાવવા અને લોકોને વાંસમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે જાગૃત કરી રહી છે. વાંસનો ઉપયોગ આપણા જીવનમાંથી પ્લાસ્ટિક ઘણી હદ સુધી ઘટાડી શકે છે કારણકે તેમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ, જે પર્યાવરણ માટે હાનિકારક ઉત્પાદનોનો વિકલ્પ છે. આજે અમે તમને એવી જ ત્રણ બહેનોની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જે વાંસનાં ઉત્પાદનોનો બિઝનેસ કરીને આગળ વધી રહી છે અને સાથે ઘણા કારીગરોને રોજગાર આપી રહી છે.
આ પ્રેરક કહાની દિલ્હીમાં રહેતી ‘શ્રી સિસ્ટર્સ’-તરૂશ્રી, અક્ષયા શ્રી અને ધ્વનિ શ્રી ની છે. જોકે, વ્યવસાયની શરૂઆત અક્ષયાએ કરી પરંતુ તરુ અને ધ્વનિ હંમેશા તેમના આ સફરનો મહત્વનો હિસ્સો રહી છે. સાથે જ બિઝનેસને આગળ વધારવા માટે પણ ત્રણ બહેનોની બરાબરની ભાગીદારી છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા આ બહેનોએ પોતાના સફર વિશે જણાવ્યુ. તરુ ક્લીનીકલ સાઈકોલોજીસ્ટ છે તો અક્ષયાએ બિઝનેસ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. તો ધ્વનિએ ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો છે.
તરુ કહે છે, “અમારા પિતા એક ફિલ્મ નિર્માતા છે અને આને કારણે અમે તેમની સાથે ઘણી જુદી જુદી જગ્યાઓ પર પ્રવાસ કર્યો છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર કે જ્યાં હાથનું કામ ઘણું વધારે છે. તેથી જ અમે બાળપણથી જ પરંપરાગત હસ્તકલાના પ્રેમમાં રહીએ છીએ. તેથી જ્યારે અક્ષયાએ વાંસના ઉત્પાદનોનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે અમે બધાએ તેને ટેકો આપ્યો.”

નુકસાન પણ સહન કર્યું છે
તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2016માં તેણે ‘TAD Udyog’ નામે પોતાની કંપનીની નોંધણી કરાવી અને 2017માં તેની બ્રાન્ડ ‘Silpakarman’ લોન્ચ કરી. આ બ્રાંડ હેઠળ તેઓએ વાંસના ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો.
અક્ષયા કહે છે, “અમે ત્રિપુરામાં અમારું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે. ઉપરાંત, ત્રિપુરાના ચાર સ્થાનિક કારીગરો ગ્રુપો સાથે કામ કરી રહ્યા છે. આ ગ્રુપોમાં 300થી વધુ કારીગરો કામ કરે છે. જ્યારે અમે વાંસમાં કામ કરવાનું નક્કી કર્યું, ત્યારે અમે ફક્ત થોડાં ઉત્પાદનો જેવા કે વાંસના મગ, કપ અને ફ્લાસ્કથી શરૂઆત કરી કારણ કે અમે લોકોને રસોડા માટે ઈકોફ્રેન્ડલી વિકલ્પ આપવા માગીએ છીએ. તે પછી અમે વાંસની સાદડીઓ, ઘરની સજાવટ અને ફર્નિચરનું કામ કર્યું.”
શ્રી બહેનોને તેમના ધંધા માટે ઘરેથી ભંડોળ મળ્યું. આ વિશે ધ્વની કહે છે કે તેણીએ તેના માતાપિતાની મદદ લીધી અને ત્યારબાદ ધંધો વધતા જ રોકાણ કરતા રહ્યા. વ્યવસાયની શરૂઆતથી જ, તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું નામ કમાવવા નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ તે એટલું સરળ નથી. તે કહે છે, “2018 માં અમને ગ્રીસમાં એક પ્રદર્શનની મુલાકાત લેવાની તક મળી. અમે તેના વિશે એટલા ઉત્સાહિત હતા કે અમારાથી ભૂલો થઈ ગઈ. અમે ત્યાં સમજ્યા વિના ઘણા ઉત્પાદનો લઈ ગયા. જેના માટે અમને ગ્રાહકો મળ્યા નહીં અને અમારે લાખનું નુકસાન થયું.”

આ પછી, તેમણે વિચાર્યું કે તેમણે આ વ્યવસાય બંધ કરવો જોઈએ. પરંતુ તરત જ કામ અટકી શક્યું નહીં, તેથી તેમણે ધીમે ધીમે કામ ઘટાડવાનું નક્કી કર્યું. તેણી આગળ કહે છે કે તેણે ધંધો બંધ કરવાનો નિર્ણય લીધો પરંતુ પછી જોયું કે તેની વેબસાઇટ પર ગ્રાહકનો સારો પ્રતિસાદ છે. ઉત્પાદનોનું વેચાણ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે અને પછી તેમને લાગ્યું કે જો તેઓ યોગ્ય દિશામાં કામ કરશે તો તેઓ પોતાનું નુકસાનની ભરપાઈ કરી શકે છે અને ધંધામાં નફો પણ મેળવી શકે છે.
શરૂઆતથી તેમની સાથે કામ કરી રહેલા તન્મય મજુમદાર કહે છે કે Silpakarmanએ ઘણા લોકોને રોજગાર આપ્યો છે. તે અગાઉ ત્રિપુરા વાંસ મિશન સાથે કામ કરી રહ્યો હતો પરંતુ 2017 થી તે Silpakarmanનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમના નેતૃત્વ હેઠળ કામ કરનાર કારીગર ગૌરાંગ દા જણાવે છે, “અમે પેઢીઓથી વાંસના કામ કરી રહ્યા છીએ. પરંતુ Silpakarman સાથે કામ કરવાથી અમને આઝાદીની ભાવના અનુભવાય છે. કારણ કે અહીં રોજ અમે કંઈક નવું કરવા જઇએ છીએ. અમારા ગ્રુપનાં 100થી વધુ કારીગરો રોજગારી મેળવી રહ્યા છે.”
વાંસના પાનમાંથી બનાવી ચા
તેના જૂના ઉત્પાદનોની સાથે, Silpakarmanએ પણ કેટલાક નવા ઉત્પાદનો ઉમેરવાનું નક્કી કર્યું. ધ્વની કહે છે કે 2019 સુધી તે તેના અભ્યાસ સાથે કામ કરતી હતી. પરંતુ તેમનો અભ્યાસ પૂર્ણ થતા, તેમણે સંપૂર્ણપણે વ્યવસાયમાં સામેલ થવાનું શરૂ કર્યુ. ત્રણેય બહેનોએ સાથે મળીને ‘Bamboo Tea’ બનાવવાનું નક્કી કર્યું. તરુ કહે છે કે તેની શરૂઆત ઘરના રસોડામાંથી જ થઈ હતી. તેણે વાંસના નવ પ્રકારના પાનથી પોતાનું કામ શરૂ કર્યું. વિવિધ પ્રકારનાં પાંદડા મિક્સ કરીને વિવિધ ફ્લેવર તૈયાર કરવામાં આવ્યા.

તેમણે કહ્યું કે મહિનાઓની મહેનત પછી તેણે વાંસના નવ પ્રકારના પાનમાંથી ચા તૈયાર કરી. જેનું નામ તેણે BeYouTea રાખ્યું છે. આ ‘Bamboo Tea’ પોષણથી ભરેલી છે અને તેમાં સિલિકા, ઝિંક, પોટેશિયમ જેવા ઘણા માઈક્રોન્યૂટ્રિએંટ હાજર છે.
ગયા વર્ષે લોકડાઉન પહેલાં તેણે આ ખાસ ચા તૈયાર કરી હતી. તે કહે છે કે બેમ્બૂ ટી ત્વચા, નખ અને વાળની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. “તે વૈજ્ઞાનિક અને પરંપરાગત જ્ઞાનનું મિશ્રણ છે. અમે અમારી ચાના તમામ લેબ પરીક્ષણો કર્યા છે અને સાથે જ પેટન્ટ માટે પણ અરજી કરી છે. આ સિવાય અમને તેનું FSSAI સર્ટિફિકેટ પણ મળી ગયું છે,”તેમણે કહ્યું.
આખી પ્રક્રિયામાં તેમને ઘણા મહિનાઓનો સમય લાગી ગયો હતો અને છેવટે, તેઓએ આ વર્ષે મેના અંતમાં તેમની ‘Bamboo Tea’ લોન્ચ કરી. તે કહે છે કે ત્રિપુરામાં જ વાંસના વાવેતરમાંથી જૈવિક વાંસના પાન એકત્રિત કરવામાં આવે છે. આ પછી, પ્રોસેસિંગ યુનિટમાં પ્રક્રિયા કરીને ચા તૈયાર કરવામાં આવે છે. હાલમાં, તેઓ લગભગ 1000 ચાના પેકેટ બનાવી રહ્યા છે. જો કે, આગામી સમયમાં, તેઓ આ ઉત્પાદનમાં બમણું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ‘Bamboo Tea’ માટેની યુ.એસ. કંપની સાથે પણ જોડાણ કર્યુ છે.
અક્ષયા અને ધ્વની કહે છે કે, તેમની ચા માટે ગ્રાહકો પાસેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત, તેમના અન્ય ઉત્પાદનો આજે સેંકડો ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે. ગયા વર્ષે લોકડાઉન થવા છતાં તેમનું ટર્નઓવર રૂ.7 લાખથી વધુ હતું અને આ વખતે તે અપેક્ષા રાખે છે કે તેનું ટર્નઓવર 25 લાખ રૂપિયા સુધી થશે.
આ ઉપરાંત, તેમના સ્ટાર્ટઅપને IIM બેંગ્લોરથી ઇનક્યુબેશન મળી ગયું છે. વળી, આ વર્ષે તેનું નામ પણ ફોર્બ્સ 30 અંડર 30 લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તે કહે છે કે આ તબક્કે પહોંચવું તેના માટે બિલકુલ સહેલું નહોતું પરંતુ તેણી પોતાની ભૂલોથી શીખી છે. આગળ જતા, તેણી આંતરરાષ્ટ્રીય સ્તરે વાંસના ઉત્પાદનો માટે પોતાની છાપ અવશ્ય છોડશે. જો તમે Bamboo Tea પ્રી-ઓર્ડર કરવા માંગતા હોય તો અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:દરજી પાસેથી નકામા ગાભા ભેગા કરી શરૂ કર્યું ફેશન હાઉસ, 16 લોકોને આપી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.