અમદાવાદના ચિત્રકાર દિવ્યેશભાઈ વોરા આમ તો રંગોલી આર્ટને પ્રમોટ કરે છે અને આ માટે તેઓ ઘણા દેશ-વિદેશોમાં ફર્યા પણ છે, પરંતુ એક કલાકાર હોવાના નાતે તેઓ પ્રકૃતિની પણ બહુ નજીક છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં પ્લાસ્ટિકની રાખડીઓ જોઈ તેમને વિચાર આવ્યો કે, આ રાખડીઓ લોકો છોડ્યા બાદ નદી-નાળાંમાં પધરાવશે તો તેનાથી કેટલું પ્રદૂષણ ફેલાશે? બસ આ જ વિચારથી તેમને કઈંક એવું કરવાની ઇચ્છા થઈ કે, શક્ય હોય એટલું આ પ્રદૂષણ ઘટાડવા કઈંક તો કરવું જ જોઈએ. તો બીજી તરફ અત્યારે આપણે બધાં સતત ઘટી રહેલ હરિયાળીની વિપરિત અસરો તો ભોગવી જ રહ્યા છીએ. એટલે જો એવું કઈંક કરવામાં આવે કે, જેનાથી આ પ્રદૂષણ પણ ઘટે અને હરિયાળી પણ ફેલાવી શકાય તો ચોક્કસથી કરવું જોઈએ.
આ માટે તેમણે કેશવ ઑર્ગેનિકના તેમના મિત્રો વિરેન્દ્રભાઈ પ્રજાપતિ અને મિહિરભાઈ પંચાલ સાથે વાત કરી અને ત્રણ રક્ષા પોટલીની કિટ બનાવવાનું નક્કી કર્યું. જેમાં એક રક્ષા પોટલીમાં અશ્વગંધાનું બીજ, એક રક્ષા પોટલીમાં તુલસીનું બીજ અને એક રક્ષા પોટલીમાં સોનામુખીનું બીજ મૂક્યું. ત્યારબાદ આ બીજ વાવવા માટે તેઓ સાથે ગાયના ગોબરનું એક કૂંડું અને સેન્દ્રિય ખાતરનું એક પેકેટ પણ આપે છે. આ ઉપરાંત રક્ષા બંધન માટે ગાયના ગોબરમાંથી બનાવેલ એક કોડિયુ પણ આપે છે, જેમાં દિવો કરી શકાય અને સાથે બીજાં થોડાં બીજ પણ આપે છે. તેમની આ કિટથી બાળકથી લઈને મોટેરાં તેમના ઘરે ઔષધિય છોડ વાવી શકે છે અને ભવિષ્યમાં તેનો ફાયદો લઈ શકે છે.

આ રક્ષા પોટલીમાંથી ઉગેલ છોડ ભવિષ્યમાં ભાઈ અને તેના પરિવારનું રક્ષણ કરે છે. નાના-મોટા રોગમાં ઘરેથી ઈલાજ કરી શકાય છે.
આ પણ વાંચો: આ 5 જગ્યાએ મળી રહેશે ઑનલાઈન જ્યૂટ, કૉટન અને ટેરાકોટ્ટા ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ
આ એક સારા વિચારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને લોકોને ખરીદવામાં પણ મોંઘુ ન પડે એ માટે દિવ્યેશભાઈ અને તેમના મિત્રો આ રક્ષા પોટલી જાતે જ બનાવે છે અને અને કિટ તૈયાર કરી જાતે જ પેક કરે છે. તેઓ આ આખી કીટ જે પણ લોકો ઓર્ડર કરે તેમને 300 રૂપિયામાં આપે છે. અત્યાર સુધી તેમણે આ ખાસ કિટ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ મોકલી છે.

આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વધુમાં વાત કરતાં દિવ્યેશભાઈએ કહ્યું, “આ કીટ વેચાણઅર્થે આપવાની સાથે-સાથે અમે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ જેવી સામાજીક સંસ્થાઓમાં પણ આપશું અને તેમની પાસે છોડ પણ વવડાવશું. જેથી બાળકોમાં અત્યારથી જ આ માટે જાગૃતિ આવે અને વડીલોને પણ પ્રકૃતિની નજીક લાવવાથી તેમને આનંદ મળી શકે.”
જો તમને પણ દિવ્યેશભાઈનો આ વિચાર ગમ્યો હોય અને તમે તેમની પાસેથી આ કિટ ખરીદવા ઈચ્છતા હોવ તો તેમનો 9974589334 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ભાઈ માટે અહીંથી મળશે ‘સીડ રાખડી’, રક્ષાબંધ બાદ ફેંકવી નહીં પડે, ખીલી ઉઠશે સુંદર છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.