આજે ધ બેટર ઇન્ડિયા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પ્રિતેશભાઇ રમેશભાઈ નાથવાણીની એક ઉમદા પહેલની વાત લઈને તમારી સમક્ષ હાજર થયું છે. પ્રિતેશભાઇ નાથવાણી ગ્રુપ એન્ડ કંપની જે તેમનો વારસાગત વ્યવસાય છે તે સાંભળે છે.
થોડા સમય પહેલા તેમણે એક એવા અભિયાનની શરૂઆત કરી છે કે જેમાં તેઓ જૈવિક ખેતીને એકદમ વૈજ્ઞાનિક રીતે ઢાળીને ખેડૂતોમાં તે બાબતે જાગૃકતા લાવવા માટે તથા રાસાયણિક ખેતીના કારણે અત્યારે પર્યાવરણ તેમ જ ખેતી લાયક જમીનને જે નુકસાન થઇ રહ્યું છે તેને ટાળવા માટેના બીજા જૈવિક રીતના વિકલ્પો શોધવા પોતાના તથાસ્તુઃ ઉપવનમાં ખેતીના વૈજ્ઞાનિકો અને દેશી પદ્ધતિથી ખેતીની જાણકારી ધરાવતા ખેડૂતો તથા વિવિધ લોકોના અનુભવોનો એક સાથે ઉપયોગ કરી પ્રયોગો હાથ ધર્યા છે. તો ચાલો તેમના આ આરંભેલ તેમજ કાર્યરત અભિયાન વિશે વિગતવાર જાણીએ.
ભારતનો સૌથી મહત્વનો વિભાગ ખેતી છે. ગુજરાતમાં અત્યારે 325 ટકા કેન્સરના કેસ વધી ગયા છે જેથી હવે સમયની જરૂરિયાત પ્રમાણે જૈવિક પદ્ધતિથી ખેતી દ્વારા દરેક લોકોને પરવડે તે રીતનું ઉત્પાદન થાય તે માટે એક નક્કર કાર્યવાહી અને પ્રયોગ દ્વારા વ્યવસ્થિત તકનીક વિકસાવવાની જરુરુ છે જેથી દેશ તેમ જ દેશના લોકો ઉપરાંત પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ સારી રીતે જળવાઈ રહે.

જૈવિક પહેલનું કારણ
પ્રિતેશભાઇ જણાવે છે કે આપણે બહારના દેશોમાંથી દવાઓ ઈમ્પોર્ટ કરીએ છીએ અને તેના દ્વારા જ પાકતા પાકોને જે તે દેશોમાં વેચવા પર જ પ્રતિબંધ છે. તો આપણે કરી શું રહ્યા છીએ? તેથી જ હું એક એક એવું મોડલ બનાવવા માંગુ છું કે જે ખેડૂતો માટે વ્યવસ્થિત રીતે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી દ્વારા સારામાં સારું ઉત્પદન માર્ગદર્શન મળી રહે અને પર્યાવરણનું જતન પણ થાય
બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે અત્યારે નવી પેઢીને ખેતી જ નથી કરવી, ખેડૂતો ખુદ અત્યારે પોતાના પુત્રોને ખેતી સાથે જોડાવવા દેવા માંગતા નથી અને આ વરવી વાસ્તવિકતા છે અને તેનું કારણ એ છે કે આપણે ખેતીમાં વ્યવસ્થિત રીતે એડવાન્સ થયા જ નથી અને એડવાન્સ થયા છીએ તો રાસાયણિક દવાઓ,રાસાયણિક ખાતર બાબતે જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે એક ગંભીર સમસ્યા ઉભી કરી રહ્યું છે.
પ્રિતેશભાઈ આગળ કહે છે કે,”પરંતુ હકીકતમાં આ સારામાં સારો બિઝનેસ છે પરંતુ જાગૃકતાના અભાવના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે અને તે જ કારણે પર્યાવરણ તેમજ અવાક વધારવા બાબતે ખેડૂતોમાં જાગૃકતા લાવવા માટે એક ઉપવનની આવશ્યકતા ઉભી થઇ કે જ્યાં આવીને ખેડૂતો જૈવિક ખેતી એ પણ વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે કરવી તે શીખી શકે.

તથાસ્તુઃ ઉપવન
પ્રિતેશભાઇએ પોતાની 30 વીઘા જમીનને બે વર્ષ સુધી એમ જ પડી રાખી તેમાં સમયાંતરે રોટાવેટર ચલાવવા સિવાય બીજી કોઈ જ પ્રક્રિયા હાથ ન ધરી અને ત્યારબાદ તે 30 વીઘા જમીનમાં વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી આરંભી જેમાં શરૂઆત તેમણે હોર્ટી સીલ્વી ક્લચર એટલે કે જંગલના વૃક્ષો અને બાગાયતી વૃક્ષોની વાવણી સાથે કરી. આ સાથે તેમણે ઉપવનમાં 2200 વૃક્ષો વાવ્યા છે અને ટાર્ગેટ 3500 ઝાડનો છે.
વાડીની ફરતે બોર્ડર બનાવવા માટે મહોગની ઝાડ વાવ્યા છે જેની ઊંચાઈ 80થી 200 ફૂટ ની થાય છે. અને તે દ્વારા વિવિધ કુદરતી આફતો તેમજ ઝડપી ફૂંકાતા પવનની સાથે સાથે ખેડૂતોએ પણ પોતાના ખેતરની ફરતે કંઈ રીતે આ વૃક્ષોની વાડ કરવી તે પ્રદર્શિત થાય છે.
મહોગની પછી મહેંદીની લાઈન પછી સીતાફળ વાવ્યા છે અને સીતાફળી પછી વિવિધ પ્લોટ્સમાં બીજા વિવિધ ફળાઉ ઝાડ વાવ્યા છે આ બધી જ વાવણી પવનનીની દિશાના આધારે કરેલ છે. તેના પછી ચીકુડી અને જાંબુડી, એવાકાડો, સ્ટ્રોબેરી, કાજુ, નારિયેળી, આંબા વગેરે વાવ્યા છે,અહીંયા રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલુ છે જેથી આગામી ત્રણ વર્ષ પછી તે આસપાસના ખેડૂતો અને લોકોને બતાવી શકશે કે કંઈ રીતે તમે ઓર્ગેનિક ખેતી દ્વારા પણ સારી કમાણી કરી શકો છો અને સાથે સાથે પર્યાવરણનું જતન પણ.

ઉપવનમાં વચ્ચે એક ટેકરી બનાવી ત્યાં વાંસની ત્રણ કુટિર બનાવી છે જેમાં એક કોફી ટેબલ સાથેની છે જ્યાં તમે આરામથી કુદરત સાથે બેસી ચા-પાણી કરી શકો છો વચ્ચે એક કુટિર ધ્યાન ધરવા માટેની બનાવી છે અને ત્રીજી એક બસ એમજ આરામ ફરમાવવા માટે બનાવી છે. આ સિવાય ત્યાં જે લુપ્ત થવાના આરે છે તેવા વૃક્ષમાં રૂખડો ઝાડ છે જેની આવરદા લગભગ પાંચ હજાર વર્ષ સુધીની હોય છે. એક આપણી સંસ્કૃતિમાં ખુબ જ પવિત્ર ગણાય છે તે ઉમરો ઝાડ વાવ્યું છે. લીમડા વાવીને તેના ઉપર ગળો ચડાવ્યો છે. આ સિવાય ત્યાં ખેર, અર્જુન સાદડ, વગેરે વૃક્ષોની વાવણી પણ કરેલી છે.
તેઓ જણાવે છે કે,” આમ અમે ત્યાં નવ વિભાગ પાડીને અલગ વૃક્ષો વાવ્યા છે અને આગળ જતા આ વૃક્ષો 8 થી 10 ફૂટના થશે ત્યારે તેની વચ્ચેની જગ્યામાં બીજા ખેતી લાયક પાકોની વાવણી કરી ઇન્ટર ક્રોપીપિંગ પણ શરુ કરવામાં આવશે અને આ રીતે ખેડૂત પણ પ્લાંનિંગ કરતો થાય તો તેની આવકમાં પણ વધારો થશે સાથે સાથે રસાયણોનો સંપૂર્ણ ત્યાગ દ્વારા જમીન પર્યાવરણની સાથે સાથ આવા પાક દ્વારા ઉત્પન્ન થયેલ પેદાશો આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ નહીં થાય.

વાવણીની વિવિધ જૈવિક રીતો
અહિંયા જે લોકો કોઈ જૈવિક પદ્ધતિઓ જણાવે છે તે આંધળી રીતે ના માનતા તથાસ્તુઃ ઉપવન માં પ્રયોગ દ્વારા જાણી તેનું રિઝલ્ટ મળ્યા પછી એ બધાં જ સફળ થયેલા જૈવિક નુસખાઓને એકત્રિત કરી તેને આગળ જતા ખેડૂતોમાં જઈ તેમને આ બાબતે માહિતગાર કરી જૈવિક રીતે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમની અમુક રીતો નીચે મુજબ છે
દરેક વૃક્ષની વાવણી પહેલા જમીનમાં ખાડો કરી બે ત્રણ વાર પાણીથી ભરી લેવાનો એટલે જમીનની ગરમી નીકળી જાય અને એ પછી જ રોપણી કરવી અને વાવણી માટે નાના રોપા જ લેવા જેથી તે મોટા થતા સુધીમાં વ્યવસ્થિત રીતે તે જમીન વાતાવરણ અને જગ્યાને અનુકૂળ થઇ જાય. આ દરેક છોડની વાવણી માં મલચીંગની સાથે સાથે છાણીયું ખાતર તથા ગૌમૂત્ર નાખવામાં આવ્યું છે જેથી 2200 માંથી ફક્ત ત્રણ જ રોપા વૃદ્ધિમાં નિષ્ફળ રહ્યા છે બાકી બધા જ રોપા વ્યવસ્થિત રીતે વિકાસ પામીને મોટા થઇ રહ્યા છે.

તેઓ આગળ કહે છે કે અહીંયા પાણીની અછત નથી પણ જે તે વિસ્તારમાં જો પાણીની અછત હોય તો શું કરવું તે પ્રદર્શિત કરવા માટે માટલા પધ્ધતિ દ્વારા પિયતની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જૂની દેશી પદ્ધતિના અખત્યાર દ્વારા ઝાડ છોડની સામે પાસે માટલામાં પાણી ભરી તેને જમીનમાં દાટી દેવામાં આવ્યું છે .અને તે દર પંદર દિવસે માટલું ખાલી થઇ જાય છે જેને ફરીથી ભરી એક ઝાડને દર પંદર દિવસે આ રીતે પિયત આપી ઓછા પાણી વાળા વિસ્તારમાં પણ ઉછેરી શકાય છે.
બીજી વિવિધ જૈવિક રીતે વૃદ્ધિ માટે તથા રોગ અને જીવાત નિયંત્રણની રીતો પણ તેમને જણાવી જેમાં ડુંગળીના ફોતરાંને પાણીમાં 48 કલાક બોળી રાખો અને ફ્લાવરિંગ માટે છંટકાવ કરો. આકડાના છોડને વાટી પાણીમાં 15 દિવસ રાખો અને તેનો છંટકાવ કરો તો ઉધઈ નહિ આવે. મગફળીના મુંડાને હટાવવા માટે ખાટી છાસનો ઉપયોગ કારગર નીવડશે. મીલીબગ આવે છે તેના પર રાસાયણિક દવાના બદલે પાણીમાં ખરાબ થયેલા ગોળને નજીવી કિંમતે ખરીદી તેની ચાસણી મીલીબગ પર છાંટતા કીડીઓ આવીને તેને ખાઈ જાય છે વધેલી મિલીબગ પર આકડાનું પાણી છાંટી ડેટાથી તેનો ઉપદ્રવ ઘટી જાય છે.
આ બધી જ રીતો અહીંયા તથાસ્તુઃ ઉપવનમાં પ્રયાગિક ધોરણે ખેતી વૈજ્ઞાનિકને સાથે રાખી ચકાસવામાં આવે છે અને તેના દ્વારા રસાયણોનો ઉપયોગ ઘટે અને જતા દિવસે સાવ બંધ થઇ જાય તે બાબતના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે.

ધ બેટર ઇન્ડીયા પરિવાર પ્રિતેશભાઈને તેમના આ પ્રયત્નો બાબતે શુભેચ્છા પાઠવે છે અને આશા રાખે છે ટૂંક સમયમાં જ તેઓ આ અભિયાનમાં સફળ થઇ ગુજરાત તથા દેશના ખેડૂતો માટે વ્યવસ્થિત જૈવિક ખેતી કઈ રીતે કરવી તે બાબતનું પોતાના તથાસ્તુઃ ઉપવનનું મોડલ ઉદાહરણ રૂપે રજૂ કરે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.