કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ભલે દુનિયાભરની શાળા-કૉલેજો બંધ છે ત્યારે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક શિક્ષકો બાળકોનું ભણતર ન છૂટે એ માટે રોજ અવનવા પ્રયત્નો કરી રહ્યા છે. અમે આજે વાત કરી રહ્યા છીએ ગુજરાતના અમરેલી જિલ્લાના એક અંતરિયાળ ગામની મીતીયાળા પ્રાથમિક શાળાના શિક્ષક રાઘવભાઇ કટકિયાની. આ દરિયાપટ્ટીના અંતરિયાળ વિસ્તારમાં વાલીઓ મીઠાના અગરમાં કામ કરતા હોય છે ત્યાં તેમનાં બાળકોના ભણતર માટે બહુ ઓછી જાગૃતિ જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ તેમને શાળા સુધી ખેંચી લાવવાં મુશ્કેલ હોય છે ત્યાં અત્યારના કોરોના કાળમાં તો અશક્ય જેવું જ છે.

‘મન હોય તો માળવે જવાય’ સાર્થક કરે છે રાઘવભાઇ
આ વિસ્તારમાં ઓનલાઇન ભણતર માટે ટીવી કે સ્માર્ટ ફોન મળવા શક્ય નથી, એટલે લૉકડાઉન લાગ્યું ત્યારથી બાળકોની શાળા પણ બંધ થઈ ગઈ. આ વાધ રાઘવભાઇથી સહન ન થઈ. તેમણે શરૂ કરી હરતી ફરતી શાળા. રોજ તેમના બાઇક પર બ્લેક બોર્ડ, ભણાવવાના ચાર્ટ અને પુસ્તકો લઈને અલગ-અલગ વિસ્તારોમાં નીકળી પડે. બાળકોને પોતાના ખર્ચે ભણવાના મટિરિયલની ઝેરોક્ષ કઢાવીને આપે. ઝાડ નીચે પાટીયું ગોઠવી બાળકોને ચટ્ટાઇ પાથરી બેસાડે અને શરૂ કરે ભણાવવાનું.

શરૂ કરી હરતી-ફરતી શાળા
રોજ અલગ-અલગ વિસ્તારમાં જવાનું હોવાથી રોજ બધી જગ્યાએ તો પહોંચી ન વળે એટલે તેઓ બનાવે છે ટોળી નાયક. ધોરણ 8-9 ના મોટા વિદ્યાર્થીઓને તેઓ બરાબર રીતે ટ્રેન કરે જેથી જે વિસ્તારમાં તેઓ ન જઈ શકે ત્યાં આ લોકો નાનાં બાળકોને આગળ જે ભણાવ્યું હોય તેનું પુનરાવર્તન કરાવે. બાળકોને દિવસ ન પડે અને ભણવાનું ચાલું રહે.
વીડિયોમાં જુઓ રાઘવભાઇની હરતી ફરતી શાળા
જાણીતા બન્યા ‘રઘુ રમકડું’ ના નામથી
વાત માત્ર લૉકડાઉનના સમયની નથી, છેલ્લા 5 વર્ષથી સેવા આપી રહેલ રાઘવભાઇ ગુજરાતભરમાં ‘રઘુ રમકડું’ ના નામથી જાણીતા બન્યા છે. નાના બાળકોને એક કલાક માટે પણ ભણવા બેસાડવાં બહુ મુશ્કેલ હોય છે. તેમાં પણ જ્યાં લોકો ભણતરના મહત્વથી અજાણ હોય, ત્યાં તો આ કામ વધારે મુશ્કેલ બની જાય છે. આવા સમયે જ એક શિક્ષક માટે કામ બની જાય છે વધારે મુશ્કેલ.

રાઘવભાઇ બાળકો માટે કરે છે અવનવી પ્રવૃત્તિઓ
રાઘવભાઇ તેમના આખા શર્ટ પર એકડીથી લઈને ગણિતના દાખલા લખી દે છે, જેથી બાળકો હરતાં-ફરતાં તેને જુએ અને તેમને યાદ રહી જાય. આસપાસ મળી આવતા નકામા સામાનમાંથી સુંદર અભ્યાસની વસ્તુઓ બનાવે. કદાચ તમને ‘તારે જમીન પર’ ફિલ્મમાં આમિર ખાનના રોલ વિશે યાદ હોય તો, રાઘવભાઇ પણ બરાબર એક જ રીતે બાળકોને પ્રવૃત્તિઓમાં રત રાખી ભણાવે છે. જેથી તેમને ભણવામાં રસ જાગે. રમતાં-રમતાં તેઓ ભણી પણ લે અને ઘણી પણ લે.

શાળામાં પ્રોગ્રામ હોય ત્યારે બાળકો સાથે તેઓ પણ કરે એકપાત્રિય અભિનય
મોટાભાગે શાળામાં પ્રોગ્રામ હોય ત્યારે બાળકોને અભિનય સંગીત વગેરે કરવાનું હોય. પરંતુ અહીં તો રાઘવભાઇ પણ બાળકો સાથે બાળક બની તેમનો ઉત્સાહ વધારે. જેથી બાળકો હોંશે-હોંશે ભાગ લે.

રાઘવભાઇનાં કાર્યો જોઇ મદદ માટે લોકો આગળ આવ્યા
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રાઘવભાઈએ કહ્યું, “મારાં કાર્યો નિહાળી સાજીયાવદર ગામના વતની નાગજીભાઈ સાવલિયાએ બાળકોને શૈક્ષણિક મદદ માટે 25,000 રૂપિયા આપ્યા. જેમાંથી રાઘવભાઇ બાળકો માટે નોટબુક, પેન્સિલ, પેન, સંચો-ર્તબર વગેરે લાવી આપે છે.”
રાઘવભાઇની પ્રવૃત્તિઓ જોઇ માત્ર 2 જ વર્ષમાં ગામ લોકોએ 1,11,900 રૂપિયાનું દાન મળ્યું છે, જેનો ઉપયોગ બાળકોનાં કપડાં, ચંપલ, નાસ્તો, મોજાં, સ્વેટર વગેરે માટે કરવામાં આવે છે.

રાઘવભાઇ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અન્ય શિક્ષકમિત્રો સુધી પહોંચે એ માટે તેમણે ફેસબુક પર રઘુ રમકડુ – (Raghu Ramakadu) નામનું પેજ બનાવ્યું છે. તેઓ યૂટ્યુબ પર પણ તેમની પ્રવૃત્તિઓના વીડિયો મૂકે છે. જો તમે પણ રાઘવભાઇની પ્રવૃત્તિઓ અંગે વધુ જાણવા ઇચ્છતા હોય તો, તેમનો 99258 06546 સંપર્ક કરી શકો છો.
રાઘવભાઇ અને તેમના જેવા હોંશિલા ઉત્સાહી શિક્ષકોનો ઉત્સાહ વધારી રહેલ FAIR-E (Foundation for Augmenting Innovation and Research in Education) અને INSHODH ને પણ બિરદાવે છે ધ બેટર ઈન્ડિયા.
આ પણ વાંચો: રડતા બાળકની હૃદય ચીરતી કહાની સાંભળી આ યુવાને બનાવી સ્લમ સ્કૂલ, બદલી નાખ્યાં તેમનાં જીવન