કહેવાય છે કે તમારા સપના પૂરા કરવા માટે કોઈ નિશ્ચિત ઉંમર હોતી નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે આકાશને સ્પર્શી શકો છો, તમારે માત્ર હિંમતની જરૂર છે. દિલ્હીના નજફગઢ વિસ્તારમાં રહેતી 39 વર્ષની ઋતુ કૌશિકની કહાની પણ આવી જ છે. નાની ઉંમરમાં લગ્ન, પારિવારિક જવાબદારી વચ્ચે તેણે પોતાના સપનાને મરવા ન દીધા અને આ જ કારણ છે કે આજે હેન્ડબેગ બિઝનેસના ક્ષેત્રમાં દરેક તેના વિશે વાત કરી રહ્યા છે.
તેના હેન્ડબેગ બિઝનેસ, ‘ઋતુપાલ કલેક્શન’ દ્વારા, ઋતુ માત્ર ‘બિઝનેસવુમન‘ જ નથી બની પરંતુ તેના જેવી ઘણી મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ છે. તેણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મેં 16 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા. ત્યારે માત્ર 12મા ધોરણ સુધી ભણી શકી હતી. મારા પિયર અને મારા સાસરે પણ મારો સંયુક્ત પરિવાર હતો. તેથી, પરિવારની જવાબદારીઓમાં, મને મારાં સપનાં જીવવાની તક મળી ન હતી. મેં ખેતીથી લઈને ગાય ઉછેર સુધીનું બધું જ કર્યું છે.”
તેણે જણાવ્યું કે ગામમાં સંયુક્ત પરિવારમાં રહેતાં તેને ન તો આગળ ભણવાની તક મળી કે ન તો પોતાનું કોઈ કામ કરવા મળ્યુ, પરંતુ ઋતુને કંઈક કરવું હતું. તેણી કહે છે કે સમય જતાં તેનો પરિવાર નજફગઢમાં સ્થાયી થયો. અહીં તેના પર સાસુ, પતિ અને બે બાળકોની જવાબદારી હતી. આ બધાની વચ્ચે ઋતુએ પોતાના માટે સમય કાઢવાનો પ્રયત્ન કર્યો અને અભ્યાસ શરૂ કર્યો. પતિ સતપાલ કૌશિકના સમર્થનથી તેણે ગ્રેજ્યુએશન કરવાનું નક્કી કર્યું.
“મેં ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું ત્યારે મારો દીકરો 12મા ધોરણમાં હતો. લગ્નના લગભગ 16 વર્ષ પછી, મને ફરીથી ભણવાની તક મળી,” તેણે કહ્યું.

આ પણ વાંચો: કોવિડમાં હીરાનો ધંધો બંધ થતાં સુરતના પરિવારે શરૂ કર્યું ડેરી ફાર્મિંગ, વાર્ષિક કમાણી 25 લાખ
બીજાની વાતો પર ધ્યાન ન આપ્યું
સતપાલ કહે છે, “ઋતુ હંમેશા કહેતી હતી કે તેનું ભણવાનું સપનું અધૂરું રહી ગયું. તેથી જ્યારે તેણીએ પોતે કહ્યું કે હવે તે ભણવા માંગે છે, ત્યારે તેને રોકવાનો કોઈ પ્રશ્ન ન હતો. મેં તરત જ તેનું એડમિશન કરાવ્યુ. તે આટલા વર્ષોથી મારા પરિવારની સંભાળ રાખે છે, તેથી તેના કોઈપણ સપનાને પૂરા કરવામાં તેને ટેકો આપવાની મારી ફરજ હતી. હું જાણતો હતો કે તે મહેનતુ છે અને તેનું લક્ષ્ય હાંસલ કરશે.”
ઋતુ એ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું, પણ આ સફર તેના માટે સરળ ન હતી. જો કે તેના પરિવારને તેના અભ્યાસની સાથે કોઈ સમસ્યા ન હતી, પરંતુ બહારનાં લોકોને હતી અને તેથી લોકો ઘણીવાર ટોણા મારવામાં અચકાતા ન હતા. ઋતુ કહે છે કે તે સમયે લોકોના શબ્દો ચોક્કસ ડંખ મારતા હતા, પરંતુ તેમના શબ્દો કરતાં વધુ મહત્વ તેમના સપના હતા. તે હંમેશા ભણવા માંગતી હતી પરંતુ નસીબે તેને ક્યારેય તક ન આપી. આથી જ્યારે તેને આ તક મળી ત્યારે તેણે કોઈની વાત વચ્ચે આવવા દીધી નહીં. સ્નાતક થયા પછી, તેણે વિચાર્યું કે તેણે પોતાનું કંઈક કામ કરવું જોઈએ.
તેણે કહ્યું, “જો કે મારા ઘરની આર્થિક સ્થિતિ સારી હતી, પરંતુ તેમ છતાં, મારે મારી એક અલગ ઓળખ બનાવવાની હતી. તેથી મેં મારો શોખ અજમાવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર મને નાનપણથી જ હેન્ડબેગ્સનો ખૂબ શોખ છે. એવો શોખ નહી કે બદલી-બદલીને હેંડબેગ્સ લઈ લીધી. પરંતુ મને હેંડબેગનાં અલગ-અલગ માર્કેટની પણ જાણકારી હતી. કયા નવા સેંપલ આવી રહ્યા છે ક્યાં મટિરિયલની ગુણવત્તા કેવી રહે છે. તેની જાણ મને હતી. તેથી મે વિચાર્યુ કે, હેન્ડબેગનું કામ કરવું જોઈએ.”
પરંતુ આ કેવી રીતે કામ કરે છે? ઋતુને ઘણી જગ્યાએથી પોતાની દુકાન ખોલવાની સલાહ મળી. પરંતુ તેને લાગ્યું કે દુકાન ખોલવી યોગ્ય નથી કારણ કે તમારે સવારથી સાંજ સુધી દુકાનમાં બેસી રહેવું પડશે. “પછી એવું ન હતું કે તમે ક્યાંય પણ દુકાન ખોલી શકો. આ માટે, તમારે સારી જગ્યા શોધવી પડશે અને તેમાં રોકાણ પણ વધારે કરવું પડે છે. હું મારા પ્રારંભિક રોકાણને ન્યૂનતમ રાખવા માંગતી હતી. જેથી તે કામ ન ચાલે તો પણ વધારે નુકસાન ન થાય. મને દુકાન ખોલવામાં ઘણી સમસ્યાઓ આવી હતી તેથી મેં વિચાર્યું કે કંઈક બીજું કરવું જોઈએ,”તેમણે કહ્યું.

આ પણ વાંચો: નાકના ટેરવાથી મોબાઈલમાં ટાઈપ કરી લાખોનો ઓનલાઈન વ્યવસાય કરે છે રાજકોટનો આ દિવ્યાંગ
પોતાની ઓનલાઈન દુકાન ખોલી
તે જ સમયે ઋતુના પુત્રએ મોબાઈલ ફોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આ પહેલા પણ તે જોતી હતી કે લોકો આજકાલ કેવી રીતે ઓનલાઈન શોપિંગ કરે છે. જ્યારે ઋતુએ તેના પુત્રને તેના વિશે પૂછ્યું તો તેણે તેને ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન બિઝનેસ કેવી રીતે કરવો તે સમજાવ્યું. અહીંથી જ ઋતુને વિચાર આવ્યો કે તે ઑફલાઇન નહીં તો ઑનલાઇન પણ પોતાની દુકાન ખોલી શકે છે. તેમના બાળકોએ તેમને ફ્લિપકાર્ટ પર નોંધણી કરાવવામાં મદદ કરી.
તે કહે છે, “શરૂઆતમાં મેં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. હું અલગ-અલગ માર્કેટમાં ગઈ અને ત્યાંથી અલગ-અલગ હેન્ડબેગના સેમ્પલ લાવી. આ પછી, કેટલાક ઉત્પાદન એકમોનો સંપર્ક કર્યો કે હું હેન્ડબેગ બનાવવા માંગતી હતી. મેં કેટલીક સારી હેન્ડબેગ બનાવી અને ફ્લિપકાર્ટ પર મૂકી. આ રીતે મેં વર્ષ 2016માં મારું ‘ઋતુપાલ કલેક્શન’ શરૂ કર્યું. પરંતુ તે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે મેં રોકાણ કર્યું હતું પરંતુ છ મહિના સુધી મને 15-20 દિવસમાં માત્ર એક કે બે ઓર્ડર મળી શકતા હતા.”
ઋતુના પતિ સતપાલ કહે છે, “ઋતુની સૌથી મહત્વની વાત હંમેશા એ રહી છે કે તે શીખવામાં પાછળ રહી નથી. ઉપરાંત, તેઓ સારી રીતે વસ્તુઓનું સંચાલન કેવી રીતે કરવું તે જાણે છે. તેથી ધીમે ધીમે તે કોમ્પ્યુટર અને બિઝનેસને લગતી અન્ય મહત્વની બાબતો પણ શીખી ગઈ. આ દરમિયાન ફ્લિપકાર્ટની ટીમે પણ ઘણો સાથ આપ્યો. તેણીએ તેમના ઉત્પાદનોને કેવી રીતે પ્રમોટ કરી શકે તે અંગે તેમના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કર્યા. લગભગ છ-સાત મહિનાની મહેનત પછી ઋતુના ઓર્ડર વધવા લાગ્યા અને ત્યારપછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.”
તેના બિઝનેસ વિશે ઋતુ કહે છે, “જો મેં મારી દુકાન માર્કેટમાં ખોલી હોત તો પણ કદાચ હું આટલી સારી કમાણી ન કરી શકી હોત. કારણ કે આજનો યુગ ઓનલાઈન છે અને તેથી જ હું લોકોને સલાહ આપું છું, ખાસ કરીને જેમની પાસે રિટેલ દુકાન છે, તેઓએ ઓનલાઈન વેચાણમાં જોડાવું જોઈએ. તેનાથી તેમના બિઝનેસમાં વધારો થશે.”
ફ્લિપકાર્ટની ટોપ સેલર બની
ઋતુએ તેના ઘરના પહેલા માળે પોતાનો બિઝનેસ સેટ કર્યો છે. તેણીએ કહ્યું કે તેની બધી હેન્ડબેગ અહીં બનીને આવે છે, જેને તે ઓર્ડર મુજબ પેક કરે છે અને મોકલે છે. “મેં હંમેશા ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે મને તેની ગુણવત્તાની ખાતરી હોય ત્યારે જ હું કોઈપણ ઉત્પાદનને ઓનલાઈન લિસ્ટ કરું છું. જેથી ગ્રાહકોને પછીથી કોઈ ફરિયાદ ન થાય,” તેણી કહે છે.
ઋતુ સવારે ચાર વાગ્યે ઊઠીને સૌપ્રથમ ઘરકામ પતાવી લે છે, તે સવારે 10 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આરામથી પોતાનો વ્યવસાય સંભાળે છે. ઉત્પાદનોની ગુણવત્તાના કારણે તે ઘણી વખત ફ્લિપકાર્ટની ટોપ સેલર બની છે. તેણે કહ્યું કે હવે તેને દર મહિને 700થી વધુ ઓર્ડર મળે છે અને તેનું ટર્નઓવર એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેણે ત્રણ લોકોને રોજગારી પણ આપી છે.

આ પણ વાંચો: ગાંધીનગરનો અનોખો ગાંઠિયાવાળો, ઓર્ડર આપ્યા વગર જ ગ્રાહકને પારખી પીરસી દે છે
“ઓનલાઈન વ્યવસાય શરૂ કરવો આજકાલ ખૂબ જ સરળ છે. જો તમે તમારી પોતાની દુકાન કરો છો અને આવા ઉત્પાદનો વેચો છો, જે તમે ઓનલાઈન પણ વેચી શકો છો, તો તમારે તમારી દુકાન એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર રજીસ્ટર કરાવવી જોઈએ. તમારે શરૂઆતના થોડા મહિનામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ તે તમારા વ્યવસાયને ઘણો વેગ આપશે,” તેમણે કહ્યું.
ફ્લિપકાર્ટ દ્વારા તેમના પ્લેટફોર્મ પર તેમની સફળતાની કહાનીનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો જેથી વધુને વધુ મહિલાઓને પ્રોત્સાહન મળે. અને અહીંથી જ Believe Filmsના ડાયરેક્ટર વૃંદા સમર્થને તેમના વિશે ખબર પડી.
સતપાલ જણાવે છે કે બ્રિન્દા ઈન્ડો-જર્મન પ્રોજેક્ટ ‘Her&Now Campaign’ માટે ડોક્યુમેન્ટ્રી બનાવવાનું કામ કરી રહી હતી, જેના માટે તેને એક મહિલા ઉદ્યોગસાહસિકની કહાનીની જરૂર હતી. દક્ષિણ ભારતમાંથી વૃંદાની આ શોધ ઋતુ પર અટકી ગઈ. તેણે ઋતુના ગામ, તેની શાળા અને પરિવારમાં એક ડોક્યુમેન્ટરી શૂટ કરી, જેનું નામ ‘Ritu Goes Online’ હતું.
આ ડોક્યુમેન્ટરી જર્મની ઉપરાંત અમેરિકામાં પણ બતાવવામાં આવી છે. આજે, તેના સમગ્ર પરિવારને ઋતુ પર ગર્વ છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી છે.
ઋતુ બધાને માત્ર એટલું જ કહે છે કે તમારે તમારા સપનાને ક્યારેય છોડવા જોઈએ નહીં. કોઈપણ કામ કરતી વખતે તે નાના છે કે મોટા એ ન જોવા જોઈએ. બસ કામ કરો કારણ કે જો મહેનત સાચી હશે તો નાનું કામ પણ તમને મોટું બનાવશે. તો, તેણી સૂચવે છે કે બદલાતા સમયમાં, વ્યવસાયની પદ્ધતિઓ પણ બદલવી પડશે.
જો તમે ઋતુ કૌશિકના સંપર્કમાં રહેવા માંગતા હો, તો તમે તેના ફેસબુક પેજની મુલાકાત લઈ શકો છો.
મૂળ લેખ : નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: તમારી તિજોરીમાં પડી રહેલા જૂના બ્રાંડેડ કપડા અથવા બેગ, અહીં વેચીને કમાઈ શકો છો પૈસા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.