Search Icon
Nav Arrow
Gardening
Gardening

સરકારી યોજના હેઠળ બનાવ્યું કિચન ગાર્ડન, હવે મળે છે શુદ્ધ હવા અને તાજી શાકભાજી

છેલ્લાં કેટલાંક વર્ષોથી ધાબામાં ફૂલછોડ વાવી રહેલ રમણ શ્રીવાસ્તવે રિટાયર્ડમેન્ટમાં સરકારી યોજના અંતર્ગત બનાવ્યું કિચન ગાર્ડન. આજે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી.

બિહારની રાજધાની પટનામાં રહેતા રાકેશ રમણ શ્રીવાસ્તવે તેમના ટેરેસને એક સુંદર બગીચામાં બદલી નાખ્યુ છે. તમે આ ટેરેસની સુંદરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે સાંજે તેમની આસપાસના લોકો પણ તેમની છત પરથી તેમની છતને નીહાળતા હોય છે.

રાકેશે તેના ટેરેસ પર 1000 ચોરસ ફૂટમાં બે ભાગમાં બગીચો તૈયાર કર્યો છે. તેમણે પોતે બગીચાનો એક ભાગ તૈયાર કર્યો છે, બીજો ભાગ તેમણે બિહાર સરકારની ‘ગાર્ડનિંગ ઓન રૂફટોપ’ યોજના હેઠળ તૈયાર કર્યો છે. તેના બગીચામાં તમે 150 કુંડા, ફૂલો, વિવિધ પ્રકારની ગ્રો બેગમાં શાકભાજી અને ફળોના છોડ સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા જોઈ શકો છો.

બિહાર સચિવાલયમાં સેકશન ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા રાકેશે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મને હંમેશા ઘરમાં વૃક્ષો અને છોડ વાવવાનો શોખ રહ્યો છે. નિવૃત્તિ પહેલાં, અમારા ટેરેસ પર થોડા ફૂલોના વૃક્ષો અને છોડ હતા. પરંતુ નિવૃત્તિ પછી અમે અમારા બગીચાને વધારવાનું વિચાર્યું.”

Gardening

રાકેશ હંમેશા બાગકામનો શોખીન રહ્યો છે અને આ સાથે તેને સાહિત્યમાં પણ ખાસ રસ છે. તેમના કેટલાક પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. તે તેની પત્ની પ્રીતિ શ્રીવાસ્તવ સાથે બગીચાની સંભાળ રાખે છે. દોઢ વર્ષ પહેલા સુધી, તેના ઘરમાં વિવિધ ફૂલોના વૃક્ષો અને છોડના લગભગ 75 કુંડા હતા.

પરંતુ હવે તેને તેના બગીચામાંથી માત્ર સુંદર ફૂલો જ નહીં પણ તાજા અને ઓર્ગેનિક શાકભાજી પણ મળી રહ્યા છે. અઠવાડિયામાં લગભગ ચાર-પાંચ દિવસ બગીચામાં ઉગાડવામાં આવતા શાકભાજી તેમના ઘરમાં તૈયાર કરવામાં આવે છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તેમણે તેમની બાગકામ જર્ની વિશે વિસ્તૃત વર્ણન કર્યું.

સબસીડી દ્વારા લગાવ્યુ કિચન ગાર્ડન:
રાકેશ કહે છે કે તેને અને તેની પત્નીને હંમેશા પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો છે. જો કે, અગાઉ તેની નોકરીને કારણે, તે બગીચામાં વધુ સમય ફાળવી શકતો ન હતો. પરંતુ નિવૃત્તિ પછી તેણે પોતાનો બગીચો વધારવાનું વિચાર્યું. તે કહે છે કે તેણે પોતાના બગીચામાં વધુ કુંડા લગાવ્યા અને વૃક્ષો વાવ્યા છે.

રાકેશ, જે સવાર -સાંજ પોતાના બગીચાની દેખરેખમાં સમય વિતાવે છે, કહે છે કે અગાઉ તેણે તેના બગીચામાં માત્ર ફૂલો રોપ્યા હતા. પરંતુ એક દિવસ, તેમને બિહાર સરકારની એક યોજના વિશે ખબર પડી, જે અંતર્ગત બિહાર સરકાર બિહારના ચાર શહેરી વિસ્તારોમાં મકાનોની છત પર બાગકામ કરવા માટે લોકોને સબસિડી આપી રહી છે. જ્યારે તેમણે આ યોજના વિશે માહિતી ભેગી કરી ત્યારે તેમને ખબર પડી કે આ હેઠળ તેઓ કિચન ગાર્ડન ઉભું કરી શકે છે.

તેમણે કહ્યું કે યોજના મુજબ, તેમને ત્રણ મોટા ગ્રો કન્ટેનર, 10 મોટા ગ્રો બેગ, 15 પોટ, ચાર ગાર્ડનિંગ કીટ, શાકભાજી અને ફળોના છોડ, ટપક સિંચાઈ પદ્ધતિ, બાગકામનાં સાધનો વગેરે મળ્યા છે. તમામ સેટઅપ પણ નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નિષ્ણાતે તમામ કન્ટેનર, ગ્રો બેગ અને કુંડાને સેટ કર્યા અને તેમાં કોકોપીટ, જૈવિક ખાતર વગેરે મેળવીને પોટિંગ મિક્સ પણ ભર્યુ છે.

“જો આપણે માત્ર જૈવિક ખાતરની વાત કરીએ તો તે 40 કિલોની 30 થેલીઓ કાર્બનિક ખાતર સાથે લાવ્યા હતા. પોટિંગ મિક્સ ભર્યા પછી, તેણે બીજ, તમામ ગ્રીન્સ અને શાકભાજીના રોપા રોપ્યા અને કેરી, ચીકુ, લીંબુ, અંજીર, પપૈયા, કેળા, આમળા, જામફળ જેવા ફળોના વૃક્ષો પણ વાવ્યા. જો તમને નર્સરીમાંથી કોઈ મોટું ફળનું ઝાડ મળે, તો તે તમને રૂ.250 થી વધુ મોંઘુ પડે છે,”તે કહે છે.

Kitchen Gardening

તાજા શાકભાજી મળી રહ્યા છે:
બગીચો ઉભો કરવાની સાથે જ તેમાં ટપક સિંચાઈ વ્યવસ્થા પણ લગાવવામાં આવી છે જેથી પાણી આપવાની વધુ સમસ્યા ન થાય. રાકેશનું કહેવું છે કે અત્યાર સુધી તેણે પોતાના બગીચામાંથી રીંગણ, દૂધી, તુરિયા, કારેલા, કાકડી, ચોળી જેવા શાકભાજીનો આનંદ માણ્યો છે. તેમના ફળોના વૃક્ષો પણ સારી રીતે વિકાસિત થઈ રહ્યા છે.

રાકેશ કહે છે, “જો મેં તમામ કામ જાતે કર્યું હોત, તો પણ આ યોજના હેઠળ મને જે પ્રકારનું સેટઅપ મળ્યું છે તે હું કરી શક્યો ન હોત. તે એક સમયનું રોકાણ છે, જેના પછી તમારે ઘણા વર્ષો સુધી તમારા બગીચા માટે પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં. પરંતુ સખત મહેનત કરવી પડશે.”

નિષ્ણાતોની ટીમ ગાર્ડન સેટઅપ કરી શકે છે. પરંતુ તે સારી રીતે ઉગી શકે તે માટે રાકેશ અને તેની પત્ની આખો દિવસ સખત મહેનત કરે છે. દરેક છોડ-ઝાડનું નિંદામણ, કુંડાને અહીથી ત્યાં કરવાના, બગીચાને સાફ રાખવાનો આ બધુ જ કામ રાકેશ જાતે કરે છે. વચ્ચે ક્યારેક એક્સપર્ટની ટીમમાંથી લોકો આવીને અપડેટ લેતા રહે છે. જેથી બગીચામાં કોઈ જંતુઓ કે જીવાત ન પડે.

અત્યારે રાકેશના બગીચામાં 150થી વધુ વૃક્ષો અને છોડ છે અને ધીમે ધીમે તેમના બગીચામાં છોડ ઉગી રહ્યા છે. તેમણે પોતાના બગીચાને ‘રમણ બાગ’ નામ આપ્યું છે. બગીચામાં લાઇટિંગ તેને વધુ આકર્ષક બનાવી છે જેથી તેઓ સાંજે અહીં સારો સમય પસાર કરી શકે. કોઈપણ સમયે તમે તેમના બગીચામાં પક્ષીઓનો અવાજ સાંભળી શકો છો.

Kitchen Gardening

શાકભાજી અને ફળો પણ પડોશમાં વહેંચવામાં આવે છે:
તેમણે આગળ કહ્યું કે તેમને તેમના ટેરેસમાંથી દૂધી અને તુરિયા ઘણા મળે છે. આ દરમિયાન તેમણે તેમના પાડોશીઓને ઘણી વખત શાકભાજી પણ આપી. “એકવાર મેં શાકભાજી વેચનારને 10 દૂધી પણ આપી હતી કે તેને વેચીને કંઈક કમાઈ લે. ઘરે માત્ર હું અને મારી પત્ની જ રહીએ છીએ અને ઘણીવાર કેટલીક શાકભાજી જરૂરિયાત કરતા વધારે થઈ જાય છે. એટલા માટે અમે બીજાને ઓર્ગેનિક શાકભાજી ખવડાવી શકીએ છીએ.”

પોતાના ઘરની અગાસી પર બગીચો લગાવવા ઉપરાંત, તેમણે તેમના ઘરની બાજુમાં આવેલી એક નાની ખાલી જમીન પર ગુલમોહર, અશોક, પામ, હરસીંગાર, સરગવો, જામફળ, જાસૂદ, કેળા જેવા વૃક્ષો પણ વાવ્યા છે. હવે તેમને તેમાંથી સારી ઉપજ મળી રહી છે. તેઓ કેળાના ઝાડમાંથી વર્ષમાં ત્રણ-ચાર વખત કેળા મેળવે છે. તેમને આ વૃક્ષમાંથી એક સમયે લગભગ 25 ડઝન કેળા મળે છે. જેમાંથી કેટલાક તેમના પોતાના ઘરમાં વપરાય છે અને કેટલાક પડોશીઓમાં વહેંચવામાં આવે છે.

આ રીતે, માત્ર તેઓ જ નહીં પરંતુ તેમના પડોશીઓ પણ તેમના બગીચામાંથી ઓર્ગેનિક શાકભાજી અને ફળો ખાઈ રહ્યા છે. રાકેશ કહે છે કે તેનો બગીચો તેને માત્ર તેની રસોડાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી રહ્યો નથી પરંતુ તેનાથી તેને માનસિક રીતે પણ ઘણી મદદ મળી છે. તે કહે છે, “મારા પગમાં ફ્રેક્ચર હતું, તેથી હું ક્યાંય બહાર જઈ શકતો ન હતો. એટલા માટે ક્યારેક કંટાળી જતો અને મન પણ ઉદાસ થઈ જતુ હતુ. પણ જ્યારે પણ આવું થાય ત્યારે હું મારા બગીચામાં પહોંચી જતો હતો અને હરિયાળી જોઈને મારા મનમાં જે શાંતિ અને ખુશી આવે છે તેનો કોઈ મેળ નથી. તેથી જ હું મારી આસપાસની ખાલી જગ્યાઓને હરિયાળીથી ભરવાનો પ્રયત્ન કરું છું.”

Rooftop Kitchen Garden

બિહાર સરકારની આ યોજના હેઠળ, અરજદારને 25 હજાર રૂપિયા ચૂકવવા પડે છે અને બાકીનો ખર્ચ સરકાર કરે છે. “ઘણી વાર સાંભળીને લોકોને લાગે છે કે જો પૈસા આપવાના હોય તો આપણે આ કામ જાતે કરીશું. પરંતુ હું મારા અનુભવ પરથી કહી શકું છું કે જો તમે ઓછા સમયમાં આટલો સરસ બગીચો સેટઅપ કરવા માગતા હોય તો આ યોજના સૌથી યોગ્ય છે. કારણ કે તમે એકલા શું-શું કરશો? અને જો આ સ્તરે બગીચો ગોઠવવો હોય તો તમામ વસ્તુઓની ગુણવત્તાને જોતા હું કહું છું કે તમને 25 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થશે,”રાકેશે કહ્યું.

આ યોજના હેઠળ, બિહાર રાજ્યના ચાર જિલ્લા પટના સદર, દાનાપુર, ફુલવારી, સમપત્ચક, ગયાનું ગયા શહેરી, બોધ ગયા, માનપુર, મુઝફ્ફરપુરના મુશહરી, કાંટિ અને ભાગલપુરના જગદીશપુર, નાથનગર, સબોર બ્લોક આ યોજનાનો લાભ લઈ શકે છે. તે વ્યક્તિઓ કે જેમનું પોતાનું ઘર છે અને તે વ્યક્તિઓ જે એપાર્ટમેન્ટમાં રહે છે, જેમનું પોતાનું ઘર અથવા એપાર્ટમેન્ટમાં ફ્લેટ છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

રાકેશ કહે છે કે આ યોજના હેઠળ, એક સમયના રોકાણ સાથે, તમે તમારા ઘરમાં વર્ષોનાં વર્ષો સુધી ફળો અને શાકભાજીની વ્યવસ્થા કરી શકો છો. જો તમે બિહાર સરકારની આ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો અહીં ક્લિક કરો. રાકેશનો સંપર્ક કરવા માટે તમે તેની સાથે ફેસબુક દ્વારા જોડાઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વડોદરાના યુવાને રખડતાં કૂતરાં માટે શેલ્ટર બનાવી શરૂ કર્યું ખવડાવાનું, 50 શ્વાનની રાખે છે સંભાળ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon