અમુક લોકો માટે ફરવા જવાનો મતલબ બસ ક્યાંક જઈને રજાઓ ગાળવાનો જ હોય છે. જેથી રોજીંદી ભાગદોડ ભર્યા જીવનમાંથી બ્રેક મળે. તો કેટલાંક લોકો એવાં પણ હોય છે જેમના માટે ટ્રાવેલિંગ પેશન છે. તેઓ આરામ માટે નહી, પરંતુ નવી-નવી જગ્યાઓ, રસ્તાઓ અને લોકોને જાણવા માટે ફરે છે. તેમની દરેક યાત્રા એક અનુભવની જેમ હોય છે. એટલા માટે તેઓ દરેક વખતે નવી-નવી રીતે ફરતા હોય છે. જેમકે, કોઈ ચાલતા હિમાલય સુધી જવા માંગે છે તો કોઈ બાઈક લઈને લદ્દાખ જવા માંગે છે. આજે એક ફરવાનાં શોખીન શખ્સની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્ટોરી છે હૈદરાબાદમાં રહેતા પ્રદીપકુમારની, જે આજકાલ લેહ અને લદ્દાખની યાત્રા કરી રહ્યા છે. રસપ્રદવાત તો એ છેકે, પ્રદીપે હૈદરાબાદથી લેહ સુધીની યાત્રા કોઈ હાઈ-એન્ડ બાઈક અથવા ટ્રેન કે ફ્લાઈટમાં નથી કરી. વાસ્તવમાં તે પોતાના એક્ટિવા સ્કૂટી પર હૈદરાબાદથી લદ્દાખ પહોચ્યો છે અને હવે આસપાસનાં વિસ્તારોમાં પણ સ્કૂટી ઉપર જ ફરી રહ્યો છે.
હૈદરાબાદથી લદ્દાખ સુધીની તેમની યાત્રામાં તેણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તે હાર માન્યો નહીં.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, તેણે તેની યાત્રા વિશે કહ્યું, “ફરવું એ મારી પેશન છે. આ પહેલા પણ હું ઘણી જગ્યાએ પ્રવાસ કરી ચૂક્યો છું. પરંતુ, પહેલા મોટાભાગે બસમાં જ મુસાફરી કરી છે. આ પહેલી વાર છે કે મેં સ્કૂટી પર આટલું લાંબું અંતર કાપ્યું અને તે ખૂબ જ આનંદદાયક અનુભવ છે.”

કરે છે ફૂડ ડિલીવરી બોયનું કામ
પ્રદીપે જણાવ્યું કે તે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હૈદરાબાદમાં ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યો છે. ભણવામાં ખૂબ સારો ન હોવાને કારણે, તે તેની એન્જીનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી શક્યો ન હતો. તેના પિતા પણ તેના કામથી માત્ર 10-15 હજાર રૂપિયા કમાય છે, જેમાંથી તેમનું ઘર ચાલે છે. તેથી, તેણે પહેલા Uber Eats સાથે અને હવે Zomato સાથે ડિલિવરી બોય તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ સાથે, તેને વિવિધ સ્થળોએ મુસાફરી કરવાનો ખૂબ શોખ છે. તે ઘણા સમયથી બાઇક દ્વારા લદાખની(Road Trip to Ladakh) મુસાફરી કરવા માંગતો હતો. પરંતુ તે શક્ય નહોતું. કારણ કે મુસાફરી માટે High-End Bike ખરીદવું તેમના માટે શક્ય નહોતું. તેથી તેણે યાત્રા માટે તેની સ્કૂટી તૈયાર કરી.
તે કહે છે, “મારી પોતાની થોડી બચત હતી અને આ સિવાય મેં મારા મિત્રો અને પરિચિતોની મદદ પણ લીધી. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે લોકોએ મને ખૂબ પ્રેમથી મદદ કરી છે. કોઈએ 500 રૂપિયા આપ્યા, કોઈએ 1000 રૂપિયા આપ્યા. આજે જો હું મારી મુસાફરી કરી શકું છું, તો તે ફક્ત આ લોકોની સહાય અને પ્રાર્થનાથી છે.”
પ્રદીપે 19 જૂન 2021ના રોજ હૈદરાબાદથી (Road Trip to Ladakh) પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. તે તેની સાથે કેટલાક કપડાં અને ખાવાની વસ્તુઓ લઈને ગયો હતો. આ સિવાય રસ્તા માટે કેનમાં પેટ્રોલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી જો સ્કૂટીમાં પેટ્રોલ ખતમ થઈ જાય અને પેટ્રોલપંપ ન મળે તો તે તેનો ઉપયોગ કરી શકે. પ્રદીપે એકલા જ તેની મુસાફરી શરૂ કરી હતી. જો કે તેને આવી મુસાફરીનો કોઈ અનુભવ ન હતો, પરંતુ તેના મનમાં પોતાનાં લક્ષ્ય સુધી પહોંચવાનો જુસ્સો હતો.

રસ્તામાં મળ્યા નવા-નવા સાથીઓ
તેમની યાત્રામાં, તેમણે લગભગ 10 રાજ્યોના વિવિધ શહેરોને પાર કર્યા. આ રાજ્યોમાં તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ 10 દિવસમાં લદ્દાખ પહોંચ્યો હતો અને હવે તે કાશ્મીરની યાત્રા પણ કરી રહ્યો છે. તેમણે કહ્યું, “મેં પહેલા દિવસે આશરે 300 કિ.મી.નું અંતર કાપ્યુ અને બીજા દિવસે સાંજ સુધીમાં મધ્યપ્રદેશ પહોંચ્યો. ત્રીજા દિવસની સાંજ સુધીમાં, હું મધ્યપ્રદેશના સાગરથી ઉત્તરપ્રદેશના આગ્રા પહોંચ્યો. આગ્રામાં, હું સંજય જી અને મંગલ જીને મળ્યો, જે બાઇક રાઇડર ક્લબના ફાઉન્ડર પણ છે. મને તેની સાથે રહેવાનો અને લેહ અને લદાખ વિશે તેમની પાસેથી ઘણું શીખવાની તક મળી કારણ કે તેમણે પોતે બે વાર લદ્દાખની યાત્રા કરી છે.”
પ્રદીપે ચાર દિવસમાં હૈદરાબાદથી દિલ્હીનું અંતર કાપ્યું. તેમાં તે વચ્ચે-વચ્ચો રોકાયો પણ હતો. જો કે તેણે આ યાત્રા એકલાએ શરૂ કરી હતી, પણ તેને રસ્તામાં ઘણા સાથી મળી ગયા. કેટલાક તેમને જમવાની ઓફર કરતા તો કેટલાકે તેમને તેમની સાથે રહેવાની જગ્યા પણ આપી હતી. પ્રદીપ કહે છે, “પાંચમા દિવસે હું દિલ્હીથી પંજાબના પઠાણકોટ પહોંચ્યો અને ત્યાંથી હું પ્રખ્યાત તેલુગુ યુ ટ્યુબર વિજય ગૌર સાથે જોડાયો. વિજય તેના પ્રવાસ બ્લોગને યુ ટ્યુબ પર પોસ્ટ કરે છે અને તેના ઘણા ફોલોઅર્સ છે. મેં લગભગ બે વર્ષ પહેલાં તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કરી શક્યો ન હતો. પરંતુ આ યાત્રામાં મેં તેની સાથે ઘણો સમય પસાર કર્યો અને તેણે પણ મને મદદ કરી.”
જમ્મુ-કાશ્મીર પહોંચતા જ તેણે પોતાની સ્કૂટી સર્વિસ કરાવી પડી અને તેનો કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો હતો. ઉપરાંત, પ્રિપેઇડ નંબર્સ જમ્મુ-કાશ્મીરમાં કામ કરતા નથી, તેથી તેણે એક નવું સીમકાર્ડ લીધું અને આમ નવમા દિવસે લદ્દાખ પહોંચ્યો.

“લદાખ વિશે મેં જે સાંભળ્યું છે તેના કરતાં તે વધુ સુંદર છે. મારે લેહમાં ફરવા માટે પરવાનગી લેવી પડી હતી, પરંતુ આ પ્રક્રિયા એકદમ સરળ છે અને ઓનલાઇન છે. લેહ પહોંચવામાં મને લગભગ 10 દિવસનો સમય લાગ્યો. ત્રણ-ચાર દિવસ લેહ-લદાખની મુલાકાત લીધા પછી હવે હું શ્રીનગર તરફ આગળ વધી રહ્યો છું.” તેણે કહ્યુ.
પ્રદીપની યાત્રા હજી પૂરી થઈ નથી. હજી તેને પાછા પણ આવવાનું છે. તેની અત્યાર સુધીની સફર અદભૂત રહી છે. જો કે, એવા ઘણા પ્રસંગો હતા જ્યારે તેને ભૂખ્યા રહેવું પડ્યું હતું. પરંતુ સ્કૂટી પર લેહ પહોંચવાના તેના સપનાએ તેને ક્યાય પણ અટકવા દીધો ન હતો. તેમનું કહેવું છે કે તેમની અત્યાર સુધીની યાત્રા લોકોની સહાયથી પૂરી થઈ છે અને તેમને ખાતરી છે કે લોકોની મદદથી તે તેના ઘરે પણ પહોંચશે. હમણાં સુધી, તે તેની સફર માણી રહ્યો છે. લોકોને તે બસ એટલું જ કહે છેકે, દરેકે તેમના સપનાને તક આપવી જ જોઇએ. ઉપરાંત, જો તમે કોઈને તેમના સપનાને સાકાર કરવામાં સહાય કરી શકો, તો ચોક્કસપણે કરો. જેમ કે ઘણા લોકોએ તેને કર્યું છે અને ભવિષ્યમાં પણ તેને આશા છે કે લોકો તેને મદદ કરશે.
જો તમે તેમની યાત્રા વિશે વધુ જાણવા માંગતા હો, અથવા કોઈપણ રીતે તેમની સહાય કરવા માંગો છો, તો તમે તેમનો સંપર્ક ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 6 મહિનામાં 300 ગામ, 500 મંદિર અને 26 હજાર કિમીની યાત્રા કરી, એ પણ પોતાની કારમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.