ઉત્તરાખંડના નૈનિતાલના શ્યામખેતમાં પોતાના ઉદ્દગમથી શિપ્રા નદી ખેરના સુધી વહે છે. 25 કિ.મી.ની આ યાત્રામાં તે ભવાલી, કેંચી ધામ, રતિઘાટ, રામગઢ વગેરે સ્થળોને તૃપ્ત કરીને ખેરના કોસી નદીને મળે છે. પરંતુ છેલ્લા બે દાયકામાં, આ નદી સુકાઈને ગંદકીથી ભરેલી ગટર બની ગઈ છે. લોકોની આસ્થા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર હોવા સાથે, આ નદી ખેડૂતોનો ટેકો પણ હતી. એક સમયે આ નદીના કાંઠે પવનચક્કીઓ ચાલતી હતી, પરંતુ આજે આ નદીનું અસ્તિત્વ જોખમમાં છે.
42 વર્ષીય જગદીશ નેગી છેલ્લા 5 વર્ષથી શિપ્રા નદીના આ અસ્તિત્વને બચાવવા માટે કાર્યરત છે. ‘એકલા ચાલો રે’ નીતિને અપનાવતા તેમણે વર્ષ 2015માં નદીના જતનની કામગીરી શરૂ કરી. કચરો હટાવવાની ઝુંબેશથી શરૂ થયેલી આ પહેલ આજે આ નદીના કાયાકલ્પ માટે પહોંચી છે. નેગી ફરી એક વાર આ નદીને શાશ્વત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આ યાત્રામાં, તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પોતાનો માર્ગ બનાવ્યો છે.
કેટલાક લોકોએ ટીકા કરી હતી, કેટલાક તેને ગાંડો કહેતા અને ઘણા લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરંતુ જગદીશ અટક્યા નહીં કારણ કે તેને તેમના બાળપણની નદી જોઈતી હતી, જેમાં તેમણે એકવાર ડાઇવ લગાવી હતી. ધીમે ધીમે ભલે પરંતુ આજે સેંકડો સાથીઓ તેમની નોન સ્ટોપ યાત્રામાં જોડાયા છે અને બધાં પ્રકૃતિને બચાવવા સાથે મળીને કામ કરી રહ્યા છે.

મોર્નિંગ વૉક સાથે જર્ની શરૂ થઈ
ઉત્તરાખંડના ભવાલી જિલ્લાના રહેવાસી જગદીશ નેગી વર્ષ 1999માં કુમાઉ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. તે પછી તેઓ રોજગારની શોધમાં શરૂઆત કરી. ક્યારેક તે મજૂર તરીકે કામ કરતા અને ક્યારેક દુકાન ચલાવતા. વર્ષ 2007માં, તેમણે બાંધકામનો ધંધો શરૂ કર્યો અને તેમાં તે સફળ રહ્યા. જગદીશ જણાવે છે કે વર્ષ 2015માં એક દિવસ મોર્નિંગ વોક કરતા તે શિપ્રા નદીના કાંઠે પહોંચ્યા હતા. અહીં તેમણે જોયું કે નદીમાં માત્ર ગંદકી છે, લોકો માટે જાણે કે તે કોઈ નદી નથી પણ તેમનું ડસ્ટબિન છે.
“મેં તે જ દિવસે નિર્ણય કર્યો કે તેના વિશે કંઇક કરવું જોઈએ. મેં મારા ફેસબુક પર પોસ્ટ કર્યું કે હું આગામી રવિવારે શિપ્રા નદીની સફાઇ કરવાનું કામ શરૂ કરીશ. જો કોઈ મિત્ર મને મદદ કરવા માંગે છે, તો પહોંચે. રવિવારે, 10-12 વધુ લોકો મારી સાથે એકઠા થયા અને અમારા માટે એક ખૂણામાંથી નદીની સફાઇ કરવાનું શરૂ કર્યું,” તેમણે કહ્યું. જો કે, તે દિવસે તે જાણતો ન હતો કે તેણે જે કામ હાથમાં લીધું છે તે લાંબા ગાળે એક મોટું આંદોલન બની જશે.

તેમનું સફાઈ અભિયાન એક-બે મહિના સુધી દર રવિવારે ચાલતુ રહ્યુ હતુ. પરંતુ જેમ જેમ તેમણે પ્રગતિ કરી, સમસ્યાઓ પણ વધવા લાગી. સ્વચ્છતા અભિયાન માટે હવે કોઈ સાથીદાર તેમની સાથે નહોતો આવતો કારણ કે કચરો અને વધતા પર્વતો જોયા પછી દરેકનો ઉત્સાહ ઠંડો પડી ગયો. આવી સ્થિતિમાં જગદીશે તેની સાથે એક-બે મજૂર લઈ જવાનું શરૂ કર્યું.
લોકોનો ખરાબ વ્યવહાર રાહમાં અડચણ બન્યો
તે કહે છે, “જેમ જેમ હું આગળ વધતો ગયો, ત્યારે જાણ થઈ કે ઘણા ઘરોની ગટર પાઇપ નદીમાં ખુલ્લી છે. કોઈ પણ તે ગંદકીમાં પગ મૂકવા તૈયાર નહોતું. પરંતુ હું પાછો પડ્યો નહીં. ખબર નહી મને કેવું જૂનૂન અને જોશ હતો કે મેં નક્કી કર્યું કે હું તેમની ગટર પાઇપને નદીમાં બંધ કરાવીને જ રહીશ.”

આ માટે તેમણે લગભગ દોઢ-બે વર્ષ સુધી જિલ્લા વહીવટીતંત્રના ચક્કર લગાવ્યા હતા. ત્યાંના અધિકારીઓને માહિતી આપી કે કેવી રીતે થોડા મોટા પરિવારો તેમના ઘરના ગટરના ખાડાઓ ન બનાવીને નદીને દૂષિત કરી રહ્યા છે. શરૂઆતમાં કોઈ સુનાવણી થઈ ન હતી. તેમને ફક્ત ખાતરી મળી. પરંતુ આ સમય દરમિયાન તેમણે હિંમત ગુમાવી નહીં, પણ તેની સફાઇ અભિયાન સતત ચાલુ રાખ્યું. નેગી કહે છે કે તેમણે વારંવાર જિલ્લા વહિવટી તંત્રને અપીલ કરી હતી અને એકવાર પરિસ્થિતિને તપાસવા માટે ભવાલી આવવા માટે સમજાવ્યા હતા. બહુજ મુશ્કેલીથી IAS વંદના સિંહના હસ્તક્ષેપ બાદ આ લોકોની મનમાની પર કાબૂ મેળવવામાં આવ્યો અને સીવર પીટ બન્યા.
તેની સાથે સાથે નેગીના પ્રયાસોએ નગરપાલિકાને પણ શહેરના કચરાને નદીનાં કિનારે ન ફેંકીને દૂર જંગલોમાં લેંડફિલ સુધી પહોંચાડવા માટે મજબૂર કર્યા હતા. તેમના આ કામના કારણે તેમના દુશ્મનો પણ વધવા લાગ્યા. તેઓ જણાવે છે કે એકવાર તે નદીની સફાઇ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક દબંગોએ તેમને ડરાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. “લોકો તેમની વર્તણૂક બદલવા માંગતા નથી. તેમને આરામની જરૂર છે અને જો કોઈ તેમના આરામદાયક જીવનને વિક્ષેપિત કરે છે, તો તે તેમને સહન કરશે નહીં. કોઈ પણ તેમના ગટર પાઇપ માટે ખાડો બનાવવાની તસ્દી લેવા માંગતા ન હતા. જ્યારે મેં વર્ષોથી તેમના ચાલુ કાર્યમાં અવરોધ કર્યો, ત્યારે તેઓ અકળાઈ ગયા” તેમણે ઉમેર્યું.

નેગીએ નદીમાં કચરો ફેંકવાનું બંધ કરવા લોકો માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતું. તેમણે લોકોને સમજાવ્યું કે ભવાલી માટે શિપ્રા નદીનું શું મહત્વ છે. ભૂગર્ભજળનું સ્તર દરરોજ ઘટી રહ્યું છે અને જો આપણે હજી પણ આપણા કુદરતી જળ સ્ત્રોતોની કાળજી નહીં રાખીએ, તો તે દિવસ દૂર નથી, જ્યારે હકીકતમાં, ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે હશે.
શિપ્રા કલ્યાણ સમિતિની રચના
વર્ષ 2017માં, તેમણે શિપ્રા કલ્યાણ સમિતિની રચના કરી, જેના દ્વારા તેમણે નદીને જીવંત બનાવવાની તેમજ ભવાલીને સ્વચ્છ બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરી. સમિતિએ આ માટે દાન એકત્રિત કર્યું હતું અને પાલિકાને ડસ્ટબિન આપ્યા હતા, સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓની મદદથી હજારો વૃક્ષો અને છોડ રોપવામાં આવ્યા હતા. જગદીશ નેગી કહે છે, “શિપ્રા કલ્યાણ સમિતિએ તેમના પ્રયત્નોથી લોકો પાસેથી દાન એકત્રિત કર્યું હતું અને ભવાલી પાલિકાને 75000ની 15 ડસ્ટબિન પણ આપી હતી, જે શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે પણ મદદ કરી રહ્યું છે. ભવાલી શહેર હવે પહેલા કરતા વધુ સ્વચ્છ છે. મેં અત્યાર સુધી મારા શહેરના દુકાનદારોને 20 કિલોની ક્ષમતાના 60 ડસ્ટબિન વિતરિત કર્યા છે.”

નેગીએ પોતાના ખર્ચે આશરે 40 હજાર ઝાડ અને છોડ રોપ્યા છે, જેમાં લીંબુ, માલ્ટા, જામફળ, નારંગી વગેરે પહોળા પટ્ટાવાળા જળ-વહનવાળા વૃક્ષોનો સમાવેશ થાય છે. તેમણે અત્યાર સુધીમાં નદીના સંરક્ષણના કામમાં તેના ખિસ્સામાંથી લગભગ 11 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે અને હવે કમિટી નાગરિકો પાસેથી દાન એકત્ર કરીને તેનું કામ આગળ ધપાવી રહી છે.
ભૌગોલિક માહિતી સિસ્ટમોના પ્રોફેસર જીવન રાવતે શિપ્રા નદીનો નકશો તૈયાર કરી નેગીને આપ્યો હતો. જેના કારણે તેમના માટે તેનું મૂળ સ્થાન શોધવું સહેલું હતું. અત્યાર સુધીમાં 100 થી વધુ ટ્રકો ભરીને કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો છે અને લગભગ 3 કિ.મી. સુધી નદી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે. તેના મૂળને ફરી જીવંત કરવામાં આવ્યુ છે અને હાલમાં ફરી એક વખત અહીં પાણી લાવવાના પ્રયાસો ચાલુ છે. આ માટે, કૃષિ વિભાગના નિવૃત્ત કૃષિ અધિકારી લાલસિંહ ચૌહાણની માર્ગદર્શિકા મુજબ, તેઓ તેના કેટલાક સાથીદારો સાથે ચાલ-ખાલ બનાવવા માટે રોકાયેલા છે.

નદીને જીવંત બનાવવાના પ્રયત્નો
લગભગ 36 વર્ષોથી જમીન અને જળસંચય પર કામ કરી રહેલા લાલસિંહ કહે છે, “નેગીજી ઘણા વર્ષોથી શિપ્રા નદીને સાફ કરવાનું કામ કરી રહ્યા હતા અને ત્યારબાદ તેના કાયાકલ્પનું કામ પણ શરૂ થયું. જ્યારે તેમણે મારી સાથે આ અંગે ચર્ચા કરી, ત્યારે મેં તેમને મારા અનુભવના આધારે સમજાવ્યું કે તેમણે કેવી રીતે વિવિધ સ્તરે કામ કરવું જોઈએ જેથી શિપ્રા નદીનો ઉદભવ ફરીથી શરૂ થઈ શકે. આ માટે તેમણે વૃક્ષારોપણનું કામ શરૂ કર્યું અને ત્યારબાદ ખાણકામનું કામ શરૂ થયું.”
તેઓ કહે છે કે સામાન્ય ભાષામાં ફક્ત ટ્રેંચ, તળાવો અને સરવરો વગેરેને ખનતી અને ખાલ-ચાલ કહેવામાં આવે છે. પહાડોમાંથી વહેવાને બદલે વરસાદી પાણી જમીનમાં સમાઈને ભૂગર્ભજળનું સ્તર વધે, આ માટે આપણે ખાણો બનાવવી જરૂરી છે.

“મેં તેમને 3 મીટર લાંબી, 1 મીટર પહોળા અને અડધો મીટર ઉંડી ખાણ બનાવવાનું સૂચન કર્યું. વરસાદ થાય ત્યારે પહાડમાંથી જે તરફથી પાણી નીચેની તરફ આવશે, ત્યાં તે સ્લોપ પર અમે ખાણ બનાવી રહ્યા છીએ અને જે તરફ પાણી જશે એટલેકે નીચેની તરફ, ત્યાં અમે માટીનાં નાના નાના બાંધ બનાવીને તેની ઉપર ઘાસ ઉગાડી રહ્યા છીએ અને તેની આસાપાસ વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. તેનાંથી વરસાદનું પાણી ઉપર-ઉપરથી વહીને નીચે જશે નહી અને જમીનનું ધોવાણ થશે નહી. અમે આ ખાણોમાં પાણી બચાવીશું અને તેનાથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થશે અને તે પછી નદીનો સ્ત્રોત ફરી એકવાર રિચાર્જ થશે,” લાલસિંહે ઉમેર્યું.
હાલમાં તેમણે 20થી વધારે ખાણોનું નિર્માણ કર્યુ છે અને આગામી સમયમાં તેમનો ઉદ્દેશ્ય લગભગ 10 હજાર ખાણોનું નિર્માણ કરવાનું છે, તેનાંથી તેઓ આખી નદીને રિચાર્જ કરવામાં સફળ રહેશે. લાલ સિંહ, નેહીનાં કાર્યોનાં વખાણ કરતા કહે છેકે, આ કોઈ એક દિવસનું કામ નથી. નેગી છેલ્લાં 5 વર્ષોથી આ કામમાં લાગેલાં છે. અને આગળ પણ ઘણા વર્ષો લાગશે પરંતુ વિશ્વાસ અવશ્ય છેકે, એક દિવસ શિપ્રા નદી ફરી પુનર્જીવિત થશે અને જન-કલ્યાણ કરશે.

મંજીલ હજી ઘણી દૂર છે
નદી સંરક્ષણ અને વાવેતર ઉપરાંત તેમણે ઘોડાખાલ ખાતેના ગોલજુયા મંદિરના મુખ્ય દ્વાર પર શૌચાલયની પણ વ્યવસ્થા કરી છે. તેણે પોતાના ખર્ચે કમ્પોસ્ટ યુરિનલ્સ મૂકાવ્યા છે જેથી લોકો ખુલ્લામાં શૌચ ન કરે. આ ઉપરાંત તેમણે ભવાલીના ઐતિહાસિક જમુનાધારાનું જીર્ણોધ્ધાર કરીને તેને ફરી જીવંત બનાવ્યું છે. તેમનું કહેવું છે કે વર્ષ 1932માં બનેલો આ જમુનાધાર સ્ત્રોત એક સમયે ભવાલીના લોકોને પીવાના પાણીના પુરવઠાનો મુખ્ય સ્ત્રોત હતો.
પરંતુ તે પછી લોકો અને પ્રશાસનની ઉદાસીનતાને કારણે તે બંધ થઈ ગયો. નેગી કહે છે કે તેમણે તેના પરનો કાટમાળ કાઢી નાંખ્યો છે, તેની ટાંકી સાફ કરી તેના ફ્લોરને ફરીથી બનાવ્યો છે. આ રીતે, થોડી મહેનતથી, આ સ્રોતને પુનર્જીવિત કરવામાં આવ્યો છે. આ સાથે નદીનું કામ સતત ચાલુ છે.
સારી વાત એ છે કે હવે તેઓને લોકોની ભાગીદારીની સાથે અનુભવી લોકોની પ્રશંસા અને ટેકો મળી રહ્યો છે. તેમના કામની પ્રશંસા કરતા નર્મદા નદી બચાવો અભિયાનના નેતા મેધા પાટકરે પણ તેમને લખ્યું કે, “આજે ભારતભરની નદીઓ અને નદીઓની ખીણોનું જીવન અને આજીવિકા જોખમમાં છે. વિકાસના નામે નદીઓને પચાવી પાડવા, વધુ બજાર-શહેરને જોડવાનો પ્રયાસ ચાલુ છે. પ્રદૂષણ અને નદીઓનું સુકાઈ જવું – પૂરની સંભાવના હોવાની સંપૂર્ણ ગેરહાજરી છે. આ સ્થિતિમાં, શિપ્રા નદી પ્રત્યેના તમારા સફળ પ્રયાસો પ્રશંસનીય છે. લોકોને સાથે લઇને નદીને જીવંત કરવાનું તમારું કામ મહત્વપૂર્ણ છે, તેને ચાલુ રાખો.”
આ જગદીશ નેગીના પ્રયત્નોનો ચમત્કાર છે કે જ્યારે ભારત સરકારે નદીઓને જીવંત બનાવવાની યોજના બનાવી ત્યારે તેમાં ભવાલી જિલ્લાની શિપ્રા નદી પણ શામેલ થઈ હતી. “જ્યારે સરકારે આ જાહેરાત કરી ત્યારે અમે ખૂબ ખુશ હતા, પરંતુ આજ સુધી આ યોજના અંગે કોઈ નક્કર કામગીરી થઈ નથી. અમે હજી પણ અમારા સ્તરે કામ કરી રહ્યા છીએ. સરકાર તેની સંભાળ લઈ શકે છે અથવા નહીં પણ. પરંતુ હું મારા પ્રયત્નોથી પીછેહઠ કરીશ નહીં. આવતા કેટલાક વર્ષોમાં, તમે શિપ્રા નદીને ફરી એકવાર પાણીથી છલકાતા જોશો.”
જગદીશ નેગીનો સંપર્ક કરવા માટે તમે તેમને 9760287637 પર કોલ કરી શકો છો!
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ખીજડા પર ‘ટ્રીહાઉસ’, 2000 ઝાડ & તળાવ, થીમ પાર્ક કરતાં ઓછું નથી નિવૃત સૈનિકનું ખેતર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.