બિહારની રાજધાની પટનાના કિદવઈપુરી વિસ્તારમાં એક એવું ઘર છે, જ્યાં તમને લાગશે કે તમે કોઈ પાર્કમાં પહોંચી ગયા છો. આ ઘરની સૌથી મોટી ખાસિયત ગાર્ડન છે, જેને જોવા માટે દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. આ અનોખું ઘર 88 વર્ષના કૃપા શરણનું છે. તેમને વૃક્ષો અને છોડ પ્રત્યે વિશેષ લગાવ છે અને આ જ કારણ છે કે તેમની ઉંમરના આ તબક્કે પણ તેઓ પૂરા જોશ અને ઉત્સાહથી બાગકામ કરે છે.
આ ઘર કૃપા શરણે વર્ષ 1961માં બનાવવામાં આવ્યું હતું. તેમણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “જો તમારા ઘરમાં થોડી પણ જગ્યા હોય, તો બગીચો હોવો જરૂરી છે. બગીચો પર્યાવરણ માટે તેમજ માનસિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે. એટલા માટે હું માનું છું કે દરેક ઘરમાં બગીચો હોવો ખૂબ જ જરૂરી છે.”
તેમના ઘરના આ અનોખા બગીચામાં લગભગ 1000 વૃક્ષો અને છોડ છે. પરંતુ તેના બગીચાને સૌથી ખાસ બનાવે છે તે બગીચામાં બનાવેલી વિવિધ કલાકૃતિઓ. તેણે પોતાના બગીચામાં મૂર્તિઓ, ઝરણાં અને અનેક પ્રકારની ઝાંખીઓ તૈયાર કરી છે.
કૃપા શરણનો આ બગીચો 2000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સાથે જ તેમણે ટેરેસ પર પણ કેટલાક છોડ વાવ્યા છે.
પહેલાં તૈયાર કરતા હતા 26 જાન્યુઆરી અને 15 ઓગષ્ટની ઝાંખી
કૃપા શરણે 1955માં આર્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, થોડો સમય પટના કોલેજમાં આર્ટ ભણાવ્યું. ત્યારબાદ બિહાર સરકારના જનસંપર્ક વિભાગમાં કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
આ પદ પર રહીને તેઓ 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં બિહારની ઝાંખી તૈયાર કરતા હતા. તે પોતાના કામના સંદર્ભમાં દેશના વિવિધ રાજ્યોમાં પણ ફરતા હતા.
એ દિવસોને યાદ કરતાં કૃપા શરણ કહે છે, “હું ફૂલો વિના જીવી શકતો નથી. મને અલગ-અલગ ફૂલોના છોડ ઉગાડવાનો એટલો શોખ છે કે નોકરી દરમિયાન હું જ્યાં પણ જતો ત્યાંથી એક છોડ ચોક્કસ લાવતો. આ જ કારણ છે કે મારા બગીચામાં તમને અનેક પ્રકારના ફૂલો જોવા મળશે.”

આ પણ વાંચો: સુરતના આયુર્વેદિક ડૉક્ટરે હોસ્પિટલમાં વાવી ઑર્ગેનિક શાકભાજી, રીત છે એકદમ હટકે
તેમના બગીચાની ઝાંખીઓ વિશે વાત કરતાં, તેમણે કહ્યું, “મેં પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ ઝાંખીઓ ડિઝાઇન કરી છે. જેમાં વૃક્ષો વાવો, પ્રદૂષણ ઓછું કરો અને હરિયાળી ફેલાવો જેવા સંદેશા આપવામાં આવ્યા છે.”
ફૂલો ઉપરાંત તેમના બગીચામાં આંબાના પાંચ વૃક્ષો, મોસમી શાકભાજી અને અનેક સુશોભન છોડ છે. ઘણા લોકો આ ગાર્ડન જોવા આવે છે. તેમની પાસે બગીચાની વિઝિટર બુક પણ છે. જ્યાં લોકો આવીને પોતાના વિચારો લખે છે.

આ પણ વાંચો: આંગણમાં જૈવિક શાકભાજી વાવી નવસારીનાં બહેન મહિને કમાય છે 12 હજાર, દીકરીને ભણાવવાની મહેનત
તેઓ કહે છે, “દેશના વિવિધ ભાગોમાંથી લોકો આવે છે, વિદેશમાંથી પણ લોકો મારો બગીચો જોવા આવે છે. મને યાદ છે કે એકવાર ફ્રાન્સની એક વ્યક્તિએ મારા ઘરને સપનાનું ઘર કહ્યું હતું.”
તેમના પત્ની શ્યામા દેવી કહે છે, “મને પણ ગાર્ડનિંગનો શોખ છે. મારા બંને પુત્રો દિલ્હીમાં રહે છે અને ઘરમાં અમે એકલા જ છીએ. અમે અમારા બગીચામાં જ રીંગણ, ભીંડા અને દૂધી જેવા શાકભાજી ઉગાડીએ છીએ. અમારે બજારમાંથી બહુ ઓછા શાકભાજી ખરીદવા પડે છે.”
નિવૃત્તિ પછી બગીચામાં આર્ટવર્ક બનાવવાનું શરૂ કર્યું
કૃપા શરણની પુત્રી જયશ્રી પટનામાં રહે છે અને તેના પિતાની જેમ તેને પણ પેઇન્ટિંગ અને ગાર્ડનિંગનો શોખ છે. તેમણે કહ્યું, “અમે બાળપણથી જ લીલાછમ વાતાવરણમાં મોટા થયા છીએ, તેથી સ્વાભાવિક રીતે જ મને પણ બાગકામમાં રસ છે. પરંતુ મારા પિતાએ જે રીતે બગીચાને સજાવ્યો છે તે જોઈને દરેક જણ દંગ રહી જાય છે. નિવૃત્તિ બાદ તેમણે બગીચામાં નવા પ્રાણ ફૂંક્યા છે. તે વિવિધ પ્રકારની આર્ટવર્ક બનાવતા રહે છે.”
ઉંમરના આ તબક્કે કૃપા શરણ હવે વધુ મહેનત કરી શકતા નથા, તેથી તેમણે એક માળી રાખ્યો છે. પરંતુ તેમ છતાં, તેઓ બાગકામની સક્રિય દેખરેખ રાખે છે. તેઓ માળીને કહેતા રહે છે કે કયો છોડ કઈ જગ્યાએ હશે અથવા કયો છોડ ઋતુ પ્રમાણે તૈયાર કરવાનો છે.

આ પણ વાંચો: સફળ આર્કિટેક બની અર્બન ખેડૂત પણ, ધાબામાં પોતાના અને પડોશીઓ માટે ઉગાડે છે પૂરતાં શાકભાજી
ઘરે જ તૈયાર થાય છે ખાતર
બગીચામાં ઘણા બધા છોડ માટે, કૃપા શરણ ઘરે જ ખાતર તૈયાર કરે છે. આ માટે તેઓ ઘરનો કચરો અને ઝાડના સૂકા પાંદડાનો ઉપયોગ કરે છે.
ઘણા લોકો તેમના ગાર્ડનમાં શૂટિંગ વગેરે માટે પણ આવતા રહે છે. તેમણે આ વિશે કહ્યું, “મારા ઘરે આવનાર કોઈપણ મહેમાન ઘરની અંદર નથી જતા. દરેકને બહાર બેસવાનું ગમે છે. એટલા માટે મેં બગીચામાં બેસવાની સારી વ્યવસ્થા કરી છે. જ્યાં લોકો કલાકો સુધી બેસીને વાતો કરે છે.”
ગયા વર્ષે, કોરોના સમયગાળામાં સમય પસાર કરવો ઘણા લોકો માટે મુશ્કેલ કાર્ય હતું. પરંતુ કૃપા શરણ અને તેમના પત્નીનો બધો સમય છોડની સંભાળ રાખવામાં આરામથી પસાર થયો.

આ પણ વાંચો: લૉકડાઉનમાં દુનિયા થંભી ગઈ ત્યાં આ શિક્ષકે શાળાના કેમ્પસમાં દૂધની ખાલી થેલીઓમાં તૈયાર કર્યા 20 હજાર રોપા
તેમણે ઘરની બાઉન્ડ્રી પર સુંદર બોગનવેલના ફૂલો વાવ્યા છે. પ્રકૃતિ પ્રેમી કૃપા શરણ કુંડાઓને ઓક્સિજન બોક્સ કહે છે. તેઓ ઘણા લોકોને છોડના કટિંગ અને ખાતર પણ મફતમાં આપતા રહે છે.
કોંક્રીટના જંગલમાં પર્યાવરણ જાળવણીનો સંદેશો આપતા કૃપા શરણની કામગીરીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આશા છે કે તમને પણ આ કહાનીથી પ્રેરણા મળશે..
હેપ્પી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બ્રેઈન સ્ટ્રોક બાદ પણ ગાર્ડનિંગ કરી તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે આ 67 વર્ષનાં પ્રોફેસર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.