16 ડિસેમ્બર, 1971 ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનને એક નિર્ણાયક યુદ્ધમાં હરાવ્યું હતું. પોતાના દેશની રક્ષામાં ઘણા સાહસિક વીર જવાનોએ આમાં પોતાનો જીવ આપ્યો.
આ વાતને અત્યાર સુધીમાં 50 વર્ષ થઈ ગયાં, પરંતુ આ બહાદુર સૈનિકોના સાહસ અને યોગદાનની યાદો આજે પણ દેશવાસીઓના દિલમાં છે. જોકે, બહુ ઓછા લોકોને બનાસકાંઠાના રબારીઓ વિશે ખબર છે, જેમના અનોખા કૌશલ્યથી માત્ર 1971ના યુદ્ધ દરમિયાન જ નહીં, પરંતુ વર્ષ 1965 માં પણ ભારતીય સેનાને દુશ્મન સૈનિકો અને મુખ્ય કસબાઓ પર કબજો કરવામાં મદદ મળી હતી.
આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતના રણછોડ પગી વિશે, જેમના અદભુત કૌશલ્યથી ભારત-પાકિસ્તાનનાં બે યુદ્ધો દરમિયાન હજારો ભારતીય જવાનો અને લોકોના જીવ બચ્યા.

વર્ષ 1965
ગુજરાતમાં થારના રણપ્રદેશમાં કચ્છના રણમાં એપ્રિલથી જ પાકિસ્તાની ઘુસણખોરો સાથેની મુઠભેડ શરૂ થઈ ગઈ હતી. ઑગષ્ટ સુધીમાં, ભારત-પાકિસ્તાન બોર્ડર યુદ્ધમાં બદલાઇ ગઈ હતી.
જ્યારે યુદ્ધ થયું ત્યારે, બનાસકાંઠાના લિંબલા ગામમાં ઊંટ અને ગાયો-ભેંસો રાખતા રબારી સમાજના રણછોડ પગી સ્થાનિક પોલીસ માટે ગાઇડ તરીકે કામ કરી રહ્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ તેમને જાસૂસ બનાવ્યા.
જેનું કારણ હતું તેમનું અસાધારણ બુદ્ધિ અને કૌશલ્ય. વાસ્તવમાં પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે નજીકનો સંબંધ હોવાના કારણે તેમને એટલી ઊંડી સમજણ આવી ગઈ હતી કે, માત્ર પગની છાપ જોઇને સેનાની ગતિવિધીઓ સમજી શકતા હતા.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનો દ્વારા પ્રેમથી ‘ઓલ્ડ વૉર કેમલ’ ના નામથી ઓળખીતા બનેલ પગી ભારત-પાક સીમા પર તેમના ઊંટ પર બેસીને તેજ દ્રષ્ટિથી પાકિસ્તાની જમીન પર જોતા અને તપાસતા કે કોઇ પાકિસ્તાની ઘુસણખોર ભારતમાં આવતા તો નથી ને!

પગના નિશાન જોઇને માહિતી ભેગી કરવાની તેમની કળા ખરેખર અદભુત હતી. પગલાં પરથી જ તેઓ ઘુસણખોરોની સંખ્યા, તેમની સાથે સામાન છે કે નહીં અને તેમની ચાલવાની સ્પીડ પણ જાણી લેતા હતા. તેઓ એમ પણ જણાવી દેતા કે, પગનાં આ નિશાન બન્યે કેટલો સમય થયો છે, ઘુસણખોરો કઈ દિશામાં ગયા છે અને એમ પણ જણાવી દેતા કે, તેમણે જમીન પર બેસીને વાતચીત કરી છે કે નહીં.
બીએસએફ અને ભારતીય સેનાને આપેલ માહિતી ખૂબજ મહત્વની હતી. આ રીતે તેમણે ભારતીયોને બચાવવાની સાથે-સાથે યુદ્ધનીતિ બનાવવામાં પણ મદદ કરી.
વાસ્તવમાં, આ વિસ્તાર વિશેની તેમની જાણકારીએ સૈનિકોને 1965 ના યુદ્ધમાં છારકોટ અને વિદ્યાકોટની મહત્વપૂર્ણ પોસ્ટો પર કબજો કરવામાં મદદ કરી. વર્ષ 1965 ની શરૂઆતમાં, પાકિસ્તાની સૈનિકોએ કચ્છમાં રણનીતિક રૂપે મહત્વની વિદ્યાકોટ સીમા પોસ્ટ પર કબજો કરી લીધો, ત્યારબાદ થયેલ લડાઇમાં ભારતના 100 બહાદુર સૈનિકો શહિદ થયા. પોસ્ટ છોડાવવા માટે 10,000 ભારતીય સૈનિકોની એક ટુકડી મોકલવામાં આવી, પરંતુ મિશન સફળ થવા માટે ત્રણ દિવસમાં (પાકિસ્તાન મજબૂત થાય એ પહેલાં) રિમોટ પોસ્ટ પહોંચવાની જરૂર હતી.
તે સમયે ભારતીય સેનાએ તેમના સૌથી મહત્વના જાસૂસને ત્યાં તૈનાત કર્યા. પગીએ પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર જંગલો, ભેખડો અને પર્વતોમાંથી રસ્તો બતાવ્યો, આ સિવાય અંધારામાં પણ તેમણે સંતાઇને બેસેલા પાકિસ્તાનના 1200 સૈનિકો શોધી કાઢ્યા, જેના કારણે ભારતની જીત થઈ.
વર્ષ 1971 માં થયેલ યુદ્ધ દરમિયાન પણ તેમણે પાલી નગર પોસ્ટ પર તેમણે મદદ કરી. રસપ્રદ વાત તો એ છે કે, વર્ષ 1971 ના યુદ્ધ બાદ સેમ માનેકશૉએ પગીને મળવા બોલાવ્યા. ફીલ્ડ માર્શલે ગુજરાતથી આ જાસૂસને લાવવા ખાસ હેલિકોપ્ટર મોકલ્યું અને તેમનાં કામનાં વખાણ કરી તેમને 300 રૂપિયા ઇનામ આપ્યું અને તેમની સાથે બેસીને બપોરે જમ્યા પણ ખરા.

પછી પગીએ જણાવ્યું આઉટલુક,
“જ્યારે જમવાના સમયે મેં મારા થેલામાંથી બાજરીનો રોટલો અને એક ડુંગળી કાઢી તો જનરલને ખૂબજ આશ્ચર્ય થયું પરંતુ મને પણ આશ્ચર્ય થયું જ્યારે તેમણે ખુશી-ખુશી એ ખાધુ પણ.”
વર્ષ 1965 અને 1971 નાં ભારત-પાક યુદ્ધો દરમિયાન તેમનાં અનુકરણીય કામ બદલ પગીને ત્રણ સન્માન, સંગ્રામ પદક, સમર સેવા સ્ટાર અને પોલિસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા.
ત્યારબાદ પણ વર્ષો સુધી રબારીએ બીએસએફ અને ભારતીય સેના માટે સેવા આપવાનું ચાલું રાખ્યું અને સમય-સમયે તેમની સૂજ-બૂજનો પરિચય પણ આપ્યો. તેમની સફળતાઓમાં એક હતી, “1998 માં ‘મુશર્રફ નામના ઊંટને પકડ્યું, જેમાં 22 કિલો આરડીએક્સ હતો.'”
તેના એક વર્ષ બાદ તેમણે ભગત વેરી પાસે 24 કિલો આરડીએક્સ સાથે પાકિસ્તાની ઘુસણખોરોને પકડ્યા અને હાજીપીરમાં સંતાડી રાખેલ 46 કિલો વિસ્ફોટક પણ શોધી કાઢ્યો.
વર્ષ 2013 માં સેવાનિવૃત્ત થયા તેના ચાર વર્ષ બાદ, 112 વર્ષની ઉંમરે પગીનું અવસાન થયું. બીએસએફે તેમના સન્માનમાં બનાસકાંઠાની ચોકીઓમાંથી એક ચોકીનું નામ ‘રણછોડ ચોકી’ રાખ્યું છે. પોલીસે પણ તેમની અનોખી રીત માટે તેમનું સન્માન કર્યું. તેમણે તેમના સમાજના અન્ય જાસૂસોને ‘પોલીસ પગી’ નું ઉપનામ આપ્યું, જેઓ આજે પણ ગુજરાતમાં 540 કિમી લાંબી ભારત-પાક સીમાની રક્ષામાં બીએસએફની મદદ કરે છે.
આ પણ વાંચો: 1 કરોડ ઝાડ, 2500 ચેકડેમ: ગુજરાતના 3 જિલ્લાની વેરાન જમીનને આ વ્યક્તિએ ફેરવી હતી ઘાઢ જંગલમાં!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.