Search Icon
Nav Arrow
Rain water harvesting
Rain water harvesting

ગુજરાતનું સસ્તાં ફિલ્ટર બનાવતું સ્ટાર્ટઅપ, દર વર્ષે વિજળી વગર સ્વચ્છ કરશે વરસાદનું 60,000 લિટર પાણી

અમિત દોશીએ નવપ્રયોગ કરી ‘Neerain’ નામનું એક રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર બનાવ્યું છે, જેને જાળવવાનો ખર્ચ બહુ ઓછો છે અને તેમાં કોઈએ સતત કામ કરવાની પણ જરૂર નથી. અત્યાર સુધીમાં, આની મદદથી 10 કરોડ લિટર કરતાં વધુ પાણી બચાવવામાં આવ્યું છે..

2017 માં, ગાંધીનગર, ગુજરાતના અમિત દોશીએ નવી શરૂઆત કરવા માટે વેસ્ટ મેનેજમેન્ટમાં પોતાની 17 વર્ષ લાંબી કોર્પોરેટ નોકરી છોડી દીધી હતી. તે કહે છે કે તે પર્યાવરણ ક્ષેત્રે કામ ચાલુ રાખવા માંગતા હતા પણ જૂની લાઇનમાં રસ નહોતો રહ્યો. એટલે તેમને વિકલ્પો શોધવાનાં શરૂ કર્યું.

તેમને પર્યાવરણના વિવિધ ક્ષેત્રોમાં કેટલાક મહિના સંશોધન કર્યા બાદ, વરસાદી પાણીના સંગ્રહ માટે કામ કરવાનું નક્કી કર્યું. 43 વર્ષીય અમિત ધ બેટર ઈન્ડિયાને કહે છે કે આ નિર્ણય વરસાદી પાણી સંગ્રહ કરવાની સિસ્ટમ્સ અને તેમની કાર્યક્ષમતાને લગતા વિવિધ મુદ્દાઓ સમજ્યા પછી લેવામાં આવ્યો હતો.

“રાજ્ય અને કેન્દ્ર સરકારો જળસંગ્રહને પ્રોત્સાહિત કરે છે અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા સ્થાપિત કરવા સબસિડી આપે છે. ઘણા લોકો તેનું મહત્વ સમજે પણ છે. તેમ છતાં, મેં જાણ્યું કે પરંપરાગત સિસ્ટમો ખર્ચાળ છે અને તેમને લગાવવા માટે વધુ જગ્યા અને જટિલ માળખાકીય કામની જરૂર પડે છે. જેમ કે કાંકરીના ઉપયોગથી ગાળણક્રિયા સિસ્ટમ બનાવવી અને પછી તે ગાળેલા પાણીને ટાંકી સુધી લઈ જવું.”

આ ઉપરાંત, આ સિસ્ટમ્સનો જાળવણી ખર્ચ વધારે છે અને કોઈ સમસ્યા ઉભી થાય તો પ્લમ્બર અથવા વ્યવસાયિક વ્યક્તિની જરૂર પડે છે. “ખાનગી વ્યક્તિઓ દ્વારા સ્થાપિત ઘણી સિસ્ટમો બંધ પડેલી મળી કારણ કે તેઓ તેને જાળવવા માટે સમય અથવા કોઈ વ્યવસાયી શોધી શક્યા નહીં. ખર્ચ પણ જાળવણી ટાળવાનું એક કારણ બન્યા,”અમિત કહે છે.

તે કહે છે કે ઘણા કિસ્સાઓમાં, જૂના બાંધકામ ને કારણે સિસ્ટમ સ્થાપિત કરવી અશક્ય બની જાય છે.

આ તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે, અમિતે Neerain પ્રાઈવેટ લિમિટેડ હેઠળ એક જાળવણી-મુક્ત અને ખર્ચ-અસરકારક બે-તબક્કાની રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, Neerain બનાવી. આ ઉપકરણ 1000 થી વધુ ઘરોમાં લગાવવામાં આવ્યાં અને વિદેશમાં પણ તેનો નિકાસ કરવામાં આવેલ છે. જેને આજની તારીખ સુધી, હાર્વેસ્ટિંગમાં લગભગ દસ કરોડ લીટર પાણીનું યોગદાન કર્યું છે.

Amit Dhoshi
Courtesy: Amit Doshi

પાણી સંગ્રહને સરળ બનાવવું
અમિત કહે છે, “પાણી એ એક મૂળભૂત સંસાધન છે, અને દરેક વ્યક્તિ તેની કિંમત સમજે છે. ગુજરાતમાં ઘણીવાર ભારે પૂરનો માહોલ સર્જાયો છે અને આ દરમિયાન પાણી ગટર અને નદીઓમાં વહી ગયું છે. વ્યંગાત્મક રીતે, જે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે તે જ લોકો ઉનાળાના મહિનાઓમાં પાણીની કટોકટી અનુભવે છે અને ભૂગર્ભમાંથી પાણી મેળવે છે. ખૂબ ઓછા લોકો તેને ફરીથી ભરે છે અને પરિણામે લાખો ભારતીયો પાણીની તંગીથી પીડિત છે. કટોકટી દર વર્ષે વધી રહી છે. જમીનમાંથી આવતું પાણી પાછું જરૂર ફરે છે.”

તે કહે છે કે ઘણા લોકો જળ સુરક્ષા વધારવા માટે પાણીનો સંગ્રહ કરવાની ઇચ્છા ધરાવે છે પણ તેમાં સંકળાયેલ ખર્ચ અને જટિલતા તેમને જરૂરી પગલા લેવાથી અટકાવે છે.

તેમને ઉમેર્યું કે સંશોધન અને વિકાસના એક વર્ષ પછી, 2018માં આ ઉપકરણની કલ્પના અને પેટંટ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ લોકોને અનુકૂળ ઉપાયથી સશક્ત કરવાનો અને પર્યાવરણ તરફ ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

“ઘરે કામ કરતા લોકો, માળી, બાળક અથવા કોઈ નોન-ટેકનિકલ વ્યક્તિ પણ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને જાળવી શકે છે. તે એટલી સરળ છે.” અમિતે ઉમેર્યું કે, આ સરળતા જ સિસ્ટમને મેનેજમેબલ અને ખર્ચ અસરકારક બનાવવા પાછળનો એકમાત્ર હેતુ હતો.

ઉપકરણનું સચિત્ર વર્ણન કરતા અમિત કહે છે, “પ્લાસ્ટિકમાંથી બનાવેલું 1x1x1.5 ફૂટનું ઉપકરણ ઘરની અથવા બિલ્ડિંગની દિવાલ પર ફીટ કરવામાં આવે છે. તે એક પાઇપ સાથે જોડાયેલ છે જે છત પરનું વરસાદી પાણી ભેગું કરી અને તેને જમીન સુધી પહોંચાડે છે. બાયપાસ ગોઠવણી તરીકે ટુ સ્ટેજ ફિલ્ટ્રેશન પ્રોસેસયુક્ત ‘Neerain’ પાઇપની વચ્ચે બંધ બેસાડવામાં આવે છે.”

Amit Doshi
Courtesy: Amit Doshi

આ ફિલ્ટર્સ કણોના માપ ને જોતા બદલાય છે. “પ્રથમ ફિલ્ટર સુનિશ્ચિત કરે છે કે 500 માઇક્રોન સુધીના કણો એકત્રિત કરવામાં આવે અને પાણીને તેમાંથી પસાર થવા દે છે. ત્યારબાદ પાણી પારદર્શક આવરણવાળી એક નાની ટાંકીમાં ભેગું થાય છે જે પ્રક્રિયાને દૃશ્યમાન બનાવે છે. પછી પાણી બીજા ફિલ્ટરમાંથી પસાર થાય છે જે 5 માઇક્રોન સુધીના કણોને પસાર થતું અટકાવે છે, જે વાળનું માપ છે. હવે જે પાણી સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યું છે, તે શુદ્ધ, સ્વચ્છ અને તાજુ વરસાદી પાણી છે. તે બોરવેલ અથવા ભૂગર્ભજળના સ્રોતમાં જતું રહે છે, ”ઉદ્યમી કહે છે.

અમિત ઉમેરે છે કે આમાં કોઈ લિકેજ નથી, અને ફિલ્ટર્સ સફાઈ માટે કાઢી શકાય તેવા છે. “તેનો પ્લમ્બિંગ ખર્ચ ઓછો છે અને થોડા જ કલાકોમાં ઇન્સ્ટોલ થઈ શકે છે કારણ કે હાલની પાઇપમાં તેને ફક્ત બાયપાસ બનાવવાનો છે,” તે કહે છે.

“આ સરળ પદ્ધતિ દ્વારા ઘર અથવા આખી કોલોનીને જળ સુરક્ષિત બનાવી શકાય છે. પ્લાસ્ટિક ડિવાઇસની કિંમત 3,950 રૂપિયા છે, જ્યારે સ્ટેઈનલેસ સ્ટીલની 6,500 રૂપિયા છે. જો કે, પરંપરાગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિની કિંમત 8,000 થી 10,000 રૂપિયા છે. આ ઉપકરણ 40 થી 60% સસ્તું પડે છે, ”અમિત કહે છે.

તેમને ઉમેર્યું કે 1,200 ચોરસ ફૂટની છત પરથી એક વર્ષ પાણી સંગ્રહ કરવાથી, પાણીના બીલ વડે રોકાણ ખર્ચની વસૂલાત થઈ શકે છે. “આ છત અમદાવાદ જેવા શહેરમાં 60000 લિટર પાણીનો સંગ્રહ કરશે, જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 800 મીમી જેટલો હોય છે અને જો વરસાદ 1000 મીમી હોય તો સંભવિત એક લાખ લિટર પાણીનો સંગ્રહ થશે. કોઈ પણ કામગીરીનો ખર્ચ તેમાં શામેલ નથી, ”તે કહે છે.

અમિત કહે છે કે દેશભરમાં 1000 થી વધુ અને ઉત્તર અમેરિકાના 200 લોકોએ તેનો લાભ લીધો છે.

વરસાદી પાણીનું દરેક ટીપું જમીનમાં જાય
બેંગલુરુના સોફટવેર પ્રોફેશનલ વિશુકુમાર શેટ્ટી કહે છે, “એક ફેસબુક ગ્રુપ પર તેમના વિશે મને જાણ થઈ અને વરસાદના પાણીના બગાડને રોકવા માટે મેં 2020 માં ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યું. ઘરમાં વરસાદી પાણીની સંગ્રહ કરવાની જૂની વ્યવસ્થા હતી પરંતુ તે કાર્યરત નહોતી. મારે તેના સમારકામમાં પૈસા ખર્ચવા નહોતાં, કારણ કે તેમાં મોટી ટાંકીની સફાઈ અને ઘણા બધા ફિલ્ટર્સ બદલવા જરૂરી હતા. “

વિશુકુમાર કહે છે કે તેઓ સ્થાનિક પ્લમ્બરની સહાયથી આ ઉપકરણ સ્થાપિત કરી શક્યા અને તે સરસ રીતે કાર્ય કરી રહ્યું છે. “સંગ્રહ કરેલા વરસાદી પાણીને એક ખુલ્લા કૂવા તરફ વાળી દેવામાં આવે છે, જે એક સરળ પ્રક્રિયા છે. આ ઉપકરણ સાફ કરવું સહેલું છે અને પોર્ટેબલ પણ છે. જે જગ્યા બદલતા હું સાથે લઈ જઈ શકું છું, ”તે ઉમેરે છે.

હૈદરાબાદના રેઇનવોટર સિસ્ટમના વેપારી સાઈ પ્રસાદ કહે છે, “મેં અનેક ઉપકરણો અજમાવ્યા છે અને કામગીરી ચકાસવા માટે તેનો ઉપયોગ પણ કર્યો છે. કાર્યક્ષમતાની દ્રષ્ટિએ આ નિરાશાજનક નથી અને બજારના અન્ય ઉપકરણોની તુલનામાં ખર્ચ સૌને પોસાય તેવો છે.”

અમિત કહે છે કે ઉપકરણોએ સામૂહિક રુપે લગભગ દસ કરોડ લિટર પાણીની બચત કરી છે. “આશરે 60% જેટલા સ્થાનિક લાભાર્થીઓએ સાત કરોડ લિટર પાણીનો સંગ્રહ કર્યો છે. આ ગણતરી ક્ષેત્રમાં થયેલા વરસાદ અને સપાટીના ક્ષેત્રના આધારે કરવામાં આવી છે. બાકીના યોગદાન ઉદ્યોગિક અને વ્યાપારી સ્થાપનો તરફથી આવે છે જેની સપાટી વધુ હોય છે અને વધુ જળ સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. ‘

તેમને ઉમેર્યું કે કંપનીએ નાણાકીય વ્યવસ્થા કરવા સિવાય કોઈ નોંધપાત્ર પડકારોનો સામનો નથી કર્યો. અમિતે જણાવ્યું હતું કે, “મેં બેંક પાસેથી 10 લાખ રૂપિયાની લોન મેળવી અને માર્કેટિંગ, ઉત્પાદન અને પેકેજિંગ માટે બિઝનેસ કમાણી દ્વારા 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું,” વરસાદી પાણીના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા અને ફાળો આપવા માટે સમજાવવા એક મુશ્કેલ કાર્ય હતું.

જો કે, અમિતનું માનવું છે કે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને આને સતત પ્રયત્નોની જરૂર છે. “શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ફિલ્ટર કરેલ પાણી દરેક વ્યક્તિના ઘરે પહોંચે છે, અને આપણે તેને ગટરમાં જતા અટકાવવું જોઈએ. પૃથ્વી પર જળ સુરક્ષાની ખાતરી કરવા માટે પાણીનું દરેક ટીપું જમીનમાં જ જવું જોઈએ.”

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી


આ પણ વાંચો:
40% ઓછા ખર્ચમાં તૈયાર થયું જીતેન્દ્રભાઈનું ઈકો ફ્રેન્ડલી ઘર, ન લાઈટબિલની ચિંતા ન પાણીની, AC ની પણ જરૂર નહીં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon