અમદાવાદમાં રહેતાં અમૃતભાઈ પટેલ, રેલવેમાં લોકો પાયલોટ છે. અને મહિને લાખોમાં પગાર મેળવે છે, પરંતુ આજની આ 21મી સદીમાં લાખો કમાતા અમૃતભાઈ સાવ સાદગી ભર્યુ જીવન જીવે છે અને તેમના પગારમાંથી મોટાભાગની રકમ જે વિદ્યાર્થીઓને ભણવા માટે પૈસાની જરૂર હોય અથવા કોઈ દિકરીનાં લગ્નમાં કે કોઈની સારવારમાં પૈસાની જરૂર હોય તેમને આર્થિક મદદ કરે છે. જો કોઈને પૈસાની મદદ કરીએ તો જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પણ ન પડે એવી રીતે કરવી જોઈએ, બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અમૃતભાઈ કહે છે
કોણ છે અમૃતભાઈ?
મારો જન્મ વિરમગામ તાલુકાનાં નાના ઉભડા ગામમાં થયો હતો. પિતા નાનજીભાઈ તે સમયે ખેત-મજુરી કરતાં હતા. મારા પછી બે બહેનો અને એક ભાઈના જન્મ બાદ 1980માં પિતા માઈગ્રન્ટ થઈને વિરમગામ તાલુકાનાં હિરાપુરા ગામમાં આવીને વસ્યા હતા, ત્યાં બે વર્ષ રહ્યા. અહી તેઓ પાણીનાં ટ્યુબવેલમાં નોકરી કરતાં હતા. ત્યારબાદ બીજા ગામમાં પાણીનાં ટ્યુબવેલમાં વધારે પગાર આપતા હોવાને કારણે કડી તાલુકાનાં ઝાલાસર (કરસનપુરા)માં આવીને વસ્યા હતા. તે સમયે હું 10માં ધોરણમાં અભ્યાસ કરતા હતા, ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અમૃતભાઈએ કહ્યુ.
સંઘર્ષનાં દિવસોમાં ગામ લોકોએ કરી મદદ
10માં ધોરણમાં મારું પરિણામ સારું આવતા 1983માં મે ડિપ્લોમા ઈન ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ માટે વલ્લભવિદ્યાનગરમાં એડમીશન લીધુ હતુ. તે સમયે મારા પિતાની માસિક આવક માત્ર 175 રૂપિયા હતી અને મારા ભણવાનો અને હોસ્ટેલનો ખર્ચ મહિને 600 રૂપિયાનો હતો. આટલો મોટો ખર્ચ હોવાથી પિતા અને પરિવારનાં લોકો મુંઝાયા હતા. ત્યારબાદ આ બાબતની જાણ ગામમાં કેટલાંક લોકોને થઈ અને તે સમયે ગામનાં અને બાજુનાં ગામનાં લોકોએ મારા ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો. ગામ લોકોએ મને ભણાવવા માટે તે સમયે 29,600 રૂપિયા આપ્યા હતા, ધ બેટર ઈન્ડિયાને અમૃતભાઈએ જણાવ્યુ.

ગામ લોકોએ નિસ્વાર્થભાવે કરી મદદ
અમૃતભાઈ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવે છે કે, મારા પિતા તો નોકરી માટે કડી તાલુકાનાં ઝાલાસર (કરસનપુરા)માં આવીને વસ્યા હતા. અમે લોકો તો તે ગામનાં પણ ન હતા. તેમ છતા મને ભણાવવાનો તમામ ખર્ચ ઉપાડી લેવા માટે તૈયાર થયેલા દાતાઓએ આગળ પાછળનો કોઈ વિચાર ન કર્યો કે નાનજીભાઈ બીજા ગામના છે, તેમના દિકરાને ભણવા માટે રૂપિયા આપીશું તો તે રકમ પાછી મળશે કે નહીં,નાનજીભાઈ અને દિકરો ગામ છોડીને જતા રહેશે તો અમારી રકમ ડુબી જશે. એવો કોઈ વિચાર દાતાઓએ કર્યો ન હતો. ભણ્યા બાદ મે પણ વિચાર્યુ હતુ કે, મને ભણાવવામાં સમાજે 30 હજાર રૂપિયા આપ્યા છે તો હું સમાજનાં મારા જેવાં ભણવા માંગતા કે અન્ય જરૂરિયાતવાળા લોકોને મદદ કરીશ. અને મારો 30,000ની સામે 3 કરોડ રૂપિયાની મદદ કરવાનો ટાર્ગેટ છે. જે થોડા વર્ષોમાં પુરો થઈ જશે.
કેવી મદદ કરે છે?
અમૃતભાઈ કહે છે કે, “મારી પાસે જે પણ કોઈ આવે છે અને કહે છેકે તેમને ભણવું છે અને ફી માટે પૈસા નથી તો હું તેમની ફી ભરીને તેમની ચોક્કસ મદદ કરું છું. સાથે જ કોઈ એવાં લોકો આવે કે, જેમને દીકરીને પરણાવવી છે અને મદદની જરૂર છે, અથવા કોઈને દવા કરાવવા માટે આર્થિક મદદની જરૂર છે તો એવાં લોકોને પણ હું મદદ કરું છુ. કોઈને ભણવા માટે લેપટોપની જરૂર હોય તો તેમને લેપટોપ લઈ આપું છે.”
તો કોઈ બહારગામમાં રહેતાં વિદ્યાર્થી અમદાવાદમાં ભણતા હોય અને અહીં રહેવાની વ્યવસ્થા ના હોય તો તેમને મારા ઘરે રાખું છું. જ્યારથી નોકરી ઉપર લાગ્યો ત્યારથી મારા પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપું છું. સાદગીભર્યુ જીવન જીવતા અમૃતભાઈ સવા બે લાખનાં પગારદાર હોવા છતાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે.

1987માં રેલવેમાં નોકરી મળી
વલ્લભ વિદ્યાનગરમાંથી ડિપ્લોમા BE કર્યા બાદ 1987માં રેલવેમાં નોકરીએ લાગી ગયો હતો. તે સમયે 5મું પગાર પંચ ઓછો પગાર હતો. નોકરી ઉપર ચડ્યા બાદ પહેલાં ઘરની જવાબદારી સંભાળી હતી. બે બહેનો અને ભાઈને ભણાવ્યા, લગ્ન કરાવ્યા ત્યારે પણ સાથે થોડી મદદ તો લોકોને કરતો જ હતો. નોકરીની સાથે સાથે 1992થી 94માં પાર્ટ ટાઈમ બીઈ ઈલેક્ટ્રિકલ એલડી એન્જીનિયરીંગમાંથી કર્યુ ત્યારબાદ 1998માં પોસ્ટ ડિપ્લોમા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટ, વસ્ત્રાપુરમાંથી ફુલટાઈમ કર્યુ હતુ.
અત્યારે હું રેલવેમાં લોકો પાયલોટ છું. હાઈ સ્પીડ ગાડી ચલાવુ છે. અમદાવાદથી બોમ્બે સુધીની દુરંતો અને શતાબ્દી અને ડબલ ડેકર હોય તો અમદાવાદથી સુરતની ગાડી ચલાવું છું. હાલમાં મારી 2,25,000 રૂપિયા સેલેરી છે. લોકડાઉનમાં ગાડી ઓછી ચાલે એટલે 30 હજાર રૂપિયા પગાર ઓછો આવે છે. તેમાંથી 4 લાખ રૂપિયા ટેક્સ, પીએફ કપાય, મકાન મોર્ગેજ છે. એટલે મકાનનો હપ્તો કપાય છે અને જે પણ બચત થાય તેને પુરેપુરી દાન કરું છું. અને જો કોઈ મદદે આવે અને પૈસા ના હોય તો બીજા લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને આવીને તેમને મદદ કરું છું, હસતા હસતા અમૃતભાઈ કહે છે.
ઘરનાં લોકોનો સપોર્ટ
ઘરનાં લોકોનો આ કામમાં કેવો સપોર્ટ મળે છે એવું પૂછતાં અમૃતભાઈ કહે છે, ઘરનાં લોકોનો તો સપોર્ટ હોય જ ને તો જ હું આ કામ કરી શકું. મારા પત્ની તરૂલતા પણ મને મારા સેવાકીય કાર્યમાં પુરતો સપોર્ટ કરે છે. તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી નવા કપડા લીધા નથી. પોતાના કપડાં જાતે જ સીવે છે. પત્નીનાં વખાણ કરતાં અમૃતભાઈ કહે છેકે, તરુનાં પિતા એરફોર્સમાં હતા જેથી તરુ શ્રીમંત ઘરમાં ઉછરેલી અને રહેલી હતી. તેથી શરૂઆતમાં તેનો થોડો સમય લાગ્યો પરંતુ અંતે તે મારા કામને સમજી ગઈ અને હવે તે મારા આ કાર્યમાં સહયોગ કરે છે. મારે બે બાળકો છે. મોટી દિકરી હીનલે એમએસસી એગ્રીકલ્ચર આણંદ યુનિવર્સિટીમાંથી કર્યુ છે. જે મેરિડ છે અને તે 3-4 વર્ષથી મેલબોર્ન,ઓસ્ટ્રેલિયમાં રહે છે. અને નાનો દિકરો સાગર, કલોલ ગુરુકુલમાં આયુર્વેદનાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.
એક પ્રસંગને યાદ કરતાં અમૃતભાઈ કહે છેકે, જ્યારે હું રેલવેમાં લાગ્યો ત્યારે હું રેલવે કોલોનીમાં ભાડાનાં ઘરમાં રહેતો હતો. ત્યારબાદ સોલારોડ ઉપર રહેવા ગયો અને જ્યારે નિકોલ રહેવા આવવાનો હતો તો એક રિક્ષામાં હું મારા પત્ની અને અમારો સામાન આટલું જ હતું. એટલે જેટલી જરૂરિયાત હોય એટલો જ સામાન વસાવ્યો છે. ઓછામાં ઓછા સામાનનો ઉપયોગ કરું છું.
લોકો શું કહે છે કામ વિશે
અમૃતભાઇ કહે છે કે, “હું જે પણ કોઈ કામ કરું છું તે જોઈને ઘણા લોકો તો મને ગાંડો જ ગણે છે અને મને સલાહ આપવા આવે છે કે, આટલો સારો પગાર છે તો સારી રીતે રહે. પૈસા તારા માટે બચાવ, બીજું ઘર કે મકાન લે, કોઈ સંપત્તિ લે, તારા દિકરા માટે પૈસા બચાવીને રાખ. આમ આ રીતે પૈસા વેડફીશ નહી. પરંતુ મે પણ મારા પુત્રને કહી દીધું છે તને હું ભણાવીશ અને તારો ખર્ચો કાઢી આપીશ જ્યારે તું પગભર થઈશ ત્યારે તારા માટે તો તારે જાતેજ ઉભું કરવાનું છે. તો ઘણા લોકો મારા કામને એપ્રિસિએટ પણ કરે છે. પરંતુ મને મદદ કોઈ કરતું નથી. હું એકલો ક્યાં સુધી કરીશ? કારણકે મદદ કરવાવાળો હું એકલો છું અને મદદ માગવા માટે લોકો બહુ આવે છે. મારે પણ પૈસા હવે વ્યાજે લાવવા પડે છે. અને વ્યાજે પૈસા લાવતા પહેલાં વ્યાજે પૈસા આપનારને મારે સમય આપવો પડે છે કે હું આટલા સમયે પૈસા પાછા આપી દઈશ. થોડું અઘરું છે પરંતુ હજી સુધી કોઈ મુશ્કેલી આવી નથી.”

અમૃતભાઈની મદદથી કોઈ એન્જીનિયર તો કોઈ ડોક્ટર બન્યા
આગળ વાત કરતાં અમૃતભાઈ કહે છે કે, જો કોઈને પૈસાની મદદ કરીએ તો જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ તો સંબંધો મધુર રહશે. અત્યારે કોઈને કોઈની ઉપર વિશ્વાસ નથી પબ્લિક સ્વાર્થી થઈ ગઈ છે. અત્યારે મોટા મોટા પૈસાવાળા લોકો ટેક્સ બચાવવા માટે કોઈ સંસ્થાને મોટી રકમ દાન કરી દે છે અને છૂટી જાય છે. પરંતુ તે રૂપિયા આવા જરૂરિયાતવાળા લોકોને મળે તે જોવું જરૂરી છે.
અમૃતભાઇએ કહ્યું, “હું એકવાર કોઈને પણ મદદ કર્યા બાદ તેમનો નંબર મારા ફોનમાંથી કાઢી નાંખુ છું. ફરી એ લોકોને યાદ કરતો નથી જેથી એ લોકોને કોઈ શરમ ન નડે. મારી પાસે એવાં જ લોકો મદદ માટે આવે છે જેઓ પૈસા ખર્ચી શકે તેમ નથી કે પૈસા ભરી શકે તેમ નથી. તેથી મદદ કર્યા બાદ જો તેમને યાદ કરું તો એવું થાય કે હું પૈસા માટે ફોન કરું છું એટલે હું કોઈને ફોન કરતો જ નથી.”
મે અત્યાર સુધીમાં નાત-જાત જોયા વગર અનેક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે. મારી મદદથી કોઈ ડોક્ટર થયા છે તો કોઈ એન્જિનિયર થયા છે. તો કોઈને ભણવા માટે વિદેશમાં પણ મોકલ્યા છે. તો કેટલાંક વિદ્યાર્થીઓ મારા ઘરમાં મારી સાથે રહીને પણ ભણ્યા છે.
સમાજને એક સંદેશ
અમૃતભાઈ ધ બેટર ઈન્ડિયાને કહે છે કે, સમાજને એક જ સંદેશ છે, અત્યારે હું જે પણ જગ્યાએ છું. તેમાં સમાજનું ઋણ જોડાયેલું છે. મને સમાજે મદદ કરી હતી ભણવામાં એટલે હું સમાજનું ઋણ અદા કરું છું, પરંતુ જો મારા પિતાએ મને ભણાવ્યો હોત અને તે બાદ હું રેલવેમાં જોડાયો હોત તો પણ સમાજનું ઋણ તો લાગે જ. હું રેલવેમાં જોબ કરું છું. રેલવે મને સવા બે લાખ રૂપિયા પગાર આપે છે. તે ગાડીમાં પેસેન્જર બેસે છે એટલે મને પૈસા મળે છે તો પેસેન્જર બેસે છે તો સમાજનું ઋણ લાગ્યુ જ કહેવાય. અને જો તમે ગર્ભશ્રીમંત છો તો તમને ભગવાનનું ઋણ લાગે છે.
ધર્મમાં પણ લખેલું છે, જો તમે 100 રૂપિયાની કમાણી કરો છો તો તેમાંથી 20-20 રૂપિયાનાં પાંચ ભાગ કરો. પહેલાં 20 રૂપિયાનાં તમે હકદાર છો. બીજા 20 રૂપિયા તમારે સમાજને આપવાનાં છે. ત્રીજા 20 રૂપિયા તમારે પાછા ન આવે તે રીતે દાન કે મદદ માટે આપવાનાં છે. ચોથો ભાગ તમારે તમારા નામ માટે આપવાનાં છે, જેમકે, કોઈ મંદિર કે ધર્મશાળામાં તમારા નામ માટે અને પાંચમાં 20 રૂપિયાની તમારે ભવિષ્યનાં મોટા ખર્ચાને પહોંચી વળવા માટે બચત કરવાની છે. આપણા હિંદુ ધર્મ પ્રમાણે આટલું કરવું જોઈએ. સમાજને એટલું જ કહેવું છેકે, લાંબુ ન કરો તો પણ નેટ સેવિંગમાંથી 2-5 ટકા સમાજ માટે કાઢો.
બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અંતે અમૃતભાઈ કહે છેકે, ભારત દેશમાં 80 કરોડ લોકો ગરીબ છે જેઓ વ્યક્તિદીઠ દૈનિક 20 રૂપિયા પણ ખર્ચ કરી શકતાં નથી. ત્યારે આપણે 2 લાખ રૂપિયાનો પગાર લઈએ તો થોડું દાન કરીએ તો જ દેશપ્રેમ કહેવાય. માત્ર બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે ગાવાથી કશું મળશે નહી ઈમ્પ્લિમેશન તો કરવું જ પડશે. બધા જાગે અને પોત-પોતાના સમાજ અને અન્ય લોકોને મદદ કરે.
પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવતા અમૃતભાઈને બેટર ઈન્ડિયા સલામ કરે છે. તમે પણ જો અમૃતભાઈનાં કામ વિશે વધુ જાણકારી લેવા ઈચ્છતા હોય તો તેમનો
8511156323 અથવા 9879076204 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ જ્યાં આઝાદીનાં 70 વર્ષ બાદ પણ નહોંતી પહોંચી લાઇટ, 32 વર્ષના યુવાને બદલી સિકલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.