આ વાર્તા ત્રણ એવા યુવાન મિત્રોની છે, જેઓ તેમની નોકરીથી કંટાળી ગયા હતા. તેમને કઈંક હટકે અને રોમાંચક કરવું હતું.
કોર્પોરેટની દુનિયાને અલવિદા કરી ત્રણે એક ટૂર એજન્સીની શરૂઆત કરી, જે લોકોને પર્વતોની યાત્રા કરાવે છે.
હર્ષિત પટેલ (28 વર્ષ), મોહિત ગોસ્વામી (28 વર્ષ) અને ઓશાંક સોની (32), આ ત્રણેય અલગ-અલગ જગ્યાએ કામ કરતા હતા. ઓશાંક એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હતા, તો મોહિતે આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરિંગ કર્યું છે. તો હર્ષિત માઉન્ટેનર છે.
ત્રણેય એકબીજાને ક્યારેય મળ્યા નહોંતા પરંતુ તેમનો જુસ્સો એકસરખો હતો. જ્યારે પણ આ ત્રણેય કામથી કંટાળી જાય એટલે બધુ છોડીને થોડા દિવસ ટ્રેકિંગ માટે નીકળી પડતા. બસ ત્યાંથી રિફ્રેશ થઈને પાછા રૂટિનમાં પાછા ફરતા.
2014 માં એક દિવસ એવો આવ્યો જ્યારે ઈન્વેસ્ટમેન્ટ બેકિંકના ભારે સ્ટ્રેસથી થાકીને ઓશાંકે બેગ પેક કરી અને કોલકાતાની ફ્લાઇટ પકડી. કોલકાતાની નાનકડી ટ્રિપ બાદ તે સિક્કિમથી ગંગટોક સુધી રોડ ટ્રિપ માટે નીકળી પડ્યા. ટ્રેક સાથે તેમની આ યાત્રા પૂરી થઈ અને પાછા ફર્યા. આ યાત્રા દરમિયાન જ તેમણે બેન્કની નોકરી છોડી કઈંક નવું કરવાની પ્રેરણા મળી.
મોહિતે આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરિંગ કર્યું હતું. આટલી મોટી અને જાણીતી સંસ્થામાંથી ભણ્યા હોવાથી તેમનાં માતા-પિતા બહુ ખુશ હતાં અને તેમના પર ગર્વ અનુભવતાં. પરંતુ ગ્રેજ્યુએશન બાદ મોહિતને હંમેશથી એમજ લાગતું કે, તેમને જે ખરેખર કરવું જોઇએ, તે નથી કરી શકતા. માત્ર છ મહિનાના ગાળામાં તેમણે ત્રણ નોકરી બદલી. અંતે બધુ છોડવાનો નિર્ણય લીધો અને ટિકિટ બુક કરી લેહ જતા રહ્યા. આ પહેલાં તેમને ટ્રેકિંગનો જરા પણ અનુભવ નહોંતો, પરંતુ તેમણે ચંદર દર્રામાં એકલા જ ટ્રેકિંગ કર્યું. મોહિત જણાવે છે, “આ તેમના જીવનનો સૌથી ખાસ અનુભવ હતો.”
હર્ષિતે 19 વર્ષની ઉંમરમાં જ એકલા ફરવાનું શરૂ કરી દીધું હતું. કેરળના દરિયા કિનારે બાઇક ચલાવતાં તેમનો એક્સિડેન્ટ થયો અને પગનાં બે હાડકાં તૂટી ગયાં. એક્સિડેન્ટના એક વર્ષ બાદ ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે, તેઓ પહેલાંની જેમ ક્યારેય ચાલી નહીં શકે. પરંતુ યોગ્ય ઈલાજ અને ફિજિયોથેરાપી બાદ હર્ષિતે લદાખમાં સ્ટોક કાંગડી પર એકલા ટ્રેકિંગ કરી ડૉક્ટરોની વાત ખોટી સાબિત કરી. આ અનુભવ બાદ તેમને પર્વતારોહી બનવાની પ્રેરણા મળી. તેમને લાગ્યું કે, તેઓ હવે ક્યારેય ટેબલ પર બેસી કામ નહીં કરી શકે.
ટ્રેકિંગના તેમના જુસ્સાના કારણે ત્રણ મિત્રોએ પોતાનું સ્ટાર્ટઅપ કર્યું અને ટૂર ગાઇડ બની ગયા. ગયા વર્ષે તેમની કંપનીનું ટર્ન ઓવર 1 કરોડ સુધી પહોંચી ગયું.

કેવી રીતે થઈ શરૂઆત
2015 માં આ ત્રણેય ઋષિકેશમાં અવેલ ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશનમાં ટ્રેક લીડરની નોકરી માટે ઈન્ટરવ્યૂ દરમિયાન એકબીજાને મળ્યા.
ઓશાંક જણાવે છે, “આ ઈન્ટરવ્યૂ દરમિયાન અમે એકબીજાને મળ્યા અને સમજાઇ ગયું કે, અમે ત્રણેય એક જ હોડીમાં સવાર છીએ. અમારે અમારા જુસ્સાને પૂરો કરવા કઈંક કરવું હતું. નસીબથી ત્રણેયને નોકરી મળી ગઈ. થોડા મહિનાની ટ્રેનિંગ બાદ ફુલ-ટાઇમ પોઝીશન આપવામાં આવી.”
દુર્ભાગ્યવશ અહીં પણ કામનું વાતાવરણ ગત કંપનીઓ જેવું જ હતું. ઓશાંક અને હર્ષિતે નોકરી છોડી દીધી અને બાઈક લઈને ફરવા નીકળી પડ્યા.
ઓશાંક જણાવે છે, “તે સમયે મોહિત કંપનીમાં જ હતા અને હર્ષિત અને મેં નોકરી છોડવાનો નિર્ણલ લીધો. અમે તે ઓર્ગેનાઇઝેશનમાં કામના વાતાવરણથી ખુશ નહોંતા. અમે અમારી બાઈક લીધી અને ગુજરાતમા વલસાડથી કન્યાકુમારી તરફ હર્ષિતના ગામ તરફની યાત્રાએ નીકળી પડ્યા. અમે દરરોજ આ વાતની ચર્ચા કરતા રહેતા કે, આપણે કઈંક એવું કરીએ કે, યાત્રા અને ટ્રેકિંગ બંને થઈ જાય, કારણકે અમને આનો જ શોખ હતો અને જુસ્સો.”
સ્ટાર્ટપની શરૂઆત
એક મહિનો લાંબી યાત્રા દરમિયાન બંનેએ તેમના આ પેશનને પૂરો કરવાની સાથે-સાથે પૈસા કમાવાનો પ્લાન બનાવ્યો. આ દરમિયાન તેમણે ‘ટ્રેકમંક’ નામની એક ટૂર એજન્સી બનાવવાનો વિચાર કર્યો. જે ગૃપ માટે ઑફબીટ ટ્રેકનું આયોજન કરે છે. નવેમ્બર 2016 માં તેમની ટ્રિપમાંથી દિલ્હી પાછા ફર્યા બાદ તેમણે તેમના સ્ટાર્ટઅપની નોંધણી કરાવી. ત્યારબાદ મોહિત પણ ૠષિકેશ સ્થિત ટૂર એજન્સીની નોકરી છોડી તેમની સાથે આવી ગયા. ત્રણેયે દિલ્હીમાં તેમની બચતના પૈસાથી ભાડા પર ઓફિસ લીધી.
ઓશાંક જણાવે છે, “ત્યારબાદ હર્ષિત અને મેં અમેરિકામાં નેશનલ આઉટડોર લીડરશિપ સ્કૂલ (એનઓએએલએસ) માં આયોજિત ‘વાઇલ્ડરનેસ ફર્સ્ટ રિસ્પાંડર’ નામના 10 દિવસીય કોર્સમાં ભાગ લીધો. જેનાથી અમને અમારી પોતાની ટ્રેકિંગ અને બીજાંને પણ પોતાની સાથે લઈ જવાનો આત્મવિશ્વાસ આવ્યો.”

તો બીજી તરફ ત્રણેયનાં માતા-પિતા તેમના નિર્ણયથી ખુશ નહોંતાં. તેમને લાગ્યું હતું કે, તેમના દીકરાઓ તેમના કોર્પોરેટ સેક્ટરમાં જ સ્થાયી નોકરી કરે તો જ સારું.
પરંતુ આ ત્રણ તો તેમના કામથી બહુ ખુશ હતા. ત્રણેય નવા ક્ષેત્રોમાં ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા ઇચ્છતા હતા અને સ્થાનિક લોકોને રોજગાર અપાવવા ઇચ્છતા હતા.
ઓશાંક કહે છે, “દર વર્ષે 200 થી 300 પ્રવાસીઓ એક જ ટ્રેકિંગ ટ્રેલ્સથી પસાર થાય છે. પર્યટકો રસ્તામાં જ્યાં-ત્યાં એમનો કચરો તો ફેંકે જ છે સાથે-સાથે તેમની ગતિવિધોથી વનસ્પતિઓથી અને જીવોને પણ નુકસાન થાય છે. જોકે મોટાભાગના પ્રવાસીઓ કેદારકાંઠા જેવા ટ્રેલ્સથી પરિચિત છે, પરંતુ કોઇને પણ બુરહાનઘાટી, લમખાગા પાસ અને ચામેસર ખંગરી વિશે ખબર નથી.”
ઓશાંક કહે છે કે, તેઓ ટ્રેકર્સને તેમનો સાથે કોઇપણ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની સામગ્રી લઈ જવા નથી દેતા. જો કોઇ પાસેથી આવી કોઇ વસ્તુ મળે તો, તેમની પાસેથી 500 રૂપિયાથી 2000 રૂપિયા સુધીનો દંડ લેવામાં આવે છે.
જાન્યુઆરી 2017 માં, ટ્રેકમંકે હરમુક ઘાટીમાં તેમણે પહેલાં 5 દિવસીય ટ્રેકનું આયોજન કર્યું. તેમાં ત્રણ અલગ-અલગ બેચ બનાવવામાં આવી અને દરેક બેચમાં 10 કરતાં ઓછા સભ્યો હતા.
ઓશાંક કહે છે, “આ ટ્રેકમાં ભાગ લેનાર સભ્યો એવા જ હતા, જેમણે અમારા વિશે કોઇને કોઇ પાસે સાંભળ્યું હતું. તેમના મિત્રો પાસેથી અમારા વિશે સાંભળ્યા બાદ તેઓ આવ્યા હતા. 2018 માં અમે અમારી એક વેબસાઇટ લૉન્ચ કરી અને સોશિયલ મીડિયા પેજ માટે લોકોને કામ પર રાખ્યા. શરૂઆતના કેટલાક મહિના અમે અમારી પાસે આવનાર લોકોની સંખ્યા પર ધ્યાન ન આપ્યું કે અમે કેટલું કમાયા તેના પર પણ ધ્યાન ન આપ્યું. અમને ખબર હતી કે, અમે ઘણું બનાવ્યું છે, કંપની માટે અને પોતાની જરૂરિયાતોની વસ્તુઓ પર ખર્ચ કર્યા બાદ પણ અમારી પાસે થોડા-ઘણા પૈસા બચી જતા. જેનાથી અમને પણ કઈંક અલગ કરવાની પ્રેરણા મળી.”

મેડિકલ કેમ્પનું આયોજન
તેમના એક ટ્રેક દરમિયાન ઓશાંક સાંકરી બેસકેમ્પમાં યશ પનવાર નામના એક ટૂર ગાઇડને મળ્યા. તેઓ દેહરાદૂનથી 200 કિમી દૂર એક ગામના રહેવાસી હતા. એ ગામના લોકોને પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી નહોંતી.
ઓશાંકે કહ્યું, “અમારી પાસે કેટલાક વધારાના રૂપિયા હતા. અમે પુણે અને નાગપુરમાં ડૉક્ટરો સાથે વાત કરી, જે અમારી સાથે ટ્રેક કરવા અને પહાડોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવા તૈયાર હતા. એપ્રિલ 2017 માં અમે અલગ-અલગ ક્ષેત્રોમાં વિશેષક છ ડૉક્ટરોને લીધા. તેમણે સાંકરી બેસ સુધી ટ્રેક કર્યું અને થોડા દિવસ સુધી સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કર્યું. મુંબઈની ડૉક્ટર મંજરી ભુસારી તે છ ડૉકરોમાંની એક હતી જેમણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. તેમને પ્રકૄતિ સાથે ખૂબજ પ્રેમ હતો અને અમે જ્યારે તેમને ટ્રેકમંક દ્વારા શિબિરના સંચાલનની વિનંતિ કરી તો જરાપણ આનાકાની વગર તેઓ માની ગયાં.”
આ અંગે ડૉક્ટર મંજરી કહે છે, “હું ટ્રેક બાબતે બહુ ઉત્સાહિત હતી. મેં એ નહોંતુ વિચાર્યું કે, કેટલો થાક લાગશે. જોકે આ બહુ વ્યવસ્થિત હતું. આ એક પડકારજનક કામ હતું કારણકે અમારે ઉપર પર્વતો પર શિબિરનું આયોજન કરવાનું હતું. પછી ત્યાંથી બીજી જગ્યાએ જઈને કેમ્પ લગાવવાનો હતો. એમ વારાફરથી અલગ-અલગ જગ્યાએ કેમ્પ લગાવાના હતા. ત્યાં વચ્ચે આરામ કરવાનો સમય નહોંતો. પરંતુ એ દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોની મદદ કરવાનો બહુ સંતોષ મળ્યો હતો. મને યાદ છે કે, અમે જરૂરી દવાઓ અને વિટામિનના ડોઝ ત્યાંના દર્દીઓને આપ્યા હતા.”
આ સિવાય, ત્રણેય મિત્રોએ ‘કચરા મુક્ત હિમાલય’ ટ્રેકનું પણ આયોજન કર્યું. આ માટે વોલેન્ટિયર્સ પર્યટન સીઝન પૂરી થયા બાદ હિમાલયની વિવિધ જગ્યાઓએ સ્વેચ્છાએ ગયા હતા અને પ્રવાસીઓએ ફેલાવેલ કચરાને સાફ કરતા હતા. વોલેન્ટિયર્સ પાસેથી સામાન્ય ફી કરતાં અડધી ફી લેવામાં આવે છે અને ભોજન અને રહેવાની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે.
જો તમે આમાંના કોઇ ટ્રેક માટે સાઇન અપ કરવા ઇચ્છતા હોય તો અહીં ક્લિક કરો.
કોવિડ બાદ ફરીથી ટ્રેકિંગ શરૂ કરવું
વર્ષ 2020 માં દેશભરમાં લૉકડાઉન બાદ ટ્રેકમંકનાં બધાં જ કામ બંધ થઈ ગયાં હતાં. જોકે આ દરમિયાન ટ્રેકમંકની ટીમના સભ્યો જાતે કશ્મીરમાં ટ્રેક પર ગયા.
અહીં તેમણે નવા રસ્તા શોધ્યા અને જરૂરી મંજૂરી મેળવી અને 15 સપ્ટેમ્બરથી ફરીથી ગાઇડેડ ટ્રિપની આયોજન કર્યું.
આ અંગે ઓશાંક કહે છે કે, અમે ટ્રેકર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપીનું પાલન કરીએ છીએ. અમે પ્રવાસીઓને કોવિડ નેગેટિવનું પ્રમાણપત્ર લાવવાનું કહીએ છીએ. ઓશાંક કહે છે કે, ગતિવિધિઓ અને વધારે વ્યક્તિગત બનાવવા માટે અમે ત્રણ કરતાં ઓછા સભ્યોના ગૄપને ટ્રેકિંક કરાવીએ છીએ.
જો તમારે પણ ટ્રેકમંક અને તેમની ટ્રેકિંગ ટ્રિપ વિશે જાણવું હોય અને કોઇ માહિતી જોઇતી હોય તો તમે તેમના ઓફિશિયલ પેજ પર જઈ શકો છો.
મૂળ લેખ: ROSHINI MUTHUKUMAR (https://www.thebetterindia.com/239970/offbeat-treks-himalayas-travel-startup-trekmunk-founders-quit-job-success-story-ros174/)
આ પણ વાંચો: કેરળનું એક એવું ઘર જ્યાં લિવિંગ રૂમમાં તમને જોવા મળશે આંબા અને જાંબુડા!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.