કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશના મોટાભાગના વિસ્તારોને બે-બે વખત લૉકડાઉનનો સામનો કરવો પડ્યો છે. દેશમાં એક તરફ કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી હતી ત્યાં તેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી. એટલે જ સરકાર લોકોને પોતાનું સ્વાસ્થ્ય સાચવવાની સાથે-સાથે જરૂરી સંસાધનોને બચાવાવાની પણ અપીલ કરે છે.
વાત જ્યારે મહત્વનાં સંસાધનોની કરવામાં આવે ત્યારે, તેમાં સૌથી પહેલું નામ આવે છે અનાજનું. આર્થિક કટોકટીના સમયમાં અનાજનો બગાડ સંપૂર્ણપણે ટાળવો જોઈએ.
આવા સમયે મહારાષ્ટ્રના સંગમનેરમાં આવેલ ડી.જે.એમ કૉલેજના પ્રોફેસર શેફ ભવભૂડી કાપડી જણાવે છે કે, કેવી રીતે આપણે વધેલા ખોરાકમાંથી સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ.

વધેલા ભાતના ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયાં
સવારે ભાત બનાવીએ ત્યારે મોટાભાગના ઘરમાં થોડા-ઘણા ભાત તો વધતા જ હોય છે, તો શેફ ભવભૂતિનું માનીએ તો, આ ભાતમાંથી તમે ખૂબજ સ્વાદિષ્ટ ભજીયાં બનાવી શકો છો. ભાતમાંથી ભજીયાં બનાવવા માટે એક કપ વધેલા ભાતમાં, 3 મોટી ચમચી દહીં, એક વાટકી બેસન, એક ઝીણી સમારેલી મોટી ડુંગળી, કોથમીર, લીલું મરચું, હળદર, હિંગ, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી જરૂર અનુસાર પાણી ઉમેરો અને ખીરું તૈયાર કરી બનાવો ગરમાગરમ ભજીયાં. ટામેટાનો સોસ કે કોઈપણ ચટણી સાથે બહુ સ્વાદિષ્ટ લાગશે.

વધેલા ભાતના સ્વાદિષ્ટ પુડલા
વધેલા ભાતમાંથી પુડલા બનાવવા માટે એક વાટકી ભાતમાં એક વાટકી ઘઉંનો લોટ, ત્રણ મોટા ચમચા બેસન, બે મોટા ચમચા સોજી, એક ઝીણી સમારેલ ડુંગણી, લીલુ મરચું, ઝીણી સમારેલી કોથમીર, થોડો અજમો, મસાલામાં- લાલ મરચું, હળદર અને સ્વાદ અનુસાર મીઠુ નાખી ખીરું બનાવો. ત્યારબાદ તવી પર તેલ લગાવી ગરમાગરમ પુડલા ઉતારો. જો તમે તેલનો ઉપયોગ કરવા ન ઇચ્છતા હોવ તો, નોનસ્ટિક પેનનો ઉપાયોગ કરો.

વધેલી દાળનાં થેપલાં
ભાત પછી વારો છે દાળનો. જો દાળ વધી હોય તો, તેમાંથી તમે ખૂબજ સ્વાદિષ્ટ થેપલાં બનાવી શકો છો. તેને બનાવતાં પહેલાં ધ્યાનમાં રાખો કે, દાળ જાડી હોય. વધેલ દાળમાં તમે તમારો ગમતો લોટ ઉપયોગ કરી શકો છો. જેમાં બાજરી, જુવાર, ઘઉં અને ચોખાના લોટનો ઉપયોગ થઈ શકે છે. લોટમાં બે મોટી ચમચી બેસન, હળદર, વાટેલું લીલુ મરચું, વાટેલું જીરું, ગરમ મસાલો, એક નાની ચમચી ખાંડ, એક ઝીણી સમારેલ ડુંગળી, કોથમીર, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરું લોટ બાંધી લો. જેમાં પાણીની જગ્યાએ દાળનો ઉ્પયોગ કરો. જરૂર લાગે તો જ પાણીનો ઉપયોગ કરવો. ત્યારબાદ તેલ કે ઘીની મદદથી ગરમા-ગરમ થેપલાં બનાવો અને દહીં સાથે સર્વ કરો.

વધેલી રોટલીના ખાખરા
રોટલી વધી હોય તો તેમાંથી પણ તમે સ્વાદિષ્ટ વ્યંજન બનાવી શકો છો. આમાંથી રોટલીના ખાખરા સૌથી ફેમસ છે. તેલમાં મરચું, હળદર, મીઠું અને ચાટ મસાલો નાખી મિક્સ કરી લો. ત્યારબાદ રોટલી પર આ મિશ્રણ લગાવી ધીમી આંચે રોટલી શેકો. રોટલી શેક્યા બાદ, એક -એક ખાખરાને અલગ-અલગ મૂકો અને ઠંડા ન થાય ત્યાં સુધી ઢાંકવા નહીં. થોડા જ કલાકમાં આ રોટલી ક્રિસ્પી ખાખરામાં બદલાઈ જશે, જેને તમે 2-3 દિવસ સુધી ખાઇ શકો છો.

રોટી નાચોઝ
શેફ ભવભૂતિના જણાવ્યા અનુસાર, ખાખરાની જેમજ, રોટી નાચોઝ પણ બનાવી શકાય છે. તેલમાં મીઠાની સ્સાથે બીજા જે પણ મસાલા ગમે તે મિક્સ કરી લો. જેમાં ઉપરથી પેરી-પેરી મસાલો કે નાચોઝ મસાલો મિક્સ કરો. તમે ઈચ્છો તો શેઝવાન મસાલો મિક્સ કરીને ચાઈનીઝ ટ્વિસ્ટ પણ આપી શકો છો. આ મસાલાને રોટલી પર લગાવી ખાખરાની જેમ જ શેકી લો અને ત્યારબાદ નાચોઝના આકારમાં તોડી ચા સાથે સર્વ કરો.

વઘારેલી રોટલી
જો તમે વઘારેલી રોટલીનો ઉપયોગ સવારના નાસ્તામાં કરવા ઈચ્છતા હોય તો, તેને છાસ સાથે વઘારી શકો છો. તેને બનાવવા માટે રોટલીના ઝીણા-ઝીણા ટુકડા કરી લો. કઢાઈમાં ઘી કે તેલ ગરમ કરી રાઈ, લીલું મરચું અને લસણનો વઘાર કરો. ત્યારબાદ તેમાં રોટલીના ટુકડા નાખી હળદર, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખો અને બરાબર મિક્સ કરી લો. થોડીવાર શેક્યા બાદ તેમાં છાસ નાખી મિક્સ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલ કોથમીર ભભરાવી સર્વ કરો, આ નાસ્તો તમારા માટે ખૂબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ રહેશે.
આ રીતે તમે વધેલ વાનગીઓમાંથી અલગ-અલગ સ્વાદિષ્ટ વ્યંજન બનાવી શકો છો, પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું કે, વધેલ ખોરાકને એક દિવસ કરતાં વધારે ન સાચવવો. રાંધેલા ખોરાકને વધારે દિવસ સુધી રાખ્યા બાદ તેને ખાવાથી તેની સીધી અસર રોગ પ્રતિકારક શક્તિ પર પડે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. તો રાહ કોની જુઓ છો, ભોજનનો બગાડ અટકાવી તમે પણ ઘરે બનાવો સ્વાદિષ્ટ લેફ્ટઓવર વ્યંજનો.
આ પણ વાંચો: સીવેજ પાઈપમાં બનાવ્યું સસ્તુ 1 BHK ઘર, અત્યાર સુધી મળી ચૂક્યા છે 200 ઑર્ડર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.