એક વર્ષ પહેલા બુધલાડા બાગાયત વિભાગના અધિકારી વિપેશ ગર્ગે પંજાબના માનસા જિલ્લામાં કીનૂ ફળની થઈ રહેલી બરબાદી રોકવા માટે પ્રસ્તાવ રાખ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમના તરફથી સૂચવવામાં આવેલા સમાધાનથી એક મોટા બદલાવની શરૂઆત થશે.
કીનૂને પંજાબમાં ફળોનો રાજા કહેવામાં આવે છે. કીનૂ ખાટી કૃષિ પ્રજાતિનું મિશ્રણ છે. દેશમાં કુલ ઉત્પાદનમાંથી આશરે 24 ટકા કીનૂનું ઉત્પાદન એકલા પંજાબમાં થાય છે.
સ્વસ્થ રહેવા માટે તમામ ગુણોથી ભરપૂર હોવાને કારણે કીનૂની માંગ હંમેશા રહે છે. આ ફળ ખનીજ, વિટામીન સી અને કાર્બોહાઇડ્રેડથી ભરપૂર હોય છે. જોકે, કિનૂની ખેતી કરતા ખેડૂતોએ વધારે નુકસાન સહન કરવું પડે છે.
ગર્ગ કહે છે કે, “કીનૂની ખેતી કરનાર ખેડૂતે પાક તૈયાર થતી વખતે સરેરાશ 40 ટકાનું નુકસાન સહન કરવું પડે છે. જેનું કારણ ફળોનું પ્રાકૃતિક રીતે વૃક્ષ પરથી નીચે પડી જવું છે. ફળ પાક્યા પહેલા જ નીચે પડી જતાં હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી.”

વેસ્ટ આઉટ ઑફ વેસ્ટ કૉન્સેપ્ટનો ઉપયોગ કરતા ગર્ગે પોતાના વિભાગ સામે એક સમાધાન રાખ્યું હતું. પહેલા ખેડૂતો જીવાતના ડરથી ફળોને જમીનમાં દાંટી રહ્યા હતા હવે તેઓ નીચે પડી ગયેલા ફળોનો ઉપયોગ બાયો એન્ઝાઈમ (એક ઉત્પ્રેરક દ્રવ્ય) બનાવવા માટે કરે છે. આ એક પ્રાકૃતિક ખાતર છે. જે ઉત્તમ કીટ વિકર્ષક તરીકે કામ કરે છે. હવે આ યોજનાનો લાભ જિલ્લાના પાંચ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
નકામા કીનૂ ફળ અને ગોળના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલું ઓર્ગેનિક બાયો-એન્ઝાઇમ ખેડૂતોને મોંઘા અને ઝેરીલા ખાતરોનો ખર્ચ ઓછો કરવામાં પણ મદદ કરે છે.
ગર્ગે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “જ્યારે નકામા કીનૂ સડવા લાગે છે ત્યારે તે પર્યાવરણને દૂષિત કરે છે. તે બીમારીને પણ નિમંત્રણ આપે છે.”

આ કારણે જ સમયસર તેનો નિકાલ કરવો જરૂરી બન્યું હતું. કારણ કે તે જીવાતના માધ્યમથી સારા ફળોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આથી મોટાભાગના ખેડૂતો તેને જમીનમાં જ દફનાવી દેતા હતા.
આ ઉપરાંત કીનૂમાં આવતા રોગ માટે ખેડૂતો અવારનવાર કેમિકલ ખાતરનો ઉપયોગ કરે છે, જે માટીની ફળદ્રુપતા પણ ઓછી કરે છે. આનો પ્રભાવ ફક્ત આટલો જ નથી રહેતો, એક ગ્રાહક તરીકે આપણને પણ કેમિકલથી સંક્રમિત ફળ મળે છે.
કીટનાશક અને બરબાદ થઈ રહેલા કીનૂની સમસ્યાના સમધાન માટે ગર્ગે એક ઉપાય સૂચવ્યો હતો. જેમાં આ ફળોનો ઉપયોગ પ્રાકૃતિક ખાતર અને ક્લીનર બનાવવા માટે થાય છે.

કેવી રીતે તૈયાર કરવામાં આવે છે બાયો એન્ઝેઇમ?
આ માટે નીચે પડી ગયેલા કીનૂને એક પીપમાં નાખવામાં આવે છે. જે બાદમાં તેમા ગોળ અને પાણી ભેળવવામાં આવે છે.
ગર્ગ કહે છે કે, “1:3:10નું પ્રમાણ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે 30 કિલો કીનૂ, 10 કિલો ગોળ અને 100 લીટર પાણી. જે બાદમાં મિશ્રણને એક ઢાંકળથી બંધ કરી દો.”
બોય એન્ઝાઇમ તૈયાર કરવાની પ્રથમ પ્રક્રિયામાં આશરે 45 દિવસ લાગે છે. જેમાં ખેડૂતો 15 દિવસ સુધી દરરોજ ઢાંકણ ખોલવાનું છે. જે બાદમાં અઠવાડિયામાં એક વખત ઢાંકણ ખોલવાનું છે. દર વખતે ઢાંકણ ખોલ્યા બાદ આ મિશ્રણને બરાબર હલાવવાનું છે.
ગર્ગ કહે છે કે, “પ્રથમ મહિને દરરોજ પીપનું ઢાંકણ ખોલવાનું છે. જે બાદમાં અઠવાડિયામાં બે દિવસ અને તે બાદમાં અઠવાડિયામાં એક જ દિવસ ઢાંકણ ખોલવાનું છે.”

પ્રભાવને સમજો
ફરીદકોટની નજીકના એક ગામના કુલદીપસિંહ થોડા મહિના પહેલા બાયો એન્ઝાઇમ પ્રોજેક્ટમાં સામેલ થયા હતા.
તેમની 11 એકર પૈતૃક જમીન પર જાંબુ સહિત ફળોના 2,000થી વધારે ઝાડ છે. સિંહે પહેલા ઝાડ પરથી નીચે પડેલા જાંબુના ફળમાંથી 10 લીટર બાયો એન્ઝાઇમ તૈયાર કર્યો હતું અને પ્રયોગ માટે તેને બે એકર મરચાના ખેતરમાં છાંટ્યું હતું.
પરિણામ સારું મળ્યું હતું. સિહે જણાવ્યું કે, “જોવામાં મરચા તાજા અને ચમકતા લાગી રહ્યા હતા. સૌથી સારી વાત એ હતી કે મરચા ઝડપથી વધવા લાગ્યા હતા. આ વાતે મારી આંખો ખોલી દીધી અને મને માલુમ પડ્યું કે કેમિકલ વગર પણ ખેતી કરવી શક્ય છે.”
સારું પરિણામ મળતા સિંહ હાલ 400 લીટર બાયો એન્ઝાઇમ તૈયાર કરી રહ્યા છે. તેઓ તેનો ઉપોગ કરવાની સાથે સાથે બજારમાં પણ વેચશે, જેનાથી તેમને વધારાની કમાણી પણ થશે.
સિંહ કહે છે કે, “હું ફળો પર આવતી જીવાતને મારવા માટે પાંચ હજાર રૂપિયામાં બે લીટર જંતુનાશક દવા ખરીદતો હતો. 40 દિવસ પહેલા મેં એક ડ્રમમાં તમામ નકામાં કીનૂ એકઠા કર્યાં છે. આવતા મહિને તેમાંથી તૈયાર થનારા બાયો-એન્ઝાઇમને હું મારા આખા ખેતરમાં છંટકાવ કરીશ.”
સિંહ જેવા ખેડૂતોની સફળતા પર બાગાયતી વિભાગે હવે આ પ્રોજેક્ટમાં વધારે ખેડૂતોને જોડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને ઓછું નુકસાન થાય તેની સાથે સાથે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતા પાકમાં ઓછામાં ઓછા કેમિકલનો ઉપયોગ થાય.
આ વાતની પુષ્ટિ કરતા પંજાના હોર્ટિકલ્ચર વિભાગના ડિરેક્ટર, શૈલેન્દ્ર કૌરે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “અમે આને આગળ વધારવા જઈ રહ્યા છીએ, જેનાથી ખેડૂતોમાં એ ભ્રમ ભાંગી જાય કે પાક ઊગાડવા માટે ફક્ત વિદેશી કિટનાશકો જરૂરી છે. પોતાની દેશી પદ્ધતિ સુધી પરત ફરવા માટે આ એક યોગ્ય સમાધાન છે. આ સમાધાન વ્યવહારું પણ છે.”
ઉલ્લેખનીય છે કે એ વાત નવી નથી કે પંજાબના ખેડૂતો હાનિકારણ જંતુનાશકોના ઉપયોગના ચક્કરમાં ફસાયા છે. આથી પર્યાવરમને અનુકૂળ આ સમાધાન ફક્ત પંજાબ જ નહીં પરંતુ આખા દેશના ખેડૂતોને ફાયદો કરાવી શકે છે.
આ માટે વધારે જાણકારી માટે તમે વિપેશ ગર્ગનો અહીં સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: આ રિટાયર્ડ શિક્ષક પ્લાસ્ટિકની જગ્યાએ પત્તાંમાંથી બનાવે છે છોડ તૈયાર કરવાની ‘ગ્રો પ્લેટ’, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.