Search Icon
Nav Arrow
Mushroom farming
Mushroom farming

ચાર ભાઈઓએ પંજાબમાં મશરુમની ખેતીમાં કાઠું કાઢ્યું, કરોડો રૂપિયામાં કરે છે કમાણી

માતાએ 30 વર્ષ પહેલા ઘરઆંગણે શરૂ કરી હતી મશરૂમની ખેતી, દીકરાઓએ બનાવી બ્રાન્ડ

આ કહાની પંજાબના એક એવા ખેડૂત પરિવારની છે જેમણે મશરૂમની ખેતી કરીને ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. આ કહાનીનો રસપ્રદ વાત એ છે કે માતાએ મશરુમની ખેતી શરૂ કરી હતી, જે બાદમાં તેના ચારેય બાળકોએ તેને આગળ વધારીને પોતાની એક અલગ જ બ્રાન્ડ બનાવી છે.

પંજાબના અમૃતસર જિલ્લાના ધરદેવ ગામના મંદીપસિંહ આખા વિસ્તારમાં મશરુમના ઉત્પાદન માટે જાણીતા છે. મંદીપર પોતાની પેઢી “રંધાવા મશરુમ”ના નામે મોટા પ્રમાણમાં મશરુમનો બિઝનેસ કરે છે. આ સાથે જ તેઓ મશરુમમાંથી અથાણું, ભજિયા, બિસ્કિટ જેવી ખાદ્ય વસ્તુઓ બનાવીને પણ વેચે છે. તેઓ વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

Mushroom

32 વર્ષીય મંદીપે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “અમારે ત્યાં 30 વર્ષથી મશરુમની ખેતી થાય છે. મારી માતાએ 1989માં મશરુમની ખેતી કરવાની શરૂઆત કરી હતી. હવે અમે ચારેય ભાઈ આ કામ કરીએ છીએ.”

મંદીપ વધુમાં કહે છે કે, “મશરુમના ઉત્પાદનથી લઈને તેને બજારમાં પહોંચાડવા માટે તમામ ભાઈઓની અલગ અલગ ભૂમિકા છે. અમારા મોટાભાઈ મંજીતસિંહ ઉત્પાદનનું કામ કરે છે, હરપ્રીતસિંહ સ્પૉન બનાવવાનું અને પ્રૉસેસિંગનું કામ કરે છે. હું માર્કેટિંગ, બેન્કિંગ, મીડિયા વગેરે કામ જોઉં છું. અમારા એક ભાઈ ઓસ્ટ્રેલિયામાં ખેતી કરે છે. તેઓ જ્યારે પણ અહીં આવે છે ત્યારે અમારી ખૂબ મદદ કરે છે. આ તમામ કામની જવાબદારી અમારી માતા નિભાવે છે.”

હાલમાં મંદીપ દરરોજ આશરે આઠ ક્વિન્ટલ મશરુમનું ઉત્પાદન કરે છે. જેમાં બટન મશરુમ, ઑયસ્ટર મશરુમ (ગુલાબી, સફેદ, પીળું, બ્રાઉન), મિલ્કી મશરુમ વગેરે જેવા 12 પ્રકાર છે. આ સાથે જ તેઓ તેમાંથી અથાણું, ભજિયા, બિસ્કિટ વગેરે પણ બનાવે છે. જેનાથી તેમનું વાર્ષિક ટર્ન ઓવર 3.5 કરોડ રૂપિયાથી વધારે છે.

Farmer

કેવી રીતે થઈ હતી શરૂઆત

મંદીપ કહે છે કે, “મારા પિતા પંજાબ પોલીસમાં નોકરી કરતા હતા. મારી માતા સ્વેટર ગૂંથવાનું કામ કરતા હતા. જોકે, બાદમાં બજારમાં તૈયાર સ્વેટર મળવા લાગતા માતાએ આ કામ છોડી દીધું હતું. જે બાદમાં ઘર આંગણે જ મશરુમ ઉગાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ એ સમયે મશરુમ એટલા પ્રસિદ્ધ ન હોવાથી તેમને વેચવાની સમસ્યા આવતી હતી.”

મંદીપ વધુમાં કહે છે કે “મને યાદ છે કે એક વખત મારા પિતાજી જ્યારે દુકાનમાં મશરુમ વેચવા માટે ગયા ત્યારે દુકાનદારે સસ્તામાં મશરુમ ખરીદવા માટે ત્યાં સુધી કહી દીધું હતું કે તમારા મશરુમ ખાઈને લોકો બીમાર પડી રહ્યા છે. જોકે, માતા હિંમત હારી ન હતી અને તેમણે ભાઈઓ પર મશરુમને સીધા જ ગ્રાહકને વેચવાની જવાબદારી આપી હતી. જે બાદમાં અમે ભાઈઓ મશરુમ વેચવા માટે સાઇકલ લઈને નીકળી પડતા હતા.”

Mushroom

ધીમે ધીમે રંધાવા મશરુમ આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન વર્ષ 2001માં એક બીમારીને કારણે આખો પાક બરબાદ થઈ ગયો હતો. આ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ચારથી પાંચ વર્ષ સુધી મશરુમની ખેતી ન કરવાની અને બીજી જગ્યાએ ખેતી કરવાની સલાહ આપી હતી.

મંદીપ કહે છે કે, “અમારા માટે ખૂબ મુશ્કેલીભર્યો સમય હતો પરંતુ અમે શાંતિથી બેસી રહીએ તો પરવડે તેમ ન હતું. આ માટે અમે ઘરથી બે કિલોમીટર દૂર બટલા-અમૃતસર સ્ટેટ હાઇવે પર ચાર એકર જમીનમાં મશરુમ ઊગાડવાની શરૂઆત કરી હતી. અહીં પ્રથમ પ્રયાસમાં જ સારી ઉપજ આવી હતી. હવે સમસ્યા એ હતી કે બજારમાં સારી કિંમત મળી રહી ન હતી. આ કારણે અમે અમારી જ દુકાન ખોલવાનું નક્કી કર્યું હતું.”

Mushroom farming

અત્યાધુનિક રીતથી મશરુમની ખેતી

મંદીપ કહે છે કે, “પહેલા અમે હટ સિસ્ટમ દ્વારા મશરુમની ખેતી કરતા હતા. આ કારણે ફક્ત ઠંડીની ઋતુમાં જ આ કામ શક્ય બનતું હતું. હવે અમે ઇન્ડોર કમ્પોસ્ટિંગ મેથકનો ઉપયોગ કરીને મશરુમની ખેતી કરીએ છીએ. જેમાં તમામ કામ મશીનથી કરવામાં આવે છે. આ કારણે આખું વર્ષ મશરુમની ખેતી શક્ય બને છે અને ઉત્પાદન પણ વધારે આવે છે. જ્યારે મશરુમના બી તૈયાર કરવા માટે ટિશ્યૂ કલ્ચર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે.”

હાલ મંદીપ પાસે 12 મશરુમ ગ્રૉઇંગ રુમ (મશરુમ ઊગાડવા માટેના રુમ) છે, જ્યાં મશરુમને વાવવામાં આવે છે. આ ઉપરાંત તેણે પોતાના ફાર્મ પર જ મશરુમના હોલસેલ અને રિટેલ વેપાર માટે વ્યવસ્થા કરી છે.

કયા વિચાર સાથે કરે છે બિઝનેસ

મંદીપ કહે છે કે, “અમે ખેડૂત છીએ. અમે અમારા ઉત્પાદનની કિંમત જાતે જ નક્કી કરીએ છીએ, કોઈ વેપારી કે વચેટિયા નહીં. જો તેમને ભાવ યોગ્ય લાગે તો તેઓ ખરીદી કરે છે નહીં તો અમે મશરુમને અમારા ગામ ખાતે આવેલા પ્રૉસેસિંગ યુનિટ પર મોકલી દઈએ છીએ.”

Mushroom Farm

મંદીપ પોતાના પ્રૉસેસિંગ યુનિટમાં ફક્ત આચાર, સૂપ પાઉડર વગેરે ઉત્પાદનો બનાવે છે. જ્યારે કેનિંગનું કામ બીજાને સોંપી દે છે. આજની તારીખમાં મંદીપના ઉત્પાદનોની માંગ અમૃતસર ઉપરાંત જલાંધર, ગુરદાસપુર, બટલા, પઠાનકોટ જેવા શહેરમાં છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી દ્વારા તેના મશરુમ દુબઈમાં પણ જાય છે. મંદીપ ખેડૂતોને મશરુમ કમ્પોસ્ટ પણ વેચે છે, જેના દ્વારા ખેડૂતો વધારે મુશ્કેલી વગર સરળતાથી મશરુમનું ઉત્પાદન કરી શકે છે.

મહિલાઓને રોજગારી

મંદીપ કહે છે કે, “મારી સાથે હાલ 100થી વધારે લોકો કામ કરે છે. જેમાંથી 98 ટકા મહિલા છે. આવું એટલા માટે કે મશરુમની ખેતી ખૂબ જ ધ્યાનથી કરવામાં આવે છે. તેમાં નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. અમારું માનવું છે કે આ કામ મહિલાઓથી વધારે સારી રીતે બીજું કોઈ ન કરી શકે. આ જ કારણ છે કે અમે ફક્ત મહિલાઓને જ પ્રાથમિકતા આપીએ છીએ. અમારી 66 વર્ષીય માતા આ તમામ કામદારો પર દેખરેખ રાખે છે.”

રાષ્ટ્રીય પુરસ્કાર

મંદીપને મશરુમની ખેતી ક્ષેત્રમાં કામ કરવા અને સેલ્ફ માર્કેટિંગ માટે વર્ષ 2007માં આઈસીએઆર તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુક્યો છે.

Punjab

ભવિષ્યની યોજના

મંદીપ કહે છે કે, “ભવિષ્યમાં અમે ગ્રો ઑન ડિમાન્ડ અંતર્ગત પંજાબના મોટા શહેરોમાં મશરુમની હોમ ડિલિવરી સુવિધા શરૂ કરીશું. જેનાથી ગ્રાહકોને એકદમ તાજા મશરુમ સસ્તા ભાવમાં મળી રહેશે. વચેટિયા નહીં હોવાને કારણે અમને પણ વધારે કમાણી થશે.”

ખેડૂતોને અપીલ

મંદીપ ખેડૂતોને અપીલ કરતા કહે છે કે, “આજે દેશમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આનાથી બહાર નીકળવા માટે પરંપરાગત ખેતી ઉપરાંત ખેડૂતોએ કંઈક એવું કરવું પડશે જેનાથી તેમને નિયમિત આવક મળતી રહે. એવામાં મશરુમની ખેતી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.”

સાથે મંદીપ કહે છે કે, “આજે દેશની અડધી વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેતીના મહત્ત્વને નકારી ન શકાય. આપણે સ્કૂલના વિદ્યાર્થીઓને શરૂઆતથી જ કૃષિ કામો માટે તૈયાર કરવા પડશે, જેનાથી આવનારી પેઢી ખેતી પ્રત્યે જાગૃત થાય.”

જો તમને આ કહાનીથી પ્રેરણા મળી છે તો તમે મંદીપસિંહનો ફેસબુક (https://www.facebook.com/randhawamushroomfar) પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon