Search Icon
Nav Arrow
Zilli's Preservative Free Food
Zilli's Preservative Free Food

અન્જિનિયરનો અનોખો બિઝનેસ, હવે જરૂર નહીં પડે લસણ-ડુંગળી છોલવાની

‘ડીહાઇડ્રેશન’ ની જૂની ટેક્નિકના ઉપયોગથી હૈદરાબાદના અનુભવ ભટનાગરે પોતાનું સ્ટાર્ટઅપ, Zilli’s શરૂ કર્યું છે. જેના અંતર્ગત તેઓ પ્રાકૃતિક, પ્રિઝર્વેટિવ-ફ્રી અને રેડી ટૂ કુક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે.

આપણે બધાએ આપણા ઘરોમાં દાદી-નાનીને કેળા, બટાકાની ચિપ્સ બનાવતા જોયા છે. ઘરમાં તૈયાર આ ચિપ્સ, પાપડ બહુજ લાંબા સમય સુધી ચાલતા હોય છે. જ્યારેકે તેમાં કોઈ પણ પ્રકારનાં ‘પ્રિઝર્વેટિવ્સ’ અથવા ‘એડિટિવ્સ’ ઉમેરવામાં આવતાં નથી, આ જુની ટેક્નિકથી પ્રેરણા લઈને હૈદરાબાદ સ્થિત અનુભવ ભટનાગરે પોતાનું સ્ટાર્ટઅપ Zilli’s શરૂ કર્યુ છે. તેઓ કુદરતી, પ્રિઝર્વેટિવ-મુક્ત અને ગ્લૂટેન-ફ્રી ખાદ્ય ઉત્પાદનો બનાવી રહ્યા છે. તેમના આ ઉત્પાદનો ‘રેડી ટૂ કુક’ છે, જેનાંથી ખાવાનું બનાવવાની પ્રક્રિયા સરળ અને સ્વસ્થ થઈ જાય છે.

અનુભવ ભટનાગરે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મને કોલેજનાં સમયથી રસોઈ બનાવવાનો શોખ છે. લગભગ બે-અઢી વર્ષ પહેલાં એક દિવસ રાંધતી વખતે, મેં આદુ-લસણ પેસ્ટના પેકેટ ઉપર કાળજીપૂર્વક વાંચ્યું અને તેમાં વપરાતા ઈન્ગ્રેડિએન્ટ્સ વિશે જાણ્યુ. મેં જોયું કે પેસ્ટની શેલ્ફ-લાઇફ વધારવા માટે ઘણા પ્રિઝર્વેટિવ્સ અને એડિટિવ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે મને આશ્ચર્ય થયું કે શું કોઈ રસ્તો નથી કે આપણે કોઈ પણ રસાયણો ઉમેર્યા વિના આપણા ખાદ્ય ઉત્પાદનોના શેલ્ફ લાઇફમાં વધારો કરી શકીએ. અને તે જ દિવસથી મારી એક અલગ જ સફર શરૂ થઈ.”

Ready to cook products

એન્જિનિયરિંગથી એન્ટરપ્રાઇઝ સુધી

મૂળ રૂપથી ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદનાં રહેવાસી, અનુભવ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, 2012માં હૈદરાબાદ સ્થિત કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. અઢી વર્ષ કામ કર્યા પછી, તેણે જમશેદપુરના XLRIથી સર્ટિફિકેટ કોર્સ કર્યો. તે પછી તેણે ફરી એકવાર નોકરી કરી. પરંતુ વર્ષ 2018માં, રસોઈ બનાવતી વખતે, તેણે અચાનક વિચાર્યું કે તેણે ડુંગળી, લસણ, આદુ, મરચું અને ટામેટા વગેરેનાં પ્રિઝર્વેટિવ-ફ્રી,રેડી ટુ કુક ઉત્પાદનો બનાવવા જોઈએ. આ માટે તેમણે હૈદરાબાદમાં Central Food Technological Research Institute (CFTRI) ના રિસોર્સ સેન્ટરનો સંપર્ક કર્યો.

“મેં તેમને પૂછ્યું કે શું કોઈ ઉપાય છે કે આપણે આ ઉત્પાદનોની શેલ્ફ લાઇફ કુદરતી રીતે વધારી શકીએ. ત્યાંથી મને આ વિશે ઘણું જાણવા અને સમજવા મળ્યું. મને ખબર પડી કે જો તમે કોઈ ફળ અથવા શાકભાજીને ‘ડિહાઇડ્રેટ’ કરો છો, જેનો અર્થ તે ભેજને શોષી લો છો, તો પછી તેની શેલ્ફ-લાઈફ વધે છે. જેમ કે તેનો ઉપયોગ ચિપ્સ અને પાપડ વગેરે બનાવવા માટે થાય છે. ફળો અને શાકભાજી એકવાર ‘ડિહાઇડ્રેટેડ’ થઈ જાય પછી કોઈ ફૂગ અથવા બેક્ટેરિયા તેમા લાગતા નથી અને એક વર્ષ બે વર્ષ માટે તેને ‘એરટાઇટ’ કન્ટેનરમાં રાખી ઉપયોગ કરી શકાય છે.”

CFTRIના વૈજ્ઞાનિકોએ તેને ફક્ત તેના ઘરના માઇક્રોવેવમાં જ પ્રયોગ કરવા કહ્યું. તેમણે ડુંગળીના ટુકડા કાપીને માઇક્રોવેવમાં તેમને ‘ડિહાઇડ્રેટ’ કરવાનો પ્રયાસ કર્યો. લગભગ દોઢ મહિના પછી, તેમને સાચા તાપમાનનો અંદાજ આવ્યો કે જેના પર ડુંગળી ‘ડિહાઇડ્રેટ’ થાય છે. “મેં ધીરે ધીરે મારા ઘરના રસોડામાં ડુંગળી અને લસણને ડીહાઇડ્રેટ કરી, તેનો પાઉડર બનાવ્યો અને આ પાઉડરનો ઉપયોગ મારા શાકભાજીમાં કર્યો. આ પ્રયોગ સફળ રહ્યો કારણ કે શાકભાજીનો ટેસ્ટ ખૂબ સારો હતો,” તેમણે કહ્યું.

અનુભવ એક સાથે રિસ્ક લેવા મંગતા ન હતા. તેથી, 2018 માં, તેણે ટ્રાયલ માટે પોતાનું સ્ટાર્ટઅપ ‘Kitchen D’lite’ શરૂ કર્યુ, જેની તેણે ઔપચારિક નોંધણી કરાવી ન હતી. કારણ કે તે લોકોની પ્રતિક્રિયા પહેલા જોવા માંગતો હતો. અનુભવ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં તેના ઉત્પાદનોનો સ્ટોલ લગાવ્યા. અનેક રિટેલ સ્ટોર્સનો સંપર્ક પણ કર્યો. ગ્રાહકના પ્રતિસાદ અને માંગના આધારે, તેઓએ ડુંગળી અને લસણ પાવડર પછી ઘણા વધુ ઉત્પાદનો બનાવ્યા છે.

Ready to cook products

બનાવે છે 13 પ્રકારનાં ઉત્પાદનો

અનુભવ જણાવે છેકે, લગભગ એક-દોઢ વર્ષમાં તેમણે લોકોની વચ્ચે પોતાનું એક નામ બનાવ્યુ છે. આ પછી 2020ની શરૂઆતમાં, તેણે પોતાના સ્ટાર્ટઅપનાં ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન પર કામ શરૂ કર્યું. પરંતુ સમસ્યા એ આવી કે‘Kitchen D’lite’ના નામ જેવા જ બીજા ઘણા સંગઠનો પણ હતા. તેથી જ તેણે તેની બ્રાન્ડનું નામ ‘Zilli’s’રાખ્યું છે. આ નામ અંગ્રેજી શબ્દ ‘Zillion’ પરથી લેવામાં આવ્યુ છે, જેનો અર્થ ‘ઘણી રીતે’ થાય છે. તે કહે છે, “અમારા પાઉડરનો ઉપયોગ વિવિધ પ્રકારના ખોરાકને રાંધવા માટે થાય છે. ઉપરાંત, ઘણા ઉત્પાદનોનો ઉપયોગ ‘બ્યુટી ઉદ્યોગ’માં થાય છે જેમ કે ડુંગળી પાવડર. આ રીતે તેઓના ઘણાં વિવિધ ઉપયોગો છે.”

આજે તેઓ 13 પ્રકારનાં ઉત્પાદનોનું બનાવી રહ્યા છે, જેમાં ડુંગળી પાવડર, લસણ પાવડર, આદુ પાવડર, કાઢા મિક્સ, હળદર દૂધ મિક્સ, કોલકાતા ઝાલ-મૂરી મસાલા, ડુંગળીના ફ્લેક્સ (ડ્રાઈડ) અને સુકા લસણ વગેરે. તેમના ઉત્પાદનો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પહોંચી રહ્યા છે. તે ઓનલાઇન એમેઝોન, ફ્લિપકાર્ટ અને પોતાની વેબસાઇટ દ્વારા વેચે છે. ઉપરાંત, હૈદરાબાદ, ચંદીગઢ, પંચકુલા જેવા શહેરોમાં 40 જેટલા રિટેલરોને પણ તેમના ઉત્પાદનોનો સપ્લાય કરે છે. અનુભવ કહે છે કે અત્યાર સુધીમાં તેમના ગ્રાહકોની સંખ્યા 12000 પર પહોંચી ગઈ છે.

ગુરુગ્રામના રહેવાસી પલ્લવી શ્રીવાસ્તવ કહે છે, “હું આ પ્રોડક્ટનો ઉપયોગ બે વર્ષથી કરું છું. હવે જો ઘરમાં ડુંગળી કે લસણ ના હોય તો હું ચિંતા કરતી નથી. ખાસ કરીને કે આ રોગચાળાના સમયમાં, તેઓ ખૂબ જ કામમાં આવ્યા છે. ડુંગળી-લસણને કાપવાની મહેનત અને સમય બંને બચે છે. આ સિવાય હલ્દી મિક્સ પણ રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ સારું છે. તેને દૂધ સાથે મિક્સ કર્યા સિવાય, હું તેમાંથી મારા માટે ‘ટર્મરિક ટી’ પણ બનાવું છું.”

 Zilli's, Startup

હૈદરાબાદમાં પોતાનો સ્ટોર ચલાવનાર દીપિકા કહે છે, “અમે છેલ્લા એક વર્ષથી Zilli’sના ઉત્પાદનો વેચી રહ્યા છીએ અને ગ્રાહકનો પ્રતિસાદ ઉત્તમ રહ્યો છે. અમારા ગ્રાહકો તમામ કુદરતી અને પ્રિઝર્વેટિવ મુક્ત ઉત્પાદનો માટે અમારા પર વિશ્વાસ રાખે છે, અને Zilli’s પણ તેમને ખૂબ પ્રિય છે. ઉપરાંત, આ એવા ઉત્પાદનો છે જે રસોઈમાં તમારો સમય બચાવે છે.

અનુભવના સ્ટાર્ટઅપને “Atal Incubation Center ALEAP We-hub” હેઠળ ઈન્ક્યૂબેશન મળ્યુ છે. તેમને તેમની તરફથી મશીનરીની મદદ મળી રહી છે. અને અનુભવ, તેના સ્ટાર્ટઅપ દ્વારા હાલમાં પાંચ લોકોને રોજગાર આપવામાં સક્ષમ છે. તેમણે કહ્યું, “મેં ફક્ત 30,000 રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે અમારા સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્નઓવર 30 લાખ રૂપિયાને વટાવી ગયું છે. હવે પછીના સમયમાં, મને આશા છે કે અમે આશરે 30 શહેરોમાં રિટેલ સ્ટોર્સ દ્વારા અમારા ઉત્પાદનો પહોંચાડીશું.”

વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપી રહેલા અનુભવ ભટનાગરનું કાર્ય પ્રશંસનીય છે. આશા છે કે વધુને વધુ લોકો તેમની પાસેથી પ્રેરણા લેશે અને આગળ વધશે. જો તમે તેમના ઉત્પાદનો જોવા અથવા ખરીદવા માંગતા હો તો અહીં ક્લિક કરો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કેન્સર સર્વાઈવર પતિ-પત્નીનો લૉકડાઉનમાં કૂરિયર બિઝનેસ પડી ભાંગતાં ખાખરા બનાવી બન્યાં આત્મનિર્ભર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon