આપણે જ્યારે પણ કૃષિ વિશે વાત કરીએ છીએ, ત્યારે ખેતરો, બીજ, સિંચાઈ અને પાક વગેરે જેવી બાબતો આપણા મગજમાં આવે છે. પરંતુ આજના યુગમાં, કૃષિ આ બધાથી ઘણી આગળ વધી ગઈ છે. આ એક શબ્દ હેઠળ ઘણાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે જેમ કે મત્સ્યોદ્યોગ, મધમાખી ઉછેર, મોતીની ખેતી વગેરે. સૌથી સારી વાત એ છે કે હવે ખેતી કરવા માટે, વધારે પડતી જમીનની જરૂર નથી. હવે, જો તમે ઇચ્છો, તો તમે તમારા ઘરમાં પણ ખેતી કરી શકો છો. જેવી રીતે કે,ઉત્તર પ્રદેશના જીતેન્દ્ર ચૌધરી તેમના ઘરે મોતી ઉગાડી (Pearl Farming) રહ્યા છે.
ગાઝિયાબાદના મુરાદનગરમાં ખુરમપુર ગામના રહેવાસી જીતેન્દ્ર ચૌધરી પોતાના ઘરે વ્યાવસાયિક સ્તરે મોતી ઉછેર કરે છે. કમ્પ્યુટર એપ્લીકેશન્સમાં માસ્ટર કરનારા જીતેન્દ્ર ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કંઇક અલગ કરવાની ઇચ્છા રાખીને તેણે મોતીની ખેતી શરૂ કરી. 2009માં તેમણે 20 હજાર રૂપિયાના રોકાણથી મોતીની ખેતી શરૂ કરી હતી. પરંતુ તેમનું માનવું છે કે જો કોઈ ઇચ્છે તો તે 5-10 હજાર રૂપિયાની વચ્ચે પણ શરૂ કરી શકે છે.
તળાવથી લઈને સિમેન્ટનાં બનેલાં ટબ અથવા માછલીઓવાળા ટેંકમાં પણ મોતી ઉછેર કરી શકાય છે. તેની ઘણી રીતો છે. જીતેન્દ્રએ જે રીતે મોતી ઉછેર કરે છે તેને ‘રિસકર્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ’ (RAS) કહેવામાં આવે છે.
પ્રાપ્ત કરી સાચી માહિતી:
‘રિસકર્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ’માં, માછલીની ટાંકીમાં પાણી ફિલ્ટર કરવામાં આવે છે જેથી તે ટાંકીમાં ફરીથી વાપરી શકાય. આનાથી પાણી અને જગ્યાનો વપરાશ ઓછો થાય છે. તે કહે છે, “મોતીની ખેતીમાં સૌથી મોટી સમસ્યા વેસ્ટ મેનેજમેન્ટ અને એમોનિયા ઝેરી (Ammonia Toxicity)છે. પરંતુ જો RAS પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો તમારે આ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.” આ પદ્ધતિ વિશ્વભરમાં અપનાવવામાં આવી રહી છે અને તે તળાવમાં અથવા અન્ય પ્રકારની ટાંકીમાં મોતી ઉછેર કરવા કરતાં વધુ સારું છે.

જીતેન્દ્ર કહે છે, “જ્યારે તળાવમાં મોતી ઉછેરતા હોય ત્યારે ઘણી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે છે – તે નાના કદની હોવી જોઈએ, તાપમાનને નિયંત્રણમાં રાખવું શક્ય નથી. ઉપરાંત, જે તળાવમાં મોતી ઉછેર કરવામાં આવે છે તે ઓછામાં ઓછું છ મહિના જૂનું હોવું જોઈએ.” માછલીની ટાંકીમાં વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે, તેમા શેવાળ(Algae)ની મર્યાદિત માત્રા આપવામાં આવે છે, છીપો (Mussel)કેવી રીતે વિકસિત થાય છે તેનું મોનિટર કરી શકાય છે, અને બીજી ઘણી વસ્તુઓ પણ તમારા નિયંત્રણમાં રહે છે.
તેઓ જણાવે છે કે તેમણે ઓનલાઇન કેટલાક સંશોધન કર્યું અને તે પછી, પ્રક્રિયાની વધુ સારી સમજ માટે, ઓડિશામાં ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર’ (CIFA)માં અભ્યાસક્રમ માટે નોંધણી કરાવી. તેમણે કહ્યું, “જ્યારે પણ બજારમાં નવા મોતી આવે છે, ત્યારે તેમના વિશે શીખવું મહત્વપૂર્ણ છે. આ માટે, તમારે શક્ય તેટલા વર્ગો અને વર્કશોપમાં ભાગ લેવો જોઈએ.”

એક્વાકલ્ચર અને ફીશ ઇમ્યુનોલોજી, CIFAના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. શૈલેષ સૌરભના કહેવા પ્રમાણે, “મોતીની ખેતી એક કાર્યક્ષમ તકનીક છે અને તેથી, યોગ્ય જ્ઞાન ન હોવાને લીધે મોટું નુકસાન થઈ શકે છે. કોર્સ છીપોની જાળવણી માટે સૈદ્ધાંતિક અને વ્યવહારુ શિક્ષણ પ્રદાન કરે છે. ‘મેન્ટલ કેવિટી’, ‘મેન્ટલ ટીશ્યુ’ જેવી વિવિધ વાવેતર પદ્ધતિઓ માટે પણ તાલીમ આપવામાં આવે છે.”
કેવી રીતે કાળજી લેવી:
જીતેન્દ્ર જણાવે છે કે, સામાન્ય કદના છીપોમાં બે થી આઠ મોતી નીકળે છે. જ્યારે, મોટા શેલોમાં મોતીઓની સંખ્યા 28 સુધી હોઇ શકે છે, છીપોના બંને શેલોમાં 14-14 મોતી હોઈ શકે છે. આ ઉપરાંત, તે કહે છે કે છીપોની ખૂબ સારી સંભાળ લેવી જોઈએ. તે જણાવે છે, “હંમેશાં સારા અને જાણીતા સ્થળેથી છીપો ખરીદો. ત્યારબાદ, તેઓને ઓછામાં ઓછા છ દિવસ ‘ક્રિટિકલ કેર યુનિટ’ ના સેટઅપમાં રાખવામાં આવે છે.” જ્યારે તમને લાગે કે તેમાં છીપો બરાબર છે, તો તેને માછલીની ટાંકીમાં રાખી દો.

આ પછી, છીપોની ગુણવત્તા તપાસ્યા પછી, તમારે તેમના ડોઝની યોજના પર કામ કરવું જોઈએ. જિતેન્દ્ર કહે છે, “જો છીપની ગુણવત્તા ખૂબ સારી ન હોય, તો પછી તમે તેને 65 દિવસ સુધી વિશેષ ખોરાક અને દરેક પોષક તત્વો આપો. ત્યારબાદ તેમાંથી મોતીઓ નીકાળી દો. પરંતુ, જો છીપ પહેલેથી જ સારી ગુણવત્તાવાળા હોય, તો પછી 20 દિવસ પછી તેમાંથી મોતી કાઢી શકાય છે.”
જીતેન્દ્રને આ રીતે મોતી ઉછેરવામાં 95% સફળતા મળી છે. તે કહે છે કે તમે દર વખતે તમારા રોકાણની કિંમતની પાંચ ગણી કમાણી કરી શકો છો.
ઘરે મોતી ઉછેર કેવી રીતે કરશો:
· સૌ પ્રથમ, પાણીના ‘એક્વાકલ્ચર’ને સમજવા માટે તેનું પરીક્ષણ કરો. આ તમે સરકારી લેબોરેટરી (વર્કશોપ) માં કરાવી લો. જો તમે આ પરીક્ષણ ખાનગી લેબોરેટરીમાં કરાવો છો, તો પછી વધારે ખર્ચ આવવાની સંભાવના છે. પાણીની ચકાસણી એ જાણવા માટે કરવામાં આવે છે કે તેમાં છીપો જીવી શકે છે કે નહી.
· તે સૂચવે છે કે એકવાર આ કાર્ય થઈ જાય પછી, મોતીની ખેતીની ઔપચારિક તાલીમ કોઈ સારી સંસ્થામાંથી લેવી જોઈએ. આનાથી મોતીના પ્રકારોને સમજવામાં મદદ મળશે અને મોતી ઉછેરની યોગ્ય ટેક્નોલોજી પણ શીખવા મળશે.

· જો તમે ઘરે સરળ સેટઅપ કરવા માંગતા હો, તો તમે માછલીની બે ટાંકીથી પ્રારંભ કરી શકો છો. આ બંને ટાંકી એકબીજાની ઉપર મૂકવી પડે છે જેથી ઉપરની ટાંકીમાંથી નીચેની ટાંકી સુધી પાણી આવે. આ માટે, તમારે ઉપરની ટાંકીમાં છિદ્રો બનાવવા પડશે.
ઉપરાંત, ટાંકીમાં એક પાઇપ પણ મૂકવામાં આવે છે, જે ટાંકીમાં પાણીનો જથ્થો જરૂરીયાત કરતાં વધી જાય તો તેને બહાર કાઢે છે.
· ટાંકીમાં ‘એર પમ્પ’ અને ‘વેન્ચુરી પંપ’ લગાવવામાં આવે છે. આ પમ્પ્સ પાણીના પ્રવાહને નિયંત્રિત કરે છે અને પાણીના તાપમાનને નિયંત્રિત કરવા માટે એક પમ્પ પણ લગાવવામાં આવે છે.
· જ્યારે બધા સાધનો યોગ્ય રીતે ફીટ થઈ જાય છે, ત્યારે સિસ્ટમ સતત સાત દિવસ, સવાર અને સાંજે થોડા કલાકો સુધી ચાલવી જોઈએ.
· ટાંકીની લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2.5 ફૂટ અને ઉંડાઈ 1.5 ફૂટ હોઈ શકે છે. આ કદના સેટઅપમાં, 50 છીપો એક ટાંકીમાં મૂકી શકાય છે.
સમયની વાત કરીએ તો, તમારે દરરોજ લગભગ અઢી કલાક ટાંકીનું નિરીક્ષણ કરવું પડશે.
· ખાતરી કરો કે છીપોને આપવામાં આવતી શેવાળ ઉચ્ચ ગુણવત્તાની છે જેથી મોતીની ગુણવત્તા પણ સારી રહે. છીપોમાં વિટામિન અને પોષક તત્ત્વો પણ આપવામાં આવે છે.
મોતીની ખેતી શરૂ કરતા પહેલા, તમારે એ પણ જાણવું જોઈએ કે, તેનાંથી સંબંધિત કયા લાઇસન્સ જરૂરી છે. જો તમે ઘરે મોતી ઉછેર કરવા માટે ઉત્સુક છો અને વધુ માહિતી જાણવા માંગતા હો, તો તમે જીતેન્દ્ર ને + 91- 70175 63576 પર કોલ કરી શકો છો.
આ પણ વાંચો: સાઉદી અરેબિયાની નોકરી છોડીને ઘરે ડોલમાં શરૂ કરી મોતીની ખેતી, કરે છે લાખોની કમાણી!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.