Search Icon
Nav Arrow
Findla Juice
Findla Juice

ખેતરમાં વાડ તરીકે ઉગતા થોરના ફળમાંથી જસદણના યુવાને શોધ્યો ધંધો, શનિ-રવિ ફિંડલાનો રસ વેચી કમાય છે

જસદણના સંજયભાઈએ જેને લોકો સાવ નકામી સમજે છે, તેમાંથી જ પોતાનો ધંધો શોધ્યો. બેન્કમાં નોકરી કરતા સંજયભાઈ શનિ-રવિવારે ખેતરમાં જઈને ફીંડલા વીણી લાવે છે અને ઘરે જાતે જ તેનો જ્યૂસ બનાવી વેચે છે. સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોવાથી દરરોજની વેચાય છે 10-15 બોટલ્સ.

આપણા ભારત દેશમાં અનેક કાળથી આયુર્વેદનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભારતમાં ઘણી એવી વનસ્પતિ છે જે અનેક જીવલેણ રોગમાં કારગર છે. જેને લીધે દેશમાં આર્યુ વિજ્ઞાન અને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દેશના ગામડાની વાત કરીએ તો ત્યાં પણ અનેક ઔષધીય છોડ અને ઝાડ મળી આવે છે. ગામડાઓમાં ખાસ તો, થોર નામની વનસ્પતિ જોવા મળે છે. જેમાં ઉગતા ફિંડલા ખૂબ જ ગુણકારી છે. ફિંડલાનો રસ પીવાથી લોહીની અછત, દમ (અસ્થમા), થેલેસેમિયા, ડાયાબિટિસ અને લીવર સહિતની બિમારીમાં ખૂબ જ ફાયદો થાય છે. પરંતુ ખેતરમાં વાડ તરીકે ઉગતા થોરના આ ફળના ફાયદા અને ઉપયોગ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.

મૂળ જસદણના હિંગોળગઢમાં રહેતાં સંજયભાઈ અજય નેચર ફાર્મ અંતર્ગત 24થી વધુ પ્રકારની હર્બલ પ્રોડક્ટ બનાવે છે. આ સાથે જ તેમનો પરિવાર પોતાના ઘરે જ થોરના ફિંડલાનો રસ બનાવીને વેચે છે. સંજયભાઈ રાજકોટ ગ્રામીણ બેન્કમાં કાર્યરત હોવાની સાથે સાથે આ વ્યવસાય કરી રહ્યા છે. જેમાં સંજયભાઈ સંજયભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે ફિંડલા વીણવાથી લઈ તેના રસ બનાવવા સુધીની પ્રકિયા અંગે ખાસ વાતચીત કરી હતી.

Findla Juice Health Benefits

સંજયભાઈ હરજીભાઈ હતવાણીએ જણાવ્યું કે, ‘‘ અમારા હિંગોળગઢ ગામની બાજુમાં આવેલાં ગુંદાળા ગામમાં આજથી વીસ વર્ષ પહેલાં જે લોકોનું હિમોગ્લોબિન ઓછું હોય તેમના માટે ફિંડલાનું શરબત વેચતા હતાં. જેના થોડાંક વર્ષ પછી જસદણમાં એક ગૌ કૃપા પ્રોડક્ટ નામની ફેક્ટરી શરૂ થઈ હતી. આ ફેક્ટરીમાં ગાય આધારિત આયુર્વેદિક વસ્તુ બનાવવામાં આવતી હતી. આ ફેક્ટરીમાં હું સર્વિસ કરવા ગયો હતો. આ પછી કંપનીમાં કામ કરવાનું બંધ કરીને હર્બલ પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું. હું અમુક સ્થળ પર અમારી હર્બલ પ્રોડક્ટના સ્ટેન્ડ લગાડીને સેલ કરતો હતો. આ દરમિયાન રાજકોટ ગ્રામીણ બેન્કમાં મારી નોકરી લાગી હતી.’’

‘‘થોડાંક સમય પછી એવું લાગ્યું કે, નોકરીની સાથે-સાથે પાર્ટ ટાઇમ આપણી હર્બલ પ્રોડક્ટ જેવી કે ફિંડલાનું શરબત, હર્બલ પાવડર સહિતની વસ્તુ પણ બનાવી શકીએ છીએ. આ તમામ વસ્તુ વેચવા માટે લાયસન્સ લીધું અને અત્યારે અમે તમામ વસ્તુ વેચી રહ્યા છીએ.’’

આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ

Findla Juice Health Benefits

કેવી રીતે બનાવો છો
સંજયભાઈએ જણાવ્યું કે, ‘‘ અમે સૌ પહેલાં તો થોરના છોડ હોય ત્યાં જઈએ. થોરમાં ફિંડલા અમે આવળ ( વનસ્પતીની એક પ્રજાતી, જે થોરિયાની આસપાસ મોટા ભાગે જોવા મળે છે.)થી ઉતારીએ. આ પછી ઘરે આવીને ફિંડલાની અંદર રહેલી લાલ રંગની ગોટીને કાઢી લઈએ છીએ. જેને છાશ બનાવવાના વલોણાની અંદર નાખી દઈએ છીએ. આ પછી તેના બીજ છૂટા પડી જાય છે. જેને ગરણથી ગાળી લેવામાં આવે છે. તે રસને પછી એક ચોક્કસ તાપમાને ગરમ કરવામાં આવે છે.’’

‘‘માની લો કે, બે કિલો રસ હોય તો તેમાં બે કિલો ખાંડ અથવા સાકર નાખવી પડે છે. આ પછી રસને ઉકાળતાં-ઉકાળતાં ફીણ બંધ થઈ જાય એટલે રસ તૈયાર થઈ જાય છે. જે પછી રસને ઠંડો પાડીને બોટલમાં ભરી લેવામાં આવે છે. મહત્ત્વની વાત છે કે, કેટલાક લોકો આ રસની અંદર પાણી નાખે છે. પણ આ રસની અંદર ક્યારેય પાણી નાખતાં જ નથી. આ પ્રકિયામાં અમારે અંદાજે બે-ત્રણ કલાકનો સમય લાગે છે.’’

‘‘દર શનિવારે અને રવિવારે રજા હોય ત્યારે અમે ફિંડલાનો રસ બનાવીએ છીએ. જેમાં પરિવારના લોકો પણ મદદ કરાવે છે. જેથી અમે સરળતાથી ફિંડલાનો રસ ઉત્તમ ક્વોલિટીનો બનાવી શકીએ છીએ અને ગ્રાહકો સુધી સારી વસ્તુ પહોંચાડીએ છીએ.’’

દિવસની કેટલી બોટલ ફિંડલાનો રસ વેચો છો?
સંજયભાઈએ આ અંગે વાત કરતાં કહ્યું કે, ‘‘ અત્યારે કોરોનાકાળને લીધે ઓછી બોટલનું વેચાણ થાય છે. જોકે, સામાન્ય દિવસોમાં અમે દિવસની 10થી 15 બોટલ વેચીએ છીએ. અમે સીધા કસ્ટમરને જ વેચીએ છીએ. અમે 500 mlની જ બોટલ વેચીએ છીએ. આ બોટલમાં કુલ 600 ગ્રામ ફિંડલાનો રસ/જ્યુસ હોય છે. અમારી એક બોટલની કિંમત 150 રૂપિયા છે.’’

Findla Juice Benefits

આ પણ વાંચો: કચરામાંથી કરોડોની કમણી: કચરો વિણનારાઓનું જીવન બદલવા આ મહિલાએ બનાવી કરોડોની બ્રાન્ડ

આ રોગમાં રામબાણ છે ફિંડલાનો રસ
ફિંડલાના રસના સેવનથી થેલેસેમિયામાં લોહી બદલવાનો સમયગાળો વધે છે. આ ઉપરાંત ફિંડલાના રસથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પાચનતંત્ર સુદ્રઢ બને છે. મેદસ્વીતા અને કોલેસ્ટ્રોલ ઘટે છે. લીવરની બીમારી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. વિવિધ પ્રકારના દુખાવા પણ દૂર થાય છે. સાંધાનો ઘસારો દૂર કરે છે. દમ(અસ્થમા)ની તકલીફ દૂર થાય છે. એટલું જ નહીં લોહીની ઉણપ અને લોહીને લગતી બીમારીઓમાં ખૂબ જ કારગર છે. આ સાથે જ એસિડીટીમાં સહિતની બીમારી પણ ફિંડલાનો રસ પીવાથી દૂર થાય છે.

કેવી રીતે ફિંડલાનો રસ પીવો?
ફિંડલાનો રસ સવારે 50ml અને સાંજે 50ml લેવાથી ફાયદો થાય છે. આ રસની સાથે સ્વાદ અનુસાર ખડી સાકર અને લીંબુનો રસ ઉમેરી શકાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે ફિંડલાનો રસ ખરીદવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ સરનામા પર કે ફોન નંબર પર સંજયભાઈનો સંપર્ક કરી શકો છો.
અજય નેચરલ ફાર્મ
હિંગોળગઢ, તા. વિંછીયા, જી. રાજકોટ
સંજયભાઈ હતવાણીઃ 9904887269

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ રાજકોટના આ યુવાનના ખાટલા વેચાય છે દેશ-વિદેશમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon