લોકડાઉન દરમિયાન, ઘણા લોકો તેમના શોખને જીવ્યા, જ્યારે ઘણા લોકોએ પોતાના માટે રોજગારનું સાધન બનાવ્યું. આવા જ લોકોમાંથી એક છે ઉત્તર પ્રદેશના રામવીર સિંહ. બરેલીમાં રહેતા રામવીર સિંહ છેલ્લા ઘણા સમયથી મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આ સાથે તેઓ ગામમાં પોતાની ખેતી પણ કરી રહ્યા છે. 2020માં લોકડાઉન દરમિયાન, તેમણે તેમના ઘરમાં હાઇડ્રોપોનિક ગાર્ડનિંગ શરૂ કર્યું. પોતાના ઘરમાં સારી સફળતા મેળવ્યા બાદ રામવીર હવે બીજાના ઘરમાં પણ હાઈડ્રોપોનિક સિસ્ટમ સેટઅપ કરી રહ્યા છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા રામવીરે કહ્યું કે તે એક ખેડૂત પરિવારમાંથી છે. અભ્યાસ પૂરો કર્યા પછી, તેઓ મીડિયા ક્ષેત્રમાં જોડાયા અને ઘણી મોટી ચેનલો સાથે કામ કર્યા પછી, તેઓ હાલમાં બરેલીની એક ચેનલ સાથે ફ્રીલાન્સ પત્રકાર તરીકે જોડાયેલા છે.
તેમણે કહ્યું, “અમારી પાસે ખેતી માટે પિતૃઓની જમીન છે, જે બરેલીથી લગભગ 40 કિમી દૂર છે. આ જમીન પર હું મારા પરિવારની જરૂરિયાતો માટે શાકભાજી, અનાજ, કઠોળ ઉગાડું છું. હું 2009થી જૈવિક ખેતી કરું છું. ખરેખર, મારા એક મિત્રના કાકાને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમની તપાસ કરાવ્યા બાદ જાણવા મળ્યું કે ફળો અને શાકભાજીમાં ઉપયોગમાં લેવાતા કેમિકલને કારણે તેમને કેન્સર થયું છે. ત્યારથી મેં નક્કી કર્યું કે મારા પરિવાર માટે મારે જાતે જ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ.”

રામવીર કહે છે કે એકવાર તે તેના કેટલાક મિત્રો સાથે દુબઈ ગયો હતો. દુબઈમાં તેણે હાઈડ્રોપોનિક સિસ્ટમ જોઈ અને જાણ્યું કે આ સિસ્ટમમાં માટી વગર શુદ્ધ અને પૌષ્ટિક શાકભાજી ઉગાડી શકાય છે. તેને હાઈડ્રોપોનિક સિસ્ટમમાં રસ પડવા લાગ્યો અને ભારત પરત આવ્યા બાદ તેણે અલગ-અલગ જગ્યાએથી આ ટેકનિકની તાલીમ લીધી. પરંતુ રામવીર હાઈડ્રોપોનિક સિસ્ટમમાં પણ કંઈક અલગ કરવા માંગતો હતો. તેમણે કહ્યું કે એ જરૂરી નથી કે પહેલાથી ઉપલબ્ધ સિસ્ટમો બધા માટે સફળતાપૂર્વક કામ કરે. તેથી તેણે હાઈડ્રોપોનિકમાંથી NFT (Nutrient Film Technique) અને DFT (Deep Flow Technique),બંને તકનીકોનો ઉપયોગ કરીને તેમના ઘર માટે એક અનોખી સિસ્ટમ બનાવી.
ત્રણ માળના મકાન બનાવ્યું ‘શાકભાજી ઘર’
રામવીરે પોતાના ઘરના ત્રણ માળ પર હાઇડ્રોપોનિક સિસ્ટમ લગાવી છે. જો આપણે તેના કુલ ક્ષેત્રફળ વિશે વાત કરીએ, તો તે લગભગ 750 ચોરસ મીટર છે અને તેની સિસ્ટમમાં 10 હજાર છોડ વાવવામાં આવ્યા છે. આ સિસ્ટમમાં, પીવીસી પાઈપમાં નિયત અંતરે કાણા કરીને જાળીદાર કુંડા (નેટકપ) લગાવવા માટે જગ્યા બનાવવામાં આવે છે. જેમાં સેંકડો છોડ લગાવી શકાય છે. આ તમામ પાઈપો એક ઢાળ સાથે એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. ત્યારબાદ એક જગ્યાએથી મોટર દ્વારા પાણીનો પ્રવાહ કરવામાં આવે છે અને દરેક પાઈપમાં થઈને તે પાછું ટેન્કમાં આવી જાય છે.

તેમણે કહ્યું કે સામાન્ય બાગાયતની સરખામણીએ આ ટેકનિકમાં 90% ઓછું પાણી વપરાય છે. “મેં માર્ચ, 2020 માં મારા ઘરમાં સિસ્ટમ સેટઅપ કરી. જો કે હું ખેતી પણ કરું છું, પરંતુ ઘરે બાગકામ કરવાનું કારણ એ હતું કે શાકભાજી જરૂરના આધારે તરત જ ઘરમાં મળી શકે છે. હવે ધારો કે કોઈ દિવસ પાલકની જરૂર પડે તો આ માટે 40 કિમી દૂર જવાનો કોઈ અર્થ નથી. તેથી જ મેં ઘરે શાકભાજીની વ્યવસ્થા કરવાનું વિચાર્યું અને આ માટે હાઇડ્રોપોનિકથી વધુ સારું બીજું કંઈ નથી,” તે કહે છે.
આ સિસ્ટમમાં તે મોસમી શાકભાજીનું વાવેતર કરે છે. જેમ કે ટામેટા, મરચાં, પાલક, મેથી, ફુદીનો, દૂધી, તુરિયા, કાકડી, ચોળી, કેપ્સિકમ, કારેલા, કોબી, લેટીસ વગેરે. પોતાના ઘરના સામાનની સાથે તેણે પોતાના વિસ્તારના લોકોને પણ શાકભાજી ખવડાવી છે. આ ઉપરાંત પીળા અને લાલ કેપ્સીકમ જેવા શાકભાજીનું પણ વેચાણ થયું હતું. તેમણે પીળા અને લાલ કેપ્સીકમના લગભગ પાંચસો છોડ લગાવ્યા હતા.
10 થી વધુ ઘરોમાં સિસ્ટમ લગાવવામાં આવી છે
રામવીર સિંહે પોતાના ઘરને ‘હાઈડ્રોપોનિક મોડલ’ જેવું બનાવ્યું છે. જેથી લોકો તેમના બગીચાને બહારથી જોઈ શકે. તેમનો બગીચો જોઈને સેંકડો લોકોએ તેમનો સંપર્ક કર્યો અને તેમના બગીચાની મુલાકાત પણ લીધી. તેણે કહ્યું કે અત્યાર સુધી તેણે 10 થી વધુ ઘરોમાં હાઈડ્રોપોનિક સિસ્ટમ લગાવી છે. તેઓ Vimpa Organic and Hydrophonic નામથી પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. તે અન્ય લોકોને હાઇડ્રોપોનિક તકનીકનો ઉપયોગ કરીને બાગકામ કેવી રીતે કરવું તે શીખવાડી રહ્યા છે અને સાથે જ, તે પોતે પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.
શાકભાજીની સાથે તે સ્ટ્રોબેરી પણ ઉગાડી રહ્યા છે. તેમણે કહ્યું કે તે પોતે જ ઓર્ગેનિક માધ્યમથી તમામ છોડ માટે કીટનાશક બનાવે છે. આ ઉપરાંત નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, પોટેશિયમ, કોપર, ઝિંક વગેરે જેવા 16 પોષક તત્વોને પાણીમાં ભેળવીને છોડ સુધી પહોંચાડવામાં આવે છે. “હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી તમે સામાન્ય ખેતી કરતાં વધુ પૌષ્ટિક અને શુદ્ધ શાકભાજી ઉગાડી શકો છો. કારણ કે સામાન્ય ખેતી દરમિયાન એવો ડર રહે છે કે જો તમારા પાડોશી ખેડૂતે જંતુનાશકોનો ઉપયોગ કર્યો હોય તો તેની અસર તમારા પાક પર પણ પડે છે. તેથી જ તમે તેને 100% શુદ્ધ કહી શકતા નથી. પરંતુ હાઇડ્રોપોનિક સિસ્ટમમાં તમે 100% શુદ્ધ શાકભાજી લગાવી શકો છો,”તે કહે છે.

રામવીર કહે છે કે આ એક વખતનું રોકાણ છે, જેથી તમે તમારા પરિવારને વર્ષો સુધી શાકભાજી ખવડાવી શકો છો. ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી માટે, જેનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ, તેમના માટે હાઇડ્રોપોનિક યોગ્ય છે. તે કહે છે કે છેલ્લા એક વર્ષમાં તેણે બજારમાંથી લગભગ કોઈ શાકભાજી ખરીદ્યા નથી. તેમના પરિવારને બગીચામાંથી જ શાકભાજીનો સારો પુરવઠો મળી રહ્યો છે.
જો તમે આ ટેક્નિક વિશે વધુ જાણકારી ઈચ્છો છો અથવા પોતાના ઘરમાં હાઈડ્રોપોનિક સિસ્ટમ સેટઅપ કરાવવા માંગો છો તો 9456696777 પર કોલ કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પત્નીની છેલ્લી ઇચ્છાને માન આપી વડોદરાના દિનેશભાઈ રોજ જમાડે છે 150 લોકોને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.