ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી તેનો સર્વાંગી વિકાસમાં ખેતી ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ ફાળો રહેલો છે, અને આ ક્ષેત્રના વિકાસ માટે સરકાર તેમજ અનેક ઉદ્યમીઓ અવનવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં અથાગ પરિશ્રમ થકી જમીન ખેડીને માનવજાતને અન્નની પૂર્તિ કરનાર જગતના તાતને ઓછા પરિશ્રમે વધુ આવક મળી રહે તેવો અભૂતપૂર્વ પ્રયાસ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી સિદ્ધાર્થ સંચેતીએ કર્યો છે.
35 વર્ષિય સિદ્ધાર્થ સંચેતીએ ખેડૂતો માટે શરૂ કરેલી નવી પહેલ અંગે ધ બેટર ઈન્ડિયાને કહ્યું કે, તેણે પોતાનો શરૂઆતનો અભિયાસ રાજસ્થાનના પાલી જિલ્લામાં કમ્પ્યુટર એપ્લિકેશનમાં બેચલર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ એક મલ્ટીનેશનલ સંસ્થામાં જોબ પણ કરી ચૂક્યા છે. પરંતુ અંગત કારણોસર તેઓ નોકરી છોડીને ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. અને વિદેશ જઈને વર્ષ 2009માં અભ્યાસ પૂર્ણ કરતાની સાથે તેમને અનેક નોકરીઓને ઓફર પણ આવી હતી. પરંતુ તેઓ વિદેશ સ્થાઈ થવાની જગ્યાએ ભારત પરત આવી ગયા હતા.

ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનો કર્યો નિર્ધાર
આ સાથે સિદ્ધાર્થભાઈએ જણાવ્યું કે, વિદેશથી ભારત પરત આવ્યા બાદ તેમના સામે મોટો પડકાર એ હતો કે વતન પરત ફર્યા બાદ નોકરી કરવી કે વ્યવસાય કરવો. પરંતુ ગંભિર વિચારણા બાદ તેમણે જોબ કરવાને બદલે ખુદનું જ કંઈક એવું કામ શરૂ કરવાનું પસંદ કર્યું કે જેનાથી બીજા લોકોને તેઓ રોજગારી આપી શકે. અને ત્યારબાદ તેમણે ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનો પ્લાન કર્યો.
પરિવારમાં ખેતી સાથે દૂરદૂર સુધી કોઈ સંબંધ નહોતો
ઓર્ગેનિક ફાર્મિંગ અંગે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે, આ વિચાર આવ્યા પહેલા તેમને ખેતી પ્રત્યે કોઈપણ પ્રકારનું આકર્ષણ ન હતું. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પરિવારમાં દૂરદૂર સુધી ખેતી સાથે કોઈ સંબંધ નહોતો. કારણ કે તેમના પિતાજી માઈનિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ત્યારે એક નવા ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવું તેમના માટે એક પડકાર સમાન જ હતું. પરંતુ આ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવ્યું, અને ખેડૂતોને મળી ખેતીની આખી પ્રક્રિયાને સમજ્યા. જેમાં તેમણે અલગ અલગ પાક અને માર્કેટિંગને લઈને માહિતી એકત્રીત કરવાનું શરૂ કર્યું.

પ્રારંભિક તબક્કામાં અનેક પડકારો જિલ્યા
સિદ્ધાર્થભાઈએ ઓર્ગેનિક ખેતી વિશે જણાવતા કહ્યું કે, જ્યારે તેઓ ખેડૂતોને આ વિષય પર માહિતી આપતા હતા ત્યારે ખૂબ જ ઓછા લોકોને આ વિશે જ્ઞાન હતું. અને પ્રારંભિક તબક્કામાં મોટા ભાગના ખેડૂતોને આ પ્રોસેસમાં રસ નહોતો. માત્ર એટલું નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવતી ખેત પદ્ધતિમાં ભારે નુકશાન વેઠતા હોવા છતાંય ખેડૂતો નવી પદ્ધતિ અપનાવવા તૈયાર નહોતા. કારણ કે, આ નવી પદ્ધતિનો અનુભવ ન હોવાના કારણે ખેડૂતોને આમાં વધુ નુકશાનનો ડર સતાવી રહ્યો હતો.
જન્મભૂમીથી શરૂ કર્યો નવો વ્યવસાય
સિદ્ધાર્થભાઈએ ઓર્ગેનિક ફાર્મિંગના વ્યવસાયની શરૂઆતને લઈને જણાવ્યું કે, તેમણે વર્ષ 2009માં પોતાની જન્મભૂમી એટલે કે પાલી જિલ્લાથી પોતાના ખેતી વિષયક વ્યવસાયની શરૂઆત કરી હતી. જેમાં તેમણે એગ્રોનિક્સ ફૂડ નામથી કંપની રજિસ્ટર કરાવી વધુ ખેડૂતોનો સંપર્ક કરવાનો શરૂ કર્યો હતો. અને વ્યવસાય શરૂ કર્યાના પ્રારંભિક ગાળમાં આશરે 3 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી હોવાના કારણે તેમને ઘરેથી તેમણે પૈસાનો સારો એવો સપોર્ટ મળી રહ્યો હતો. અને તેઓ લો બજેટની નીતિ સાથે આગળ વધી રહ્યા હતા.

ખેડૂતોને તાલિમ અને સંસાધનો પૂરા પડાયા
આ સમયગાળા દરમિયાન તેમણે એક જમીન પણ ખરીદી અને અનેક ખેડૂતો સાથે તે જમીન પર ઓર્ગેનિક ખેતી કરવા અંગેની ભાગીદારી કરી હતી. જેમાં દરેક ખેડૂતોને આ અંગેની ખાસ ટ્રેનિગ આપવમાં આવી તેમજ ખેડૂતોને જરૂરી એવા સંસાધનો ઉપલબ્ધ કરાવી મસાલાની ખેતી શરૂ કરી હતી. અને ત્રણ વર્ષની અથાગ મહેનત અને સહિયારા પ્રયાસોના પરિણામે ઓર્ગેનિક ફાર્મિંગનું સર્ટિફિકેશન મળ્યું. જેના કારણે તેના વ્યવસાયની ઝડપ પણ વધી ગઈ. તેમજ તેઓ ખેડૂતો પાસેથી પાક ખરીદીને બજારોમાં પહોંચાડવા લાગ્યા. જેના કારણે ખેડૂતો ઓછી મહેનતતે વધુ કમાવા લાગ્યા અને પરિણામે વ્યવસાય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો હતો.
અમારી સંસ્થામાં 5 રાજ્યોના ખેડૂતો જોડાયા – સિદ્ધાર્થ સંચેતી
ઓર્ગેનિક ખેતીના વ્યવસાય અંગે સિદ્ધાર્થભાઈએ ધ બેટર ઈન્ડિયાને વધુમાં જણાવ્યું કે, હાલ અમારા વ્યવસાય સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યોના 40,000 થી પણ વધુ ખેડૂતો જોડાયેલા છે. ત્યારે અમારી સંસ્થામાં ખેડૂતોને ખાસ પ્રકારની તાલિમ આપવામાં આવે છે. જેમાં વાતાવરણ, ઋતુ અને સિઝનને અનુલક્ષીને પાક લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. અને જે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો ઉપલબ્ધ ન હોય તો તેવા ખેડૂતોને અમે ખેતીને લગતા સંસાધનો પણ પૂરા પાડીએ છીએ. અને જ્યારે ખેડૂતનો સંપૂર્ણરીતે પાક તૈયાર થઈ જાય ત્યારે અમે તે પાક ખરીદીને બજારોમાં વહેંચી નાખીએ છીએ. અને એટલું જ નહીં પરંતુ આ માટે અમે ખેડૂતોને માર્કેટો કરતા પણ વધુ ભાવ આપીએ છીએ.

પાકનું એકત્રીકરણ કરી ખેડૂતોને અપાય છે વધુ નફો
ખેડૂતો પાસેથી પાકનું એકત્રીકરણ કર્યા બાદ અમે તે પાકને દેશના ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં રહેલા અમારા ગોડાઉન સુધી પહોંચાડીએ છીએ. આ ગોડાઉનમાં પાકની ક્વોલિટીની ચકાસણી કરવમાં આવે છે. અને ત્યારબાદ તેને પ્રોસેસિંગ કર્યા બાદ પેકિંગનું કામ કરવામાં આવે છે. એના પછી તેનું માર્કેટિંગ કરવામાં આવે છે.
આ સાથે સિદ્ધાર્થીભાઈએ પોતાના વ્યવસાયને લઈને કહ્યું કે, તેમણે તેમના આ વ્યવસાયની શરૂઆત સ્થાનિક માર્કેટિંગથી કરી હતી. જેમાં તેમણે વ્યાપારીઓને મળવાનું શરૂ કર્યું. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રોડેકટ એક્સપોર્ટ થઈ શકે તે માટે તેઓ વિદેશ પણ ગયા હતા. અને જ્યારે તેમણે વિદેશના વ્યાપારીઓને આ પ્રોડક્ટ વિશેની જાણકારી આપી ત્યારે ગ્રાહકોને પણ પસંદ આવી હતી. આમ મંદ ગતીએ પણ તેમનો વ્યાપાર સફળતા મળી રહી છે. હાલ તેઓની સંસ્થાએ રિટેલ માર્કેટિંગ પણ શરૂ કર્યું.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનું મહત્વ વધુ હોવાના કારણે તેઓએ પોતાની પ્રોડક્ટ ઓનલાઈન તેમની વેબસાઈટ અને ઓફલાઈન બંને પ્રકારે માર્કેટિંગ કરી વધુને વધુ ગ્રાહકો મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેઓ અલગ અલગ પ્રકારની ઈકોમર્સ વેબસાઈટ પર દાળ, ઓઈલ, મસાલા, બ્લેક રાઈસ, હર્બ્સ, મેડિસિનલ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે.
જીવનમાં કયારેય હાર ન માનવી જોઈએ
આ સાથે એક નાના સ્ટાર્ટઅપથી લઈને સફળતાની યાત્રા સુધીમાં આવેલા પડકારોને લઈને તેમણે જણાવ્યું કે, આ યાત્રામાં અનેક મુશ્કેલીઓનો સમાનો મેં અને મારા ભાઈએ કર્યો છે. પરંતુ અમે મારા દાદા અને પિતા પાસેથી શીખ્યા છે કે, પરિસ્થિતિ કેવી પણ હોય પરંતુ જો તે સમયે તમે શાંત રહીને રસ્તો શોધો છો તો તે અચૂક પણ મળે જ છે.
આ પણ વાંચો: ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી? જાણો અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ અને ખેડૂત ડૉ.દિનેશ પટેલ પાસેથી
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.