દિલ્હીના રહેવાસી અજયકુમાર ઝાની છત પર 1000 થી વધુ છોડ લાગેલા છે, જેમાં મોસમી શાકભાજીની સાથે સાથે દ્રાક્ષ, દાડમ, ચીકુ, જામફળ, નારંગી, લીંબુ, તુલસી, અશ્વગંધા, ગિલોય, એલોવેરા, લીમડો, ધતુરા, અપરાજિતા, વૈજયંતી, રુદ્રાક્ષ જેવા ઝાડ પણ સામેલ છે.
“મારું માનવું છે કે આપણા દેશમાં તે નિયમ હોવો જોઈએ કે દરેક ઘરની છત-બાલ્કની હરિયાળીથી ભરેલી રહે. દિલ્હીમાં રહેતા અજયકુમાર ઝા કહેવું છે કે, દરેક પરિવાર માટે ટેરેસ બાગકામ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી હોવો જોઈએ. અજય ત્રીસ હજારી કોર્ટમાં વહીવટી વિભાગમાં કાર્યરત છે અને છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીમાં રહે છે. મૂળ બિહારના રહેવાસી અજયને નાનપણથી જ ઝાડ અને છોડ પ્રત્યેનો ગાઢ પ્રેમ છે. તેના પિતા સૈન્યમાં હતા અને ખેડૂત પરિવારમાંથી આવ્યા હતા.
તેઓ કહે છે, “પપ્પા જ્યારે પણ તેમની સેનાની નોકરી દરમિયાન ક્વાર્ટર્સમાં હતા ત્યારે પણ હંમેશાં કંઈક ઉગાડતા હતા. રજાઓમાં હંમેશા ગામડે જવું પડતું હતું અને ત્યાં લીચી, કેરી, જામફળથી ભરેલા ઝાડ જોઈને જે આનંદ મળતો તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તેથી જ વૃક્ષો અને છોડ પણ મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બન્યા હતા.”
જ્યારે તેમણે પૂર્વ દિલ્હીના કૃષ્ણ નગર વિસ્તારમાં પોતાનું મકાન લીધું હતું, ત્યારે બાગકામ માટે છત તૈયાર કરવામાં આવી હતી. તેઓએ સિમેન્ટ પર છતની આજુબાજુમાં નાના ક્યારા બનાવ્યા અને પછી કુંડામાં છોડ અને ઝાડ રોપવાનું શરૂ કર્યું. અજય કહે છે કે તેમના બાગકામની શરૂઆત 10-12 વૃક્ષોથી થઈ હતી, પરંતુ આજે તેમની પાસે 1000થી વધુ વૃક્ષો અને છોડ છે. જેમાં મોસમી શાકભાજીની સાથે આશરે 25 પ્રકારના ફળો, ફૂલો, વેલો અને ઔષધીય છોડ શામેલ છે. માટીના કુંડા, ડ્રમો ઉપરાંત ઘરમાં બેકાર પડેલી પ્લાસ્ટિકની બોટલો, કૂલર બેસ, મિક્સી જાર અને મગ વગેરે દરેકમાં કેટલાંક ઝાડ-છોડ લાગેલાં છે.

બાળકોને શાકભાજી કેવી રીતે ઉગાડવી તેની જાણ હોવી જોઈએ:
અજય વધુમાં કહે છે કે તેણે ઘઉં અને ડાંગર સિવાય તેમના બગીચામાં લગભગ તમામ પ્રકારના વૃક્ષો ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે. તે કહે છે, “હું મારા બગીચામાં ખૂબ જુદા જુદા વૃક્ષો લગાવવાનો પ્રયોગ કરું છું કારણ કે હું મારા બાળકોને પ્રકૃતિ સાથે જોડવા માંગુ છું.હું પ્રયાસ કરું છું કે, મારા બાળકો જાણે કે, બટાકા કેવી રીતે ઉગે છે અને તેનાં પાંદડા કેવા હોય છે. મોટા શહેરોમાં વધતી ઇમારતોને કારણે, આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ. આપણને મળેલું બાળપણ આપણા બાળકોને નથી મળી રહ્યુ. તેથી હું હંમેશાં પ્રયાસ કરું છુકે, મારા બાળકોને પ્રકૃતિનો એવી રીતે જ આનંદ માણે જે મને મળ્યો હતો.”
અજય કહે છે કે તેણે છત પર જે બગીચો જાળવ્યો છે તે છેલ્લાં છ-સાત વર્ષમાં બન્યો છે. જો કે, તેની પાસે લગભગ 10-12 વર્ષ જૂનાં ઝાડ પણ છે કારણ કે, તે પહેલાં ભાડાનાં મકાનમાં રહેતા, તો ત્યાં પણ છોડ વાવતા હતા. આજે તેમના 80 ગજના વિસ્તારની છત પર દ્રાક્ષ, દાડમ, ચીકુ, જામફળ, નારંગી, લીંબુ, તુલસી, અશ્વગંધા, ગિલોય, કુંવાર, લીમડો, ધતુરો, અપરાજીતા, વૈજયંતિ, રુદ્રાક્ષ જે છોડની સાથે સાથે તુરિયા, પાલક, મેથી, ટામેટા, કોથમીર, કોબી, ટામેટા, ડુંગળી, બટેકા જેવા મોસમી શાકભાજી ઉગાડવામાં આવે છે.
તે કહે છે કે નોકરી હોવા છતાં પણ તે તેના બગીચાની સંપૂર્ણ સંભાળ રાખે છે. પછી ભલે તે તેના કામથી મોડા રાત્રે પાછા ફરે,પરંતુ તેઓ પહેલા તેમનો બગીચો જુએ છે. તેમના છોડને પાણી આપે છે. તેઓ ખાતર બનાવવા માટે તેના ઘરેથી જૈવિક કચરાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેઓ આસપાસના ગામોમાંથી જૂના છાણનું ખાતર મંગાવે છે અને સમય-સમયે તેમના છોડને આપે છે. વધુમાં, તેઓ નિયમિતપણે તેમના છોડમાં નીંદણ કરે છે.

“તમે પ્રકૃતિને સમજો તે સૌથી મહત્વનું છે. તમારા બગીચામાં પ્રયોગ કરો. નવા છોડ વાવવાનો પ્રયાસ કરો અને સૌથી મહત્વ માટી અને પાણી છે. મારા બગીચામાં આઠ રાજ્યોની માટી છે. જો હું ક્યાંય જઉં છું, તો હું ત્યાંથી કેટલાક કુંડા લઈ આવું છું અને તેમની સાથે માટી પણ.”તેમણે જણાવ્યુ.
તેઓને તેમના બધા ફળોના ઝાડમાંથી ઘણાં ફળો મળે છે. તેવી જ રીતે, દરેક ઋતુમાં શાકભાજી પણ ઘણી થાય છે. વિવિધ પ્રકારની વેલો, ઔષધીય છોડ અને ફૂલો તેમના ઘરને સુગંધિત રાખે છે. તેમના ઉપરાંત તેમનાં ત્યાં પતંગિયા, કાચિંડા, નાની-નાની ચકલીઓ અને વિવિધ પ્રકારનાં જંતુઓ પણ આવે છે.
જેઓ બાગકામ શરૂ કરવા માંગે છે અજય તેઓને સલાહ આપે છે કે, “હવેથી જૂનના અંતિમ અઠવાડિયા સુધી બાગકામની શરૂઆત કરનારા લોકોએ રોકાવુ જોઈએ. સમગ્ર ઉત્તર ભારતમાં વધતા તાપમાન તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. તેથી વરસાદની મોસમમાં બાગકામ શરૂ કરો કારણ કે આ મોસમમાં છોડ ખૂબ ઝડપથી ઉગે છે.”

બાગકામ માટે કેટલીક ટિપ્સ
- જો તમે પહેલીવાર બાગકામ કરી રહ્યા છો, તો સ્થાનિક ઝાડ અને છોડથી શરૂઆત કરો. સૌ પહેલા, તમે કોઈ સ્થાનિક અને વિશ્વસનીય નર્સરીમાંથી છોડ લો અને તેને રોપો. આ છોડની સાથે તમે તમારા ઘરના રસોડામાંથી ધાણા, સુકા મરચા વગેરેનાં બીજની રોપણી નાના કુંડામાં પણ કરી શકો છો. આ સિવાય તમે ફુદીનો, પાલક, તુલસીનો છોડ, ગુલાબ પણ ઉગાડી શકો છો.
- છોડ માટે માટી અને પાણી સૌથી મહત્વપૂર્ણ છે. માટીનો રંગ જેટલો ગાઢ હશે, તે વધુ ફળદ્રુપ હશે. તેથી જો તમને ફળદ્રુપ માટી ન મળી રહી હોય તો કેટલીક રીતે તમે તેને ફળદ્રુપ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, વપરાયેલી ચાની પત્તી પાણીમાં ધોઈ લો અને તેને સૂકવો. તે સુકાઈ જાય પછી તેને પીસીને જમીનમાં મિક્સ કરી લો. આ સિવાય ઘણા લોકો ગોબર ખાતર, કોકોપેટ વગેરે પણ ઉમેરતા હોય છે.
- હવામાન અને છોડ અનુસાર પાણી આપો. જો ઉનાળો હોય, તો પછી છોડને બે કે ત્રણ વાર પાણી આપો. શિયાળામાં પાણીની જરૂરિયાત ઓછી હોય છે.
- જો તમારી પાસે ફક્ત બાલ્કની છે, તો પછી બાલકનીમાં વેલાવાળા છોડ લગાવો.
- ફળો અને શાકભાજી રોપવા માટે, તે જરૂરી છે કે તમારે ત્યાં પૂરતો સૂર્યપ્રકાશ આવતો હોય.

તેમણે કહ્યુકે, બાગકામ શરૂ કરતા પહેલાં વિચારોકે, તમારી પાસે પણ જેટલી પણ જગ્યા ઉપલબ્ધ છે તેમાં તમે કેવી રીતે બાગકમ કરી શકો છો- આઉટડોર, ઈનડોર, ફૂલોનું, ફળોનું, શાકભાજીનું વગેરે. આ બધુ નક્કી કર્યા બાદ જ તે એકાગ્ર થઈને બાગકામ શરૂ કરો. જેમ જેમ તમે બાગકામ કરવા લાગશો તે તમારા જીવનનો હિસ્સો બની જશે અને તમને છોડ-ઝાડ વિશે સમજાઈ જશે.
અને અંતે તેઓ ફક્ત એટલું કહે છે, “શોખનાં રૂપમાં શરૂ કરવામાં આવેલું બાગકામ માણસમાં તાણ ઘટાડવાનો એક ઉત્તમ વિકલ્પ હોવાને કારણે જલ્દીથી તે આદત અને વ્યવહારમાં ફેરવાય છે. તેની ખૂબ જ સકારાત્મક અસર થાય છે. તેથી બધાએ બાગકામ કરવું જોઈએ.”
આ પણ વાંચો: લગ્નના કરિયાવરમાં સોનાની જગ્યાએ છોડ લઈને આવ્યાં હતાં ઈલાબેન, ઘરમાં છે 1000+ ઝાડ-છોડ
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.