દરેક લોકો સ્વસ્થ રહેવા ઈચ્છે છે. આ માટે તેમની જીવનશૈલીમાં કોઈ મોટો ફેરફાર કરવાની જરુર નથી રહેતી. તમારે માત્ર નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવાની જરુર હોય છે, જેમાં સૌથી વધારે જરુરી હોય છે સારુ ભોજન. આજે અમે તમને બેંગલુરુની એક એવી જ વર્કિંગ વીમેનની સ્ટોરી કહીશું. જે ગત 18 વર્ષથી પોતાના પરિવાર માટે શુદ્ધ અને જૈવિક શાકભાજી ઉગાડી રહ્યા છે. આ સાથે જ હોમ કમ્પોસ્ટિંગ કરીને કચરાનું મેનેજમેન્ટ કરવામાં પણ યોગદાન આપી રહ્યા છે.
અમે વાત કરી રહ્યા છે બેંગલુરુમાં રહેતી મિનાક્ષી અરુણની. મિનાક્ષી ગત 20 વર્ષોથી આઈટી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. આ સાથે જ તે પોતાના ઘરમાં ગાર્ડનિંગ કરીને, પોતાના પરિવારને સ્વસ્થ અને જૈવિક ભોજન પણ ખવડાવી રહી છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે પોતાના ગાર્ડનિંગના સફર અંગે વાત કરી હતી.
મિનાક્ષીને ગાર્ડનિંગ શરુ કરવાની પ્રેરણા પોતાની માતા અને દાદીથી મળી હતી. મિનાક્ષીએ જણાવ્યું કે તેને વર્ષ 2002માં ગાર્ડનિંગ કરવાનું શરુ કર્યું હતું. તે સમયે એ પોતાના પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણે કહ્યું કે, ‘પહેલા અમે અમારા ઘર પાસે રહેલા નાના ફાર્મમાંથી શાકભાજી લઈને આવતા હતાં. એક દિવસ અમે ત્યાં જલદી પહોંચી ગયા તો જોયું કે તેઓ ગટરની પાસે શાકભાજી ઉગાડી રહ્યાં છે. જે પછી મને લાગ્યું કે અમને બિલકુલ અંદાજ જ નથી કે અમે શું ખાઈ રહ્યાં છીએ! આ માટે અમે નક્કી કર્યુ કે, આ મુશ્કેલીનો ઉકેલ અમારે જ શોધવો પડશે.’

જે પછી તેણે પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની અને અગાશી પર ગાર્ડનિંગ કરવાનું શરુ કર્યું. તેમણે ફોદીનો, પાલક, ધાણાભાજી જેવા પત્તેદાર શાકભાજીથી શરુઆત કરી હતી અને ધીરે-ધીરે અનેક રીતની શાકભાજીઓ અને ફળ ઉગાડવા લાગ્યા હતાં. જોતજોતામાં તેમના બગીચામાં કૂંડા અને છોડની સંખ્યા વધવા લાગી હતી. તેણે કહ્યું કે એપાર્ટમેન્ટમાં આશરે દસ વર્ષ રહ્યા પછી હવે જ્યારે તે પોતાના ઘરમાં શિફ્ટ થઈ ત્યારે તેની પાસે 400 કૂંડા હતાં.
ઘરને જ બનાવ્યું ‘ફૂડ ફોરેસ્ટ’
મિનાક્ષીએ કહ્યું કે તેમણે પોતાના કેમ્પસમાં ગાર્ડનને સૌથી વધારે મહત્વ આપ્યું છે. આ જ કારણ છે કે તેમનો બગીચો 1300 વર્ગ ફૂટ જગ્યામાં ફેલાયેલું છે. સાગ તેમજ શાકભાજીની સાથે જ તેઓ આજે અનેક રીતના ફળ-ફૂલ અને જડીબુટીના ઝાડ-છોડ પણ ઉગાડી રહ્યાં છે. મિનાક્ષી એ રીતે ગાર્ડનિંગ કરે છે કે તેમને વર્ષભર પોતાના રસોડામાંથી જ શાકભાજી મળી રહે છે. તેમની રસોઈની આશરે 90% જરુરિયાત ગાર્ડનથી જ પૂરી થઈ જાય છે. તે વાતાવરણ અનુકૂળ અલગ અલગ સમય પર શાકભાજીના બી લગાવતા રહે છે.
તેમણે જણાવ્યું કે, ‘હું હાલ ટામેટા, મરચા, શિમલા મરચા, રિંગણા, ભિંડા, બટેટા, દૂધી, તૂરીયા, કારેલા સાથે જ લીમડો, હળદર, આદુ, રોઝેમેરી, લેમનગ્રાસ જેવા મસાલાઓ તેમજ જડીબુટ્ટી પણ ઉગાડી રહી છું. મોટાભાગે હું લોકલ શાકભાજી ઉગાડું છું અને કોશિશ કરું છું કે, દેસી (ઓપન પોલિનેટેડ) બીજથી ગાર્ડનિંગ કરું.’

આ ઉપરાંત, મિનાક્ષીના બગીચામાં આશરે 40 રીતના ફળના ઝાડ પણ છે. જેમાં કેરી, જામફળ, ચીકૂ, કેળા, આંબળા, લિંબૂ, નારિયેળ, વોટર એપ્પલ, સ્ટાર ફ્રૂટ, જેવા ઝાડનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે આ વખતે તેમને પોતાના બગીચામાંથી આશરે 100 કિલો કેરીની ઉપજ મળી છે. દરેક અઠવાડિયે તેમના બગીચામાંથી આશરે પાંચ કિલો શાકભાજી મળે છે. તેણે કહ્યું કે, ‘મારો પરિવાર મને ગાર્ડનિંગમાં મદદ કરે છે. અનેકવાર ફળ એટલા વધુ હોય છે કે મારે મારા પાડોશીઓ અને સહ કર્મચારીઓને આપવા પડે છે. જોકે, આ વખતે કોરોના અને લોકડાઉનના કારણે હું વધારે શાકભાજી આપી શકી નહોતી. આ કારણે હું ફળની પ્રોસેસિંગ કરવાની કોશિશ કરી રહી છું. જેમ કે કેરીથી પાઉડર, અથાણું વગેરે બનાવવાની કોશિશ કરી રહી છું.’
જાન્યુઆરીના મહિનામાં તેમને પોતાના બગીચામાંથી આશરે 24 કિલો હળદરની ઉપજ મળી હતી. આ રીતે તેમણે જૈવિક પાઉડર અને કાચા હળદરનું અથાણું બનાવ્યું હતું. આ રીતે તેમને પોતાના ઘરમાં જ પૂજા અથવા તો અન્ય શુભ પ્રસંગો માટે ફૂલ, બહારથી ખરીદવા નથી પડતાં.

ઘર પર જ બનાવે છે અનેક રીતના ખાતર
ગાર્ડનિંગ કરવાની સાથે જ મિનાક્ષી પોતાની રસોઈ અને બગીચાના જૈવિક કચરામાંથી ખાતર પણ બનાવે છે. તેણે કહ્યું કે, તેઓ લીફ કમ્પોસ્ટિંગ, વર્મીકમ્પોસ્ટિંગ જેવી રીતથી ઘરે જ જૈવિક ખાતર બનાવે છે. તેમનું કહેવું છે કે, ‘પોતાના બગીચા માટે હું દરેક રીતનું ખાતર પોતે જ બનાવું છું. સંતરા, લિંબૂ, વગેરેની છાલથી બાયોએન્ઝાઈમ બનાવું છું, જે બગીચાની સાથે જ ઘરની સાફસફાઈ માટે પણ સારા હોય છે. આ ઉપરાંત સૂકા પાનથી હું પાઈપમાં ખાતર બનાવું છું અને સાથે જ અળસિયાથી પણ ખાતર તૈયાર કરું છું.’
મિનાક્ષી દરેક ત્રણ-ચાર મહિનાઓમાં પોતાના બગીચા માટે 300 કિલોથી વધારે જૈવિક ખાતર તૈયાર કરી લઉં છું. ગાર્ડનિંગ કરનાર લોકોને તે પોતે જ ખાતર તૈયાર કરવાની અપીલ કરે છે. તે કહે છે કે, ‘મોટાભાગના લોકો ખાતર બનાવવાની મહેનત નથી કરતા, આ બહુ જ સરળ કામ છે. કોઈપણ છોડ લગાવતા પહેલા તમે કૂંડામાં સુકા પત્તાઓ નાખી દો અને ઉપરથી માટી નાખો.આ કૂંડામાં જ ધીમે ધીમે એક પોન્ટિંગ મિક્સ તૈયાર થઈ જશે. આ ઉપરાંત બગીચામાં કીટકોથી બચાવ માટે શાકભાજીઓના છોડવાઓ પાસે કેટલાક ફૂલ પણ વાવી દો. કારણકે કીટકો ફૂલ પ્રત્યે વધારે આકર્ષાઈ છે.’

મિનાક્ષી પોતાના બગીચામાં એવું કરે છે કે, એક કૂંડું અથવા તો એક કન્ટેનરમાં ત્રણ-ચાર અલગ અલગ રીતના છોડ લગાવે છે. જેમ કે ભીંડા, ટામેટા, પાલક, મેથી અને તુલસી સાથે એક કન્ટેનરમાં લગાવવું. તેમનું કહેવું છે કે, કેટલાક છોડ એકબીજા માટે સારા હોય છે.
તેમણે આગળ કહ્યું કે બગીચો કરવાથી લોકો પોતાની જીવનશૈલીમાં ખૂબ ફેરફાર કરી શકે છે. જેમ કે, ઘરમાં હાજર રહેલા જૈવિક ચીજને ફરીથી વાપરવી, બીજા સૂકા કચરા જેવા કે ઈલેક્ટ્રોનિક વેસ્ટને રિસાયકલ માટે આપવું. આ રીતે તેઓ પોતાની જીવનશૈલીને ‘ઝીરો વેસ્ટ’ અને ‘કેમિકલ ફ્રી’ બનાવવામાં લાગી છે.
મિનાક્ષી કહે છે કે, તેમનો પરિવાર ઓછામાં ઓછું પ્લાસ્ટિક વપરાય તેવી કોશિશ કરે છે. જો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય તો, પૂરી જવાબદારીથી તેનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. આ રીતે, મિનાક્ષી પોતાના પરિવારને સારુ અને પૌષ્ટિક ભોજન તો ખવડાવી જ રહ્યાં છે અને પર્યાવરણની દિશામાં પણ ઉત્તમ કામ કરી રહ્યાં છે.
જો તમે તેની સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ન માટી, ન ભારે કુંડા, જાણો કેવી રીતે આ ભાઈ Potting Mix થી ધાબામાં 30 થી વધુ શાકભાજી ઉગાડે છે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.