લખનઉ, ઉત્તર પ્રદેશના ‘ચૌધરી રામ કરણ’નું બાળપણ ઉન્નાવ જિલ્લાના એક નાના ગામમાં વીત્યું છે. ખેડૂત પુત્ર હોવાને લીધે બાળપણથી જ તેમને ખેતીવાડીમાં વિશેષ લગાવ હતો. પણ વર્ષ 1980માં સ્ટડી માટે શહેર આવ્યા બાદ, તે ગામથી અને ખેતીથી દૂર થઈ ગયાં હતાં. પહેલાં અભ્યાસ અને પછી બેન્કમાં નોકરી મળવાને લીધે, તે પોતાના ખેતીવાડીના શોખને પુરો કરી શક્યા નહીં. રામ કરણ વર્ષ 2018માં સિન્ડિકેટ બેન્કમાંથી રિટાયર થયા હતાં. આ પછી તેમણે ખેતીવાડી (Organic Farming on Terrace)માં વધારે સમય આપવાનું શરૂ કરી દીધું હતું.
રામ કરણ 34 વર્ષ સુધી લખનઉમાં તેમના જૂના મકાનમાં રહ્યા, પણ છેલ્લાં એક વર્ષથી તે પોતાના પરિવાર સાથે લખનઉના સુલ્તાનપુર રોડ પર બનાવેલાં નવા ઘરમાં રહે છે. અહીં તેમના ઘરના 1600 વર્ગ ફૂટના ધાબાનો અડધો ભાગ, ફ્રૂટ-શાકભાજી અને ફૂલના છોડથી ભરેલો છે. બેન્કની નોકરી દરમિયાન તેઓ કેટલાક વર્ષ મેરઠ, અમરોહા અને શાહજહાપુરમાં પણ રહ્યાં હતા.
ચૌધરી રામ કરણે વર્ષ 2004માં, લખનઉથી 25 કિલોમીટર દૂર ગોશાઈગંજ પાસે એક ગામમાં ગરીબ બાળકો માટે લગભગ બે વીઘા જમીનમાં સ્કૂલમાં બનાવી છે. તેઓ કહે છે કે, ‘‘પછાત વિસ્તારના બાળકો માટે સ્કૂલ બનાવવી, તે મારા જીવવનું એક સપનું હતું.’’ તેમની દીકરી રેનૂ ચૌધરી સ્કૂલની પ્રબંધક છે. તેમણે સ્કૂલના કેમ્પસમાં પણ બટેકા, ડુંગળી, લશણ સહિતના છોડ વાવ્યા છે. સાથે જ તેમણે 18 કેરી અને 8 આંબળાના ઝાડ સાથે જાંબુ, કેળા, લીમડો અને શીશમના સહિતના ઝાડ વાવ્યા છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતી વખતે તેમણે જણાવ્યું કે, ‘‘આમ તો હું જ્યાં-જ્યાં રહ્યો, કંઈકને કંઈક ઉગાડતો રહ્યો છું. મેં મારા જૂના ઘરમાં કેરી, આંબળા અને લિમડા સહિતના મોટા ઝાડ સાથે રિંગણ, મરચા, ધાણા અને શિમલા મિર્ચ સહિતના અન્ય શાકભાજી પણ ઉગાડ્યા હતા.’’ તેમણે જણાવ્યું હતું કે, ‘‘જૂના ઘરમાં ચારેય તરફ ખૂબ જ જગ્યા હતી એટલે ત્યાં જમીન પર જ શાકભાજી અને અન્ય છોડ ઉગાડતા હતાં. પણ નવા ઘરમાં જગ્યા ના હોવાને લીધે ધાબા પર શાકભાજી ઉગાડવાનું શરૂ કરી દીધું હતું.’’
ધાબા પર જ ઉગાડે છે 30થી વધુ શાકભાજી
રામ કરણ કહે છે, ‘‘પહેલા હું નોકરીને લીધે ખેતીવાડીમાં ઓછો સમય આપી શકતો હતો. સવારે વહેલાં ઉઠી છોડની થોડીક માવજત કરતો હતો પણ, હવે રિટાયર થયાં પછી ખેતીવાડીમાં પૂરતો સમય આપી શકું છું’’
તે યુટ્યુબ અને ગામડેથી આવતાં-જતાં તેમના મિત્રો પાસેથી ખેતીવાડી સંબંધિત જાણકારી લેતા રહે છે. હાલમાં જ તેઓ યુટ્યુબ પરથી પરવલ ઉગાડવાનું શીખ્યા છે. તેમણે ખૂબ જ ખુશી સાથે જણાવ્યું છે કે, ‘‘પરવલના ફૂલ હવે આવ્યા છે, થોડાક દિવસમાં પરવલ પણ ઉગશે.’’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘‘ધાબા પર પાલક, કોબિજ, શિમલા મિર્ચ, ગવાર, ટમેટા, દૂધી અને ચોળી સહિત અન્ય 30 પ્રકારના શાકભાજી ઋતુ પ્રમાણે ઉગાડું છું. અત્યારે ધાબા પર દર અઠવાડિયે 2 કિલો પાલક ઉગે છે. ગયાં શિયાળામાં 12થી 15 કિલો બ્રોકલી પણ ઉગાડી હતી.’’ ઉલ્લેખનીય છે કે, રામ કરણ હંમેશા ઘર પર ઉપલબ્ધ વસ્તુનો જ ખેતીવાડીમાં ઉપયોગ કરે છે. તે છોડ ઉગાડવા માટે ઘરના જૂના ડબ્બા, સિમેન્ટની થેલી અને કોલ્ડ ડ્રિંકની બોતલનો ઉપયોગ કરે છે.
તેમણે જણાવ્યું કે, ‘‘કોલ્ડ ડ્રિંકની બોતલમાં શિમલા મિર્ચ, ટમેટા સહિતના છોડ ખૂબ જ સારી રીતે ઉગે છે.’’ જૈવીક રીતથી શાકભાજી ઉગાડવાને લીધે તે માટીમાં વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ કરે છે. તે ઘરમાં ઉપયોગ પછી વધેલાં ફળ-શાકભાજીની છાલનો ઉપયોગ પણ ખાતર બનાવવા માટે કરે છે.

જરૂરિયાત કરતાં વધારે શાકભાજી ઉગે છે
રામ કરણની પત્ની, કમલા ચૌધરીએ જણાવ્યું કે, તેમને ત્યાં, જરૂરિયાત કરતા વધારે શાકભાજી ઉગે છે. એટલે, તે પોતાના પાડોશી તથા ઘર પર આવેલાં મહેમાનોને શાકભાજી આપી દે છે. તેમણે આ અંગે જણાવ્યું છે કે, ‘‘જ્યારથી અમે ઘરે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે, અમને બજારમાંથી લાવેલી શાકભાજીનો સ્વાદ પસંદ આવતો નથી.’’
તેમને જણાવ્યું કે, ‘‘તેમના ધાબા પર લગભગ દરેક પ્રકારના શાકભાજી ઉગે છે, તો બટેકા, ડુંગળી અને લસણ તેમની સ્કૂલમાં ઉગે છે. એટલે તેમને બહારથી કંઈ ખરીદવાની જરૂર પડતી નથી.’’

તો ફળની વાત કરીએ તો, તેમના ધાબા પર કુંડામાં પપૈયા અને જામફળના છોડ પણ ઉગાડેલા છે. સાથે જ, આ વર્ષે તેમના જૂના ઘરમાં ઉગાડવામાં આવેલાં ઝાડમાંથી બે ક્વિન્ટલ કેરીની નિપજ થઈ હતી. તે અમુક સમયે તેમના જૂના ઘરમાં ઉગાડેલાં કેરી અને જામફળના ઝાડની માવજત કરવા માટે જાય છે. રામ કરણે જણાવ્યું કે, ‘‘ગયા શિયાળામાં તેમણે 15 કિલો લસણ ઉગાડ્યું હતું. જેને અમે ગામડે મોકલી દીધું હતું.’’
હાલમાં જ, તેમણે પોતાના સ્કૂલ કેમ્પસમાં ઉગાડવા માટે 250 ઝાડ મંગાવ્યા છે. જેમાં મહોગની, સાગવાન, નીલગિરી અને ચંદન સહિતના ઝાડ સામેલ છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 20 પ્રકારના શાકભાજી ફક્ત 10 × 10 ફૂટની જગ્યામાં ઉગાડવામાં આવે છે, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.