દિવસભર અને કેટલીકવાર રાત્રે ફરજ પરથી ઘરે પાછા ફર્યા પછી લોકો સામાન્ય રીતે થોડો આરામ કરવાની અથવા સૂવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ હરિયાણાના હાંસીમાં નિયુક્ત એએસઆઈ ચંદ્ર કાંતા ઘરે પહોંચતા જ સૌ પહેલા તેના છોડ સાથે સમય વિતાવે છે. વળી, જો તેને ક્યારેય રજા મળે છે, તો તેણી તેનો લગભગ તમામ ખાલી સમય તેમના પતિ પ્રમોદ ગોદારા સાથે તેમના ખેતરમાં કામ કરવામાં વિતાવે છે. મૂળ ફતેહાબાદ જિલ્લાના ધિંગસરા ગામના, પ્રમોદ અને ચંદ્ર કાંતા છેલ્લા ત્રણ વર્ષથી સજીવ ખેતી તથા બાગાયત ખેતી કરી રહ્યા છે.
બી.એસ.સી.,એમ.એસ.સી અને બી.એડની ડિગ્રી ધરાવતા પ્રમોદ ગોદરાએ લગભગ 15 વર્ષ શિક્ષક તરીકે કાર્ય કર્યું છે અને વર્ષ 2017 થી તે ફતેહાબાદમાં એક ખાનગી શાળા ચલાવે છે. પોતાના સંબંધિત કામ હોવા છતાં, આ બંને પતિ-પત્ની તેમની જમીન અને ખેતી સાથે જોડાયેલા છે. તેમની આખી સફર વિશે તેમણે ધ બેટર ઈન્ડિયા સાથે વિગતવાર વાત કરી.
પ્રમોદ અને કાંતા બંને ખેડૂત પરિવારમાંથી આવે છે. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતે જ ખેતી કરશે. પ્રમોદ કહે છે, “એક સમય હતો જ્યારે હું ખેડૂત પરિવારમાંથી આવતો હોવા છતાં ખેતીકામથી ભાગતો હતો, પરંતુ આજે લાગે છે કે પોતાના મૂળ સાથે જોડાયા વિના સફળતા પ્રાપ્ત કરવી શક્ય નથી.”

સફળતાનો અસલી અર્થ સમજાયો
ઘણા ખેડૂત પરિવારોની જેમ, પ્રમોદ અને કાંતાના પરિવારના સભ્યો પણ તેમને અભ્યાસ કર્યા પછી સારી નોકરી કરતા જોવા માંગતા હતા. કારણ કે, હજી પણ ઘણા પરિવારોમાં એવી માન્યતા છે કે ખેતી ફક્ત અભણ કે ઓછા શિક્ષિત લોકો દ્વારા જ કરવામાં આવે છે અને તેમાં સફળતા કદી મળતી નથી. પ્રમોદે પણ આવું વિચાર્યું હતું. તે કહે છે, “હું મોટાભાગે અભ્યાસ અર્થે ગામની બહાર જ રહ્યો અને આને કારણે, મને ક્યારેય મારા ખેતરો સાથે લગાવ થયો નહીં. ત્યારે લોકોએ પણ હંમેશા તેમના મગજમાં ફીટ કર્યું છે કે જીવનમાં સફળતા એટલે સરકારી નોકરી. પરંતુ આજે હું સમજું છું કે સફળતાનો અસલી અર્થ શું છે.”
બીજી બાજુ, જો કાંતાની વાત કરીએ, તો તેણી પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તેણીએ જણાવ્યું કે તે તેના પરિવાર સાથે તે ખેતીમાં મદદ કરતી હતી અને નોકરી બાદ તેણે ઘરે ઝાડ અને છોડ ઉગાડવાનું શરૂ કર્યું હતું. જો કે, તે ક્યારેય ખેતી કરવાનું વિચાર્યું નહોતું અને તે પોતાનું ખેતર દર વર્ષે કોન્ટ્રાકટ પર આપી દેતી હતી.

‘મેડમ સર ફાર્મ’ બનાવ્યું
તેઓ કહે છે કે તેમની પાસે 13 એકર જેટલી પૂર્વજોની જમીન છે. તે આ જમીન કોન્ટ્રાક્ટ પર આપતા હતા, પરંતુ 2019 માં તેણે વિચાર્યું કે આ જમીન પર જાતે જ બગીચો બનાવવો. તેમણે કહ્યું, “કોન્ટ્રાક્ટ પર જમીન આપવા છતાં પણ કોઈ ખાસ ફાયદો થયો નથી. તેથી જ કોઈએ સલાહ આપી કે તમે બગીચા બનાવી છોડી દો, તેનાથી થોડા વર્ષોમાં આવક શરૂ થશે. પરંતુ જ્યારે આપણે બગીચો બનાવવા માટે ખેતીને સમજવાનું શરૂ કર્યું, ત્યારે એવું લાગ્યું કે આપણે આધુનિક ખેતીમાં જોડાવું જોઈએ. તેથી અમે બંનેએ સાથે મળીને નક્કી કર્યું કે હવે આપણે આપણા ખેતરોની સંભાળ જાતે રાખીશું.”
2019 માં, તેમણે લગભગ ચાર એકર જમીનમાં જામફળ અને ટેંજેરીન (કીનુ)ના રોપાઓ રોપવાનું શરૂ કર્યું. આ માટે તેમણે બાગાયત વિભાગનો સંપર્ક કર્યો અને સબસિડી પર તેમની પાસેથી રોપાઓ ખરીદ્યો. પ્રમોદ કહે છે કે જેમ જેમ તેણે ખેતરોમાં થોડો સમય પસાર કરવાનું શરૂ કર્યું, તેમ તેમ તેની ખેતીમાં રુચિ વધતી ગઈ. તેમણે યુટ્યુબ અને ઇન્ટરનેટ દ્વારા ખેતીની આધુનિક તકનીકો અને પદ્ધતિઓ જાણવાનું શરૂ કર્યું. તે કહે છે કે તેણે સજીવ ખેતી વિશે જાણ્યું અને સમજ્યુ. બાદમાં તેઓએ નક્કી કર્યું છે કે તેઓ તેમના ખેતરોમાં કોઈપણ હાનિકારક રસાયણોનો ઉપયોગ કરશે નહીં.

તેની ખેતીની સફરમાં અનેક પડકારો હતા. જેમ કે ગામના લોકો તેને કહેતા કે તેઓ શિક્ષિત થયા પછી કેમ ખેતી કરે છે? બીજું, તેના વિસ્તારમાં પાણીની સમસ્યા હતી અને તે તેને લઈને ખૂબ ચિંતિત હતો. પરંતુ બાગાયત અધિકારી, કુલદીપ શેઓરાણને શક્ય તમામ મદદ કરી. સૌ પ્રથમ, તેમના ખેતરોમાં તળાવો બનાવવામાં આવ્યા હતા જેથી પાણી એકત્રિત કરવામાં આવે. આ પછી, તેમણે છોડ-ઝાડ વાવ્યાં. ફળના ઝાડ વાવવાની સાથે તેમણે મોસમી શાકભાજી રોપવાનું પણ શરૂ કર્યું.
મોસમી શાકભાજી પછી, તેઓએ તેમના ખેતરોમાં ઘઉં અને વિવિધ કઠોળ ઉગાડવાનું શરૂ કર્યું. કાંતા કહે છે કે તે તમામ પાક સજીવ ખેતીની રીતે ઉગાડે છે. બધા પાક માટે, તેઓ જીવામૃત, વેસ્ટ ડીકમ્પોઝર અને છાણયા ખાતરનો ઉપયોગ કરે છે. પાકને જીવાતોથી બચાવવા માટે તેઓ લીમડાનું તેલનો છાંટકાવ કરતા હોય છે. પરંતુ શરૂઆતમાં, તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ક્યારેક પાકને નુકસાન થયું હતું અને કેટલીકવાર એન્જિન, વીજળી જેવા માધ્યમોની સમસ્યા આવી. પરંતુ છેલ્લા બે વર્ષમાં, તેણે તેના ફાર્મ માટે તમામ પ્રકારની તકનીકીઓ એકત્રિત કરી લીધી છે, જેમાં ટપક સિંચાઈ, સ્પ્રિંકલર, રેઈન ગન અને સોલર પમ્પનો સમાવેશ થાય છે.
પ્રમોદ કહે છે, “મને સ્કૂલના બધા બાળકો દ્વારા સર કહેવામાં આવે છે અને કાંતાને દરેક જગ્યાએ મેડમ તરીકે ઓળખવામાં આવે છે. આની પ્રેરણાથી અમે અમારા ખેતરોનું નામ ‘મેડમ સર ફાર્મ્સ’ રાખ્યું છે.”
આવકમાં ત્રણ ગણો વધારો થયો
તેઓ આગળ જણાવે છે કે ગયા વર્ષે કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે, શાળાના મોટાભાગના કામ ઑનલાઇન થયા હતા. તેથી પ્રમોદને તેના ખેતરોની સંભાળ રાખવા માટે વધુ સમય મળ્યો. તેથી તેણે તેના ખેતરમાં જ એક વસવાટ કરવા માટે એક રૂમ અને રસોડું બનાવ્યું. તેમણે આ રૂમ અને રસોડું પણ પરંપરાગત રીતે બનાવ્યું છે. તેઓએ બાંધકામ માટે ઇંટોનો ઉપયોગ કર્યો હોય, પરંતુ ઇંટોની કાચો માલ ગારામાં જ બનાવવામાં આવી છે.દિવાલોના પ્લાસ્ટર માટે સિમેન્ટ વાપરવાને બદલે ગાયના છાણ અને કાદવથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે.

ઘરને લીપવાનું કામ મોટાભાગે કાંતાએ કર્યું છે. તે કહે છે કે નાનપણથી જ તેણે તેમના ગામમાં દાદી અને નાનીને મકાનો લીપતા જોયા હતા. આનાથી ઘર ઠંડુ રહે છે અને તમે તેમાં રહીને પ્રકૃતિની નજીક હોવાની અનુભૂતિ કરો છો. અહીં તેઓએ ખાવા પીવાની પણ વ્યવસ્થા કરેલી છે. તેના ઘણા પરિચિતો તેમના પરિવારો સાથે આવે છે અને તેના ખેતરોમાં સારો સમય વિતાવે છે. ખેતરોમાં ઉગાડવામાં આવેલી તાજી શાકભાજી તોડીને, ખેતરમાં જ ચૂલા અને તંદૂર પર ખોરાક રાંધવામાં આવે છે.
ગયા વર્ષથી તેમની પાસેથી ઘઉં, ચણા, શાકભાજી અને સરસવ ખરીદતા સુરેશ યાદવ કહે છે, “મેં જાતે જઈને તેમના ખેતરોની મુલાકાત લીધી છે અને જોયું છે કે તેઓ બધુ સજીવ ખેતીની રીતે ઉગાડતા હોય છે. તેથી તેમની બધી વસ્તુઓની ગુણવત્તા ખૂબ સારી છે. આજના સમયમાં તમારા ખાવા પીવા પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. તેથી અમે પરિવારને શુદ્ધ અને જૈવિક રીતે ઉગેલું ખવડાવવાનું નક્કી કર્યું. અમને આનંદ છે કે અમારી જાણીતી વ્યક્તિ સારી ગુણવત્તાની ચીજો પૂરી પાડે છે. મને લાગે છે કે જો કોઈની પાસે જમીન છે તો તેણે ખેતી કરવી જ જોઇએ.”
આજે તેના પોતાના પરિવારને શુદ્ધ ખોરાક મળી રહ્યો છે. તેમજ આશરે 50 લોકો તેમની પાસેથી ઘઉં, સરસવ, ચણા અને કઠોળ પણ ખરીદે છે. આ ઉપરાંત, ગામ અને નજીકના લોકો પણ શાકભાજી ખરીદવા આવે છે. હવે તેમની પડતર કિંમત ખૂબ ઓછી છે અને આવક વધારે છે. આવતા વર્ષથી, તેઓને ફળોમાંથી પણ સારી આવક મળવાનું શરૂ થશે. તેમનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પર જમીન આપવા પર તેમને વાર્ષિક ત્રણ લાખ રૂપિયા મળતા હતા. પરંતુ હવે લગભગ અઢી વર્ષ બાદ તેની આવક ત્રણ ગણી વધી ગઈ છે. તે તેના ખેતરોમાંથી લગભગ નવ લાખ રૂપિયા કમાઈ શકે છે. ઉપરાંત, તેમણે આવતા 30-40 વર્ષો સુધી એક સારો બગીચો પણ વાવ્યો છે.
પ્રમોદ અને કાંતા તેમની રીતે દરેક લોકોને પોતાની મૂળ સંસ્કૃતિમાં વળગી રહેવાની સલાહ આપે છે. પ્રમોદ કહે છે, “કોરોના માહમારીને લીધે, લગભગ બધા ક્ષેત્રો ગયા વર્ષથી પીડાય છે. શાળાઓ અને કૉલેજોમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના કારણે લોકો તણાવમાં છે. પરંતુ મને લાગે છે કે હું પહેલેથી જ ખેતીમાં વસ્ત છું તેથી આના કારણે મને વધારે તણાવ અનુભવાતું નથી. કેમ કે હવે હું જાણું છું કે હું ખેતીને કારણે વધુ આત્મનિર્ભર છું.” તેની આગળની યોજના ‘એગ્રો ટૂરિઝમ’ ને પ્રોત્સાહન આપવાની છે.
પ્રમોદ અને કાંતા, આજે એવા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ તેમના ગામો નજીક રહેતા હોવા છતાં ખેતીથી નાતો તોડી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ખેડૂત પરિવારો સાથે સંકળાયેલા તમામ લોકોએ પોતાની સાથે સાથે તેમના બાળકોને પણ શુદ્ધ અને સજીવ ખેતી તથા ઓર્ગેનિક ખાવાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો તમને આ કહાની દ્વારા પ્રેરણા મળી છે, તો તમે તેના ફેસબુક પેજ મારફતે તેનો સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ભુજના સાત પાસ ખેડૂત ખારેકમાંથી બનાવે છે પ્રવાહી ગોળ, 42 પ્રકારના જ્યૂસ બનાવી 30 પરિવારોને આપી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.