આજે અમે તમને એક એવા સ્ટાર્ટઅપ વિશે કહી રહ્યા છીએ, જે ઑર્ગેનિક ચોકલેટ બનાવે છે અને તે પણ એવા ફ્લેવરની કે, એકવાર ચાખ્યા બાદ સ્વાદ યાદ રહી જશે. અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાના કૈથલમાં આવેલ ‘શ્યામજી ચોકલેટ્સ’ ની, જેને ચલાવી રહ્યા છે 25 વર્ષીય ઋષભ સિંગલા.
ઋષભે કૉલેજની સ્ટડી દરમિયાન જ આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી અને હવે તેને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “મારા પિતા ટ્રેડિંગનું કામ કરે છે અને મમ્મી ગૃહિણી છે. હું બીબીએનું ભણતો હતો ત્યારે જ મને ચોકલેટ બિઝનેસનો વિચાર આવ્યો. મારે હંમેશાંથી મારું પોતાનું કઈંક કામ કરવું હતું, જેથી મારી પોતાની ઓળખ બનાવી શકું. હું એવું કઈંક કરવા ઈચ્છતો હતો, જેનાથી હું બીજા લોકોને રોજગાર આપી શકું. એટલે મેં ભણવાની સાથે-સાથે જ આ વિચાર પર કામ કરવાનું શરૂ કરી દીધું.”
શરૂઆતમાં ઋષભ તેમના આ વિચાર પર બહુ સ્પષ્ટ નહોંતા. તેઓ બસ ચોકલેટ બનાવી ગ્રાહકો સુધી પહોંચાડવા ઇચ્છતા હતા. આ માટે તેમણે કૈથલમાં એક જગ્યાએથી ચોકલેટ બનાવવાનું શીખ્યા. તેઓ કહે છે, “પરંતુ જ્યારે આપણે ચોકલેટ બનાવવાની વાત કરીએ છીએ ત્યારે તેની ઘણી રીતો વિશે જાણવા મળે છે. એક રીત એ છે કે, તમે બજારમાં મળતી કંપાઉન્ડમાંથી ચોકલેટ બનાવી શકો છો. બીજી રીત છે કે તમે ઝીરોથી બધી જ તૈયારી કરો અને પછી ચોકલેટ બનાવો. સ્પષ્ટ શબ્દોમાં કહું તો, ‘કોકો બીન્સથી ચોકલેટ બાર’ સુધીની આખી જ પ્રક્રિયા જાતે કરો છો, પરંતુ પછી મારા એક મિત્રએ મને ‘ઑર્ગેનિક ચોકલેટ’ બનાવવાની સલાહ આપી.”

ઘરે જ શરૂ કરી દીધી ‘ચોકલેટ ફેક્ટરી:’
‘ઑર્ગેનિક ચોકલેટ’ સંબંધિત જાણકારી મેળવવા માટે તેમણે ઘણી જગ્યાઓની યાત્રાઓ પણ કરી છે. તેઓ કૂર્ગ પણ ગયા, જ્યાં કોકો બીન્સની ખેતી થાય છે. તેમણે ઘણા ‘ચોકલેટ મેકર્સ’ ની મુલાકાત પણ કરી, પરંતુ તેની ફી બહુ વધારે હતી. તેઓ કહે છે, “અંતે મારી આ શોધ મુંબઈમાં ખતમ થઈ અને ત્યાં રાકેશ સૈનીજી પાસેથી મેં ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ બાદ, કેરળ, કર્ણાટકમાં કોકોની ખેતી કરતા ખેડૂતો પાસેથી મેં કોકો બીન્સ ખરીધ્યાં અને પછી ‘ઑર્ગેનિક ચોકલેટ’ બનાવવાનું શરૂ કર્યું.”
ઋષભે પોતાના ચોકલેટ બિઝનેસની શરૂઆત 2017 માં કરી હતી, પરંતુ શરૂઆતમાં તેમણે સામાન્ય ચોકલેટ જ બનાવી. તેમણે 2018 માં ટ્રેનિંગ બાદ સંપૂર્ણ રીતે ઑર્ગેનિક ચોકલેટ બનાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે, પહેલાં તેઓ તેમના ઘરના રસોડામાં જ કામ કરતા હતા. તેમનું શરૂઆતનું રોકાણ લગભગ 15,000 રૂપિયા હતું. પરંતુ, જ્યારે તેમણે માત્ર ઑર્ગેનિક ચોકલેટ બનાવવાનો નિર્ણય લીધો, તેમણે તેમના ઘરના પહેલા માળ પર બે રૂમમાં કામ કરવાનો નિર્ણય લીધો. એકમાં તેમણે ચોકલેટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મશીનરી મૂકી અને બીજા રૂમમાં તેમણે ચોકલેટનું પેકેનિંગ કરી, તેને સ્ટોર કરવાનો નિર્ણય લીધો.

તેમણે કહ્યું, “શરૂઆત જરા પણ સરળ નહોંતી, કારણકે સૌથી પહેલાં ઘરવાળાંને સમજાવવામાં પણ સમય લાગ્યો. ત્યારબાદ સંબંધીઓ અને ઓળખીતાઓ પણ કહેતા હતા કે, આ આ બધાં કામમાં કઈં નહીં થાય. સમય ભણવા પર ધ્યાન આપવાનો છે. પરંતુ હું મહેનત કરતો રહ્યો અને શીખતો રહ્યો. હું બહુ મોટા સ્તરે કામ નથી કરતો કારણકે હું ધીરે-ધીરે આગળ વધવા ઈચ્છું છું. ચોકલેટ સેક્ટરમાં એક અલગ ઓળખ મેળવવી બહુ મુશ્કેલ છે, કારણકે પહેલાંથી જ ઘણી મોટી બ્રાન્ડ્સ છે.”
આજે તેમને માત્ર ગ્રાહકોનો જ નહીં, પરિવારનો પણ સહયોગ મળી રહ્યો છે. તેમની માં આશા રાની તેમની સાથે બિઝનેસને આગળ વધારી રહી છે. આશા રાની કહે છે કે, તેમને તેમના દીકરા પર ગર્વ છે. પહેલાં તે માત્ર ઘરમાં જ રહેતી હતી, પરંતુ હવે દીકરા સાથે અલગ-અલગ જગ્યાઓએ જાય છે. નવા-નવા લોકોને મળે છે અને જ્યારે ગ્રાહકો તેમની ચોકલેટ્સનાં વખાણ કરે છે, તો તેમને બહુ ખુશી થાય છે.
તેમના એક ગ્રાહક, સાહિલ ગુપ્તા જણાવે છે, “છેલ્લાં બે વર્ષથી શ્યામજી ચોકલેટ્સ ખરીદું છું અને મને તેમની ચોકલેટ એટલે બહુ ગમે છે, કારણકે તેમાં એકદમ ચોકલેટ ફ્લેવર મળે છે. તમે વિદેશની ચોકલેટ ખાઓ, ત્યારે તેનો સ્વાદ અલગ હોય છે. તેની ગુણવત્તા પણ અહીંની ચોકલેટ કરતાં અલગ હોય છે. શ્યામજી ચોકલેટ્સમાં પણ તમને એવી જ ગુણવત્તા મળે છે.”
તો અન્ય એક ગ્રાહક નરેશ કુમાર કહે છે કે, તેઓ તેમની પાંચ વર્ષની દીકરી માટે ખાસ શ્યામજી ચોકલેટ્સ જ ખરીદે છે. તેમણે કહ્યું, “અમે કૈથલમાં જ રહીએ છીએ અને એટલે તેમના ત્યાં બનતી તાજી-તાજી ચોકલેટ લઈ આવીએ છીએ. તેમની ચોકલેટ્સ ‘હોમમેડ’ છે અને તેમના બધા જ ફ્લેવર લોકોના સ્વાસ્થ્ય માટે સારા છે, એટલે અમે તેમની પાસેથી જ ચોકલેટ ખરીદીએ છે.”

દર મહિને બનાવે છે 6000 ચૉકલેટ:
ચૉકલેટ બનાવવાની પ્રક્રિયા વિશે તેઓ કહે છે, “સૌથી પહેલાં કોકો બીન્સને શેકવામાં આવે છે અને પછી તેની છાલ ઉતારવામાં આવે છે. ત્યારબાદ, બીન્સને ગ્રાઈન્ડરમાં પીસવામાં આવે છે અને બીન્સમાંથી નીકળતા કોકો બટરમાંથી જ પેસ્ટ બની જાય છે. અલગ-અલગ ચોકલેટ માટે ગ્રાઈન્ડિંગ પ્રક્રિયાનો સમય અલગ-અલગ હોય છે. ત્યારબાદ, પેસ્ટમાં ગોળના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. અમે ચોકલેટમાં ખાંડ, એડિટિવ અને પ્રિઝર્વેટિવ્સનો જરા પણ ઉપયોગ નથી કરાતા. બધી જ ચોકલેટમાં ગોળનો પાવડર અને ફ્લેવર માટે અલગ-અલગ ફળ-ફૂલ અને ઔષધીય છોડનો ઉપયોગ કરવામાં આવે છે.”
દર મહિને તેઓ લગભગ 6000 ચોકલેટ બનાવીને તૈયાર કરે છે અને એક બાર 50 ગ્રામની હોય છે. અત્યારે તે લગભગ 10 કરતાં વધારે પ્રકારની ચોકલેટ બનાવે છે, જેમાં સામાન્ય ડાર્ક ચોકલેટ, ફાઈબર ચોકલેટ, ચિયા સીડ ચોકલેટ, અળસી ચોકલેટ, બ્રાહ્મી ચોકલેટ, લીચી ચોકલેટ, કોકોનટ ચોકલેટ, સ્ટ્રોબેરી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. ચોકલેટ બાર તૈયાર થયા બાદ તેને પેક કરવામાં આવે છે અને પછી ઓર્ડર પ્રમાણે મોકલવામાં આવે છે. તેમના આ બિઝનેસથી ૠષભ છ લોકોને રોજગાર પણ આપે છે. તેઓ કહે છે, “ચોકલેટ બનાવાની પ્રક્રિયા હું અને મમ્મી કરીએ છીએ, પરંતુ પેકેજિંગ અને બીજાં કામ માટે અમે કેટલીક મહિલાઓ રાખી છે.”
માર્કેટિંગ વિશે તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર પોતાનું માર્કેટિંગ કરવા સિવાય, તેઓ અલગ-અલગ શહેરોમાં આયોજિત થતા જૈવિક મેળાઓમાં પણ ભાગ લે છે. અત્યાર સુધીમાં તેઓ લગભગ 15 અલગ-અલગ મેળામાં ભાગ લઈ ચૂક્યા છે, જેના કારણે તેમને ઘણા લોકો સાથે સીધા જોડાવાની તક મળી. મહિનામાં લગભગ 400 ગ્રાહકોના ઓર્ડર પૂરા કરવા સિવાય તેઓ ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં આવેલ 50 ઑર્ગેનિક સ્ટોર પર પણ ચોકલેટ પહોંચાડે છે. તેમણે જણાવ્યું કે, તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 15 લાખ રૂપિયા સુધીનું રહ્યું છે.
અમદાવાદમાં પોતાનો ઑર્ગેનિક સ્ટોર ચલાવતા અલ્પેશ કુમાર કહે છે, “મેં અમદાવાદમાં લાગેલ એક ઑર્ગેનિક ફેસ્ટિવલમાં તેમની ચોકલેટ ટ્રાય કરી હતી. મને તેમની ગુણવત્તા અને સ્વાદ બહુ ગમ્યો. ત્યારબાદ, મેં મારા ઘર માટે તેમની ચોકલેટ મંગાવી અને પરિવારને પણ તે ખૂબજ ગમી. અત્યારે અમે અમારા ચાર ઑર્ગેનિક સ્ટોર માટે તેમની પાસેથી ચોકલેટ ખરીદીએ છીએ અને ગ્રાહકોના ફીડબેક પણ બહુ સારા છે.”
આગળ ઋષભનો પ્રયત્ન છે કે, તે વધુમાં વધુ લોકોને ‘ઑર્ગેનિક ચોકલેટ’ વિશે જાગૃત કરો. તેમનું કહેવું છે, “મારો ઉદ્દેષ્ય છે કે, મારો બિઝનેસ આગળ વધારવાની સાથે-સાથે લોકોને શુદ્ધ ખાવા પ્રત્યે પણ જાગૃત કરું. જો આપણે સ્વસ્થ રહેવું હોય તો, આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એટલે બધાને એ જ વિનંતિ છે કે, તમે જે પણ ખાઓ તેના અંગે એ જાણવાનો પ્રયત્ન કરો કે, તે તમારા માટે કેટલું ફાયદાકારક છે. ત્યારે જ તમે એક સારું જીવન જીવી પણ સકશો. “
સાથે-સાથે ઋષભ એ દરેક યુવાન માટે પ્રેરણા છે, જે પોતાનું કામ કરવા ઈચ્છે છે. યુવાનોને તે માત્ર એટલું જ કહે છે કે, પોતાના વિચાર પર કામ કરો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો. સાચી મહેનત અને લગનથી કામ કરતા લોકોને ચોક્કસથી સફળતા મળે છે. જો તમે તેમની ઑર્ગેનિક ચોકલેટ વિશે વધુ જાણવા ઈચ્છતા હોવ કે ઓર્ડર કરવા ઈચ્છતા હોવ તો, તેમનું ફેસબુક પેજ જોઈ શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.