Search Icon
Nav Arrow
Smit Changela
Smit Changela

નાકના ટેરવાથી મોબાઈલમાં ટાઈપ કરી લાખોનો ઓનલાઈન વ્યવસાય કરે છે રાજકોટનો આ દિવ્યાંગ

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી…. આ વાતને સાબિત કરે છે રાજકોટનો સ્મિત ચંગેલા. દિવ્યાંગ હોવા છતાં નાકથી મોબાઈલમાં ટાઈપ કરી ઓનલાઈન બિઝનેસ કરી કમાય છે લાખોમાં.

“કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી….લેહરો સે ડરકર નૌકા પાર નહિ હોતી”

રાજકોટના સ્મિત ચાંગેલાને એક એવી બિમારી આવી ગઈ કે તેઓ એક ડગલું ચાલી પણ ન શકે કે હાથની મદદથી કોઈ કામ પણ ન કરી શકે તેમ છતાં તેણે હિંમતભેર સામાન્ય લોકોની દુનિયા સાથે દિલો દિમાગથી કદમથી કદમ મીલાવ્યા છે.

કોરોનાના કપરા કાળમાં લગભગ દરેક લોકોનો રોજગાર વ્યવસાય ખોરવાઈ ગયો હતો. જ્યારે ઘણા લોકો નોકરી વિહોણા બન્યા હતા. તે સમયે સ્મિતે પરિવારજનોના સહયોગથી ઓનલાઇન કપડાં, બુટ તથા અન્ય વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું છે.

ઈરાદાઓમાં બળ છે પછી બાવડાની શું જરૂર ?
નાનપણમાં જ બિમારીને કારણે તેના હાથ-પગ કામ કરતાં બંધ થઈ ગયા. તે છતાં માતા-પિતાની પ્રેરણાથી સ્મિતે હિંમતભેર નાક વડે મોબાઈલ ટાઈપિંગની દુનિયામાં કોઈ વિચારી ન શકે તેવો વ્યવસાય શરૂ કરવાની હિંમત દાખવી,જેના પરિણામ સ્વરૂપે 8 થી 9 મહિનામાં જ સ્મિતને લાખો રૂપિયાની કમાણી થવા લાગી અને આ સિવાય સ્મિત અત્યારે શેરબજારમાં પણ સારું એવું રોકાણ કરીને આગળ વધી રહ્યાં છે.

સામાન્ય જીવનમાં મુશ્કેલી અને તેનું નિરાકરણ એ સિક્કાની બંને બાજુ છે, કોઈ પણ વ્યક્તિનું જીવન સંપૂર્ણ હોતું નથી. પરંતુ જો કોઈ વ્યક્તિને નાનપણથી જ મુશ્કેલી સાથે આવી હોઈ તો? આ કપરા સમયમાં ઘણા લોકો આવી ચડેલ મુશ્કેલીઓમાં ગુંચવાય જાય છે અને તેની સાથે જ જિંદગી જીવી લેતા હોય છે, બીજી તરફ ઘણા લોકો તેમાંથી બહાર આવવા માટેના રસ્તા શોધી કાઢી કાઢે છે અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. આવુ જ કાંઈક ઉમદા ઉદાહરણ આપણને આપીને રાજકોટમાં વસતાં દિવ્યાંગ સ્મિત ચાંગેલાએ સાબિત કરી બતાવ્યું છે.

Online Business Ideas

સ્મિતને નાનપણમાં જ એક એવી બીમારી આવી ગઈ કે, એક ડગલું ચાલી પણ ન શકે કે હાથની મદદથી કોઈ કામ પણ ન કરી શકે. ત્યારે સ્મિતે હિંમત ન હારી અને પોતાની સુજબુજ સાથે બીમારી સામે લડીને સામાન્ય લોકોની સાથે કદમથી કદમ મિલાવ્યા છે. ધોળકિયા સ્કુલમાં અભ્યાસ કરતા 17 વર્ષના સ્મિતને હાથ-પગ કામ ન કરતા હોવા છતાં પણ તે ખુબ જ સારી રીતે ‘નાક’ વડે લખી પણ શકે છે અને ટેક્નોલોજીના સમયમાં મોબાઈલમાં ટાઈપિંગ પણ કરી શકે છે. છે ને નવાઈની વાત!!

સંતાનોને સાચી દિશા અને રાહ બતાવવાનું કામ તેમના માતા-પિતા કરતા હોય છે. દરેક મુશ્કેલીમાં પરિવાર જ સાચો સાથ-સહકાર આપતું હોય છે. ત્યારે સ્મિતના માતા હીનાબેન અને પિતા ચેતનભાઈએ ખુબ જ મહેમત કરી, તેને જોઈતો પૂરો સાથ-સહકાર આપ્યો છે. સ્મિતના પરિવારની હિંમત, લાગણી, હૂંફ તથા સાથ-સહયોગથી તેણે લોકડાઉન જેવા કપરા સમયમાં પણ હોશભેર ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો હતો.

તેણે નાકથી લખવાની અને ટાઈપિંગ કરવાની આવડતને કારણે અનેકો ઓનલાઇન ઓર્ડરો મેળવ્યા છે અને સારી એવી કમાણી પણ કરી હતી. ગુજરાતીમાં કહેવાય છે ને કે જો હિમતભેર લડ્યા તો જંગ જીત્યા. તેવી જ રીતે હંમેશા પરિવારના સાથ-સથવારે સ્મિતની હિંમત વધી અને તે આજે ખુબ જ સારી રીતે લખી શકે છે અને તેનું કામ તે પોતે જાતે કરી શકે છે, ઉપરાંત તેના મિત્રો સાથે ક્રિકેટ જેવી રમતો પણ રમી શકે છે. જીવનમાં કાંઈપણ થાય પરંતુ કોઈએ હિંમત ન હારવી જોઈએ અને હંમેશા લડતું રહેવું જોઈએ, તેવી અપીલ સ્મિતને હિંમત આપનારા અને ડગલેને પગલે તેને સહકાર આપનારા તેમના માતા હીનાબેન સૌ કોઈને કરે છે. સ્મિતની આ હિંમતને કારણે તે આજ લોકો સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે છે. ત્યારે તેની આ વાત પરથી દરેક લોકોએ જીવનમાં એક શીખ અવશ્ય લેવી જોઈએ કે જીવનમાં ઉતાર-ચઢાવ તો હંમેશા આવતાં-જતાં રહે છે અને જો એક વખત મનમાં નક્કી કરી લીધું તો કોઈપણ કામ અશક્ય નથી. હિંમત હાર્યા વગર સતત મહેનત કરી જીવનને સફળ બનાવવું જોઈએ.

નાની ઉમરે મળેલી સફળતા પાછળ માતાનો અમૂલ્ય ફાળો
જન્મતાંની સાથે ત્રણ જ મહિનામાં સ્મિત બીમારીમાં સપડાઈ જતા વિકલાંગ થઈ ગયો હતો, જેના કારણે પરિવારજનોને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. પરંતુ કહેવાય છે કે ‘માં તે માં, બીજા બધા વગડાના વા’ અને આ પંક્તિને સાકાર કરતાં સ્મિતના માતાએ પણ હિંમત રાખી અને સ્મિત દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે મહેનત કરી હતી.

લોકડાઉનમાં નાકના ટેરવાથી ટાઈપિંગ વડે ઓનલાઇન વ્યાવસાય કરી લાખોની કમાણી કરી
કોરોનાના કપરા કાળમાં લગભગ દરેક લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા, જ્યારે ઘણા લોકો નોકરી વિહોણા બન્યા હતા. તે સમયે સ્મિતે પરિવારજનોના સહયોગથી ઓનલાઇન કપડાં, બુટ તથા અન્ય વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. હાથથી લખી કે મોબાઈલમાં ટાઈપિંગ કરી શકતો ન હોવા છતાં વ્યવસાયની શરૂઆતના જ નવ મહિનામાં સ્મિતે લાખો રૂપિયાની કમાણી કરી હતી. હાલમાં પણ તે શેરબજારમાં પણ સારું એવું રોકાણ કરી આગળ વધી રહ્યો છે.

Rajkot Boy Smit

સ્મિતે સીધુ જ હોલસેલ વ્યાપારીઓ અને ડીલરો સાથે જોડાણ કરી રાખ્યું છે અને ઉપલબ્ધ ઉત્પાદનોનું સ્મિત ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વૉટ્સએપ પર માર્કેટિંગ કરે છે. આ માટે વૉટ્સએપ પર સ્મિતે ચાર અલગ-અલગ ગૃપ પણ બનાવ્યાં છે, જેના પર તે આ બધાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. એકવાર ઓર્ડર મળ્યા બાદ ચાર-પાંચ દિવસમાં ગ્રાહક સુધી કુરિયર દ્વારા તેનો ઓર્ડર પહોંચાડી દેવામાં આવે છે.

ઉપરાંત કોઈ જંક ઓર્ડરને ટાળવા માટે સ્મિત એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ અનુસરે છે. Google pay, PhonePe, Paytm, Net BankingGoogle pay, PhonePe, Paytm, Net Banking જેવા ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી ઓર્ડર કરે ત્યારે જ ઓર્ડરના પૈસા ચૂકવી દે છે અને નિયત સમયમાં સ્મિત તેમને તેનો ઓર્ડર પહોંચાડી પણ દે છે. આ જ કારણે તેને નિયમિત ગ્રાહકો પણ મળી જ રહે છે.

સ્મિત બીજા લોકો સાથે ક્રિકેટ જેવી રમતો રમે છે
કોઈપણ શારીરિક રમત રમવા માટે હાથ-પગની ખૂબ જ મોટી જરૂરિયાત હોઈ છે અને તેથી વિકલાંગ માટે તેવી રમત રમવી અશક્ય સમાન બની જાય છે. પરંતુ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતો સ્મિત ક્રિકેટ જેવી રમતો પણ ખૂબ સારી રીતે રમી શકે છે. હાથના કાંડાના ભાગથી હથેળીનો ભાગ કામ કરતો ના હોવા છતાં કાંડાથી બેટ પકડી વ્હીલચેર પર બેસી બીજા મિત્રો સાથે ક્રિકેટ રમે છે. ઘણી વખત તો સ્મિત સારો સ્કોર કરીને તેના મિત્રોને પણ પાછળ રાખી દે છે.

Online Business For Disabled

દુનિયામાં કાંઈ જ અશક્ય નથી : સ્મિત
શારીરિક રીતે વિકલાંગ થઈ જતાં ઘણા લોકો માનસિક રીતે પણ વિકલાંગ બનીને હિંમત હારી જાય છે. તેવા લોકોને સ્મિત જણાવે છેકે શારીરિક બીમારીના દાયરામાં આવી ગયા હોય તો પણ કોઈ એ હિંમત ના હારવી જોઈએ અને જીવનમાં આગળ વધવા માટેના રસ્તાઓ શોધતાં રહેવા જોઈએ. આ દુનિયામાં કાંઈ જ અશક્ય નથી. જો એક વખત નક્કી કરી લીધું તો તમે અશક્ય કામને પણ શક્ય બનાવી શકો છો.

હળવી શૈલીઓમાં બાળપણના યાદગાર કિસ્સાઓનું વર્ણન
બાળપણના કિસ્સા વિશે વાત કરતા હિનાબેને જણાવ્યું હતું કે, એક વખત સ્મિતે રામકૃષ્ણ આશ્રમમાં વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાના સ્થળ પર જતાં ખબર પડી કે કાર્યક્રમ તો નવમાં માળે છે અને લીફ્ટની સુવિધા નથી. છતાં સ્મિતના માતાએ સ્મિતને હિંમત દાખવીને સ્મિતને તેડીને નવમાં માળે પહોંચ્યા હતા અને સ્મિતે ખુબ જ સારૂ સ્પિચ આપતાં પ્રથમ નંબરે વિજેતા થયો હતો. આમ સ્મિતની સંપૂર્ણ સંભાળ રાખતા માતા હીનાબહેને બાળકના ઉજ્વળ ભવિષ્યની ચિંતા કરતા જણાવ્યું કે આ વર્ષે ધો. 12માં બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રી પ્રેઝન્ટ કરવાની ઈચ્છા છે.

જો તમને સ્મિત અંગે વધુ જાણવાની ઈચ્છા હોય તો તેમને 8866587080 પર કૉલ કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પૌત્રના આકસ્મિક એક્સિડન્ટ બાદ 77 વર્ષિય ગુજ્જુ દાદીએ શરૂ કર્યો નાસ્તાનો વ્યવસાય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon