Search Icon
Nav Arrow
Travelling India
Travelling India

“લીલા મારા બુલેટની બીજી બેટરી જેવી છે”, આ દાદા-દાદી બુટેલ પર ફર્યાં છે આખો દેશ

વડોદરાનું આ સિનિયર સિટીઝન કપલ બુલેટ પર કરે છે ભારત ભ્રમણ, અત્યાર સુધીમાં આટલા રાજ્યોમાં ફર્યા

સારું ચલો, કોઈ મોટરસાઈલની સાથે લાગેલાં ‘સાઈડકાર’નો કોઈ ફોટો યાદ કરો. હવે જણાવોકે, તમારા મગજમાં કયો ફોટો આવે છે? જાણીતી ફિલ્મ ‘શોલે’નાં જય અને વીરુનો જ ને.ચોક્કસ તમને તેની ઉપર બનાવવામાં આવેલું ગીત, ‘યે દોસ્તી હમ નહી છોડેંગે’ યાદ આવશે. પરંતુ, જ્યારે અમે 77 વર્ષીય મોહનલાલ પી ચૌહાણને પૂછ્યું, ત્યારે તેમનો અભિપ્રાય સંપૂર્ણ જુદો હતો.

ગુજરાતના વડોદરાના મોહનલાલે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું, “અમારી વાર્તા જાણ્યા પછી, તમે જય-વીરુને ભૂલી જશો અને એક સાઈડકાર વાળી મોટર સાયકલ સાથે તમે ફક્ત અમને યાદ કરશો.”

મોહનલાલ અને તેમના પત્ની લીલાબેન, 1974ની વિંટેજ રોયલ એનફિલ્ડ (બુલેટ) મોટરસાયકલ પર, ચાર વખત શાનદાર રોડ ટ્રિપ કરી ચૂક્યા છે. આ દરમિયાન, તેમણે અત્યાર સુધી 30 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે.

Vadodara

મોહનલાલે પહેલા એકલા મુસાફરી શરૂ કરી હતી, જેમાં તેમને મજા તો આવતી હતી, પરંતુ યાત્રા દરમ્યાન તેઓને પોતાની પત્નીની કમી અનુભવાતી હતી. તેમણે પત્નીને પોતાની સાથે લઇ જવા માટે કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરી હતી. લીલાબેન તેમની સાથે બુલેટમાં આરામથી બેસી શકે, તેથી તેમણે બુલેટ પર એક સાઈડકાર લગાવ્યુ.

મોહનલાલ ‘ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડટ’ (ONGC)માં કામ કરતા હતા. વર્ષ 2011માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ તેમને સીડી ચડવાની મનાઈ કરી હતી.

Gujarati News

લીનાબેન તેમના પતિ વિશે કહે છે, “તેમને ઘરે બેસવાનું બિલકુલ પસંદ નથી, તેથી તેમણે પોતાની શરતો પર જીવન જીવવાનું નક્કી કર્યુ”

તેમણે‘ONGC’માંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. જે પછી, વર્ષ 2015થી, તેમણે એકલા ટૂંકા પ્રવાસ કરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, “મને આજે પણ યાદ છે કે હું મારા પિતાજી સાથે તેમના સ્કૂટરમાં કેવી રીતે બાળપણમાં જતો હતો. જ્યારે હું નિવૃત્તિ પછી ફરવા લાગ્યો ત્યારે મને લાગ્યું કે આ મારા જીવનનો એક નવો અધ્યાય છે.”

મોહનલાલ કહે છે, “હું હંમેશાં ઇચ્છતો હતો કે મારી પત્ની મારી સાથે મુસાફરી કરે. પરંતુ, 2010માં, લીલાના પગમાં ફ્રેક્ચર થયું. આને કારણે, તેની હંમેશા દુખાવાની ફરિયાદ રહેતી હતી. વળી, તે બરાબર ચાલી પણ નહોતી શકતી. હું ઈચ્છતો હતો કે તે બુલેટમાં આરામથી બેસી શકે. તેથી, મેં આ સાઈડકાર મારી બુલેટમાં લગાવ્યુ.”

Vadodara

દો દિવાને શહેરમે

મોહનલાલ અને લીલાબહેનની સફર જોઈને એક 1977ની ફિલ્મ ઘરૌંદાનું એક ગીત ‘દો દીવાને શહેરમે’ ગીત યાદ આવે છે. બુલેટમાં સાઈડકાર લગાવ્યા બાદ આ દંપતીએ વર્ષ 2016માં પહેલી વાર સાથે પ્રવાસ કર્યો હતો. તેમની યાત્રા દરમિયાન તેમણે વડોદરાથી મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, કર્ણાટક અને તમિલનાડુની યાત્રા કરી.

આ સુંદર મુસાફરીમાં તે બંને સરહદ પાર કરીને શ્રીલંકા જવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ કેટલાક રાજકીય તનાવના કારણે તેઓ ફક્ત રામેશ્વરમ સુધી જ પહોંચી શક્યા હતા. “રામેશ્વરમમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવો એ ખૂબ જ અનોખો અનુભવ હતો,” લીલાબેન કહે છે. તેણી ઉમેરે છે કે તે આ કુદરતી દ્રશ્યો જોવાનો અનુભવ કદી ભૂલાશે નહીં. પોતાની પહેલી ભારત યાત્રામાંથી પરત ફરતી વખતે,આ દંપતી તેમની આગલી યાત્રાની યોજના બનાવી રહ્યું હતું.

જ્યારે યાત્રા સાથે જોડાયેલી યોજનાઓ અને સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મોહનલાલ કહે છે, “આયોજન કરવામાં કોઈ સમસ્યા નહોતી, તેના બદલે લોકોના પ્રશ્નો અને તેમની શંકાના જવાબ આપવાનું મુશ્કેલ કાર્ય હતું. ઘણા લોકો માને છે કે આપણે 100-200 કિ.મી.થી આગળ જઇ શકીશું નહીં.”

ફેબ્રુઆરી 2018માં, દંપતીએ તેમની બીજી સફર શરૂ કરી. આ વખતે, તેણે થાઇલેન્ડ સુધી જવાનું વિચાર્યું. તેઓ કહે છે, “થાઇલેન્ડ પહોંચવા માટે અમે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આસામ થઈને મેઘાલય પહોંચ્યા. પરંતુ જ્યારે અમે મેઘાલય પહોંચ્યા ત્યારે ત્યાં ભૂસ્ખલન શરૂ થઈ ગયું હતું, તેથી અમને આગળ ન જવાની સલાહ આપવામાં આવી. તેમને થાઇલેન્ડ સુધી ન જવાનુ ખૂબ જ દુ:ખ છે. પરંતુ આ સાથે, તેઓ કહે છે કે તે જ્યાં પણ ગયા,બધી તેમના જીવનની કિંમતી યાદો બની ગઈ.

2018માં તેમની યાત્રા દરમિયાન, દંપતી મધ્યપ્રદેશના ચિત્રકૂટમાંથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન, લીલાબેનને ઇજાના કારણે તેની હીલ ફ્રેક્ચર થઈ ગઈ હતી અને તેમની સર્જરી કરાવવી પડી હતી. તેમને લગભગ 15 દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવું પડ્યું. મોહનલાલ તેમની પત્નીની પ્રશંસા કરતા કહે છે કે, “મારી પત્ની ખૂબ જ સાહસી સ્ત્રી છે, તેણે ક્યારેય હાર માની નથી.” પગમાં પ્લાસ્ટર હોવા છતાં, તે મુસાફરી માટે સંમત થઈ. તેણે મને એકવાર પણ ઘરે પાછા ફરવાનું કહ્યું નહીં. લીલા મારા બુલેટની બીજી બેટરી જેવી છે.”

યાત્રાઓ સાથે જોડાયેલી મુશ્કેલીઓ

આ યાત્રાઓની તમામ બજેટ યોજનાઓ બનાવનાર લીલાબેન ગર્વથી કહે છે,“અમે અમારા રોજિંદા ખર્ચ માટે ત્રણથી ચાર હજાર રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું. આમાં અમારો રહેવાનો-ખાવાનો, પેટ્રોલ અને અન્ય ખર્ચ શામેલ છે. અમે અમારી દરેક મુસાફરી પર લગભગ બે લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.”

2019માં, આ દંપતી રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ થઈને જમ્મુની યાત્રા કરી હતી.

મોહનલાલ જણાવે છે, ‘અમે ભારતના લગભગ દરેક રાજ્ય જોયા છે. દરેક રાજ્ય બીજા કરતા વધુ સારા છે. જો તમે મને મારું પ્રિય રાજ્ય પૂછશો, તો હું પસંદ કરી શકશ નહીં.” આપણામાંના મોટા ભાગના લોકો મુસાફરી દરમિયાન ઘરને યાદ કરે છે, જ્યારે લીલાબેન કહે છે, “લાંબા સમય સુધી ઘરે રહેવું મને બીમારી જેવું લાગે છે. આપણે જુદા જુદા સ્થળોએ મુસાફરી કરવા અને નવા સ્થળો જોવા માટે બન્યા છીએ, એક જગ્યાએ રહેવા માટે નહીં.”

આ દંપતીએ છેલ્લા 2020ની શરૂઆતમાં બુલેટથી અંતિમ મુસાફરી કરી હતી. ત્યારે તેઓ આંધ્રપ્રદેશના શ્રીસૈલામ ગયો. જીવન પ્રત્યેનો તેમનો સરળ અભિગમ તેને આગળ વધવામાં મદદ કરે છે. મોહનલાલ જણાવે છે, “જ્યારે પણ અમે ક્યાંક રોકાઈએ છીએ, હું રસોઇયાને પહેલેથી જ અમારા માટે ખૂબ જ સરળ ખોરાક રાંધવા કહું છું. અમે શાકાહારી છીએ અને અમે ડુંગળી અને બટાકા સિવાય બધું ખાઈએ છીએ.” મોહનલાલ જણાવે છે, “મારા આહારમાં પનીર પરાઠા, ટામેટા સૂપ, વેજ પુલાવ, મસાલા ભાત, દહીં અને દિવસમાં એક ગ્લાસ દૂધ પીવાનું છે. અમે જ્યાં પણ ગયાં, પછી તે દક્ષિણ ભારત હોય કે ઉત્તર ભારત, અમને હંમેશાં અમારા મન પ્રમાણે ખોરાક મળ્યો.”

વિશ્વભરમાં કોરોના વાયરસના ભય ફેલાવાના કારણે, તેઓએ આ વર્ષની તેમની આગળની યાત્રાઓ રદ કરી છે. પરંતુ, તેમની ભૂતકાળની યાત્રાઓને યાદ કરતાં લીલાબેન કહે છે, “તેઓ ભલે મારા પતિ હોય છતાં, જ્યારે અમે સાથે મુસાફરી કરીએ ત્યારે તે મારા સારા મિત્ર બને છે.” મને તેમની સાથે બુલેટમાં ફરવું બહુજ ગમે છે.”

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: અમદાવાદના આ વ્યાપારી રોજના 1200 કોરોનાગ્રસ્ત લોકોને ઘરે જઈને પહોંચાડે છે નિશુલ્ક ટિફિન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon