આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાર્થ પટેલની કે જેઓએ ફક્ત 27 વર્ષની ઉંમરે એક એવું કાર્ય કરી બતાવ્યું છે કે જેના માટે કોઈએ સ્વપ્નેય વિચાર્યું નહોંતુ કે, આ વ્યક્તિ આવું કંઈક કાર્ય કરવા પણ સમર્થ હશે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા પાર્થ પટેલ તેની આ સફર વિશે ખુલ્લા દિલે જણાવે છે કે,” કોલેજકાળમાં હું ખુબ જ રેઢિયાળ અને કંઈ પડી જ ન હોય તેવો સ્વભાવ ધરાવનાર વ્યક્તિ હતો. પરંતુ ધીમે ધીમે સમયની થપાટો તથા જિંદગીના અનુભવો પછી આ મુકામ સુધી પહોંચવા માટે મેં અથાગ મહેનત કરી છે.
સૌથી મહત્વની વાત એ છે કે પાર્થ પોતે જન્મથી જ દિવ્યાંગ છે છતાં પણ તેને ક્યારેય તે બાબતને પોતાની કમજોરી નથી બનવા દીધી. પરંતુ હકારત્મક્તા રાખીને તેણે જિંદગીના દરેક પડાવને પાર કર્યા છે. તો ચાલો આપણે તેની સાથે થયેલી વાતચીતના મહત્વના અંશોને આગળ માણીએ.

નર્સરી બનાવવાનો વિચાર કંઈ રીતે આવ્યો?
તે કહે છે કે, ઈ.સ. 2005 માં જ મારા પિતાજી દ્વારા નાનાપાયે નર્સરીની શરૂઆત કરવામાં આવી હતી. તે વખતે તેઓ ફક્ત સુશોભન માટેના જ છોડવાઓને વેંચતા હતા. આગળ જતા મારા ભણતર દરમિયાન મને નર્સરી બાબતમાં ખુબ રસ પડવા લાગ્યો અને તેથી જ મેં એક પારંપરિક રીતની જગ્યાએ કંઈક નવી જ રીતે નર્સરીનું નવીનીકરણ કરવાનું વિચાર્યું જેમાં આજે ઘણા અંશે હું સફળ પણ થયો છું.
તમારી જિંદગીનો એવો કોઈ ટર્નિંગ પોઇન્ટ કે જેના કારણે તું નર્સરીના ધંધા તરફ ઝૂક્યો?
તે જણાવે છે કે જયારે તે દ્વિતીય સત્રમાં હતો ત્યારે કોલેજમાંથી ડ્રોપ આઉટ થયેલો અને તેને એક વર્ષ માટે ઘેર બેસી રહેવું પડ્યું હતું. તે સમય દરમિયાન તેણે નર્સરીના કામકાજમાં વધારે ધ્યાન આપવાનું શરુ કર્યું. સાથે સાથે આ ડ્રોપ આઉટના લીધે પોતાને માનસિક રીતે આઘાત પણ પહોંચ્યો અને તે જ સમયથી જિંદગીમાં કંઈક નક્કર કરી બતાવવા માટે મારુ મન મક્કમ થયું. આગળ જતા ત્રીજા સત્રમાં બાગાયત વિદ્યાના અભ્યાસક્રમના જોડાવાથી તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ દરમિયાન નર્સરી પ્રત્યેના ધંધામાં મને ખુબ વધારે રસ પડવા લાગ્યો.

નર્સરી પહેલા બીજા કોઈ ક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્ન કરેલો?
હા, નર્સરીમાં મને રસ તો હતો પણ પરિવારને એમ હતું કે હું કોઈ વ્યવસ્થિત નોકરી કરું તો સારું રહેશે તે માટે મેં 1.5 વર્ષ આત્મા પ્રોજેક્ટમાં કામ પણ કર્યું પરંતુ તે સમય દરમિયાન મને ખબર પડી કે હું ફિલ્ડ માટે બનેલો માણસ છું અને આ કાગળિયા કામ મારાથી રોજ થઇ શકે તેમ પણ નથી તેથી પછી નોકરી છોડીને ફૂલ ટાઈમ નર્સરી માટે જ આપવાનું શરુ કરેલું અને તે સમયે પરિવાર મારા આ નિર્ણય પર અવઢવમાં હતો કે, મેં બરાબર કર્યું છે કે નહિ.
તો પછી તમને તમારો નિર્ણય ખરો જ હતો તેની સાબિતી ક્યારે મળી?
આ પ્રશ્નનો જવાબ આપતા પાર્થ કહે છે કે,” મને તો પહેલાથી જ વિશ્વાસ હતો કે મેં બરાબર જ નિર્ણય લીધો છે વાત તો બીજા લોકોને સાબિત કરીને બતાવું ત્યાં સુધીની ઔપચારિકતાની હતી. જયારે હું સંપૂર્ણ રીતે નર્સરી સાથે જોડાયો ત્યારે સૌપ્રથમ મેં નર્સરીની જગ્યા પાટણ-શિહોરી હાઇવે પરની અમારી છ વીઘા જમીન હતી ત્યાં બદલી. ત્યારબાદ 4.5 લાખ રૂપિયા ઘરમાંથી કાઢ્યા અને બીજી 15 લાખની લોન લઇને મેં જૂની રીતોનો ત્યાગ કરી અલગ રીતે નર્સરી બાબતે કામ કરવાનું શરુ કર્યું. શરૂઆતમાં થોડી નિષ્ફળતા મળી પણ ત્યાર બાદ 2 વર્ષ પછી મને જયારે નેશનલ હોર્ટિકલચર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર મળ્યું ત્યારે બધાને થઇ ગયું કે મારો નિર્ણય ખરેખર સાચો હતો. આગળ જતા તો ગુજરાતના મુખ્યમંત્રીના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી મારી નર્સરી માટે એક ટવિટ પણ કરવામાં આવી જે મારા માટે ખુબ મહત્વની પળ હતી.
તો આ મુકામ સુધી નર્સરીને પહોંચાડવા માટે તમે કયા કયા પગલાં લીધાં?
સૌપ્રથમ તો મેં ફક્ત સુશોભનના છોડવાઓને જ ન રાખતા ફળ, પામ વૃક્ષ, ફૂલોની વિવિધ જાતો, ઔષધીય છોડ તેમજ વનસ્પતિ અને જંગલીય ઝાડનું નર્સરીમાં સંવર્ધન શરુ કર્યું. ત્યારબાદ મધર બ્લોક(છોડવાઓને વેચે તે પહેલા તેના ધરું વાવી તૈયાર કરવા માટે બનાવેલી જગ્યા) ના એરિયાને ખુબ સુદ્રઢ અને વ્યવસ્થિત બનાવ્યો. દરેક ધરું જીવાત રોગ અને નેમેટોડથી અસરગ્રસ્ત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. આજુ બાજુના ખેડૂતોને તેમની જમીન તથા પાણીના પ્રકારના હિસાબે બાગાયત ખેતી કરવાની સલાહ સૂચનો આપવાની શરુ કરી. તેમના પાણી અને જમીનની પીએચનું ટેસ્ટિંગ અમે અમારી નર્સરી ખાતે જ કરવા લાગ્યા. તથા વિવિધ બાબતોમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોની મદદ લેવાની પણ શરૂઆત કરી. અને ફક્ત છૂટક વેચાણને જ પ્રધાન ન આપતા મેં મોટી મોટી સાઈટ પર પણ લેન્ડસ્કેપ વગેરે બાબતે કામ કરવાનું શરુ કર્યું. અને આગળ જતા નર્સરીને આ બાબતો દ્વારા સારો એવો ફાયદો થયો.

નર્સરીમાં તમે કયા ક્યા છોડના ધરું તૈયાર કરો છો?
અમે અહીંયા જામફળ, ચીકુ, આંબો,બોર તેમજ સરગવા માટેના ધરું મુખ્યત્વે તૈયાર કરીએ છીએ. આ સિવાય નર્સરી ખાતેથી મહાગોની,ચંદન જેવા વૃક્ષના ધરું પણ વેચવામાં આવે છે. વિવિધ વનસ્પતિઓના બોન્સાઈ પણ અમે રાખીએ છીએ.
નર્સરી શરુ કરી એ પછી કોઈ પડકારનો સામનો કરવો પડ્યો?
હા, પહેલા વર્ષે મેં જામફળના 26000 પ્લાન્ટ બનાવ્યા હતા. જેને અમે ખુલ્લામાં મૂકી રાખતા અને બીજી એવી ઘણી ભૂલ ના કારણે અડધો અડધ છોડ મુરઝાઈને મરી ગયા હતા ત્યારે મને ખુબ નુકસાન થયેલું અને શરૂઆત હતી તો એવું પણ થયેલું કે આ સાહસ જ નકામું કર્યું પણ આગળ જતા બીજા વર્ષથી જ મેં બધી બાબતે ખુબ ધ્યાન રાખ્યું તો મને ધીરે ધીરે ફાયદો મળવાનો શરૂ થયો. આ સિવાય ઉત્તર ગુજરાતની જમીન કાળી અને નર્સરી જે વિસ્તારમાં છે ત્યાંનું પાણી ભારે છે જે છોડના સંવર્ધન માટે બાધા રૂપ છે છતાં પણ મેં પહેલા એક બોર બનાવડાવ્યો જે નિષ્ફળ રહ્યો જેમાં મેં 2.5 લાખ ખર્ચ્યા. ત્યારબાદ 8 લાખના ખર્ચે બીજો બોર બનાવ્યો પણ પાણી ખુબ ખારાશ ધરાવતું હતું જે નર્સરી માટે અનુકૂળ ન હતું પરંતુ મેં તે પાણી ની ખારાશને તોડવા માટે 2.18 લાખનું અલગથી એક મશીન લગાવ્યું અને તેના દ્વારા મારી નર્સરીને જાળવી રાખી.
તમને તારી લોન ભરતા કેટલો સમય લાગ્યો?
તે કહે છે કે નર્સરીની શરૂઆત પછી લોન ભરતા મને 2 વર્ષ જેટલો સમય લાગ્યો. અને ફક્ત નર્સરીની કમાણીમાંથી જ મેં મારી 15 લાખની લોનની ભરપાઈ કરી.

લોકનો પ્રતિભાવ કેવો રહ્યો?
લોકોનો પ્રતિભાવ ધીરે ધીરે મારી સફળતા જોઈને ખુબ સારો રહ્યો. દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીયના માજી વાઇસ ચાન્સેલર, પાટણના તે સમયના કલેક્ટર, વિવિધ મહાનુભાવો, ગુજરાત સરકારના બાગાયત વિભાગના અધિકારીઓ વગેરેએ રૂબરૂ આવીને મારી આ નર્સરીની મુલાકાત લીધી જે મારા માટે એક સુખદ બાબત છે. અત્યારે હૂં અહીં પાટણમાં બની રહેલા રિજનલ સાયન્સ મ્યુઝિયમ ખાતે ટાટા કંપનીના માર્ગદર્શન હેઠળ મારા માણસો લગાવીને એક લેન્ડસ્કેપ તૈયાર કરવાના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યો છું જે મારા અને મેં લીધેલા નિર્ણય માટે ખરેખર એક ગર્વની બાબત છે.

અત્યારે કેટલું ટર્ન ઓવર છે?
અત્યારે હાલ 60 થી 70 લાખનું ટર્ન ઓવર છે.
આગળ હવે શું પ્લાનિંગ છે?
અમે અમારી બીજી શાખા વલસાડ ખાતે શરુ કરવાના છીએ પણ તે માટે ત્યાં જે છોડવાઓનું સંવર્ધન કરીએ છીએ તે 2.5 વર્ષ પછી વેચાણ માટે તૈયાર થશે તો ત્યાં સુધી બધું ધ્યાન ફક્ત પાટણ ખાતે જ છે. બીજી વાત કરું તો સોઇલ લેસ વાવણી દ્વારા તૈયાર થયેલા ધરું માટે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ખુબ લાબું થવું પડે છે જે માટે આગામી સમયમાં અમારી નર્સરી ખાતે જ તે રીતે ધરું તૈયાર કરવાની ગોઠવણ અમે કરવાના છીએ જેમાં માટીને ન ઉમેરતા ફક્ત કોકોપીટ ,વર્મિક્યુલાઇટ,અને પરલાઇટના મિશ્રણમાં ધરું રોપીને તેને વાવણી લાયક તૈયાર કરવામાં આવે છે.
તમે છોડવાઓની હોમ ડિલિવરી કરો છો ?
હા, પણ ઓર્ડર 10000 રૂપિયા ઉપરનો હોય અને 200કીમી સુધીના વિસ્તારમાં હોય તો જ. અને તેમાં પણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અલગથી લઈએ છીએ.
અત્યારે તમારી આ નર્સરી દ્વારા તમે કેટલા લોકોને રોજગારી આપો છો તથા તમે પોતે રોજ અહીં કલાક મેહનત કરો છો?
તે જણાવે છે કે તે અત્યારે પણ સવારે 7 વાગ્યા થી લઈને 7:30 સુધી નર્સરીના કામ સાથે જ સંકળાયેલા રહે છે. તે એ પણ કહે છેકે ફક્ત હું જ નહીં પણ મારો આખો પરિવાર આ કામમાં જોડાયેલો છે જેમાં મારા પિતાજી તથા મારો નાનો ભાઈ છે. અને આ નર્સરી દ્વારા અમે અત્યારે 10 લોકોને રોજગારી આપીએ છીએ.
જો કોઈ વ્યક્તિ નર્સરી બનાવવા ઇચ્છતું હોય તો તમે તેને શું સલાહ આપશો?
– નર્સરી જ્યાં પણ કરો પણ તે મુખ્ય હાઈવેની નજીક હોવી જોઈએ.
– વિસ્તાર અને આબોહવા પ્રમાણે તે નર્સરીમાં છોડવાઓનું સંવર્ધન કરવું જોઈએ.
– મધર બ્લોકને ખુબ વ્યવસ્થિત રીતે તૈયાર કરવો જોઈએ સાથે સાથે પાણીની પીએચ પર ખાસ ધ્યાન આપીને ધરું બનાવવા માટે અનુકૂળ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.
– આજુબાજુના ગ્રાહકોની કેવી અને કયા પ્રકારની માંગ છે તે પ્રમાણે જ આ ધંધામાં ઝંપલાવવું જોઈએ.
જો તમે પણ આ નર્સરીની મુલાકાત લેવા ઇચ્છતા હોવ અને ત્યાંથી કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માંગતા હોવ તો તમે આ 9409037938 નંબર પર સંપર્ક કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બાળકોના પોષણ માટે કચ્છના ‘મોજીલા માસ્તરે’ વાવ્યાં શાકભાજી, રણમાં પણ શાળા બની હરિયાળી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.